પ્રવાલદ્વીપ/ચર્ચગેટથી લોકલમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચર્ચગેટથી લોકલમાં

પ્લૅટફૉર્મ ચર્ચગેટ,
હોય શું ન કોઈ બેટ;
ચારકોર કાચકાંકરેટલોહનો સમુદ્ર,
મધ્યમાં અતીવ ક્ષુદ્ર
હોય શું ન કોઈ બેટ,
પ્લૅટફૉર્મ ચર્ચગેટ.

ના, તૂફાનનાં ન ચિહ્ન તો હતાં,
ન ટાઇમ્સમાંય વાયુવર્તમાન ને છતાં
અનેક જ્હાજકાફલા થયા અલોપ
(કુદરતે કર્યો ન કોપ);
આ વિશે ન શબ્દ એકબેય ઇવનિંગ ન્યૂઝમાં છપાય,
રેડિયોબુલેટિનેય નહીં અપાય.
ન બૂમ કે ન ચીસ,
હા, બધા મુસાફરો સજીવ, હ્યાં તણાય;
એકમાત્ર આપણો જ જીવ જાય જો બચી–
બધા જ ચિંતવી રહ્યા જણાય;
દૂર કોઈ લાઇફબોટ? એકમેકને દિયે છ ભીંસ,
ભીડ શી મચી!

Next Train અઢાર–સત્તરે,
ઘડી વિશે કલાક ને મિનિટ બેઉ કાંટ છે સ્થિર,
બધાં જ ચક્ષુ એમનાં સમાં, ઠરંત ત્યાં જ સત્વરે;
ઘડી બીજી વિશે ફરંત કાંટ, ને થયા અઢાર–પંદર,
બધાં જ ચર્ણ એમનાં સમાં, ચલંત તાલમાં;
અહીં શું ભેદ બેઉ કાળ (વર્તમાન ને અનંત)નો છતો થતો ન દૃષ્ટિ, ચાલમાં?
ઇન્ડિકેટરે લખ્યું છ  : Next Train  : વાંદરા–વિરાર;
Stopping At All Stations, થોભશે જ વારવાર;
કિંતુ આપણે ન થોભવું, ન શોચવું,
ઘરે જ જેમતેમ પ્હોંચવું;
વિરાર? વાંદરા?
શું પ્હોંચવું ઘરે જ પાધરા?
ઘરે? અરે, ઝગંત નેત્રમાંહી માત્ર ઝાંઝવાં  :
ઘરે નહીં, મરુસ્થલે,
જહીં અનેક નીંદડૂબ બાળના નિસાસના
ઘૂમંત ચંડવાત, નિત્ય દાઝવાં;
જહીં અનેક નારની અતૃપ્ત વાસના
સદાય તપ્ત વેળુ શી જલે.

અચિંતવી જ ટ્રેન પૂરવેગમાં ધસે,
વિલોલ લોલ ડોલતી, હિલોલતી,
કિલોલ બોલ બોલતી,
શું વેદની ઋચા ઉચારતી?
અરણ્યગાયકો સમી ધરંત ધ્યાનમંત્ર ઓમ્?
કે ભરંત ફાળ, દિગ્દિગંતમાં કરંત અટ્ટહાસ્ય, કાળ શી હસે?
સમુદ્ર એક કોર, એક કોર કબ્રભોમ,
બેઉનેય ડારતી
(સ્વયં નહીં જીવંત કે નહીં મૃત);
સમુદ્રના તરંગને ન એહનો લય દ્રુત;
ન કબ્રને છ એહની વિશાળતા, ગતિ;
મુસાફરો સમી જ મૃત્યુ-જિંદગી વચે પસાર થૈ જતી.
મુસાફરો, અસંખ્ય આ મુસાફરો,
શું ટ્રેનને ચડ્યો ન હોય આફરો!
નટો સમાન વેશ શો કરે, ધરે મુખે સુરમ્ય મ્હોરું હાસ્યનું,
રસાર્દ્ર, ભાવઊર્મિરંગરાગપૂર્ણ, હોય શું ન એ જ
અસ્લ રૂપ આસ્યનું!
જરીક નેત્ર નેત્રમાં ઢળે, જરી લળે,
જરી હળેમળે, જરીક વાતમાં વળે —
પરંતુ એક આંચકો, અને ક્ષણેકમાં જ ભ્રાંતિ નષ્ટ થાય;
સ્તબ્ધ મૂઢ સર્વને મુખે અપાર શૂન્યતા,
અગમ્ય ભાવિના ભયે ઉરે અકલ્પ્ય ન્યૂનતા,
બધું જ સ્પષ્ટ થાય;
નેત્ર ખૂલતાં...

હું જોઉં  : પ્લૅટફૉર્મ ગ્રાન્ટરોડ. ક્યાં સરી ગયો?
અહીં હું? ક્યાં જવું હતું? હું વિસ્મરી ગયો!