પ્રભુ પધાર્યા/૧૨. મૃત્યુનો ઉત્સવ


૧૨. મૃત્યુનો ઉત્સવ

પહેલે વરસાદે માટી પલળી ગઈ હતી; ને નીમ્યાનો સસરો પોતાના ખેતરમાં કમોદ છાંટી, પાળો બંધ કરાવી, નફકરો બની સલે ચસકાવતો પોતાને ઘેર જઈ બેઠો હતો. જેઠમાં ખેતરડાં છલોછલ ભરાઈ ગયાં અને નીમ્યાની સાસુએ ધણીને તાકીદ દીધી. પણ બ્રહ્મદેશી મર્દને કામે ચડવાની તાકીદ કરવી એ પાડા માથે પાણી ઢોળવા બરાબર છે. ડોસો તો હોટેલોનો રસિયો હતો. દુત્તું હાસ્ય કરીને ઘરમાંથી સરકી જતો. ડાંગરના રોપને છાતીબૂડ પાણીમાં ઊભીને ખેંચી કાઢવાનું કામ કરવા કોઈ બરમો મજૂર મહેનતાણે આવવા તૈયાર નહોતો. ઘણાખરા શ્રમજીવીઓને યાંત્રિક મિલોએ આકર્ષી લીધા હતા; બાકીના ઘણા દગડા બન્યા હતા. મોટી બીક ડાંગરનાં ખેતરોમાં જળો ચોંટવાની લાગતી. જેને જેને નીમ્યાની સાસુ બોલાવવા ગઈ તેણે પહેલાં તો ઘરમાં જઈ તપાસ કરી. પછી બહાર આવીને કહી દીધું, ``આજે તો મજૂરીએ નથી આવવું. ``હા, આજના ચાવલ હાંડીમાં બાકી લાગે છે. શેનો આવ? એમ બોલીને ડોસી બીજાને કહેવા ચાલી જતી. બધા કેવળ `આજનો લહાવો લિજિયે રે, કાલ કોણે દીઠી છે!'વાળી મનોદશામાં હતા. આખરે નીમ્યાની સાસુને હિંદી મજૂરોનાં જૂથ જડી ગયાં. હિંદુસ્તાનની કૃષિ ભાંગતી હતી; મજૂરી અતિ સસ્તી હતી; એટલે હિંદે વ્યાપારીઓના કરતાં સો ગણી સંખ્યામાં એના કિસાનોને આંહીં હાંડી ચાવલની શોધમાં દરિયાપાર ધકેલ્યા હતા. ઓરિસાનો ઊડિયો મજૂર આ ભયાનક મજૂરીને માટે પણ સસ્તો વેચાતો હતો. પગે ચોંટતી જળોને જીવતી ઉખેડવાની કરામત ઊડિયા પાસે હતી. જળો જ્યાં ચોંટે ત્યાં ઊડિયો થૂંકતો, એટલે જળો ખરીને નીચે પડતી. પાર વગરની જળો ચોંટતી, તાણે તો કદી ન તૂટતી, લોહીને ઝપાટાબંધ ચસકાવતી; પણ ઊડિયો થૂંકતો થૂંકતો ઉખેડીને કામ કરતો. તેણે ડાંગરના છોડ પોચી પોચી પાણીભરપૂર જમીનમાંથી ખેંચી કાઢ્યા, જળ ઉપર થપ્પીઓ તરતી મૂકી. પછી પાળો ખોલી નાખી ખેતરને ખાલી કર્યું, ને પછી એ જ જમીનમાં અકેક રોપ કરી કરી રોપી આપ્યો. કાઠિયાવાડમાં કહેવત છે કે, `પાંદડાં લીલાં દેખીને પનો પાંચ વાર પરણ્યો'. મતલબ એ છે કે પોતાના ખેતરના કપાસનાં પાંદડાં જ્યાં સુધી લીલાં જુએ ત્યાં સુધી નવો નવો કાલાંનો પાક લેતો લેતો ખેડૂત નાણાં ખરચીને પાંચ વાર લગ્ન કરતો રહે. એ રીતે બ્રહ્મી ભૂમિપુત્ર નીમ્યાના વરે પોતાના બાપના ખેતરમાં હરિયાળી ઘાટી ડાંગર દેખીને શું કર્યું? એનું નામ હતું માંઉ-પૂ. એ એક ચાવલ-મિલમાં નોકરી કરતો. મહિને વીસેક રૂપિયા મળતા. પરણ્યા પછીના પહેલા મહિનાના વીસમાંથી એણે પહેલે જ તડાકે રેશમી લુંગી ખરીદી, બીજે મહિને સરસ હાફકોટ લીધો, ત્રીજે મહિને એક ઘડિયાળ ખરીદ્યું. ચોથે મહિને એક મોટા ફુંગી ધર્મગુરુ ગુજરી ગયા હતા તેના ઉત્સવનું આખરી અઠવાડિયું હતું. આખા ગામને અને આસપાસની ગ્રામ્ય પ્રજાને, લાખો માણસોને ઉત્સવ સાંપડ્યો. બ્રહ્મદેશમાં જન્મોત્સવ કે લગ્નોત્સવ નથી, પણ એ બંનેનું વટક વાળી દે તેવો મરણોત્સવ છે. ફુંગીના મૃતદેહને મસાલા લીંપી, સુગંધી દ્રવ્યો છાંટી, નકશીદાર સુખડની પેટીમાં ત્રણેક માસથી મૂકવામાં આવ્યો હતો અને હવે એના શેષ સંસ્કાર ટાણે પ્રત્યેક ફયામાં, એકેએક ચાંઉમાં, ઘરેઘરમાં નાટારંભ, જલસા, મહેફિલો અને જુગારની રમઝટ બોલી. નૃત્ય બ્રહ્મીને ઘેલી કરે છે; હજારો બ્રહ્મી સ્ત્રીઓએ પોમેડ, પાઉડર અને પફની દુકાનો પર ગિરદી મચાવી; હજારો લુંગી અને ઘાંઉબાંઉવાળા રેશમના વેપારીઓ રળવા લાગ્યા. ચાલતી નોકરીને ઠોકર લગાવીને ઉત્સવમાં શામિલ થનારાઓમાં માંઉ-પૂ પણ હતો. કાગળનાં ફૂલો બનાવીને વેચવા બેસતી નીમ્યા પણ બીજી હજારો સ્ત્રીઓ સાથે અદૃશ્ય બની, અને નીમ્યાના સસરાએ એક મદ્રાસી ચેટ્ટીની પેઢી પર જઈ ડાંગરનું પાકેલું ખેતર ગીરો મૂકી નાણાં ઉપાડ્યાં. મદ્રાસથી આવીને ધીરધારનો ધીકતો ધંધો ચલાવવામાં પાવરધા બનેલા આ ચેટ્ટીઓ બ્રહ્મદેશની હજારો માઈલ જમીનના સ્વામી બનીને બેઠા હતા. શાંતિદાસ શેઠની સોનાચાંદીની દુકાને પણ એટલો જ તડાકો પડ્યો. દાક્તર નૌતમ અને હેમકુંવરબહેન પોતાની મેડીએ ઊભાં ઊભાં આ મરણોત્સવનું પાગલ સરઘસ જોતાં હતાં. મુસ્લિમોના તાબૂતની માફક કાગળના બનાવેલા મોટા કલાયુક્ત ફયા (પેગોડા) નીકળ્યા. ધ્વજો અને પતાકાઓ, ગાન અને તાન વચ્ચે ઊંચે ઊંચે એક મંદિરના ઘુમ્મટ જેવડું એક કમળફૂલ બિડાયેલી અવસ્થામાં નજરે પડ્યું. કમળફૂલ ચાલ્યું આવે છે. એક ઠેલાગાડીમાં લોકો એને ખેંચી લાવે છે. ધીરે-ધીરે, ધીરે-ધીરે, ધીરે-ધીરે, કેમ જાણે કોઈક વસંતના મલયાનિલની લહરે લહરે ઊઘડતી હોય તેમ એની મોટી મોટી પાંદડીઓ સરખા પ્રમાણમાં ગોળકૂંડાળે ઊઘડતી આવે છે. સહેજ ઊઘડી, વધુ ઊઘડી, અને અંદરથી એક અપ્સરા જેવી પાંખાળી જણાતી કો નર્તિકાએ ડોકું કાઢ્યું. જનપદે પાગલ બનીને હર્ષઘોષણા દીધી. અપ્સરાનું સુંદર ઓળેલ સઢોંઉવાળું મસ્તક દેખાયું, હીરાના હારે હીંડળતી ડોક દેખાઈ, આછા વાયલની એંજીમાં ઢંકાયેલી પીનપયોધરવિહોણી, તસતસતા બાંધેલા કપડા વડે સપાટ કરી મૂકેલી પહોળી ચપટી છાતી દેખાઈ. એના કમ્મર સુધીના દેહને પ્રગટ કરીને પદ્મ પૂરેપૂરું પ્રફુલ્લિત બન્યું. કાંસાની કટોરીઓને કૂંડાળે ગોઠવીને બનાવેલ બ્રહ્મી જળતરંગ પર ઝીણી ડાંડીએ સૂરો જગાડ્યા. તંતુવાદ્યોના તાર પર બજવૈયાના હાથનાં આંગળાં ફર્યાં. (બ્રહ્મી પ્રજા પવન-વાદ્યને ધિક્કારે છે.) અને પદ્મમાં ઊભેલી પદ્મશ્રીએ નૃત્ય આદર્યું. આ નૃત્યને ચગાવવા લહેરાવવા ત્યાં ચણિયાના ચાળીસહથ્થા ઘેર નહોતા, ચૂંદડી-ઓઢણીના ચકડોળ ફરતા પાલવ નહોતા. પગને રૂંધી રહેલી તસોતસ આસમાની લુંગી આપણી કાઠિયાણી-આહીરાણીઓની જીમી કરતાંયે વધુ ચપોચપ હતી. એમાંથી જે નૃત્યુ નીકળ્યું તે નૃત્ય એક આપમેળે શીખેલું નાજુક કટિનૃત્ય હતું. પદ્મશ્રીની કમ્મર તાલે તાલે ને સૂરે સૂરે પોતાના પાતળિયા લાંક પાસે જાણે કે છંદો ગવરાવી રહી હતી. કોળીમાં આવી જાય તેટલી જ એ કેડ્યમાં માનવીએ મહાગ્રંથો ભરી આપે તેટલી બધી કરામત કોણ જાણે ક્યારે છુપાવી રાખી હતી. પદ્મ પાસે આવ્યું અને હેમકુંવરબહેને હર્ષનાદ કર્યો, ``અરે, અરે, આ તો આપણી નીમ્યા. અરે વાહ રે વાહ, નીમ્યા! પદ્મમાં નૃત્ય કરતી નીમ્યાની અને હેમકુંવરબહેનની ચાર આંખો ભેળી થઈ અને પદ્મ-ગાડી પસાર થઈ ગયા પછી હેમકુંવરે પતિને કહ્યું, ``કહો ન કહો, પણ આ બાઈની આંખોમાં પોતે નાચે છે તેટલો ભારોભાર ઉલ્લાસ નથી. ``જોયું નહીં! દાક્તરે કહ્યું, ``નીમ્યા હવે માતા થવાને માર્ગે જણાય છે. ``તો તો થાકીને લોથ થવાની. ``તેનું બ્રહ્મીને શું! આજનો લહાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે! ``માળાં નાનાં બાળકો જેવાં. ``બસ, તેં બરાબર કહ્યું. આ બ્રહ્મી પ્રજા એની મધુર મુગ્ધ બાલ્યાવસ્થા જ વિતાવી રહી છે. અને ખોટુંય શું છે? ``પણ એ અવસ્થા ઊતરશે ત્યારે શું થશે, દાક્તર? ``આપણે પરદેશીઓ કદાચ એ બાળાપણનો વહેલો અંત આણી દેશું. આ નિર્દોષતા લાંબી નહીં ટકે. આપણે એનું સુખ-સોણલું ઉડાડી મૂકશું! ``એટલે શું? ``એટલે રતુભાઈ રોજ કહે છે તે. એમને — એ બ્રહ્મીઓને — હવે ભાન થવા લાગ્યું છે કે તેઓ ભીંસાય છે. તેઓને કોઈક છેતરી રહેલ છે. અને તેઓની ભૂમિને કોઈક પરાયાં શોષી રહેલ છે. તે જ વખતે છાપું આવ્યું. અને ડૉ. નૌતમે મોટાં મથાળાં વાંચ્યાં. `બર્મા ફોર ધી બર્મીઝ : બર્મા બર્મીઓનું જ બનશે! બર્મી મજૂરોની સાથે હિંદી મજૂરોની મેલી હરીફાઈ : આ મજૂરીનું પ્રમાણ નક્કી કરવા બ્રહ્મદેશીઓનો પુકાર' વગેરે વગેરે.