પ્રવાલદ્વીપ/ઍપોલો પર ચન્દ્રોદય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઍપોલો પર ચન્દ્રોદય


ઍપોલોતટ રાત્રિના તિમિરમાં એકાકીલો ટ્હેલતો,
જોકે હ્યાં પથદીપ પાસ ભભકે ને ભીડ કૈં લોકની,
એથી મુક્ત, અલિપ્ત, ઊર્મિ ઉરમાં ના હર્ષ કે શોકની;
સામેની ક્ષિતિજે છૂપ્યા ખડક સૌ જાણે ન ધક્કેલતો
એવો પૂંઠળથી લહું પ્રગટતો ત્યાં ચન્દ્ર, કેવો લચે,
સર્જે શૂન્ય થકી શું સૃષ્ટિ નવલી; ને વાયુ ત્યાં ગેલતો,
કેવાં ચંચલ સૌ તરંગદલ; ને હ્યાં ચન્દ્ર જે રેલતો
તે આંદોલિત બિંબ પાય લગ શું સોપાનમાલા રચે,
જેને આશ્રય દૂર દૂર સરતો, ધીરે હું આરોહતો;
જોઉં પાછળ તાજ, તેજટપકું, ના નેત્રને આંજતો;
જાણે અંતિમ શ્વાસ મૃત્યુસમયે ત્યાં ગ્રીન્સનું જાઝ તો;
લાગે ચિત્રવિચિત્ર આજ લગ જે સૌની પરે મોહતો;
એનું વાસ્તવ સ્વપ્નલોક સરખું લાગે અને વિસ્મરું;
પાછો દેશવટા પછી નિજ ગૃહે, આ ચન્દ્રલોકે ફરું.