પ્રદ્યુમ્ન તન્ના એક દીર્ઘ મુલાકાત/પ્રદ્યુમ્ન તન્ના : એક અંતરંગ છબી
પ્રદ્યુમ્ન તન્ના : એક અંતરંગ છબી
પીએચડી પૂરું થયા પછીના ૧૯૮૩ના બેકારીના એ દિવસોમાં એક વાર જઈ ચડ્યો ભાવનગર. હું તો રખડુ હવા જેવો. ભાવનગરમાં જયંતભાઈને ઘરે જ બે-ત્રણ દિવસના ધામા હતા. જયંતભાઈએ કહ્યું, ચાલ આવવું છે રાણકપુર ? હું બેકાર. ફરવા માટે કંઈકેટલીય પાંખો ફફડાવું. પણ પૈસા ? અને ફરવા જવા માટે મોટા ભાઈ પાસેથી પૈસા કેમ મગાય ? મારો અનુત્તર જ જયંતભાઈના પ્રશ્નનો ઉત્તર હતો. સમજુ માણસ સાનમાં સમજી જાય. જયંતભાઈ કહે પૈસાની ચિંતા ન કરીશ. આ પ્રવાસ હું સ્પોન્સર કરીશ. ઈટાલીથી મારા મિત્ર પ્રદ્યુમ્ન તન્ના આવ્યા છે તેમની ઇચ્છા છે કે રાણકપુર જઈએ. તું આવે તો કંપની જામે ત્યાં તો પ્રદ્યુમ્નભાઈની એન્ટ્રી, એન્ટ્રી કહેવાય તેવી ડ્રામેટિક નહીં પણ સાહજિક-વ્યક્તિત્વ એવું જ. નામ ન કહ્યું હોય તો યુરોપિયન જ સમજી બેસાય. ગૌર ચહેરો, સહેજ ઊપસેલી ગમતીલી હડપચી, લાંબું નાક, પાતળા હોઠ. પાતળિયા કહેવાય તેવી દેહયષ્ટિ એક અભિજાત રોમનસ્ક ચહેરો. પ્રદ્યુમ્નભાઈનો પરોક્ષ પરિચય કુમાર થકી. તેમનાં ચિત્રો, કેટલાંક કાવ્યો અને રાજસ્થાની માંડણા ઉપરનો લેખ ‘કુમાર’માં વાંચેલો. ‘કુમાર’નાં પાનાં પરથી ઠેકડો મારી આટલાં વરસો પછી મારી સામે હાજરાહજૂર થશે તે તો ક્યારેય ન ધારેલું. નિયતિ તે આનું નામ. બસ ત્યારથી જ એ પ્રથમ પરિચય પ્રેમમાં પરિણમ્યો અને તેમની સાથે યાદગાર પ્રવાસ અનાયાસ થઈ ગયો. રાણકપુર, કુંભલગઢ, ઉદેપુર અમે ફર્યા. અમે ચાર. હું, જયંત મેઘાણી, પ્રદ્યુમ્ન તન્ના અને મનોહર દેસાઈ. ચડઊતર ઊતરડ જેવી ઉંમરની એ મિત્રમંડળી, અઠ્ઠયાવીસ વરસનો જુવાનિયો હું ને મારાથી વીસ-પચ્ચીસ વરસ મોટા પ્રદ્યુમ્નભાઈ, પણ પ્રથમ મુલાકાતે જ અમારી વચ્ચેનાં પચ્ચીસ વરસ તેમણે ખેરવી નાખેલાં. અને શરૂ થયો. રાજસ્થાનનો યાદગાર પ્રવાસ. ભાવનગર- અમદાવાદ-આબુ-ટ્રેનની ગતિને સમાંતરે તેમના આ પ્રદેશના અનેક પ્રવાસોની વાતો કરતા જાય. લગ્ન પહેલાં જ રખડવાની લગની. રાજસ્થાન તો બીજા ઘર જેવું. એક વાર તો વરસ દિવસનીય ન થઈ હોય તેવડી ફૂલ જેવી દીકરીને લઈને રાજસ્થાન રખડેલા, ફોટો પાડેલા, ચિત્રો કરેલાં, ડિઝાઈનો સંગ્રહેલી, અમારું સદ્ભાગ્ય કે આ પ્રવાસમાં અમે સાથે હતા. શરદઋતુના એ ખુશનુમા દિવસો. બપોરે પહોંચ્યા ફાલના. ત્યાંથી સાઠડી થઈ બસમાં રાણકપુર. રાજસ્થાનના પ્રવાસનો તો તેમને ધરવ થતો નથી. રાણકપુરનોય ત્રીજો પ્રવાસ હશે. ધિરણીધર વિહારી, તેના સેંકડો કોતરણીખચિત સ્તંભો, તોરણી, કલ્પવલ્લીઓ, મૂર્તિઓ જોવા માટે અમારી પાસે બે આંખ હતી જ્યારે તેમની પાસે કૅમેરાના કળાકારની ત્રીજી આંખ. લાંબા અણિયાળા રતૂમડા નાક પર ચશ્માં ચડાવવામાં, કેમેરો કેસમાંથી કાઢવામાં, લેન્સ લૂછવામાં, ક્લિક કરવામાં બધે એક ચીવટ. દિવસે મંદિરોમાં અને પથ્થરની શિલાઓ વચ્ચેથી ખળખળતા ઝરણા જેવી વહી જતી મઘઈ નદીના કિનારે, તેના જળમાં રખડપટ્ટી, સાંજે અરવલ્લીના વનાંચલમાં લટાર ને રાત્રે આર.ટી.ડી.સી.ના ટુરિસ્ટ હોમમાં આછા હૂંફાળા ઠંડા પ્રકાશમાં ખાણું. આખો દિવસ વાતો ચાલ્યા કરે. રાજસ્થાનના લોકમેળા, તેના માંડણા, તેનાં વસ્ત્રોના રંગો, તેની ભાતીગળ અને અપૂર્વ રંગ સંયોજનોવાળી ડિઝાઈન, ઈટાલી, કોમો, ઈટાલિયન પત્ની રોઝલ્બા અને તેમના પ્રથમ પ્રેમમિલનની. અમારો ઉંમરનો તફાવત પિતા-પુત્ર જેટલો એટલે લાડ કરવાનો હક હું માગું તે પહેલાંય તેમણે આપી દીધેલો. હજીય યાદ છે એ સાંજ. અરવલ્લીના પહાડી પાછળ ડૂબતો સૂર્ય, ધૂસર થતું વન અને પૂર્વમાં પહાડીઓની પેલી મેરથી ઊંચકાતો શરદનો કેસરી ચંદ્ર. વાટ-ચીલાની રેશમી ધૂળ પરથી અમે ચાલીએ છીએ. નીચે ચાંદનીએ વૃક્ષોની ભાત પાડી છે અને પ્રદ્યુમ્નભાઈ ખીલ્યા છે શરદચંદ્ર જેવા જ. કોઈ Taboo – છોછ વગરના. રાજસ્થાનના લોકમાં આપણે જેને પીનો કહી ઉન્નતનાસિક થઈએ તેવાં ગીતોનાં મુખડાં કે જોડકણાં કહેવામાંય તેમને કોઈ છોછ નથી- કદાચ ચંદ્રનો અને અમારી નિર્બાધ ટોળીનો પ્રભાવ જ એવો છે. એ વાતોમાંથી જ વાતનું વહેણ ફંટાય છે તેમનાં પોતાનાં ગીતો ભણી અને આજથી પચાસેક વરસ પહેલાંનો જનલોક અને વનલોક ઊઘડતો જાય છે. તેમણે તો ઉપાડ્યું છે ગાન વિધતી ચાલી ટાઢી. માત્ર રાણકપુરના મંદિરને નહીં પણ આખા પરિસરને તંતોતંત માણી અમે ઊપડ્યા કુંભલગઢ ભણી. ચારભુજા થઈ રાત્રે પહોંચ્યા કેલવાડા. રાત્રે જમતા હતા ત્યાં જ માઈક પર રામલીલાના સંવાદો સંભળાયા અને અમારી ટોળી પહોંચી રામલીલા જોવા. સવારે પગપાળા કુંભલગઢ. અરવલ્લીની પહાડીઓ, ઘાટીઓ વચ્ચે ઊભેલો પ્રોન્નત્ત, વાદળ સાથે વાતો કરતો કુંભલગઢ ૫૩ કિલોમીટરના ઘેરાવામાં પથરાયેલો રાણાકુંભાએ બનાવેલો આ ગઢ. મહેલ પરથી ઢોળાવો ચડતીઊતરતી. ગઢની દીવાલો જોઈએ તો ચીનની દીવાલ યાદ આવી જાય. એકસાથે છ છ ઘોડાઓ ચાલી શકે તેવડી પહોળી દીવાલો. કુંભલગઢના મહેલો, ગઢની પોળો, મંદિરો, અજગરશી પડેલી જાડી તોતિંગ દીવાલો, બુરજો ડોકાબારીઓ. બધું પ્રદ્યુમ્નભાઈ સાથે માણ્યું. પ્રદ્યુમ્નભાઈ ન હોત તો આવી અદ્ભુત અંતરિયાળ જગ્યાએ આવ્યા ન હોત. એ ક્લિક કરતાં જાય ને હુંય રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શની કેટલીય ઈમેજરી મારામાં ઉતારતો જાઉં. ત્યાંથી અમારો સંઘ પહોંચ્યો ઉદેપુર. ઉદેપુરનો મહેલ, બજાર ને સિહેલી કી બાડી જોઈ. રાત્રે રેલવે સ્ટેશને છૂટા પડ્યા. તેમને દિલ્હીની ટ્રેન પકડવાની હતી અમારે અમદાવાદની. છૂટા પડતી વખતે વહાલથી ભેટ્યા ને આંખમાં ઝળઝળિયાં. ભીની આંખ ભીનું ગળું. સ્પર્શે બાજી સંભાળી. ફરી ભેટ્યા. મારા માથે તેમનો હાથ ફર્યો ને હાથ ફરકાવતા દૂર ટપકું થઈ ગયા. આમ તેમની સાથેનો મેવાડનો પ્રવાસ યાદગાર રહ્યો. એ પછી તો વરસોનાં ઘોડાપૂર વહ્યાં. ક્યાં ઈટાલીનું કોમો ને ક્યાં અમદાવાદ. હું ગમે તેટલું ધારું તોય કેમ મળી શકાય ? ત્યાં અચાનક ક્યાંકથી સમાચાર આવ્યા કે પ્રદ્યુમ્નભાઈનો કિન્ટેમ્પરરી આર્ટ ગૅલરીમાં સ્લાઈડ શો છે. હું સાંજે પહોંચ્યો ત્યાં. વચ્ચેનાં સાત-આઠ વરસનાં વહાણાં. તે તો નહોતા બદલાયા. પણ હું ખાસો બદલાયો હોઈશ. નક્કી કરી રાખેલું કે ઓળખાણ ન આપવી. અણસાર જ ઓળખ. સામે જઈ ઊભો રહ્યો. ક્ષણભર મેમરી પ્રોસેસ કરી મેમરીના સંકુલ ગંજાવર નેટવર્કમાંથી અમારી સહિયારી સ્મૃતિનો તંતુ ઉકેલી કાઢી ફરી રસબસતા ભેટી પડ્યા. એ ભેટવું છૂટા પડવા માટે જ હતું. ફરી વરસોનાં વહાણાં વાયાં. બે વરસ પહેલાં ભાવનગરથી જયંતભાઈનો ફરી ફોન રણક્યો. પ્રદ્યુમ્નભાઈ આવ્યા છે ને આવ્યા ત્યારથી તમને નિરાંતે મળવાની રઢ લઈ બેઠા છે. હું ફરી આશ્ચર્યચકિત. કોઈ આટલું યાદ રાખી શકે ? પહેલાં ભાવનગર મળવાનું નક્કી થયું પછી સણોસરાનું. ત્યાંથી રાજકોટ આવશે તેમ નક્કી થયું ને અંતે અમદાવાદ ઉષાબહેનને ઘરે મળવાનો મેળ પડ્યો. એ દિવસ સાથે રહ્યા. સાથે રહેવાનો ને વાતો કરવાનો જ એજન્ડા. એ ગોઠડીગઠરીમાં કેટકેટલી વાતો. મુંબઈમાં વૈષ્ણવી કુટુંબમાં ઉછેર, તેમાં કદાચ તેમની કવિતાના, કૃષ્ણપ્રીતિના મૂળ, નાનપણથી જ કલાની રઢ, એ રઢ રઢિયાળા રાજસ્થાન લઈ ગઈ તો સઢમાં પવન ભરાયે કલાશિક્ષણની સ્કોલરશિપ લઈ યુરોપિય સંસ્કૃતિનાં પારણાં સમ ઈટાલી લાંગર્યા. ત્યાં જ રોઝાલ્બા સાથે પરિચય. ઈટાલીની કન્ટ્રીસાઈડનું નાનકડું ચર્ચ તેમની મિલનભૂમિ. એ નાનકડા ચર્ચનું તેમના જીવનમાં વેટિકનથીય અદકેરું સ્થાન. ગૌરાંગી કૃષ્ણ જાણે ઈટાલીની રાધાને ક્રાઈસ્ટના આશીર્વાદે વર્યા. આંતરદેશીય લગ્ન છતાં કુટુંબમાં રોઝાલ્બા સમાઈ શક્યાં. આરંભના દિવસોમાં પ્રદ્યુમ્નભાઈ ઇન્ડિયા ને રોઝાલ્બા ઈટાલી. કોચમેન અલીડોસાની જેમ સ. પ. પત્રોની રાહ જુએ. ભોજાઈ પત્ર સંતાડી દે, સહેજ ટીખળ કરે, ને પછી પત્ર ધરી દે. વંચાયેલો પત્રય કેટલી વાર વંચાય-ગડી ફાટી જાય ત્યાં સુધી. આરંભમાં મુંબઈ ત્યાંથી દિલ્હી અને અંતે સારી ઓફર આવતાં ફરી ઈટાલી – અંજળપાણી લૂણ જ્યાં લખાણાં છે તે ઈટાલી ભણી. આ બધામાંય ચિત્રો, ફોટોગ્રાફ્સ, કવિતા, ડિઝાઈનિંગનું કામ તો ચાલતું જ રહે. આરંભમાં સંઘર્ષ ઓછો ન હતો. ભાડે ઘર લેવા ઘરે ઘરે આથડવું પડેલું. એ સંઘર્ષ જ આજે મીઠા સંતોષમાં પરિણત થયો છે. અત્યારે તો દીકરીઓ નીરા, આન્તોનેલ્લા તથા દીકરા નિહાર સાથે પ્રદ્યુમ્નભાઈ-રોઝાલ્બાનું જીવન ભર્યુંભાદર્યું છે. વાતો તો કેટલી બધી રાર્ત્રિર એવ ગમિષ્યતિ જેવો ઘાટ, મોડી રાત્રે અમારે તો નિરાંતે સુવાનું હતું જ્યારે પ્રદ્યુમ્નભાઈએ તો અમારી ઊંઘ ડિસ્ટર્બ ન થાય તેમ બીજા રૂમમાં અસ્થમાને લીધે ઓશીકાને સહારે બેસવાનું હતું. એ લાંબી રાતોમાં તેમને શું શું યાદ આવતું હશે ? શું શું સતાવતું હશે ? પછી તો તેમની ઇંગ્લૅન્ડ, અમેરિકાની કાવ્યયાત્રાનો દોર ચાલ્યો. એ ગાળામાંય પત્રોથી અને ઈ-મેઈલીથી દોર સંધાયેલો રહ્યો. ત્રણ-ચાર દાયકાથી ઈટાલી છે છતાં ગુજરાતી રત્નની જેમ જાળવી છે. ભાષા જરાય ઘસાઈ નથી. ક્યારેક તો એવું લાગે કે તેમની પાસે જે અસ્સલ તળપદી ગુજરાતી છે તે મારી પાસે નથી. મુંબઈમાં ગુજરાતી ડાયાસ્પોરા અને ઈટાલીમાં વ્યક્તિગત અંગત ડાયાસ્પોરાને લીધે ભાષા જળવાઈ હશે ? ‘છોળ’ (કાવ્યસંગ્રહ)ની કેફિયતનું ગદ્ય તેમનું પોતીકું. ક્યાંક ભાવમાં તાણે તો ક્યાંક વિચારમાં બાંધે. પત્રનું ગદ્ય એટલું જ એકસ્પ્રેસિવ. ગુજરાતી સાથેનો નાળસંબંધ સતત ધબકતો હોય તો જ આવું ગદ્ય અનાયાસ ઊતરી આવે. એ પત્રમાં માત્ર ભાષાથી નહીં પણ ભૂમિથીય કેવા જોડાયેલા છે તેનો ખ્યાલ આવે. હિવે દિવસોદિવસ ટાઢ વધતી જાય છે ! આટઆટલું ટેવાયા છતાંય વાઘતા જતાં વરસો સાથ આલ્પ્સના પહાડી પ્રદેશનો અતિ લાંબો અને આકરો શિયાળો ક્યારેક અસહ્ય લાગે છે ને ત્યારે આપણા શુભ્ર અને ઝળાંહળાં તડકેભર્યા આભની એવી તો ઝંખના થઈ આવે ! પણ આપણે તો રામ રાખે એમ આનંદે ને સ્વસ્થ ચિત્તે આપણું કર્તવ્ય કરતા રહેવાનું. એ વાંચતાં એમની શિયાળુ સાંજે ગ્રામ જનપદને ઉજાગર કરતી કવિતા યાદ આવી ગઈ. અહીં બેઠાં બેઠાં થયું કે હીજરાતા એ જીવને તડકો ભરીને મોકલી શકાતો હોત તો કેવું સારું હતું ! ભારત તો તેમની નસમાં ધબકે છે જ પણ ‘Be Roman in Rome' એ ઉક્તિનેય સાર્થક કરી છે અને તે તો પોતે છેય રોમનભૂમિ ઈટાલીમાં, ઈટાલીને આત્મસાત્ કરી ઈટાલિયનમાં કવિતા લખી છે તો ઈટાલિયનમાંથી અનુવાદોય કર્યા છે. તેમનો ‘છોળ’ કાવ્યસંગ્રહ આવવો જોઈતો હતો સાઠના દાયકામાં જ્યારે ‘કુમાર’ના પાને પ્રદ્યુમ્નભાઈની નિયમિત હાજરી હતી. આજે કવિતા તો શું જગત જ બદલાઈ ગયું છે ત્યારે એ કવિતાનો સૂર થોડો રોમેન્ટિક, થોડો આર્કેઈક લાગે. પણ માણસ જાતની ખાસિયત જ એ કે એક જ સ્થળકાળમાં અનેક સ્થળકાળ જીવી શકે. શબ્દની પણ શક્તિ એ જ કે સમયને ફલાંગી શકે. માટે જ તો બાણ ભટ્ટ, વડઝવર્થ કે બાસો જૂના ન લાગે, જયંત મેઘાણીનાં ઈજન, આગ્રહ, ચીવટ ન હોત તો આ સંગ્રહ આવા સુંદર સ્વરૂપે આપણી સામે ન આવ્યો હોત. ગાંડા બાવળ જેવા રેઢિયાળ વૃક્ષ છોડની ડાળી પાંદડાંમાં જે નમનીયતા છે તેનાં દર્શન પણ પ્રદ્યુમ્નભાઈએ કરાવ્યાં છે. એ સંગ્રહમાંથી અંગત રીતે મને કૃષ્ણભક્તિભીની રચનાઓ કે મૂળ ઈટાલિયનમાં લખાયેલી તેમની અછાંદસ કવિતાના અનુવાદ કરતાં તેના લય હિલ્લોલ, હેત હુતાશનમાં ખેંચી જતી જનપદને ગાતી આરંભની રચનાઓ વધારે ગમી. એ રચનાઓ વાંચતાં વિસરાયેલો કાળખંડ, વિલાયેલી પ્રકૃતિથી બધું જાણે એકસાથે ઉજાગર થઈ જાય. પ્રદ્યુમ્નભાઈને ફરી ક્યારે મળશે ? ક્યારે ભેટાશે ? શું કાળની કેડીએ આપણો ઘડીક સંગી જ ? મરણ એટલે કદી ન મળી શકવું. અને દૂરતા એટલે ક્યારેક પણ મળી શકવું. આ પૃથ્વી પર સાથે છીએ ત્યાં સુધી તો શક્યતાની આશા રહે છે જ. કોમો અને રાજકોટ એક જ નભમંડલથી વ્યાપ્ત છે, અને એક જ પૃથ્વીનો પ્રાણવાયુ પ્રાણ પૂરી રહ્યો છે, તેય કેટલું મોટું આશ્વાસન ! આશા છે પ્રદ્યુમ્નભાઈ ફરી દેશ આવે ને ફરી મળીએ. અત્યારે તો કહું છું પિધારો મ્હારે દેશ.
✽ ✽ ✽
તા. ક. આ લેખ છએક વર્ષ પહેલાં લખાયેલો. તેમને વંચાવેલો. ૨૦૦૪ માર્ચમાં મકરંદભાઈના નંદિગ્રામમાં એક દિવસ સાથે રહેલા ને ત્યાંથી ડાંગ દરબાર જોવા આહવામાં મારા મહેમાન પણ થયેલા. રોઝાલ્બા પણ સાથે હતાં. મન ઠરે તેવું દંપતી. રોઝાલ્બા થોડું ઘણું ગુજરાતી પણ બોલે - લાડકું લાગે તેવું. ‘નવનીત સમર્પણ’માં તેમની દીર્ઘ મુલાકાત છપાયેલી તે ૨૦૦૪ના માર્ચમાં જ લીધેલી, જે મઠારી નવેસરથી લખી તેમણે ઈટાલીથી મોકલેલી. આપણી ભાતીગળ સંસ્કૃતિ, કલાઓ લુપ્ત થતી જાય છે તેનું તેમને ભારે દુઃખ હતું. એ પછીના વરસે ફરી ભારત આવ્યા ત્યારે સુરત મળવા ગયેલી, જયંત મેઘાણીની મંડળી સાથે ફરી મેવાડ ફરવાના ઓરતા પણ હતા. પ્રદ્યુમ્નભાઈ એક ચિત્રકાર, કવિ, ફોટોગ્રાફર, ટેક્સટાઈલ ડિઝાઈનર તો હતા જ. પણ મને યાદ રહેશે એક ઉષ્માપૂર્ણ વડીલ મિત્ર તરીકે, સ્મૃતિમાં તો એ જીવંત રહેશે જ પણ અફસોસ કે હવે તેમને પ્રેમથી ભેટી નહીં શકાય.
❖