પ્રથમ પુરુષ એકવચન/નિદ્રાનો લપસણો ઢાળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિદ્રાનો લપસણો ઢાળ

સુરેશ જોષી

સવારે જાગીને જોઉં છું તો મારી ઓસરતી જતી નિદ્રાના પ્રવાહ સાથે શિરીષની નિદ્રાનો પ્રવાહ ભળી ગયો છે. પાસેના લીમડાની એક શાખા મારી આંખોમાં ડોલી રહી છે. ગઈ રાતનું આકાશ મારા શ્વાસમાં હજી ભરાઈ રહ્યું છે. જાગીને જે સૃષ્ટિને જોઉં છું તે કાલે જે જોઈ હતી તે નથી. મારી દક્ષિણ તરફની બારી સામે ઊભેલા ત્રણ લીમડાઓ કોઈ નવા જ સમ્બન્ધથી જોડાયેલા છે. રસ્તાની ધારે પડેલો પથ્થર રાતે પંખી થઈને અન્તરીક્ષમાં દૂર દૂર ઊડી આવીને હજી હમણાં જ પાંખો સંકેલીને ઠાવકો થઈને બેસી ગયો છે. એને એના મુખ પર હાથ ફેરવીને અન્તરીક્ષનો થોડો સ્પર્શ પામવાની ઇચ્છા થાય છે.

કોઈ દેવના અપમૃત્યુને કારણે છેલ્લા તેર દિવસથી સૂર્ય દેખાતો નથી. આકાશમાં કાળાં વાદળો છે. પણ તે વરસતાં નથી. ડૂમો ભરાઈ આવ્યો છે, પણ આંસુ વહી જતાં નથી. એથી જ તો પતંગિયાંઓ ઊડે છે ત્યારે એમની પાંખ પર આકાશની આ ગ્લાનિનું વજન વરતાય છે. પવનનાં ટેરવાં મને સ્પર્શી જાય છે ત્યારે કશીક અપાથિર્વ ભીનાશથી હું ધ્રૂજી ઊઠું છું. જે પડછાયાઓને સૂર્યે સંકેલી લીધા નથી તે બધા હવે અહીં જ ઠસી પડવાની પેરવીમાં છે.

મારા હૃદયના ધબકારમાં ‘આ કોણ? આ કોણ?’ એ પ્રશ્નને જ ફરી ફરી પડઘાતો હું સાંભળી રહ્યો છું. આ ધૂળથી માંડીને તે દૂરની ક્ષિતિજ સુધીનું બધું જ હવે જાણે નવે નામે ઓળખાવવું પડશે એવું લાગે છે. આ ક્ષીણ ધૂસર પ્રકાશ તો વનમાંથી ચાલી જતી તૃણાચ્છન્ન નાની કેડી જેવો જ લાગે છે. શિશુઓના શ્વાસ થોડા વધુ પ્રકાશને પકડવા ચંચળ બનીને દોડાદોડ કરી મૂકે છે. પંખીઓ પાંખ ખંખેરીને આ ગ્લાનિના ભારને ઉતારવા મથે છે.

આજે સમય પણ કંઈક અવળોસવળો થઈ ગયો લાગે છે. કાંઈ કેટલાં વર્ષ પહેલાંના ભૂતકાળના દિવસોની આખી ને આખી થપ્પી જ હું ખડકાઈ ગયેલી જોઉં છું. હિચકોકની પેલી પંખીઓવાળી ફિલ્મમાં કાગડાઓ મોટી સંખ્યામાં તાર પર નિશ્ચેષ્ટ બેઠા રહેતા હતા તેમ આ દિવસો આવીને મારી આજુબાજુ નિશ્ચેષ્ટ બનીને બેસી ગયા છે.

પંખીઓના ટહુકા વાતાવરણની ભીનાશમાં ચોંટી ગયા છે. ક્યાંક કોઈના મુખ પર ખીલતું ખીલતું થમ્ભી ગયેલું સ્મિત એ જ સ્થિતિમાં હોઠને વળગી રહેલું દેખાય છે. આજના દિવસ માટે તો, મને લાગે છે કે નવી જ બારાખડી જોઈએ. આ ભેજમાં કડટઠઢ બધા ભેગા ચોંટી ગયા છે. પ્રશ્નોની અણી બૂઠી થઈ ગઈ છે. ઉદ્ગારચિહ્નો હવામાં ઊડી ગયાં છે.

તૃણાંકુરોનો પ્રગટવાનો ઉત્સાહ હવે રહ્યો નથી. ભીનાશથી બધું જ વિષાદભર્યું બની ગયું છે. આત્યન્તિક વિરહ ભોગવનારી નાયિકાની જેમ દિશાઓ અશ્રુધૂસર બની ગઈ છે. બધા રંગોને ભૂંસી નાખીને કેવળ મેદુરતા જ બધે છવાઈ ગઈ છે. આંખમાં એ જ અંજાઈ ગઈ છે. આથી જ તો આજે આનન્દનું મુખ પણ વિવર્ણ થઈ ગયું છે. એક આછો, લગભગ અશ્રુત એવો હીબકાનો અવાજ વાતાવરણમાં છે. પણ કણ્ઠ અવરુદ્ધ છે, મોકળે મને અશ્રુને વહાવી દઈ શકાતાં નથી!

કશા જ કારણ વિના આંખમાં ઝળઝળિયાં આવી જાય છે. સુખને કે સુખની સમ્ભવિતતાને ઊંડે ઊંડે સંતાડી રાખવાના આ દિવસો છે. જાણે સાવ ઠાલા જ છીએ એવો ડોળ કરીને બેસી રહીએ તે જ ઠીક. અન્ય સાથેનો સંલાપ તો ઠીક, સ્વયં મારી સાથેનો મારો સંવાદ ચાલુ રાખવાનું સાહસ કરવાનું મને મન થતું નથી. જો અણજાણપણે કશા દુ:ખનું બીજ ચિત્તમાં પડી જાય તો પછીના દિવસમાં દુ:ખનું ઘટાદાર વૃક્ષ જ ચિત્તને છાઈ દે ને! માટે ‘દુ:ખ’ જેવો શબ્દ સાંભળ્યો જ નહીં હોય એમ હું વર્તું છું.

આજુબાજુનાં મકાનો કાણે આવેલી પ્રૌઢાઓનાં ટોળાંની જેમ ઘુંટણ વાળીને બેઠાં છે. ખાબોચિયામાં જાણે આકાશ આપઘાત કરવા તૂટી પડ્યું છે. અવાજો વચ્ચે ભેજનું પડ આવી ગયું છે. આથી બધા જ અવાજો, રણકા વિનાના, બોદા સંભળાય છે. બધા આકારોની ભૂમિતિની રેખાઓ પણ ભેજથી, ભીંજાયેલી ચોપડીના પૂઠા જેવી, બેવડ વળી ગઈ છે. આખો દિવસ ધૂંધળા પ્રકાશમાં વીતાવ્યા પછી ધીમે ધીમે અન્ધકાર ક્યારે ઘનીભૂત થતો ગયો તેની ખબર પડતી નથી. એક કાળિયો કોશી મારી જેમ જ છેતરાઈ જઈને અંધારું વધી ગયેલું જોઈને ભયભીત થઈને એકલો એકલો ચિત્કાર કરી રહ્યો હતો. જો અમારી વચ્ચે વિનિમયની કશી ભૂમિકા હોત તો અમે એક જ ભયના સમભાગી થયા હોત.

રાતે એકાએક વાદળમાંથી અર્ધોપર્ધો ચન્દ્ર દેખાઈ જાય છે ત્યારે કોઈ પંખી જાળમાં ફસાઈને એમાંથી છૂટવા માટે એક સરખી પાંખો ફફડાવતું હોય એવો ધ્વનિ મારે કાને આવે છે. રાતે આંધળી બારીમાંથી બહાર જોઉં છું તો જાણે અત્યાર સુધીના સમયને સંકેલી લઈને ગડી વાળી દીધી છે. બહાર કોઈ પ્રાક્તન પ્રાગૈતિહાસિક કાળ પ્રસરેલો દેખાય છે.

શહેર તો દૂર દૂર કોઈ ઘવાયેલા પશુના જેવું કણસ્યા કરતું સંભળાય છે. એની શેરીઓ વયના ભારથી બેવડ વળી ગયેલી ડોસીઓ જેવી થઈ ગઈ છે. એ શેરીમાં વાહનો દમિયલની જેમ ખાંસતાં રાત્રે સંભળાય છે. પાસે જ ક્યાંક ઝાડીમાં એકાદ અજગર બેચાર દેડકાં ગળીને પોતાની જ આસપાસ કુંડાળું વળીને પોતાના જ શરીરની હૂંફમાં અર્ધી બીડેલી આંખે પડી રહ્યો છે.

મારી આંખ ઘેરાવા માંડે છે. નિદ્રાના લપસણા ઢાળ પરથી સરી પડીને હું કદાચ ત્રેતા કે દ્વાપર યુગમાં સરી તો નહીં પડું ને એવો મને ભય લાગે છે.

14-8-77