પ્રથમ પુરુષ એકવચન/રૂપરસગન્ધસ્પર્શનું જગત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૂપરસગન્ધસ્પર્શનું જગત

સુરેશ જોષી

કશી વાતો નથી કરવાની હોતી ત્યારે આપણે આબોહવાની વાતો કરીએ છીએ. કોઈ પૂછે છે; ‘કેમ ઉનાળામાં ક્યાંક બહાર જવાના નથી?’ હું અસ્પષ્ટ કશુંક એકાક્ષરી ગણગણું છું. કોઈ કહે છે કસૌલી, કોઈ કહે છે ડેલહાઉઝી, કોઈ કહે છે મસૂરી. એઓ તે સ્થળોનાં નામ લેતાં જ જાણે ત્યાં પહોંચી ગયા હોય એવી રીતે મલકાવા માંડે છે, કેટલાક એવે સ્થળે જવાનું એ જાણે એમને માટે ટેવરૂપ થઈ પડ્યું છે એવું બતાવે છે.

હું કશોક સ્પષ્ટ જવાબ નથી આપતો એટલે કોઈક વળી અકળાઈને પૂછે છે : ‘કેમ, આ ધખધખતા ઉનાળામાં અહીં જ શેકાવાના છો?’ હું કહું છું : ‘હું તો આ ઉનાળો ફૂલો સાથે ગાળી રહ્યો છું.’ મારી આ વાત એ સજ્જનને વેવલી કવિતાઈ જેવી લાગે છે. ભ્રાન્તિમાં રાચનાર પ્રત્યે દયાની નજરે એઓ જોઈ રહે છે, એમને શી રીતે સમજાવવું કે મારી વાત સાવ સાચી છે. હિલસ્ટેશનોનું હું ગૌરવ કરું છું. હિમાલય ચાલીને જવાની વય હતી ત્યારે સંસારની આસક્તિ છૂટી નહોતી. કિશોરવય વટાવીને યૌવનમાં પ્રવેશતી વેળાએ સન્ધિકાળે આધ્યાત્મિકતાનું એક જબરું મોજું ધસી આવ્યું હતું ત્યારે વિવેકાનંદ અને સ્વામી રામતીર્થને મન સામે આદર્શ તરીકે રાખ્યા હતા. કોઈ સાંજે એમ થતું કે હવે ઘરે પાછા ફરવું જ નહિ ત્યારે પ્રેમની કશી અલાબલા નહોતી પણ કોણ જાણે શાથી પગ ઘર તરફ જ વળતા.

વિવેકાનંદ ગયા અને રવીન્દ્રનાથ આવ્યા. એમણે તો કહી દીધું કે ‘આમિ હબો ના તાપસ હબો ના તાપસ જદિ ના મેલે તપસ્વિની.’ જો તપસ્વિની મળે નહિ તો મારે તપસ્વી થવું નથી. ઇન્દ્રિયોનાં દ્વાર બંધ કરીને જગતને પ્રવેશતું અટકાવવાની વાત એમણે મંજૂર રાખી નહિ. એમણે તો રૂપરસગન્ધસ્પર્શથી સભર જગતને સંવેદવું એ જ તપ એવું શીખવ્યું. શિરીષના ફૂલની ઊંચેથી આવતી ક્ષીણ સુગન્ધ, નદીના જળમાં તરતી મેઘની છાયા, નદી કાંઠે ઝૂલતી કાશની ચામર, શરદનું હળદવર્ણું ઘાસ – આ બધાંની માયા લાગી.

પ્રકૃતિમાંથી જ એક દિવસે એકાએક પ્રગટ થઈ નારી, સમુદ્રમાંથી પ્રગટ થતી લક્ષ્મી કે વિનસની જેમ જ નારી પ્રવેશે છે. આપણા જીવનમાં પ્રેમપર્વ શરૂ થયું. એની સાથે દેશાટન ને ભ્રમણપર્વ પણ શરૂ થયું.

સ્પૅનિશ કવિ લોર્કાની જેમ હું પણ પાંચ ઇન્દ્રિયોના તીક્ષ્ણ ખંજરથી ઘવાયો. કેવળ જોઈ રહેવાની માયા લાગી. અકળ રીતે એક પ્રકારની અનાસક્તિ ફરીથી છલકાવા લાગી. નવે સ્વરૂપે વળી આધ્યાત્મિકતાનું મોજું આવ્યું. હવે ઘર જ હિમાલય બની ગયું.

તેથી તો કહું છું કે, હું આ ઉનાળો ફૂલો સાથે ગાળું છું. મોગરો, જૂઈ, સોનચંપો, શિરીષ, ગુલમહોર, ગરમાળો, શીમળો. ઠંડક, સુગન્ધ અને રંગનો વૈભવ એમાંથી કશું ઉપજાવી કાઢવાની દાનત નહીં, કશી આસક્તિ વગરનું સુખ માણું છું. મોગરાની બે પાંખડી વચ્ચેનો સુગંધી અવકાશ, ફૂલની નાજુકાઈ, નાના હતા ત્યારે મોગરાનાં ફૂલ નાકમાં ખોસીને ફરતા, સુગન્ધથી શ્વાસ રૂંધાય તો ભલે.

સોનચંપો તો અતિથિવિશેષને સ્થાને છે. એ હંમેશાં ન આવે. આવે ત્યારે ઉત્સવ, ભગવાનનો ને આપણો જન્મ દિવસ તો વર્ષમાં એક જ વાર આવે, પણ પુષ્પોનો તો દરરોજ જ જન્મોત્સવ. આથી જ પુષ્પોની મૃત્યુતિથિની વાત કરવાની જ ન હોય. પુષ્પો સાથેની શબ્દાતીત શાન્તિભરી વાતો સદા ચાલ્યા જ કરે.

બારીમાંથી જોઉં છું તો નીચેના બાગમાંનું ગુલાબ હસીને અભિવાદન કરે છે. ગુલાબ અને રિલ્કે મારા મનમાં ભેગાં જ જડાઈ ગયાં છે. ગુલાબની પાંખડીઓ પાંપણ જેવી લાગે છે. બંધ પાંપણો જાણે કેટલી બધી શીતળ નિદ્રાનો નર્યો સંચય. ગુલાબની સહેજ ઝૂકેલી મુદ્રામાં શિશુનું ઊંઘથી નમેલું મસ્તક, મોહક નમ્રતાનો અનુભવ થાય છે. મૂઠીભર પણ નહિ, લઘુક અંજલિ જેટલી કેવળ આન્તરિકતા પણ એની પાછળ રિલ્કેએ રૂપાન્તરનો અદ્ભુત કીમિયો જોયો છે. એમાં તો આખું જગત, પવન, વર્ષા, વસન્ત ઋતુનું ધૈર્ય, દોષ, બુદ્ધિ, અજંપો અને અપ્રગટ ભાવિ, પૃથ્વીના હૃદયનો અધિકાર, રૂપ બદલતાં વાદળો, પંખીઓનું ભેગા થવું, ઊડી જવું, દૂરનાં નક્ષત્રોનો આછો વરતાતો પ્રભાવ. આ બધું જ આખરે આ કીમિયાથી એક ગુલાબમાં પરિણમે છે. આથી જ તો ગુલાબને હું અહોભાવથી દૂરથી જ જોઈ રહું છું. એને હાથમાં લેતો નથી. એની ખરી પડતી પાંખડીઓને હું જોઈ શકતો નથી. એની પાછળ ધ્યાનસ્થ મુદ્રામાં બુદ્ધને જોઉં છું.

18-5-75