પ્રભુ પધાર્યા/૨૫. ભાગો! ભાગો!


૨૫. ભાગો! ભાગો!

સ્ટીમર ઊપડતાં પહેલાં અડધા જ કલાકે, આભ ફાટીને અંદરથી તારામંડળ ઝરે તેમ ખબરો તૂટી પડ્યા : ઓચિંતાં ત્રાટકીને જાપાને પ્રશાંત સાગરમાં અમેરિકાના મોતીબંદર (પર્લ હાર્બર)નો આખો અમેરિકન નૌકા-કાફલો તારાજ કરી નાખ્યો છે. અને રતુભાઈનાં પરિયાણ રઝળી પડ્યાં. દિન પર દિન : પ્રહર પછી પ્રહર : અને રેડિયો ઝણેણતા ગયા કે જાપાન ગિલ્લીદંડાની રમત જેટલી સહજતાથી પ્રશાંતના ટાપુઓને ઉપાડતું આવે છે. જગતને આંખો ચોળીને સ્વચ્છ નજરે નિહાળવાની સૂઝ પડે તે પૂર્વે તો જાપાને મલાયાની સામુદ્રધુનીમાંથી બે ઉત્કૃષ્ટ અંગ્રેજી રણજહાજોને પાતાળે બેસાર્યાં. મલાયામાં ઉપરથી કટકો ઉતાર્યાં. પવનમાં જેમ તારીખિયાં પરથી ફાટતાં ફાટતાં પાનાં ઊડવા લાગે તેમ જાપાની ઝંઝાવાતમાં ઇંગ્લન્ડ-અમેરિકાના પ્રાણપ્યારા પૅસિફિક પ્રદેશો ઊપડવા લાગ્યા. વજ્રકડાકો બોલ્યો — સિંગાપોર તૂટ્યું. શેષનાગની ફેણ પરથી ગોરી સત્તાની મેખ ઊખડી ગઈ. અરે પણ, બ્રહ્મદેશમાંથી પેલા બાઘોલા જેવા બેઠા બેઠા બગાસાં ખાતા જાપાનીઓ ક્યાં ગયા? શું પૃથ્વીએ પોતાનામાં સમાવી લીધા? આંધી આવે છે : અગ્નિના વંટોળ લાવે છે, મલાયાથી ઉપર ને ઉપર આવે છે, સિયામથી સીધી ને તીરછી સબકારા કરતી આવે છે. ભાગો, ભાગો, ભાગો! ઉઘરાણી-પાઘરાણી સમેટો, હાથ પરનાં ધાન હોય તે પાણીને મૂલે પતાવો, લક્ષ્મી હોય તે હિંદ ભેગી કરો, બૈરાં-છોકરાંને આગબોટો પર ચડાવો, બળતું ઘર કૃષ્ણાર્પણ કરો! આ કાંઈ આપણો દેશ નથી. આ તો છે પારકી ભૂમિ, એને એના પ્રારબ્ધ પર છોડૉ. આપણું પ્રારબ્ધ લઈને આપણે ભાગો. માલ હોય તેનો જલદી ખુરદો કરી નાખવાને માટે વેચાણનો એક મહાવંટોળ જાગ્યો. રતુભાઈએ પણ ભાનભૂલ્યાની જેમ માંડલે, રંગૂન અને શાન રાજ્યોની ઘૂમાઘૂમ માંડી દીધી, કારણ કે એની પેઢીમાં પારકી રકમ રોકાતી હતી. એમાં મુખ્યત્વે કરીને સોનાંકાકી ને નીમ્યાની પણ રકમો હતી. અનેક નાનાં નાનાં બર્મી કુટુંબો પાસેથી સોનાંકાકીએ અને નીમ્યાએ આણી આપેલી થાપણ પર એ પોતાનો ધંધો પાથરીને બેઠો હતો. એને શિરે સાપના ભારા હતા. એ કોઈ હજુ ઉઘરાણીએ ફરકતું નહોતું. ઉઘરાણીનો દેકારો બોલાવતા તો શાંતિદાસ શેઠના સંધી સરીખા મહેતાજીઓ આંટા ઉપર આંટા ખાઈ રહ્યા હતા. ડિસેમ્બરની તા. ૨૩ : બપોરના અગિયાર — રંગૂનનાં રાંધ્યાં ધાન રઝળી પડ્યાં. આકાશના કાકીડા હોય તેવા અભેદરંગી જાપાની વિમાનોએ પહેલી પ્રાછટ દીધી અને પત્રિકાઓ વરસાવી : `ખસી જજો, બાર બાર ગાઉ વેગળા ખસી જજો.' પછી તો પરોઢે પરોઢે, ઊગતા સૂર્યને અને વિસર્જન થતી રાતને જાપાને આગની અંજલિઓ આપવા માંડી, કાળનાં કંકુડાં વેર્યાં. ``ખબરદાર! માલ ફેરવતા ના! સરકારી રખેવાળોએ પ્રજાના ભર્યા ભંડારો પર તાળાં લગાવ્યાં. ``સ્ટીમરો ક્યાં છે? અરે જલદી હિંદની આગબોટો લાવો, તો ભાગતાં થઈએ. ભારતવાસીઓએ ચીસો પાડી. આગબોટમાં જગ્યાઓ ઓછી થઈ : ગોરાં હતાં તે સૌ પહેલાં બચવા ઊમટ્યાં. ``તો વિમાનો લાવો! માગો તેટલાં નાણાં દઈએ, શાંતિદાસ શેઠનાં બાળકોને જોખીને સુવર્ણ દઈએ. એકાદું વિમાન આપો. ``વિમાનની ટાંચપ છે, શેઠ! વારો આવવા દો. પહેલી જ વાર શાંતિદાસ શેઠને બ્રહ્મજ્ઞાન થયું કે કોઈક વાર સોનાં પણ કાર્યસાધક બનતાં નથી. જાન્યુઆરી માસ — અને મોલમીનનો ધ્વંસ બોલ્યો. નિમ્નતર બ્રહ્મદેશનું જળભરપૂર ચાવલ-કેન્દ્ર અને ગુજરાતી બાબુઓએ બાવડાંને જોરે બાંધેલું, સમૃદ્ધિએ છલકાવેલું ઇરાવદી-તીરનું અજોડ પઢાઉ-પુષ્પ મોલમીન, હતું—ન હતું થયું. ને ત્યાંથી રઝળેલાં, આગબોટો વગર રહી ગયેલાં હજારો હિજરતીઓનો સંઘ ચાલ્યો આવતો હતો પીમના અને માંડલે તરફ. રતુભાઈ, ડૉ. નૌતમ અને હેમકુંવર ત્રણેએ ગુજરાતીઓને ઢંઢોળ્યા. સ્થાને સ્થાને ગુજરાતીઓએ આ અનાથોને આશરા, ભોજન અને આગળ વધવાની ખરચી પૂરી પાડવા માંડી. ગુજરાતીઓ, બંગાળીઓ, પંજાબીઓ, યુક્ત પ્રાંતના ગવલી ભૈયાઓ, ચેટ્ટીઓ — હિંદુ કે મુસ્લિમ સર્વ ભારતવાસીઓ સ્ટેશને સ્ટેશને પ્રસાદી તેમ જ સહાય પ્રાપ્ત કરીને આગળ વધ્યાં ઓતરાદી દિશાએ, આથમણા જળ-કેડા ને ગગન-કેડા તો રૂંધાઈ ગયા હતા. રંગૂનના બારામાં ખદબદતી એ માનવજાત હતી કે જીવાત? — જરા દૂરથી જોઈએ તો કહેવું કઠિન પડે. ને રંગૂન-માંડલેની આ હજુયે ચાલુ રહેલી રેલવેલાઇન પર તે પછી એક બિભીષણ દૃશ્ય નજરે પડ્યું. કોઈ હાથ છેદાયેલી, તો કોઈ નાક-કાન વગરની, તો કોઈ પગ જ હારી બેઠેલી એ કોણ ઓરતો આવી રહી હતી? મોલમીનથી નાઠેલી ચીની સ્ત્રીઓ. તેમણે દૃશ્ય-જગતમાં જે ગુમાવ્યું હતું તે તો દેખાતું હતું, પણ અદીઠી રહી ગઈ તેમનાં અગોચર આતમ-જગતની જફાઓ. તેમનાં શિયળ રોળાયાં હતાં. રસ્તે દુકાનો, હોટલો, નારી-દેહો, જે કાંઈ હાથ આવતું તે લૂંટાતું હતું, માંડ માંડ મોકો મળ્યો હતો.

``હઠ છોડી દ્યો, ડૉક્ટર; તમારે ને હેમકુંવરબહેને ઊપડી જવું જ જોઈએ. ``તમને સૌને મૂકીને? ``હા, મૂકીને. તમારે માટે નહીં, હેમકુંવરબહેન માટે. મેં મારી નજરે જોયા છે ચિનાઈ સ્ત્રીઓના હાલહવાલ. ને હું કલ્પના કરતાંય કંપું છું. હેમકુંવરબહેનને નવમો માસ ચડી રહ્યો છે. એને કંઈક થાય તો આપણે ક્યાં લઈ જઈશું! ``પણ તમે? ``અમને જમડોય નથી ખાવાનો. અમે ગમે તેમ કરીને પહોંચશું. આ લ્યો, આ લ્યો આ બે પેસેજ. સિંધિયા સ્ટીમવાળી બોટ પરમ દિવસ જ જાય છે. ચાલો, ઊપડૉ. તમારો સામાન હું સચવાવું છું. વળતી સવારે ડૉ. નૌતમની મોટર એ દંપતીને અને રતુભાઈને લઈ રંગૂન તરફ ચાલી નીકળી. એ જ સવારે રંગૂનની પૃથ્વીમાં ઊંડે પેસી પેસીને પછી જાપાની બોમ્બોએ જ્વાળામુખીઓ સર્જાવ્યા હતા. શહેરની બજારોમાં શબો ખડકીને જાણે કે કૂતરાં ને ગીધડાં વેપાર કરતાં બેઠાં હતાં. શબો ઉપર થઈને મોટર ચાલી. રતુભાઈ હાંકતો હતો. હેમકુંવરબહેનને અંદર આંખો મીંચાડી આડે પડખે કરી દીધાં. બાબલો ડૉ. નૌતમના ખોળામાં ઊંઘતો હતો. એ ફૂલને આ ધ્વંસની શી પડી હતી! ``જુઓ ડૉક્ટર, શાંતિદાસ શેઠની દુકાનના હાલ. મોટર હાંકતાં રતુભાઈએ બજારમાં આંખ તીરછી કરી બતાવ્યું. મૂએલા કાગડાઓનાં પીંછડેપીંછડાં પીંખાઈને ઊડતાં હોય તેવો એ દુકાનનો દેખાવ હતો. ઝેરબાદીઓ ને બરમાઓ લૂંટતા હતા. મિલિટરી ઊભી હતી; પણ તેમનું લક્ષ્ય બીજી દિશામાં હતું! મૂએલો કાગડો! આમાં એકાદ પીંછડું — નાનકડું એકાદ — નીમ્યાની પેલી વીંટી હશે! પેલાં નઘાં હશે! અરેરે! કોનું શું શું નહીં હોય! મોટર આગળ ચાલી. બંદર થોડે જ દૂર હતું. સ્ટીમરના હાંફવાનો અવાજ સંભળાતો હતો. ફક ફક ધુમાડા કાઢતું ભૂંગળું દેખાતું હતું. પણ ચોપાસ માઈલ માઈલ સુધીની જગ્યામાં સળી મૂકવાનોય મારગ નહોતો. માનવીઓની જીવાત છાણના પોદળામાં જાણે કે ઊભરાઈ પડી હતી. પુરુષોના હાકોટા, સ્ત્રીઓના કિકિયાટા, છોકરાંનાં રુદન, ટ્રંકો-પેટીઓની ધડાધડી, ધક્કાધક્કી, ટંટાફિસાદના કોલાહલ, પોલીસના કોરડાની ફડાફડી, પીઠ પર બેઠેલા ગોરા-કાળાઓના માર ખાતા દોડતા રિક્ષા ખેંચનારાની હાંફાંહાંફી, ઘોડાગાડીના લપસતા ઘોડાના એ ડામરની સડક ઉપર જીવલેણ પછડાટા — એ બધાંની વચ્ચે મોટરને દોડવાનો સીધોદોર માર્ગ પડી ગયો હતો.