પ્રથમ પુરુષ એકવચન/સિથેરિયાની યાત્રાએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સિથેરિયાની યાત્રાએ

સુરેશ જોષી

કોઈ વાર મારી આજુબાજુનાં પુસ્તકોના અરણ્યમાં હું ભૂલો પડીને અટવાયા કરું છું. મહાભારત હાથે ચઢે છે. પણ હવે બાળપણમાં સાંભળેલું તે મહાભારત નથી. આદિપર્વ જ હાથમાં લઉં છું ને લગભગ પાંસઠ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર યુદ્ધમાં વિજયની આશા શા કારણે જતી રહી તે સંજયને ફરી સંભળાવે છે તે વાંચીને મારું મન ખિન્ન થઈ જાય છે. એ અન્ધ નિર્ભ્રાન્ત છતાં વાત્સલ્યમય પિતા તટસ્થ બનીને પોતાના પુત્રોના દોષો અસન્દિગ્ધ રીતે વર્ણવે છે. તે વર્ણવતાં એમને કેટલું કષ્ટ થયું હશે! બાળપણમાં તો ભીમની ગદા, અર્જુનનું ગાંડીવ જાણે ક્રીડાનાં રમકડાં લાગતાં હતાં. મત્સ્યવેધના પ્રસંગને જાદુનો ખેલ જોઈ રહ્યા હોઈએ એ રીતે જોતા હતા. પણ હવે એમાં કૃષ્ણ જેવા અવતારી પુરુષને થયેલો વિષાદ અનુભવાય છે ત્યારે, અર્જુનના વિષાદ કરતાં, નર્યો અનાશ્વાસનીય લાગે છે. આ અન્ધ ધૃતરાષ્ટ્રે પોતે કશું પોતાની આંખે તો જોયું નથી, આથી આ પાંસઠ શ્લોકોમાં એક સરખો ‘યદાશ્રૌષ’ શબ્દ ગાજ્યા કરે છે અને એ સહ્યું જતું નથી. મહાભારતમાંથી ઉત્તમ તત્ત્વજ્ઞાન સારવી શકાતું હશે, સત્યનો મહિમા સ્થાપી શકાતો હશે પણ મને તો એમાં જે માનવસહજ મર્યાદાઓ અને એમાંથી અનિવાર્યતયા ઉદ્ભવતી વેદના છે તે ખૂબ સ્પર્શી જાય છે. એ સૃષ્ટિમાં કોણ સુખી છે? એથી ધૂંધવાઈને મારું મન પ્રશ્ન પૂછી ઊઠે છે : આ સંસારના મહાભારતમાંય બધા ઘવાયેલા છે, કોણ સુખી છે?

કોઈ વાર મારું મન નરી કડવાશથી ભરાઈ જાય છે. સમજાયું તેટલું વાંચ્યું ને આવડ્યું તેવું લખ્યું – આમ તો સાદી વાત છે! પણ જોતજોતાંમાં એની આજુબાજુ કેટલો મોટો પ્રપંચ ઊભો થઈ ગયો છે! એમાંથી કેટલા પ્રશ્નો, કેટલી ગૂંચો, કેટલી કેફિયતો, કેટલા આરોપો – સર્જનચિન્તનનો આનન્દ તો બિચારો દયામણો બની જાય છે. આવું કાર્ય તે પણ જાણે અપરાધ હોય એમ જમાનો મનાવવાનો પ્રયત્ન કરે છે. આથી કેટલીક વાર આ શબ્દોની જટાજાળને છેદીને નરી નિ:શબ્દતામાં ચાલી જવાનું મન થાય છે.

માનવસમ્બન્ધોની વાત પણ કેવી અટપટી છે! આપણે દિલચોરી રાખ્યા વગર સમ્બન્ધ રાખીએ, નરી પારદર્શકતાનો આગ્રહ રાખીએ તોય કશું સરળ રહેતું નથી. જેમની પ્રત્યે નર્યો સદ્ભાવ રાખ્યો હોય, જેમની પાસેથી કશી પ્રાપ્તિની લાલચ જ રાખી ન હોય એઓ પણ અકારણ રોષથી, શંકાથી જોતા થાય; ઉચ્ચાસને બેસીને આપણી પ્રત્યેનો પુણ્યપ્રકોપ બીજા આગળ પ્રગટ કરે અને આપણો અપરાધ ઉદારભાવે ક્ષમા કરી દીધાનું કહેતા રહે. પ્રેમની આજુબાજુ ગેરસમજ-શંકાનું જાળું છવાઈ જતું હોય; પછી એમાંથી છૂટવાનો તરફડાટ માત્ર રહે.

આમ છતાં મુખ પરનું સ્મિત ભુંસાવા ન દેવું, આંખમાં સળગી ઊઠતા અંગારાને ઠાર્યા કરવો, ધસી આવતા શબ્દોને ખાળી લેવા, ગમ્ભીર ઠાવકા થઈને બેસવું – આ બધું કેટલું કષ્ટદાયક છે! કદાચ હૃદયની સહેવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ હશે. મારે જ પક્ષે સત્ય છે ને દોષ બીજાનો જ છે એવી વૃત્તિ સેવવાનો મને કશો આનંદ નથી. પણ હું કશી સ્પર્ધામાં નથી; કોઈનું કશું ભલું કર્યાનો મારો દાવો નથી, માત્ર મારાથી કશો ક્લેશ કોઈને ન થાય, કોઈ મિત્ર ભલે ન ગણે પણ નાહક શત્રુતા ન રાખે એવી ઇચ્છા રાખવી તે પણ નિરાશાને વહોરી લેવા જેવું જ છે.

છતાં મારો જીવ બધાંમાં રસ લે છે. નમતે પહોરે વિષાદ ઘનીભૂત થતો જાય છે. બોદ્લેરનું ‘જર્નીર્ ટુ સિથેરિયા’ કાવ્ય હમણાં જ વાંચ્યું છે. પ્રવાસ માટે તો જીવ હંમેશાં કેવો ઉત્સુક થઈ જતો – સ્ટેશને જઈએ ને દૂરના કોઈ અજાણ્યા સ્થળે જતી ગાડી જોઈને બેસી જવાનું મન થઈ જાય; સમુદ્ર જોઈને દૂરના કોઈ અજાણ્યા ખણ્ડમાં જઈ પહોંચવાનું મન થાય; બોદ્લેરને થતું હતું તેમ મારું હૃદય પણ વહાણના કૂવાથમ્ભ આગળ પવનમાં ફરફરતા સઢ સાથે પાંખો ફફડાવીને વિશાળ અવકાશમાં મુક્ત વિહાર કરવાને અધીરું બને. સમુદ્રના લય સાથે ડોલતું વહાણ, જાણે સૂર્યના પ્રકાશના આસવથી મદમત્ત કોઈ દેવ!

પણ પછી આપણે જઈ ચઢીએ ક્યાં? સિથેરિયા અન્ધકારભર્યો, વિષાદભર્યો, દ્વીપ. એમ તો લોકગીતોમાં એનું નામ ગવાતું સાંભળ્યું છે; લોકો તો કહે છે કે એ તો સુવર્ણભૂમિ છે. અરે, પણ જઈને જોયું તો નરી અનુર્વરા વન્ધ્ય ભૂમિ, એલિયટ પહેલાં બોદ્લેરે એને જોઈ હતી. ત્યાંના સમુદ્રના ઊછળતાં મોજાં પર વીનસનું પ્રેત હજી રઝળ્યા કરે છે. એવી ભ્રાન્તિ થાય કે જાણે અહીંના વાતાવરણમાં કેટલાં મધુર રહસ્યો હશે; હૃદયને પ્રિય એવું કેવું ભોજ્ય અહીં હશે! અહીં તો હવામાં એવી કશીક ગન્ધ લહેરાયા કરે છે જે આપણને પ્રેમની વિવશ અલસતાથી ભરી દે છે.

હરિયાળીથી છવાયેલો આ દ્વીપ, ફૂલો બધે વિખરાયેલાં, બધા લોકો એને આદરથી જુએ ને ગુલાબના ઉદ્યાન પર છવાયેલી સુગન્ધથી તરબતર ભારે હવાથી જેમ લોકોના હૃદયના ઉચ્છ્વાસ બધે છવાઈ ગયા હોય; અથવા તો અહીં હોલા સદા ઘૂઘવ્યા કરે – પણ એવું કશું વાસ્તવમાં છે નહિ; સિથેરિયાની ભૂમિ તો સાવ દળદરી, પથ્થરોથી છવાયેલું નર્યું રણ જ જોઈ લો! એની નિ:શબ્દતાને કેવળ કશોક અશરીરી વિલાપ જ વિક્ષુબ્ધ કરે. આ ભૂમિ તે વૃક્ષરાજિથી ઢંકાયેલું મન્દિર નથી; ત્યાં કોઈ યુવતી પૂજારણ પુષ્પોના પ્રેમમાં અજાણ્યા ઉન્માદથી કાયાને ઉત્તપ્ત કરીને અહીંતહીં ભમતી હોય, એ દાહથી બચવાને કાયા પરથી રહી રહીને વસ્ત્ર અળગું કરતી હોય – ના, અહીં એવું કશું નથી.

અમે કાંઠાથી નજીક થઈને ગયા, અમારા વહાણના શઢના ફફડાટથી ટિટોડી ચિત્કાર કરતી ઊડી ગઈ; પાસેથી જોયું તો વૃક્ષ નહોતાં, પણ ત્રણ પાંખાળા ફાંસીના માંાચડા હતા; ભૂરા આકાશની પડછે કાળા ઓળા જેવા. ભયાનક ગીધ માંચડે લટકતા માનવીના શરીરને કોચી ખાતાં હતાં; શબ સડી ચૂક્યાં હતાં; દરેક ગીધ પોતાની વાઢકાપના તીક્ષ્ણ હથિયાર જેવી ચાંચને માંસમાં ઊંડે ખૂંપી દેતું હતું. આંખોનાં તો બે કાણાં જ રહ્યાં હતાં, ફોલી નાખેલાં પેટમાંથી આંતરડાં સાથળ પર લબડતાં હતાં; ગીધોએ ચાંચથી એમના પુરુષત્વને પણ પીંખી નાખ્યું હતું. નીચે લાલચનાં માર્યાં થોડાં પશુ ભેગાં થયાં હતાં, એઓ મોઢું ઊંચું કરીને જોઈ રહ્યાં હતાં. એમાં વચ્ચે એક મોટું પશુ હત્યારાની અદાથી પોતાના મદદનીશો સાથે ફરતું હતું. આમ તો આકાશમાં શરદની પ્રસન્નતા હતી, સમુદ્ર શાન્ત હતો. પણ આ જોયા પછી આપણે માટે તો બધું જ અન્ધકારમય અને લોહિયાળ જ બની રહે ને! ક્યાં છે હવે એ જળસુન્દરી, ક્યાં છે એ પુષ્પઘેલી પૂજારણ ને ક્યાં છે એ વનરાજિથી ઘેરાયેલું મન્દિર – આપણા પ્રાણ તો સિથેરિયામાં તરફડે છે.

2-10-81