પ્રથમ પુરુષ એકવચન/પોતાને ગિરવે મૂકવાના દિવસો
સુરેશ જોષી
હવે તો મને પોતાને ગિરવે મૂકવાના દિવસો આવ્યા છે. હું જાણું છું કે આજના બજારભાવ પ્રમાણે તો મારી ઝાઝી કિંમત ઊપજી શકે તેમ નથી. મારા નામની હરાજી થાય તોય ઝાઝું ઊપજે તેમ નથી. આ પરિસ્થિતિનો લાભ લઈને હું બહુ ઉદાર બનવા ઇચ્છું છું. જો મારું કશું નીપજી શકે એમ નહિ હોય તો પછી સખાવત જ કેમ નહિ કરવી? પણ ગણતરીબાજ સમજુ માણસો તો એનો સ્વીકાર પણ એમ ને એમ નહિ કરે. સાહિત્યિક સામયિક ચલાવું છું તેની ‘માલિકી’ કોઈને એમ ને એમ આપી દઉં તોય કોઈ રાજી થશે નહિ, કારણ કે સહુ કોઈ જાણે છે કે આવાં સામયિકો તો ખોટમાં જ ચાલતાં હોય છે! થોડા ચિત્રકાર મિત્રો છે, પણ એમણે કોઈએ મારું ‘પોટ્રેઇટ’ આંક્યું નથી કે જેથી ‘આર્ટ કલેક્ટર’ને એ પકડાવી દઈને થોડા પૈસા પામી શકું. માત્ર પડોશની એક નાની કન્યાએ કોલસાથી મારું ઠઠ્ઠાચિત્ર મારા જ ઘરની ભીંત પર આંક્યું હતું! પણ ભીંતચિત્ર તો ઓછામાં ઓછું બે અઢી હજાર વર્ષ જૂનું હોય તો જ એમાંથી કશું ઉપજાવી શકાય.
કેટલુંક મારું છે જેમાં ખાસ વિશિષ્ટ કહેવાય એવું કંઈક નથી. છતાંય એનું દાન મરણ પછી જ થઈ શકે. આંખોનું દાન એ રીતે થઈ શકે. પણ જીવતેજીવ તો શું કરવું તે મને સૂઝતું નથી. પુસ્તકોનો સંગ્રહ છે તે કોઈ પુસ્તકાલયને આપવા જાઉં તો કહેશે, ‘તમે તો એવું બધું વાંચતા હતા ને કે આજકાલ એમાં કોઈને ઝાઝો રસ નથી. વળી અમારી પાસે જગ્યાય ક્યાં છે? નવલકથા-વાર્તાનાં દસ કબાટ, પાંચ કબાટ ધર્મનાં, એકાદ કબાટ ખેતીવાડી વગેરે હુન્નરનું – બસ!’
કુદરતે મારામાં કશી જન્મજાત વિચિત્રતાય નથી મૂકી કે તેને જોરે કશું ઊપજાવી શકું. આંગળાં વીસ છે. એક્કેય વધારે નથી. હાડકાં બધાં સમાંસૂતરાં છે. માથું અને પગ વચ્ચે જે કાયા છે તેમાં હવે કશો નવો ફેરફાર થાય એવી કોઈ શક્યતા નથી. મારો ધારેલો આકાર શરીરે કદી ધારણ કર્યો નથી. શરીર પર એવો કોઈ ઘા રહ્યો નથી જેને ધરાસણામાં ખાધેલી લાઠીના ઘા તરીકે કે ‘હિન્દ છોડો’ આંદોલન વખતે ઝીલેલી ગોળીના ઘા તરીકે ઓળખાવી શકું. દાક્તરોને રસ પડે એવી શરીરમાં હજી સુધી તો કશી વિક્રિયા પણ થઈ નથી. વિટગેન્સ્ટાઇને કહ્યું હતું કે માનવશરીર માનવના આત્માની શ્રેષ્ઠ છબિ છે. મારું શરીર જોતાં મારા આત્મામાંય કોઈને રસ જાગે એવી શક્યતા નથી. ખરું કહું છું કે મારે વિશે હું આટલો નિરાશ ક્યારેય થયો નહોતો.
શરીર હવે શ્રમ કરે એવું રહ્યું નથી, એને માટે બીજાને શ્રમ કરવો પડે એવી સ્થિતિ હોય ત્યારે એને ગિરવે પણ કોણ રાખે? મને પોતાને તો ચકમક થતાં હંમેશાં નવાંનક્કોર લાગતાં વાસણો સુધ્ધાં ગમતાં નથી. મને તાંબાપિત્તળનાં, સહેજ ઝાંખા પડેલાં, ગોબાયેલાં વાસણો વધારે ગમે છે. તાંબડીની ઉપરની કિનાર તૂટી ગઈ હોય, ચપ્પુનો લાકડાનો હાથો થોડો ભાંગી ગયો હોય, એના પર કેટલાય વાપરનારના હાથની છાપ અંકાઈ ગઈ હોય તો એ મને ગમે, ઘસાયેલાં પગથિયાં ગમે. ટૂંકમાં માનવીનો ગાઢ સમ્પર્ક જેને જેને હોય તે મને ગમે.
કપરા દિવસો આવે તોય મારી બારી કોઈને નહિ આપું. મેં કદી બારીને પડદાથી ઢાંકી નથી. જંદિગીનાં પંદરસોળ વરસ તો મેં પગમાં કશું પહેર્યું નથી. બાળપણમાં તૂટેલા હેન્ડલવાળા કપમાં દૂધ પીતો ત્યારથી મને એવા જ કપ ફાવે છે. મારી આંગળીઓ એ કપને વીંટળાઈ વળે છે તે ખૂબ સારું લાગે છે. ચમચા-કાંટાથી મેં કદી ખાધું નથી. આંગળીઓ વચ્ચે આટલી પોલી જગ્યા છતાં કશું ઢળે નહિ, પડે નહિ એ કયા વિજ્ઞાનના નિયમના આધારે તે હું જાણતો નથી. પણ એ મને ગમતું ને હજી ગમે છે.
મારો કોઈ મોટો દાવો નથી. હું માત્ર એટલું જ કહું છું કે હું માણસ છું. ભવિષ્યમાં કોઈને માણસ બનાવવો હશે તો હું ખપ લાગીશ. કોઈ કહે છે કે હવે એવો રોગ ફેલાવાનો છે જેથી માનવીઓ પથ્થર બનતા જશે, ત્યારે માનવી શોધ્યો જ નહિ જડે. અત્યારેય ઘણા પથ્થર થઈ ગયેલા નથી દેખાતા? ઘણા જીવતે જીવ યન્ત્ર નથી બની ગયા? ઘણાને મોઢે, વારેવારે વાગ્યા કરતી એકની એક ફોનોગ્રાફની રેકોર્ડની જેમ, એક જ ગાણું નથી સંભળાયા કરતું? આ જમાનાનો એ તો જાદુ છે : એક શબ્દ એવો હાથે ચઢી જાય છે જેનાથી એ ભવ પાર કરી જાય છે. જેને સુખ હાથ લાગ્યું તેને સ્વર્ગ હાથ લાગ્યું.
ઘણા વનસ્પતિને ઔષધિને રૂપે જ જુએ છે. હું જેમાં કામ કરું છું ત્યાંથી થોડે જ છેટે સર્પગન્ધા છે. એનાં નાનાં રાતાં ફળ હું રોજ જોઉં છું, પણ મેં એનો દવા તરીકે હજી વિચાર નથી કર્યો. તુલસી મેલેરિયા ભગાડવા માટે હું ખાતો નથી. પ્રસાદ પર મૂકેલું તુલસીપત્ર કેટલાં સંસ્કારો અને સંસ્મરણો જગાડી જાય છે! હું મને ગિરવે મૂકું તો સાથે મારા આ બધા સંસ્કારોની પણ કંઈ કિંમત આંકવી પડે. કદાચ આવા સંસ્કારોને કારણે મારી કિંમત ઘટી જાય એમ પણ બને! આજેય કોઈ ઘરમાં આવે છે ને પુસ્તકોનો ઢગલો જુએ છે તો સહાનુભૂતિથી પૂછે છે : કેમ, તમારાં પુસ્તકો નથી વંચાતાં? પછી મારી નિષ્ફળતાથી હમદર્દી અનુભવીને લોકપ્રિય થવાના બેચાર નુસખા પણ બતાવી દે છે. હું નવી વાત શીખ્યા બદલની કૃતજ્ઞતાનો ભાવ મોઢા પર લાવીને એમની સામે જોયા કરું છું. આ સંસાર આપણી પાસે કેવા કેવાં નાટકો કરાવે છે!
મારી પાસે બે નવલકથાઓ હશે, થોડું બારી પાસે બેસીને જોયું કે રાત્રિના એકાન્તમાં વિચારાય તે સંગ્રહાયેલું હશે. લખાઈને એ બધું પડી રહ્યું છે, પણ એ બધું આજના બજારમાં ચાલે એવું નથી. એમ તરત ચોટ વાગે એવું કશું નથી, નર્મદ કે ઉમાશંકરની જેમ મેં હજી ગુજરાત વિશે ગીત લખ્યું નથી. ગુજરાતના સોલંકીવંશના ગૌરવને ગૂંથી લેતી કોઈ નવલકથા લખી નથી, ગામડામાં જીવ્યો છું, પણ એને કેમ ખપમાં લેવું તે મને આવડ્યું નથી, અર્ધી સદી વટાવી ગયા પછી પણ પ્રયોગખોરીમાં રાચવાની કટેવ છે. ગામની નદીમાં પગ ઝબોળીને બેઠો હોઉં ને સ્વર્ગનું તેડું આવે તો નકારું એવું મન છે.
આથી જ તો હું કહું છું કે હું મને ગિરવે મૂકવા તૈયાર થયો છું, ત્યારે મારી અયોગ્યતા હું પૂરેપૂરી જાણું છું. સુરતમાં જૂના જમાનાનો વિક્ટોરિયન યુગનો કોચ હતો. આમ તો ભાંગ્યો-તૂટ્યો હતો. પણ મેં લાવીને સમરાવીને રાખ્યો છે. તેના જેવી કંઈક મારી દશા છે. જીવતેજીવ મારો કોઈ કાળનિર્ણય કરી શકતા નથી. છતાં, કદાચ આ બધાંને કારણે જ હું પ્રદર્શનને પાત્ર ઠરું. મને લાગે છે કે વળી ફેશન બદલાતાં કોઈકને મન મારી કિંમત વસશે. ભાવિ પેઢીને માટે હું કશા દસ્તાવેજો મૂકી જતો નથી. બહુ જરૂરી એવા કાગળો ખોવાની મેં ખાસ શક્તિ કેળવી છે. બોદ્લેરની જેમ છેલ્લી ઘડીએ કદાચ મારું નામ પણ મને યાદ નહિ રહ્યું હોય!
30-10-80