પ્રવીણસિંહ ચાવડા/૩. ચાકરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩. ચાકરી

તાલીમ પૂરી કર્યા પછી મિહિરને પહેલી નોકરી દૂર ખૂણામાં ડુંગરો વચ્ચે આવેલા એક નાના ગામમાં મળી. એક પેટી અને બિસ્તરો લઈને મીટરગેજ લાઈનના નાના સ્ટેશને ઉતર્યો ત્યારે ચટપટાવાળો લેંઘો અને માથે લૂંગી જેવું કપડું વીંટેલો એક માણસ હાજર હતો. સલામ કરીને એણે સામાન ઉપાડ્યો અને આગળ ચાલતાં પોતાની ઓળખાણ આપી. ‘મારું નામ ઉસ્માન.’ ગામ દોઢેક માઈલ દૂર હતું. છેવાડાના એક ઘરમાં સામાન ઉતારતાં એણે કહ્યું, ‘સરકારી મકાન નથી, પણ આને સરકારી જેવું જ સમજો ને! ઑફિસ શરૂ થઈ ત્યારથી બધા સાહેબો આ જ મકાનમાં રહ્યા છે. ચંપાવતસાહેબ ગયા શનિવારે જ ખાલી કરીને ગયા.’ થોડી વિચિત્ર જગ્યા હતી. ગામના છેવાડે એક મોટા ખેતરમાં એક ઑઇલ મિલ બંધ હાલતમાં પડેલી હતી. એના કમ્પાઉન્ડમાં આ રહેણાંકનું મકાન હતું. મિલ તો દસ વર્ષ પહેલાં બંધ થઈ ગઈ હતી અને એની મશીનરી વેચાઈ ગઈ હતી. મૂળ મકાન ઓઇલ મિલની ઑફિસનું હશે. ચાર મોટા મોટા સમચોરસ ઓરડાઓમાં થોડાક ફેરફાર કરી ઑફિસ, બેઠકખંડ અને રસોડાની રચના કરવામાં આવી હતી. મિહિર માટે દૂરના પ્રદેશમાં અજાણ્યાં માણસો વચ્ચે એકલા રહેવાનો આ પહેલો પ્રસંગ હતો. અહીંનાં ઝાડપાન અને હવા પણ એને જુદાં લાગ્યાં. બપોરે કલાક આરામ કર્યા પછી એણે સામાન છોડ્યો. પેટીમાં અને બિસ્તરામાં થોડાંક કપડાં અને જરૂરી વાસણો હતાં. આ બધું બાએ બાંધી દીધું હતું. બે નાની તપેલીઓ, થાળી-વાડકી, સાણસી, ગળણી અને જર્મન સિલ્વરનાં કપરકાબી ઉપરાંત બાર-પંદર નાનીમોટી ચોપડીઓ. આ બધું એને આવડ્યું એ રીતે ગોઠવ્યું. ખાટલો બારી પાસે ખસેડ્યો. ટેબલ-ખુરશી પૂર્વ તરફની બારી પાસે ગાય્યાં. ભીંતો ઉપર થોડાંક કેલેન્ડરો લટકતાં હતાં તે વાળીને માળિયામાં નાખ્યાં. સાંજે બહાર બેસીને વાંચતો હતો ત્યાં ઉસ્માન આવ્યો. એની પાછળ એક સ્ત્રી ઝડપથી ચાલતી આવી અને મિહિર સામે સહેજ નજર કરીને સીધી ઘરમાં ચાલી ગઈ. ઉસ્માને ફોડ પાડ્યો – ‘ઉગમ, બે ટાઇમ રસોઈ અને કપડાં-વાસણ કરી જશે.’ પછી એણે પાછળની ઓસરીમાંથી મોટરસાઇકલ બહાર કાઢીને કમ્પાઉન્ડમાં મિહિરથી છેટે ઊભી કરીને બરાબર સાફ કરી અને કિક મારીને ચાલુ કરી, સલામ મારીને બોલ્યો, ‘આપનો ઘોડો તૈયાર, સાહેબ!’

જંગલખાતાની નોકરી અને ચોપડીઓનું વાચન આ બે વિરુદ્ધ પ્રવૃત્તિઓ વચ્ચે મિહિર ઝૂલવા લાગ્યો. આ વ્યસ્તતા ઘણી જરૂરી હતી. ઘર અને ઘેર એકલી રહેતી બાની યાદ ખૂબ આવતી હતી. જેના અસ્તિત્વની ક્યારેય નોંધ નહોતી લીધી – પિતાજીનો હીંચકો, ત્રીજા માળે પડી રહેતી હાર્મોનિયમની પેટી, ઘરની પાછળની નાની કૂઈ – એ બધું સતત યાદ આવતાં અચાનક આંખો બળવા માંડતી અને મોં ખારુંખારું થઈ જતું. ક્યારેક કામ ન હોય તો પણ એ સવારે મોટરસાઇકલ લઈને ધમધમ કરતો બહાર નીકળી જતો અને જંગલમાં રખડીને મોડી રાત્રે પાછો આવતો. પછી ઘર બહાર ખુરશી નાખીને મોડે સુધી વાંચ્યા કરતો. આમ છતાં સરખી ભૂખ લાગતી નહોતી. થાળી ઉપર બેસવાની રુચિ જ થતી નહોતી. રોટલીના બે-ત્રણ ડૂચા શાક અને દાળમાં આઘાપાછા કરી. જેમતેમ ગળે ઉતારી, એ ઊભો થઈ જતો. થોડાક દિવસ પછી રાત્રે નાહીને એ જમવા બેઠો ત્યારે ઉગમ આવીને રસોડાનાં બારણા પાસે ઊભી રહી અને ધીમેથી બોલી, ‘મને રજા આપો, સાહેબ.’ કોળિયો હાથમાં રાખીને મિહિરે નવાઈથી ઊંચે જોયું, ‘કેમ?’ ‘કોઈના હાથનું રાંધેલું ન ભાવતું હોય તો નકામો જાત પર જુલમ શા માટે કરવો? ઉસ્માનને કહી દેજો, કોક બામણને પકડી લાવશે.’ આટલા દિવસ એણે આ સ્ત્રીને લગભગ જોઈ જ નહોતી. એ આવીને સીધી રસોડામાં ચાલી જતી. વળી, મોટે ભાગે તો એ આવે ત્યારે મિહિર બહાર હોય. ઘરની બીજી ચાવી એની પાસે રહેતી. રસોઈ કરી, ઘર અને આંગણું સાફ કરી, ધોયેલાં લૂગડાં વાળીને એ ચાલી જતી. મિહિરને પણ ઊંચું જોવાની ટેવ નહોતી. ક્યારેક ચોપડી વાંચતાં વાંચતાં આંખના ખૂણેથી સાડલાનો છેડો દેખાઈ જતો એટલું જ. એણે થોથવાતાં કહ્યું, ‘ના, ના. રસોઈ તો ખૂબ સારી થાય છે...’ ‘એક વાત પૂછું સાહેબ?’ ‘હા.’ ‘ઘર સાંભરતું હશે, નહિ?’ એ સાથે મિહિરના હાથનો કોળિયો પાછો થાળીમાં મુકાઈ ગયો. ઉગમ રસોડાના બારણા વચ્ચે જ ઊભા પગે બેસી ગઈ. ‘એમ મનમાં ઓછું ન લાવીએ સાહેબ. અજાણી ધરતી અને અજાણ્યું લોક એટલે થોડુંક વસમું લાગે પણ મન મક્કમ રાખવું, રોટલો રળવા પરદેશ વેઠવો પડે.’ પછી તો જમતાં જમતાં એ વાતો કર્યે ગયો. પિતાજી ચાર વર્ષનો મૂકીને દેવ થઈ ગયા હતા. બહેન મોટાં છે તે પરણાવ્યાં છે. ઘેર વિધવા બા એકલી છે. ‘બહેનનું નામ શું?’ ‘સોના.’ ‘વાહ, કેવું રૂપાળું નામ છે! સાંભળીએ અને કાનમાં ઘંટડીઓ વાગે. બનેવી?’ ‘રશ્મિકાંત.’ ‘સોનાબહેને કંઈ વસ્તાર?’ ‘એક બાબો છે – અઢી વર્ષનો.’ ‘શું નામ ભાણેજનું?’ ‘વિશ્વજિત.’ ‘ઓહો, બોલીએ અને મોઢું ભરાઈ જાય!’ અચાનક મિહિરને લાગ્યું જાણે આ બધાંના હાસ્યથી ખાલી ઘર ભરાઈ ગયું છે. એ દિવસે ખબર ન પડી અને થાળી સાફ થઈ ગઈ. એ ‘ના ના’ કરતો રહ્યો અને ઉગમે એક પછી એક ત્રણ ફૂલકા એની થાળીમાં મૂકી દીધા. અજવાળિયું હતું. જમીને મિહિર ખેતરોના રસ્તે દૂર સુધી ચાલવા ગયો. મોડેથી પાછા આવીને ચોપડી ઉઘાડી નહિ. ખાટલામાં પડ્યો અને ખુલ્લા આકાશ નીચે ઊંઘ આવી ગઈ. સવારે જાગ્યો ત્યારે ઉગમ હાજર હતી. ચાનો કપ આપતાં એણે પૂછ્યું, ‘નીંદર આવી ગઈ હતી ને, સાહેબ?’ મોં ધોઈ ચાનો કપ લઈને મિહિર બહાર બેઠો. અહીં આટલાં ઝાડ હતાં અને એના પર આટલાં પંખી આવતાં હતાં એની આજે જ ખબર પડી. પગથિયાં ઉપર એક ખાલી વાડકી પડી હતી. ઉગમે દાણા નાખ્યા હતા અને બેચાર કાબરો, થોડાક હચોલા અને અસંખ્ય ચકલીઓ ચણતાં હતાં. એક મોર ગૌરવભરી ચાલે આમતેમ ઢળકતો હતો. આઘે વળગણી પર લૂગડાં સૂકવતી ઉગમ એની સામે જોઈ રહી છે એની એને ખબર નહોતી. હવે ચોપડીઓ એને સ્પષ્ટ સમજાવા લાગી. ચોપડીઓનાં પાત્રો છૂટાં થઈ ગયાં. વાર્તાઓમાંની સ્ત્રીઓ હઠ કરતી, રમૂજ કરતી એની આજુબાજુ આંખોના ઉલાળા કરકતી રૂમઝૂમ ફરવા લાગી. આ પછી એક અજાણ્યા પ્રદેશમાં મા વગર રહેતા આ દીકરાને એક અજાણી સ્ત્રી પર હક થવા લાગ્યો. વસ્તુઓ ઘરમાં આમતેમ આડીઅવળી ફેંકાવા લાગી. હુકમો થવા લાગ્યા. બ્રશ, ટુવાલ, ગડી કરેલાં કપડાં, ચળકતા બૂટ, આદુવાળી ચા, ધોઈ, સાફ કરી, શાહી ભરેલી પેન – આ બધું હાજર થઈ જવા લાગ્યું. ચોપડીઓ એ આડીઅવળી મૂકે તે રોજ સવારે કબાટમાં ગોઠવાઈ જતી. રસોડું, આંગણું બધું કંચન જેવું રહેતું હતું. મહિને એકાદ-બે વાર જિલ્લાની કચેરીમાં જવાનું થતું ત્યારે બીજા દિવસે રાતના નવની ટ્રેનમાં એ પાછો આવતો. આમ પણ જંગલમાંથી રાત્રે આવતાં મોડું થઈ જતું ઘેર પહોંચે ત્યારે ઉગમ હાજર હોય. એને જમાડ્યા પછી ઢાંકોઢૂબો કરીને જ એ જતી. થોડાક વકથ પછી કોઈ સ્પષ્ટ કરાણ વગર ઘરના વાતાવરણમાં એક પ્રકારનો મૂંઝારો વર્તાવા લાગ્યો. મિહિર સવારે ઊઠે અને ઉગમ હાજર ન હોય તો ઘરની આજુબાજુ બે-ત્રણ આંટા મારી, ચા પીધા વિના, કામ ન હોય તોપણ એ મોટરસાઇકલ ચાલુ કરીને નીકળી પડો. રાત્રે આવે ત્યારે પણ બેચેની ઘટી ન હોય અને મોં ઊતરી ગયું હોય. ઉગમ કંઈક કામ લઈ આંગણામાં બેઠેલી હોય એની સામે જોયા વગર બારણાં પછાડતો અંદર ચાલ્યો જાય અને બાથરૂમનું બારણું બંધ કરીને ઠંડા પાણીએ નાહી લે. બારણાં બહાર ઉગમ વલવલતી હયો – ‘બે ઘડી ઠેરવું હતું ને! આ ઉનું પાણી મૂક્યું છે ચૂલા ઉપર.’ જૂના સાડલામાં વીંટાયેલી એ પાતળી શ્યામ કાયા એ ઘર અને એની આજુબાજુની હવાને પોતાની હૂંફાળી બાથમાં લઈને સતત ફર્યા રતી હતી. ‘આ ચોપડી આમ નંખાય? ચોપડી તો વિદ્યા કહેવાય’ કહી ચોપડીઓ સરખી મૂકતી. ‘પાણી આમ ઘટઘટ પી ન જવાય. કોઈ વાંસે પડ્યું છે? અથરકું જાય.’ કોઈ વાર મિહિરને મોડે સુધી ઊંઘ ન આવી હોય અને સવારે આંખો લાલ હોય તો કહે, ‘નીંદર કેમ ન આવે? રૂપાળા ડાબા પડખે સૂઈ, રામનું નામ લઈએ એટલે વહેલું વાય વહાણું.’ એક દિવસે મિહિરને શહેરથી આવતાં મોડું થઈ ગયું. ટ્રેન થોડીક મોડી હતી. એટલે ઘેર પહોંચતા દસેક વાગી ગયા. બહાર બત્તી બળતી હતી અને ઘરને તાળું હતું. ઘર ઉઘાડી, કપડાં બદલીને એ પથારીમાં પડ્યો. ટેબલ ઉપર ઢાંકીને મૂકેલી થાળીની સામે પણ જોયું નહીં. એ રાતે ખેતર વચ્ચેનું આ ઘર એને ખૂબ ખૂબ ખાલી લાગ્યું. સવારે અજવાળું થતું હતું ત્યાં એ મોટરસાઇકલ લઈને બહાર નીકળી પડ્યો. મોટરસાઇકલના ભખ્‌ભખ્‌ અવાજને આજુબાજુનાં ઝાડવાં ઉપરના મોરે ‘ટેહુક્‌.. ટેહુક’ કહીને જવાબ આપ્યો. મિહિર ઝાંપામાંથી બહાર નીકળતો હતો ત્યાં જ હાંફળીફાંફળી આવતી ઉગમ દેખાઈ. એનો ઊંચો થયેલો હાથ દેખાયો. પણ મિહિરે ઝડપથી મોટરસાઇકલ જંગલના રસ્તે મારી મૂકી. રાત્રે ઘેર ગયો ત્યારે ઓશિયાળી ઓશિયાળી ઉગમ બારણામાં ઊભી હતી. મિહિરને જોતાં જ એ બોલવા લાગી, ‘ભઈસાબ, મારે ઘેર મહેમાન આવી ગયા એટલે વહેલા જવું પડ્યું.’ પણ એણે ઉગમની સામે જોયુંય નહિ. નાહીને નીકળ્યો ત્યારે ઉગમ થાળી પાસે બેઠી હતી. તિરસ્કારથી એની સામે જોઈને મિહિરે ધીમેથી કહ્યું, ‘તું જા. હું જમી લઈશ.’ બહુ વાર એમ બેસી રહીને છેવટે ઉગમ ધીમેધીમે ત્યાંથી ચાલી ગઈ. એ જમ્યા વગર પથારીમાં પડ્યો. ઊંઘ આવી નહીં. શું થયું હતું? એ આમ કેમ કરતો હતો? કેમ થતું હતું એ ધમધમ મોટરસાઇકલ ક્યાંક ઝાડ ઉપર ચઢાવી દે? બીજા દિવસે સવારે એણે ચા પણ ન પીધી. બપોરે જમ્યો નહિ. ઉગમે બીતાં બીતાં અનેક વાર જમવાનું કહ્યું પણ એણે ચોપડીમાંથી ઊંચું જોયું નહિ. છેવટે જતાં જતાં ઉગમ આટલું બોલી, ‘વાંક હોય તો સોટી લઈને વાંસામાં ઝૂડો એટલે મનને શાતા થાય પણ આમ પંડ ઉપર શીદ જુલમ કરો છો? અને તમે માનો છો કે તમે અહીં લાંઘણ કરો અને આ ઉગમડી ઘરે જઈને ગળચતી હશે?’ બે દિવસ પછી પગમાં મોટરસાઇકલ ચલાવવાની તાકાત રહી નહોતી. એ ચોપડી લઈને અંદર ઓરડામાં પડ્યો રહેતો હતો. શું થયું હતું? શું જોઈતું હતું? જાણે દુનિયામાં કોઈ ચીજ નહોતી, કોઈ માણસ નહોતું, એક આ સ્ત્રી જ હતી અને તે એક મહાવ્યથા બનીને એની આજુબાજુ વીંટળાઈ વળી હતી. એને ચારે બાજુથી ભીંસી રહી હતી. એને એ પણ ખબર હતી કે એની સાથે ઉગમે પણ ખાવાનું બંધ કરી દીધું હતું. એનું મોં સાવ ફિક્કું પડી ગયું હતું અને ગાલ-હોઠ સુકાઈ ગયા હતા. અવાજ થોડોક ભારે થઈ ગયો હતો. છતાં બે વાર આવીને કામ કરતી જતી. આગલા ટંકનું રાંધેલું પડ્યું હોય તે કૂતરાને નાખી નવું રાંધી દેતી. ઘરમાં ચાલતાં એના પગ ઘસડાતા હતા તે મિહિર સાંભળતો. ચોથી રાત્રે કામ પતાવીને જતાં ઉગમ મિહિરના ઓરડાના બારણે આવીને ઊભી રહી. મિહિરે માથું ભીંત તરફ કરી લીધું. થોડી વારે એક સૂકો હાથ એના કપાળે મૂકાયો અને એ ધ્રૂજી ઉઠ્યો. ‘શરીર તાવથી ધખે છે. મારા કયા જન્મના વેરી થઈને આવ્યા છો એ કહેશો? આટઆટલી ચાકરી કરી, જાત કરતાં વધારે કરીને રાખ્યા. માથાના વાળ પગે ઘસ્યા –’ એ સાથે મિહિર ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. થોડીવાર ઉગમ એના વાંસે અને માથે હાથ ફેરવતી રહી. પછી ઊભા થઈને એણે બત્તી બંધ કરી અને મિહિરની પાસે જઈને સૂઈ ગઈ. એ પછીના દિવસોમાં મિહિરને સમજાયું કે ઘરની આજુબાજુનાં ઝાડ, એની ઉપર ઉડાઉડ કરતાં પંખીઓ, હવા, થોડે આઘે વહેતી નદી અને રાત્રે આ બધાંને પોતાનામાં સમાવી લેતું અંધારું – આ બધું બીજું કંઈ નહિ, ઉગમ જ હતું. ઉગમના આ જુદા જુદા લયોને એ પરમ આશ્ચર્યથી જોતો. અર્ધમૂર્છિત અવસ્થામાં જીવતો હતો. તેવામાં સરકારમાંથી એની બદલીનો આદેશ આવ્યો. એની બદલી જૂનાગઢ થઈ હતી અને એની જગ્યાએ મહેન્દ્ર સોરઠિયા નામના માણસની નિમણૂક થઈ હતી. આ મહેન્દ્ર સોરઠિયા તાલીમ દરમિયાન રાજપીપળામાં એની સાથે હતો. લાંબા વાળ રાખતો, ગલોફામાં હંમેશા તમાકુ ભરી રાખતો અને વાતવાતમાં એક આંખ ઝીણી કરવાની ટેવ હતી. મિહિરને આ પ્રકારના માણસો તરફ અણગમો હતો. બદલીના સમાચારની સાથે જ એની અને ઉગમની વચ્ચે કોણ જાણે શું થયું કે બોલવાનું જ લગભગ બંધ થઈ ગયું. એ ઉગમની સામે જોઈ શકતો નહોતો અને ગુનેગારની જેમ આઘોઆઘો ફરતો રહેતો. સાણસી અને ખાંડ-ચાના ડબ્બા જેવી વસ્તુઓ પણ દયામણી નજરે એની સામે તાકી રહી હોય એવું મિહિરને લાગતું હતું. આ બધાંની સ્વામિની સૂકા ચહેરે અને ખાલી આંખે કારણ વગર એક ઓરડામાંથી બીજામાં ભટકતી હતી. જવાના દિવસો સામાન બાંધ્યા પછી થોડીવાર બન્ને એકબીજાથી દૂર ઊભાં રહ્યાં. પછી ઉગમે કહ્યું, ‘જૂનાગઢ હાજર થઈ એક વાર ઊભાં ઊભાં સોનાબહેનના ખબર કાઢી આવજો. ભગવાને આટલી વ્યવહારની સમજ આપી છે કે નહિ એ મને ખબર નથી.’ પછી એ ચાલી ગઈ. બપોર પછી નીકળવાના સમયે ખૂબ રાહ જોઈ પણ એ આવી નહિ. એ જ પેટી અને એ જ બિસ્તરો – વરસ પહેલાં આવ્યાં હતાં એવાં જ તૈયાર થઈને મોટા ઓરડાની વચ્ચે કુતૂહલથી એની સામે જોતાં પડ્યાં હતાં. બહાર ઉસ્માન ઉતાવળ કરતો હતો. ખાલી મકાનમાં બિસ્તરા આગળ ઘૂંટણે પડીને એ નાના છોકરાની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો. થોડી વાર પછી મોં ધોઈને બહાર નીકળી ગયો. સ્ટેશને મિહિર અને ઉસ્માન સામસામે ઊભા હતા. સિગ્નલ પડી ગયો હતો. ટ્રેન આવવાની તૈયારી હતી. એણે ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. ‘ઉસ્માન –’ ‘જી, સાહેબ.’ ‘આ રાખ.’ એણે સોની એક નોટ એના હાથમાં મૂકી. ‘છોકરાં માટે ખાવાનું લઈ જજે.’ પછી બીજી પાંચ નોટો એના હાથમાં મૂકતાં કહ્યું, ‘આ એને આપજે.’ ઉસ્માન ખુશ થઈ ગયો. ‘આપી દઈશ, સાહેબ. આપની ચાકરી બહુ કરી, સાહેબ. બહુ લાયક બાઈ છે. આપની પહેલાં ચંપાવત સાહેબની પણ ખૂબ ચાકરી કરી હતી.’ ત્યાં ધમધમ કરતી ટ્રેન પ્લૅટફોર્મમાં દાખલ થઈ. ઉસ્માન સામાન ઊંચકીને દોડ્યો. બે-પાંચ ક્ષણ મિહિરની ભટકતી આંખો સામેનાં ખેતરો અને આકાશમાં કંઈક શોધતી રહી. એક વાર, એક વાર એ ચહેરો જોવા મળી જાય – તો પોતે એને તપાસે. એની એક એક રેખા ફરી એક વાર જોઈ જાય. ત્યાં ટ્રેન ઊપડી.