પ્રથમ પુરુષ એકવચન/સ્પૃહણીય એકાન્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્પૃહણીય એકાન્ત

સુરેશ જોષી

વનસ્પતિપરિવાર સાથે મારા જીવનનો તન્તુ અકળ રીતે એવો તો વણાઈ ગયો છે કે ખરતાં પાંદડાં, ફૂટતી કૂંપળ, પુષ્પોદગમ્ જોઈને મારું મન વિહ્વળ બની જાય છે. બાળપણમાં રાત્રિની નિ:શબ્દતામાં મેં જાણે વૃક્ષોના શ્વાસોચ્છ્વાસનો લય સાંભળ્યો છે. એ લય હૃદયના ધબકારામાં ભળી ગયો છે. હવે આ જૂનું ઘર છોડવાનો સમય આવ્યો છે ત્યારે આથમણી બારી સામેના ગુલમહોરે બે પુષ્પોના ઉદ્ગાર કાઢીને વિદાયવાણી ઉચ્ચારી દીધી છે. એથી મારું હૃદય દ્રવી જાય છે.

માનવીને વિશે મેં આવો જ ભાવ રાખ્યો છે, પણ મારી લાગણીઓ ઘણી વાર ઠગાઈને પાછી ફરી છે. હું સપાટી પર સેલારા મારનારો જીવ નથી. અભ્યન્તરનાં દ્વાર ખોલીને જ બધાંને આવકારું છું. આથી સમ્બન્ધોમાં એકાએક પ્રગટ થતી ઉદાસીનતા કે પરાઙ્મુખતા મને ઊંડો આઘાત આપે છે. સમ્બન્ધોમાં ઉપકારનું ગણિત પ્રવેશે છે ત્યારે કે અધિકારની ચર્ચા પ્રવેશે છે ત્યારે મુંઝાઈને મારું હૃદય પાછું ફરે છે. કાવ્યની એક ઉત્તમ પંક્તિ વાંચી હોય કે ઉત્તમ મૈત્રીનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હોય તો નિકટના સહુ સાથે સહભાગી થઈને એ માણ્યું છે. પણ બધું ભેગું કરવા જતાં જ કોઈક વાર હું મને એકલોઅટૂલો પડી ગયેલો જોઉં છું. જીવનમાં એવો તબક્કો હતો જ્યારે મારે માટે એકાન્ત જેવું કશું સ્પૃહણીય નહોતું. કેટલાંક વર્ષો તો એકાન્તના છાકમાં જ મેં ગાળ્યાં છે. આજેય એકાન્ત કે એકલવાયાપણું મને ગભરાવી મૂકતાં નથી. છતાં હૃદય અમુક આધારથી એવું તો ટેવાઈ ગયું છે કે કદીક દયામણું બનીને એને વળગી રહેવા ઇચ્છે છે. ત્યારે સ્વમાન છંછેડાય છે, બધું ધુમાઈ ઊઠે છે, દૃષ્ટિ ધૂંધળી બને છે. ફરીથી સમતુલા જાળવીને સ્વસ્થ બનવાનો પ્રયત્ન કરવો પડે છે, ને હું જાણું છું કે સ્વસ્થ બનવાના પ્રયત્ન જેવું, ઊંડે ઊંડે અસ્વસ્થ બનાવી મૂકનારું બીજું કશું હોતું નથી.

અહંકારનં બરડપણું, વકરેલા આત્માભિમાનમાંથી ઉદ્ભવતી તોછડાઈ, અનુચિત સ્પર્ધા અને એમાંથી અનિવાર્યતયા ઉદ્ભવતો દ્વેષ – આ બધું મને ઉદાસ કરી મૂકે છે. જીવનની ઉદાત્ત વસ્તુઓમાં સાવ નિકટતાને પણ ગમ્ભીરતાથી પ્રવૃત્ત કરીને સાથે રાખી શકતો નથી ત્યારે ઉદ્વેગ થાય છે. આથી થોડાં વર્ષો તો ભારે કપરાં ગયાં. આમ છતાં મને જે ઇષ્ટ લાગી તે પ્રવૃત્તિનો દોર મેં હાથમાંથી છોડ્યો નહિ. એકલા રહીને પણ એ કર્યા કરવાની મારે માટે તો કશીક અનિવાર્યતા છે, અને એવી કશીક સભાનપણે અનુભવાતી અનિવાર્યતાએ જ મૈત્રીનો પાયો રચ્યો હોવો જોઈએ એવું હું દૃઢપણે અનુભવતો હતો. એ ખોટું પડતાં જાણે ટકી રહેવાનો આધારસ્તમ્ભ જ તૂટી પડ્યો હોય એવું લાગ્યું છે, છતાં જીવનનું લક્ષ્ય બદલીને સમ્બન્ધો ટકાવી રાખવાનું મારાથી બની શક્યું નથી.

એક કવિએ કહ્યું હતું તે યાદ આવે છે : વૃક્ષની ઘટામાં પંખી તો હતું પણ તે દેખાતું નહોતું, કોઈએ પથરો તાકીને ફેંક્યો ને તેથી પંખી ઊડ્યું ત્યારે જ પંખી આપણી આગળ પ્રગટ થયું. શિયાળાની ઠંડીમાં જ સૂર્યોન્મુખ સૂર્યમુખી જોવું ગમે. ભૂખરાપણાની ઓથે જ શરદની પ્રસન્ન વિશદતા દીપી ઊઠે. આથી સમજું છું કે જે સારું અને પ્રિય લાગે છે તેને આ બધા ક્લેશ અને ઉત્તાપે જ સ્પષ્ટપણે ચિત્તમાં ઉપસાવી આપ્યું છે. આઘાતોએ જ મનમાં ઊંડાણને પ્રગટ કર્યું છે. જે લોકો આજે સાથે નથી તેઓ જ, એ સમ્બન્ધને નિમિત્તે, મારાથી અગોચર એવું મારું કેટલું બધું મને દેખાડી ગયા છે. સુખના ઉજ્જ્વળ પ્રકાશમાં જે મુખ જોયું હતું તે સ્મૃતિની ધૂંધળી આબોહવામાં જુદી જ માયાવી આકર્ષકતા ધારણ કરીને પ્રગટ થાય છે. આથી જ તો ચોમાસાની હેલીના દિવસે એકાએક સોનું વહાવી દેતા સૂર્યનો આટલો મહિમા છે. વૈશાખમાં તો એ સૂર્ય ગાળ જ ખાવાનો! તૃષા જ જળની ઉત્તમ વ્યાખ્યા આપી શકે, ક્ષુધા જ રોટલો શું તે બરાબર ઓળખાવી શકે, વિરહ અને વિચ્છેદ વિના પ્રેમનું સિંહાસન શેને આધારે ટેકવી શકીએ?

જે લોકો કશું નથી બોલતા તેઓ ખરેખર તો મૂંગા નથી હોતા. એમની બહારથી દેખાતી નિ:શબ્દતાના ઊંડાણમાંથી વાણીમાં એવો તો પ્રચ્છન્ન પ્રવાહ વહી રહ્યો છે કે જો આપણે એ સાંભળી શકીએ તો રોમાંચિત થઈ ઊઠીએ. પણ એ ગુપ્ત પ્રવાહ છે ને તેથી એ અમુકને જ સ્પર્શે છે, બાકીનાં બીજાં તો બાહ્ય નિ:શબ્દતાથી અકળાઈ ઊઠે છે. છતાં ધારદાર મૌનથી આપણે એકબીજાને નથી છેદતા? કદાચ શબ્દ કરતાં મૌન એક પ્રબળ શસ્ત્ર છે.

પણ મને એક પ્રશ્ન થાય છે : જે લોકો મંડળીમાં બેઠા બેઠાય મૌન સેવે છે, જ્યાં ખરેખર બે નર્યા સાચા શબ્દો બોલવાનું મુહૂર્ત આવ્યું હોય ત્યાં પણ કશીક ગણતરીથી કે ઉદાસીનતાથી મૂંગા રહે છે, તેઓ શું એમ માને છે કે એમની પાસે અનેક જન્મો જેટલો સમય છે? આ વાણી એક વાર રૂંધાઈ જાય તે પછીથી આ મૌન જ અભેદ્ય શિલા બનીને એને ટૂંપી નાખે છે તે શું એ લોકો નથી જાણતા? જે દૃષ્ટિ ઊંચી કરીને જોયું નથી તે દૃષ્ટિ પછીથી ઢળેલી જ રહે છે તેની શું એમને ખબર નથી હોતી? માનવીનું શરીર બહારથી તો કોટકિલ્લા જેવું રક્ષણ કરનારું લાગે છે, પણ અંદરનું તો સહેજ સરખા આઘાતથી ભાંગીને ચૂરેચૂરા થઈ જાય છે તેની શું એમને ખબર નથી હોતી? કદાચ એઓ આ બધું જ જાણતાં હોય છે ને તેથી જ કશાક ઝનૂનને વશ થઈને મૌનને વધુ ઉગ્ર બનાવી બેસે છે!

એકબીજા પ્રત્યે લાગણીથી ઝૂકવામાં, નમવામાં, નિર્બળતા નથી પણ આવા કશા ઝનૂનને વશ થઈને તો આપણે તણખલાની જેમ ફંગોળાઈ જઈએ છીએ. પછી તો એકાદ શબ્દ, સહેજ સરખું સ્મિત કે જરાસરખો દૃષ્ટિપાત પણ આપણને ખતમ કરી દે છે. ગ્રીવાને સહેજ સરખી ફેરવવાથી જ આપણે કદી દૂર ન કરી શકાય એવી વિમુખતાને નોતરી બેસીએ. આ પારદર્શક હળવી હવા, એમાં વહેતો પ્રસન્નતાનો પ્રવાહ, આ નરી નિર્મળતાના નિસ્પન્દ જેવું આકાશ – આ બધું જ પછી તો સીસાના ગઠ્ઠા જેવું થઈ જાય, પછી તો બધું જ અભેદ્ય બની રહે. એ બધું ભેદવા માટે મરણના વજ્રઘાત સિવાય બીજું કશું ઊણું પડે.

આ જગત તો અવિરત ચાલ્યા જવાના પદધ્વનિથી જ ગાજતું રહ્યું છે. જેમ દરેક ક્ષણે સૂર્ય અને પવન સમુદ્રની લવણતાને હરી લઈ જાય છે તેમ હુંય મારામાંથી દરેક ક્ષણે થોડોઘણો અગોચરમાં વિલય પામતો જાઉં છું. વજ્ર જેવી કઠોરતાવાળું હૃદય એણે ધારણ કરેલી નિ:શબ્દતામાં થઈને જ ઝડપી જાય છે. તો પછી એ મૌનનું અભિમાન રાખ્યાનો શો અર્થ? મૌનના ભારથી હવાને સુધ્ધાં થોથર ચઢે છે ને કશાક દર્દના લબકારાઓ સંભળાય છે. આ મૌન શબ્દ જન્મ્યો તે પહેલાંનું મૌન નથી હોતું, શબ્દના ચાલ્યા ગયા પછીનું, એ ઉજ્જડ બની ગયું હોય છે, માટે જ એ આટલું ભયંકર લાગતું હોય છે.

કોઈ આપણને જોતું હોય છે તેના દૃષ્ટિપાતની રેખાઓથી જ આપણું મુખ નથી રચાતું? આથી જ તો આપણને કોઈ જોતું નથી હોતું ત્યારે આપણે પણ આપણા મુખની કલ્પના નથી કરી શકતા! આથી જ તો ઘણી વાર જેને હું કહું છું તેનો, છેડો ક્યાં આવે છે તે જાણવું અઘરું થઈ પડે છે. કોઈક વાર તો આ ‘હું’ના દરમાં ચોરીછૂપીથી કોકડું વળીને ભરાઈ જવું પડે છે. કદાચ હોવું એટલું નિ:શંક નથી, ન હોવું એ જ ખરેખર તો નિ:શંક છે.

સપાટી પર રહેનારા સપાટ ચહેરાવાળા માણસોની આંખોમાં કશું જોયેલું. લાગણીથી સાચવવાની જગ્યા હોતી નથી, સરી જતા વર્તમાનને સંઘરવા જેટલું હૃદયમાં ઊંડાણ હોતું નથી. આથી જ તો એ લોકો ગમે ત્યારે ધારે તે બની જઈ શકે છે. ભૂલેચૂકે કશી વેદના એમને સ્પર્શે તો સ્પર્શતાંની સાથે જ સરી પડે છે. કશાક પણ ઊંડાણથી આ લોકો ગભરાય છે. આથી જ સ્મૃતિથી એઓ છળી મરીને દૂર ભાગે છે. કેવળ વર્તમાનની તસુભર ભોંયથી કશું વધુ એમને અકળાવી મૂકે છે.

મારા તો આશીર્વાદ છે કે જેને આ કે તે નિમિત્તે મારી સામે ઝૂઝવું હોય તે અનેક અક્ષૌહિણી સેના ભેગી કરે. આ હું અહંકારને વશ થઈને કહેતો નથી, યુદ્ધની પ્રતિષ્ઠા જળવાય એ માટે કહું છું. કાલ સુધી જે મિત્ર તરીકે પડખે હતા તેનેય સામી હરોળમાં જોઉં તો તેથી હવે મને અર્જુનના જેવો વિષાદ કે નિર્વેદ થવાનો નથી. મૈત્રીનો લંબાવેલો હાથ મેં કદી પાછો ખેંચ્યો નથી. જુદી જ ગણતરીને વશ થઈને, ગજબની નિર્ણયશક્તિથી જેમણે સુકાનની દિશા ફેરવી છે તેમનેય મેં પકડી રાખવાનો આગ્રહ રાખ્યો છે. એ કદાચ મારી નિર્બળતા હશે. પણ આ બધાંને પરિણામે જીવનમાં ઘણી વાર કડવા ઉબકારા આવ્યા છે. આથી જ તો ‘મધુ ક્ષીરન્તિ સિન્ધવ.’ ખારા સાગરમાંથી પણ મધુ ઝરે છે એવી ઋષિકવિની વાણીનું હું ખૂબ જ ગૌરવ કરું છું.

22-4-81