પ્રથમ પુરુષ એકવચન/મધ્યાહ્નનો માણસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મધ્યાહ્નનો માણસ

સુરેશ જોષી

રાત છે. કેટલા વાગ્યા હશે તેની ખબર નથી. સારી એવી ઠંડી પડી રહી છે તે જાણું છું. વારેવારે તૂટી જતા નિદ્રાના તન્તુથી હું ઉદ્વિગ્ન છું. રજાને ફગાવી દઈને બહાર નીકળી પડવાની ઇચ્છા થાય છે. પોષની રાતના કવિ જીવનાનન્દ દાસ યાદ આવે છે. શુક્લ પક્ષના પ્રારમ્ભના દિવસોમાં ચન્દ્ર વહેલો આથમી ગયો છે. સૃષ્ટિ પર કોઈકના નિ:શ્વાસનું આછું ધૂસર વાતાવરણ છવાઈ ગયું છે. ઈશ્વર જાણે આ ધૂસરપટ પર સૃષ્ટિની પાણ્ડુલિપિ આલેખી રહ્યો છે. એકલું ઘુવડ નિષ્પલક આંખે એને જોઈ રહે છે.

આવી રાતે પાસે જ ઢાળિયા પર કાફકા કંઈક લખવા બેઠા હોય એવો ભાસ થાય છે. એ લખે છે : ‘હું તો એકસરખું એકલોએકલો ચાક લઈને ફર્યા કરતો ભમરડો છું, જેઓ દૂર છે ને ઊંઘે છે તેમને મારું ગુંજન વિક્ષુબ્ધ કરતું નથી, પણ જેઓ મારી નજીક આવી ચઢે છે તેઓ એ સાંભળીને મારી સામે જોઈ રહે છે.’ એમની આંખમાંના પ્રશ્નને પારખી નહિ શકતા હોઈએ તો એનો જવાબ આપવો? આખી રાત હૃદય કોઈ ગભરાયેલા વન્ય પશુની જેમ દોડતું દોડતું હાંફે છે, કેમ જાણે એની પાછળ નહિ પડ્યું હોય! દિવસના અજવાળામાં વિશ્વસ્ત બનીને હું હૃદયને ભયથી મુક્ત થવાને સમજાવું છું, પણ રાતે પાછી એની એ વિભીષિકા!

કોઈ વાર રસ્તે ચાલતો ચાલતો જતો હોઉં છું ને એકાએક ઋતુ, સમય, વય – બધું જ બદલાઈ જાય છે. વીસ-એકવીસનો જુવાન મારામાંથી કૂદી પડે છે. વાતાવરણમાં આંબાની મંજરીની માદક સુગન્ધ છે. કશીક અભૂતપૂર્વ વિહ્વળતા મને અધીર બનાવીને દોડાવે છે. રસ્તાને વળાંકે વળાંકે સ્મિતભર્યાં મુખ દેખાય છે. હવાની એકેએક લહરી ઉન્માદભર્યું ચુમ્બન કરી જાય છે. પણ ક્ષણવારમાં વળી બધું બદલાઈ જાય છે. સૂર્યને બદલે સૂર્યનું પ્રેત ધૂસર આકાશમાં ભટકતું દેખાય છે. મન એની સ્વભાવસહજ ચંચળતા ખોઈ બેસે છે. એક પછી એક વિચારો આવીને એને ઘેરી વળે છે. ચારે બાજુ પ્રતિધ્વનિઓનું નિબિડ અરણ્ય છવાઈ જાય છે. એમાં મારો અવાજ મને શોધ્યો જડતો નથી. પોષની રાતે હું બહાર નીકળીને જોઈ શકતો નથી. માટે જ તો એનું મને અદમ્ય આકર્ષણ છે. મારી ભાષામાં જે થોડાં રિક્ત સ્થાનો છે ને આ પોષની રાતે જે નથી પામી શક્યો તે શબ્દોનાં છે. હું સ્વભાવથી સર્વત્રવિહારી છું, પણ શરીર જ હવે પહેરેગીર બનીને ચોકી કરી રહ્યું છે. આથી કાન માંડીને રાત્રિનાં જળનો ઓસરવાનો અવાજ સાંભળ્યા કરું છું. શરીરની મને માયા છે, પણ શરીરે માંડેલો ઝઘડો મને જાણે અળગો પાડે છે. ઘણી વાર સદેહે આ દેહમાંથી ક્યાંક દૂર નીકળી ગયાનો અનુભવ થાય છે. મારી પોતાની સાથેની ઘનિષ્ટતાના દિવસો પૂરા થયા લાગે છે. ઘણી વાર તો તૂટી ગયેલા નિદ્રાના તન્તુને ઝાલવા મથતો હું મારી જ અનુપસ્થિતિના શૂન્ય અવકાશમાં તરંગ બનીને તર્યા કરું છું. આવી સ્થિતિમાં છેક વહેલી સવારે ઘડીભર બધું જંપી જાય છે ને આંખ થાકથી બીડાઈ જાય છે ત્યારે એ સુખનું મુખ જોઈ લેવાને ફરી આંખો ખોલવાની લાલચ થઈ આવે છે. દિવસ ઊગે છે ત્યારે અકરાંતિયો બનીને જગતને જેટલું બને તેટલું પામી લેવા ઇચ્છું છું. પાસેના લીમડાનું થડ, દરજીડાની ચંચળ નાચતી પૂંછડી ચાર નિશાળિયાઓનાં મસ્તીતોફાન, શિરીષનાં પાંદડાંમાંથી ચળાઈને દીવાલ પર પડતાં તડકાનાં વર્તુળો, રસ્તા પરથી ચાલ્યા જતા અજાણ્યા માનવીના ચહેરાઓ – આ બધું સંઘરી રાખવા મથું છું. ઉન્નિદ્ર રાત્રિના એકાન્તમાં આ બધાના સાથમાં બધું સહ્યા બની રહેશે ને રાત સહીસલામત વીતી જશે એવી આશા રહે છે.

આમ છતાં સવારનો ખાસ્સો એવો ભાગ મન ઉદાસ રહે છે. એ ઉદાસીને હું, સૂર્યની સાક્ષીએ, ફેલાઈ જતી જોઈ રહું છું. મારું લથડતું મન આ ભારથી જ સ્થિર થાય છે. દિવસનો નિત્યક્રમ કોઈક શરૂ કરી દે છે, હું મારા આવવાની રાહ જોયા કરું છું. ઘડીભર સમયની બહાર હદપાર થઈ ગયાનો અનુભવ થાય છે. એ વખતે કશુંક કરવાના ઢોંગનો કશો અર્થ નથી. કેવળ શૂન્યમનસ્ક બનીને જોયા કરું છું. પછી એક એક ક્ષણ મને થોડો થોડો સંચિત કરતી જાય છે. પણ મન હજી એ પ્રત્યે ઉદાસીન છે. આમ સોનેરી સવારનો અમૂલ્ય સમય સરતો જાય છે. ક્યારેક વળી એકાએક શરીરની બોડમાંથી વ્યાધિ બહાર નીકળીને ઘુરકિયાં કરી જાય છે.

આમ હું મધ્યાહ્નનો જ માણસ છું. મધ્યાહ્ન થાય છે પછી જ હું મારા અને સૂર્યના અસ્તિત્વને પ્રમાણિત કરું છું. કશાક કૃત્રિમ આવેગથી પછી હું જીવવાની ક્રિયામાં ઝંપલાવું છું. આથી હું જે બોલું છું, જે કરું છું તેમાં રહેલી ઉત્તેજના મને બીજાની આગળ ઉડાઉ લાગું એવી રીતે રજૂ કરે છે. પણ ઢળતી રાતે ઉત્તર ધ્રુવના દીર્ઘ રાત્રિના પ્રદેશમાં કોઈક હિમશિલા નીચે ધરબાઈ જતો મારો જીવ મધ્યાહ્નના સૂર્યને પામીને ઉત્તેજિત થાય તેમાં શી નવાઈ?

ઘણા વખતથી મને એવું લાગ્યા કરે છે કે મારા સમયના તન્તુઓ અકળ રીતે ગૂંચવાઈ ગયા છે. કોઈ વાર અનાગતનો એક છેડો અચાનક હાથમાં આવી જાય છે, તો કોઈક વાર ભૂતકાળ વર્તમાન કરતાં વધુ સજીવ થઈ ઊઠે છે. શરીર સમયના દૌરાત્મ્યને વેઠીને આ બધું આશ્ચર્યવત્ જોયા કરે છે. મન આ રમતથી ટેવાઈ જઈ શકતું નથી, માટે ધૂંધવાયા કરે છે. આથી જ્યારે જે સમયમાં જઈ ચઢું તે સમયને અનુસરીને વર્તુ છું. એથી ટીકાપાત્ર પણ ઠરું છું. પણ બધી જ બાબતની કેફિયત આપી શકાતી નથી.

આ દરમિયાન તો દસબાર સારી પંક્તિઓ કવિતાની વાંચી લીધી હોય છે, ઉત્કટતાથી બેચાર ક્ષણને કૃતાર્થ બનીને જીવી લીધી હોય છે, થોડો પશ્ચાત્તાપ ચાખી લીધો હોય છે. મનની ને મારી ઓળખ જામતી જાય છે, બધું ઠેકાણે પડતું જાય છે. રાત્રિનો પ્રથમ પ્રહર ગાઢ નિદ્રામાં જાય છે. પછી નિદ્રાનું પોત પાતળું પડતું જાય છે. વળી પાછી ભયની એ ફડક અનુભવું છું.

ઘણી વાર શરીરની અસ્વસ્થતા જ મનને કશાક ઊંડાણમાં ખેંચી જતી હોય છે. એવી સ્થિતિમાં કશીક નાની શી વાત વિશે મન ભારે ગમ્ભીરતાથી વિચારતું થઈ જાય છે. પણ ઊંડાણમાં ગયા એટલે રત્ન જ હાથ લાગ્યું એવું તો હંમેશાં બનતું નથી. એને બદલે ઘણી વાર વિચારોની અટપટી જાળમાં ફસાઈને કેવળ તરફડ્યા કરવાનું જ રહે છે. શરીરાશ્રયી થઈને જીવવા જતાં શરીર વ્યાધિનો ચાબૂક ફટકારીને દૂર ભગાડે છે, મનને વશ થવા જતાં ઘણી બધી નાહકની ગૂંચમાં અટવાઈ જવા જેવું થાય છે. શિશુસહજ સરલતા હવે એટલી તો દૂર લાગે છે કે એના હોવા વિશે પણ દુષ્ટ મન શંકા ઊભી કરે છે. આમ છતાં આશ્વાસન એટલું કે આવી સ્થિતિઓ પણ ઝાઝી ટકી રહેતી નથી. છતાં એ હોય છે તેટલી વારમાં તો કાંઈ કેટલાંય વૈરાગ્યશતક રચાઈ જાય છે!

હળવા થઈને જીવવું, ચિન્તાથી નિલિર્પ્ત રહેવું, સમસ્યાઓની આંટીઘૂંટી વચ્ચેથી રમતાં રમતાં નીકળી જવું આ બધું જ સારું. સાચી જીવવાની કળા એ જ એવું જાણવા છતાં એવી સ્થિતિ પામવી કેટલી તો કપરી વાત છે તે પણ હું સમજું છું. આપણે વિશે જે બને તે કોઈ અન્યને વિશે જ બનતું હોય એવું માનીને સાક્ષીભાવે જોયા કરવું એવું અધ્યાત્મવાળા સમજાવે છે. પણ પોતાપણું છોડ્યા પછી તો શું બચે? જીવતેજીવ આપણને શૂન્યવત્ કરી નાખવા એ તો અત્યારે જીવનદ્રોહ જેવું જ લાગે છે. મન વારે વારે હિસાબી કારકુન બની બેસે છે ને સરવૈયું કાઢ્યા કરે છે તેથી અર્ધો ઉચાટ તો થતો હોય છે. પામવું એટલે ગાંઠે બાંધવું એમ નહિ. સમરસ થતા જવું એ જ સાચું વલણ એવું મને લાગે છે. છતાં આપણી પ્રતીતિ અને સ્વાનુભવ પણ નિશ્ચિતપણે આપણને ઇષ્ટ દિશા તરફ દોરે એવુંય ક્યાં બનતું હોય છે!

એક નાની શી ઘટના ઘણી વાર બધું બદલી નાખે છે. બારી આગળ બેસીને નિષ્ઠુર ઉષ્માહીન પવનની થપાટો સહ્યા કરું છું. ત્યાં એકાએક શરીરને ઉષ્માનો સુખદ સ્પર્શ થાય છે. જોઉં છું તો સૂર્ય ઉપર આવ્યો છે ને એણે સો ટચના સોનાનો એક મોટો ટુકડો મારી બારી આગળ ફેંક્યો છે. શરીર અને મન હરખાઈ ઊઠે છે. પોતાનામાં જ પુરાઈ રહેલી ભીરુ દૃષ્ટિ સાહસ કરીને બહાર જુએ છે. બધે વિખરાયેલો તડકો મને હર્ષથી આપ્લાવિત કરી દે છે. મારા પગ ચંચળ બને છે. આ સુખસેવ્ય તડકામાં દૂર દૂર સુધી ચાલ્યે જવાનું મન થાય છે.

ઘણી વાર શરીરનું અસુખ એવું તો લપાઈ બેઠું હોય છે કે ખરેખર એ ક્યાં હશે તે કળી જ શકાતું નથી. મને લાગે છે દરેક દુ:ખને એનું આગવું રહસ્ય હોય છે. શરીરનું દરેક અસુખ એક નવા મર્મસ્થાનને ચીંધે છે. આ અસુખને લીધે જ શરીર પ્રત્યે સામાન્યત: ઉદાસીન રહેતું મારું મન શરીરમાં રસ લેતું થાય છે. આથી કેટલાંક નહિ સમજાયેલાં સુખની પણ પુન:પ્રાપ્તિ થાય છે. સંવિત્તિની ત્રિજ્યાઓ વિસ્તરે છે.

આ વખતે લેખનવાચનથી એટલા તો દૂર નીકળી જવાયું છે કે એ દેશમાં પાછા વળી શકાશે કે કેમ એવી ચિન્તા થાય છે. આમ છતાં કવિતા સુલભ રહી છે. રિલ્કેની કેટલીક કવિતાઓએ નવા જ અનુભૂતિના વિશ્વ તરફ આંગળી ચીંધી. તીવ્ર શારીરિક પીડાની ક્ષણોમાં પણ હું કવિતાની આંગળી છોડતો નથી. કવિતાની કેડીએ થઈને ફરીથી મારા એ પરિચિત વિશ્વમાં જઈ ચઢીશ એની મને ખાતરી થાય છે. આ લખું છું ને ઢગલાબંધ પુસ્તકો આવી પડ્યાં છે. રશિયાથી ને જર્મનીથી, અમેરિકાથી ને મેક્સિકોથી કવિતાઓ આવી છે. મને કદી એમ લાગ્યું નથી કે હું સાધનસંપન્ન નથી, વ્યક્તિગત સિદ્ધિઓ આપણા અહંકારને તુષ્ટ કરે છે ને એવી મહત્ત્વાકાંક્ષા હોવી જરૂરી પણ છે, કારણ કે આ પ્રાપ્તિ ભલે અમુક વ્યક્તિની હોય આખરે તો એ કોઈની સંપત્તિ બની રહે છે. આમ છતાં બૅકૅટ, કાફકા વાંચતાં એમની ચેતનાના વિશાળ અવકાશનું સામ્રાજ્ય સહેલાઈથી મારું વિહારક્ષેત્ર બની રહે છે. પછી મને ઊણું લાગતું નથી.

વ્યાધિએ ઓચિંતાનો હુમલો કર્યો અને હવે થોડીક સ્વસ્થતા પ્રાપ્ત કર્યા પછી એના પેંતરાઓને જોવામાં મને અનેરો રસ પડે છે. પહેલાં તો એના સ્થાન વિશે આપણે મનમાં અનેક વિકલ્પો ઊભા કરીએ છીએ – કેમ જાણે કયું સ્થાન પસંદ કરવું એ વિશે વ્યાધિ પોતે જ દ્વિધામાં ન હોય! પછી એક સાથે એ જુદાં જુદાં સ્થાને પોત પ્રકાશવા માંડે. પ્રારમ્ભનો ગાળો શંકાઆશંકાનો, ચિન્તાનો જાય. પછી ધીમે ધીમે ટકી રહેવા માટેની શક્તિ એકઠી કરવાની પેરવી ચાલે, તિતિક્ષા કેળવવાની રહે, સ્વભાવ પર કાબૂ રાખવાનો રહે. વચ્ચે વચ્ચે મનની કસોટી કરી લઉં : સૂક્ષ્મ વસ્તુને પારખવા-માણવાની એની શક્તિ ઓછી તો નથી ગઈ ને! માંદલું શરીર તો યોગ્ય ઉપચારથી વળી આવે. પણ માંદલું મન જલદી ઠેકાણે ન આવે. એવી સ્થિતિમાંથી પણ પસાર થયો છું.

એક રીતે દમના વ્યાધિનો મારા પર ઘણો મોટો ઉપકાર છે, એ મારી ચેતનાને સન્નદ્ધ રાખે છે. પણ વ્યાધિની મદદ વગર ચેતનાને સન્નદ્ધ રાખવી જોઈએ. ચેતનાની મંદતા અસહ્ય નીવડે. આથી જ તો અનેક પ્રયત્ને ચૈતન્યની જ્યોતને સંકોર્યા કરું છું. આ જગત જ એની પરમ દર્શનીયતાને કારણે મને સદોદ્યત સ્થિતિમાં રાખે છે. ઋતુઋતુમાં જગતનું રૂપ બદલાય છે, એટલું જ નહિ ક્ષણેક્ષણે પણ એ બદલાયા કરે છે. આથી ઉત્સુકતાથી જોઈ રહેવાનું જ ગમે છે. આ જગતનું કોઈ પણ રૂપ અદર્શનીય નથી. ચેતનાનો સંકોચ જ દૃષ્ટિને વિકૃત કરે છે. આથી ચેતનાના પરિમાણને વિસ્તારનારા કવિઓની આંખે મને જગત જોવું ગમે છે. અત્યારે ભૂખર વાય છે, શરીર ધ્રૂજે છે ને છતાં એય માણી લેવા જેવું છે એમ મન તો તૃપ્ત થઈને કહે છે. શિશિરમાં નક્ષત્રો, ગ્રહો વધુ ઉજ્જ્વળ થઈ ઊઠે છે. અર્ધી રાત્રે બારી ખોલીને એય જોઈ લેવાનો લોભ જતો કરી શકાતો નથી.

19-1-81