પ્રથમ સ્નાન/ભૂપેશ વિશે ને એની સર્જકતા વિશે — ધીરેશ અધ્વર્યુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભૂપેશ વિશે ને એની સર્જકતા વિશે — ધીરેશ અધ્વર્યુ


ભૂપેશે કાવ્ય રચવાની શરૂઆત સાત-આઠ વર્ષની વયથી કરેલી. રવીન્દ્રનાથે એમની પ્રથમ કૃતિ ખૂબ નાની વયે રચ્યાનું વાંચી પ્રેરાયલો. સૂરતના દૈનિક ‘પ્રતાપ’માં રચયિતા વિષેની તંત્રીનોંધ સાથે એ પ્રગટ થયું એથી પણ પ્રોત્સાહિત થયેલો. પપ્પાને કાવ્યરચનામાં રસ. પપ્પા પાસે શરૂઆતમાં છંદ શીખતો, પીંગળ વિશે જે કંઈ મળે તે વાંચતો ને એને આધારે રચના કરતો. આમ શરૂઆતના ગાળામાં ઘણી પદ્યરચનાઓ કરેલી.

માધ્યમિક શાળાનાં છેલ્લાં વર્ષોમાં ગીતરચના વિષે રાજેન્દ્ર શાહ સાથે પત્રવ્યવહાર થયા પછી કોલેજકાળ દરમ્યાન ગીત તરફ ઢળેલો પણ પછી ગીતનું માધ્યમ અભિવ્યક્તિના ઊંડાણને તાગવા અસમર્થ લાગવાથી એ દિશા છોડી. ૧૯૭૨ પછી એણે ગીત લખ્યાનું સ્મરણ નથી. કોલેજમાં હતો એ દરમ્યાન એને પોતાને સંતોષ થાય એવી રચનાઓ થયેલી. અનુસ્નાતક અભ્યાસ માટે બે વર્ષ અમદાવાદ રહ્યો ત્યારથી ફિલ્મમાં રસ વધ્યો. અધ્યાપક હતો એ દરમ્યાન, ફિલ્મ અભિવ્યક્તિનું સબળ માધ્યમ હોવાનું એને પ્રતીત થવા માંડ્યું અને ૧૯૭૬માં કોલેજનું અધ્યાપન છોડી ફિલ્મ દિગ્દર્શનની તાલીમ માટે જવા તૈયારી કરી. પણ એ જ વર્ષે પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાં વિદ્યાર્થીઓના લાંબા આંદોલનને પરિણામે માળખું બદલાયું ને એને માટે એ દિશા બંધ થઈ. કૃષ્ણમૂતિર્ના ચંતિને એને સર્જનના મૂળમાં રહેલા સંઘર્ષ વિષે સજાગ કર્યો. આમ પણ કૃતિઓ પ્રકાશિત કરવાનું ઠંડું વલણ તે ત્યાર પછી વધુ ઠંડું થયું. છતાંય લખવાનું અને ક્યારેક કોઈ સંતોષકારક લાગેલી કૃતિ પ્રકાશન માટે મોકલવાનું ચાલુ રહ્યું હતું. એ પણ છેલ્લે (મૃત્યુ પૂર્વેના એકાદ વર્ષથી) છૂટી ગયું.

એકાંતપ્રિય સ્વભાવ. બાળપણમાં પણ, સામૂહિક રમતો કરતાં એકલા રમી શકાય એવી રમતો એણે વિકસાવેલી. રમતો બનાવવાની સર્જકતા શબ્દનંુ માધ્યમ હાથમાં આવતાં સાહિત્યની સર્જકતા તરફ વળી. બાળવયથી જ ગાંધીસાહિત્યમાં રસ પડતો એને લીધે આદર્શવાદી અભિગમ કેળવાતો ગયો. સંપૂર્ણતાના આગ્રહે એને પોતાનો કઠોર આલોચક બનાવ્યો. સર્જન માટે પણ લક્ષ્ય તો સંપૂર્ણતા જ, તેથી પોતાની બહુ ઓછી કૃતિઓથી એને સંતોષ થતો. જીવન વિષેની નિષ્ઠા પણ એવી જ તીવ્ર. સમગ્ર શિક્ષણપ્રથા વ્યક્તિને જડ, યંત્રવત્ બનાવનારી લાગવાથી એમ.એ.ના પ્રથમ વર્ષ પછી અભ્યાસ છોડી દેવાનો નિર્ણય કરેલો પણ ‘સ્નેહરશ્મિ’ અને અન્યોની સમજાવટથી અભ્યાસ ચાલુ રાખ્યો. એ ગાળામાં લેખનને જીવનના એકમાત્ર આધાર તરીકે, સમાજના હુમલા સામે સ્વ-બચાવના એક માત્ર સાધન તરીકે જોયું હતું. અધ્યાપક હતો ત્યારે પણ તંત્રની વ્યક્તિને શોષી લેવાની, ખરીદી લેવાની વૃત્તિ વિષે અને વ્યક્તિના હીરને હણી લેતી શિક્ષણપ્રથા સાથે પોતાના સંકળાવા વિષે એ સતત મનોમંથન અનુભવતો રહેતો. ફિલ્મના માધ્યમે એના સર્જકચિત્ત પર પ્રભાવ પાડ્યો. અભિવ્યક્તિ માટે ફિલ્મના માધ્યમમાં રહેલી સંભાવનાઓએ એને આકર્ષ્યો, એ દિશા ડહોળી જોવા જેવી લાગી તેથી અધ્યાપકનો વ્યવસાય છોડેલો.

સમાજ પાસે માન્યતા મેળવવાની આકાંક્ષા ખરી પણ એ સાથે એની વ્યર્થતા વિષે પણ સભાન. પોતે ખૂબ ખુલ્લો, વ્યક્તિને મદદ કરવા ઇચ્છનારો. પણ કોઈના વ્યક્તિત્વની મર્યાદા જોતાં એની પોકળતાઓ, અસંગતતાઓ તરફ આંગળી નિર્ભીકપણે ચીંધનારો. એથી, ખુલ્લા પડી જવાના ભયે ઘણી નજીક આવેલી વ્યક્તિઓએ પણ એની અવગણના કરેલી. એમના આવા સ્વકેન્દ્રીત વર્તનના ઘા એને લાગતા રહ્યા, જેના પ્રત્યાઘાતરૂપે એ પોતાની જાતને અલગ કરતો ગયો. જેમજેમ એકલતાના ખૂણામાં સરતો ગયો તેમતેમ આ બધી પ્રવૃત્તિ પાછળ માન્યતા મેળવવાની વૃત્તિ પ્રત્યે પણ જાગ્રત બનતો ગયો, સર્જનપ્રક્રિયા વિષે સ્પષ્ટ બનતો ગયો. એક તબક્કે એણે સર્જનને સમાજને અપાતા ધીમા ઝેર તરીકે વર્ણવેલું. સર્જન છોડવાનો નિર્ણય કર્યા પછી એ એની સર્જનાત્મક કૃતિઓનો નાશ કરે એવી શક્યતા સર્જાતાં મિત્રોએ એનંુ આ સાહિત્ય પ્રગટ કરવા માંગ્યું હતું ત્યારે સૈદ્ધાંતિક રીતે સ્પષ્ટ થયા પછી જ એ આ અંગે નિર્ણય કરશે એમ એણે કહેલું.

સર્જન છોડવા વિષે એ અંદરથી ખૂબ સ્પષ્ટ હતો. શિક્ષક સ્વભાવે અને સૈદ્ધાંતિક રીતે સ્પષ્ટ થવા પ્રેર્યો. સર્જનની વ્યર્થતાને સૈદ્ધાંતિક રીતે પ્રસ્થાપિત કરવા લેખશ્રેણી તૈયાર કરવાનો હતો ત્યાં જ એનું અવસાન થયું. આ સંદર્ભમાં મારે માટે એની અપ્રગટ કૃતિઓ મરણોત્તર પ્રગટ કરવા અંગે નિર્ણય કરવો મુશ્કેલ હતો.

સર્જનથી વિમુખ થવાનો નિર્ણય કર્યા પછી નલિન પંડ્યાએ ‘સદ્યતન કવિતા’ માટે કાવ્યો માંગેલાં ત્યારે ભૂપેશે એ વખતના વલણ વિષે નોંધ સાથે કૃતિઓ પ્રગટ કરવા આપી હતી એનો આધાર લઈ છેવટના વલણ અંગે નોંધ સાથે આ સંગ્રહનાં કેટલાંક કાવ્યો વિવિધ સામયિકોમાં મરણોત્તર પ્રગટ કર્યાં હતાં.

ભૂપેશ કૃતિની રચના પરત્વે ખૂબ સભાન. એ માટે એ ખૂબ મહેનત કરતો. સંતોષ ન થાય ત્યાં સુધી વારંવાર મઠારતો. એકવાર એણે કહેલું કે, મારી દિશા તો ફિલસૂફની. સાહિત્યમાં તો સંજોગવશાત્ આવી પડ્યો. મારી સાહિત્યિક રચનાઓ શુદ્ધ પરિશ્રમનું ફળ છે. આ સંગ્રહમાં મૂકેલી ઘણી રચનાઓ એણે અપ્રગટ જ રાખી હતી. એ સર્જનના પ્રવાહમાં અંતિમ સ્વરૂપ પામી શકી નથી, સર્જનને એક તબક્કે ઊભેલી છે. કેટલાંક કાવ્યો તો કાચા મુસદ્દા પરથી લીધાં છે, છેકછાકને લીધે કે કાગળ ઘસાઈ જવાથી આછુંપાતળું જ વંચાતું હોવાથી અનુમાનથી તારવ્યું છે. જ્યાં સ્પષ્ટ વંચાયું ત્યાં શબ્દ કે પંક્તિનો અર્થ કે લય બંધબેસતો ન લાગે તોપણ જેવું વંચાયું, વાંચવું શક્ય બન્યું એવું જ રાખ્યું છે. આ કાર્યમાં મારી બહેન લિપ્સા અધ્વર્યુએ ઘણી મદદ કરી છે.

ભૂપેશના હસ્તાક્ષરમાં લખાયેલા કાવ્યનો બ્લોક આપવા માટે શ્રી સુરેશ દલાલનો, સામયિકોમાં પડેલાં કાવ્યો કઢાવી આપવાની મહેનત પ્રેમપૂર્વક કરવા માટે શ્રી મંજુબહેન ઝવેરીનો, ભૂપેશના ફોટોગ્રાફના પ્રોસેસંગિમાં મદદ કરવા માટે શ્રી કરમશીભાઈ પીરનો આભારી છું. સંપાદનની ઠીકઠીક કપરી કામગીરી મિત્રો મૂકેશ વૈદ્ય, જયદેવ શુક્લ અને રમણ સોનીએ ભૂપેશ પ્રત્યેના પ્રમેથી કરી છે એટલે એમનો આભાર શું માનું? પણ એનો સાનંદ ઉલ્લેખ કરું છું.

આ સંગ્રહ પ્રગટ કરવાનો આશય ભૂપેશે જીવનને એક તબક્કે રચેલાં કાવ્યોને કોઈ સ્પર્ધામાં મૂકવાનો નથી. એને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવાનો જ છે. તેથી તુલનાત્મક ધોરણે અપાતાં પારિતોષિકો માટે એની ગણના ન થાય એ જ ઇષ્ટ છે.

૧૫ જુલાઈ ૧૯૮૬