પ્રવીણસિંહ ચાવડા/૫. બદામી રંગનો કોટ અને છત્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫. બદામી રંગનો કોટ અને છત્રી

કીર્તિ રસોડામાં હતી. દાળનો વઘાર થઈ ગયો હતો અને કણક બંધાતી હતી. એની શૈલી પ્રમાણે કીર્તિ એકધારું રસોડામાં પાંચદસ મિનિટથી વધારે ટકી શકતી નહીં. કમરે સાડીનો છેડો ખોસી શાક સમારવું કે વઘાર કરવો એવું એકાદ કામ પતાવી આગળના ખંડમાં આંટો મારી આવતી. અડધો કપ ચા જિતેન પાસેથી ભાગ પડાવીને પી લેતી અને છાપાના આગલા-પાછલા પાને ઝડપથી નજર નાખી લેતી. એને ખબર હતી – સવારે સ્ફૂર્તિ સાથે ઘરમાં બધે ફરતો આ આકાર જિતેનને ખૂબ ગમતો હતો. કંઈક રકઝક જેવું સંભળાયું એટલે હાથમાં ચપ્પુ અને ટામેટા સાથે રસોડાના બારણા આગળ જઈને ઊભી રહી. કોઈ મળવા આવ્યું હતું એટલી ખબર તો હતી. એણે ચાનું પાણી પણ મૂકી દીધું હતું. વરંડામાંથી જિતેનનો દબાયેલો છતાં મજબૂત અવાજ સંભળાતો હતો પણ કંઈ દેખાતું નહોતું. એ ખસીને સોફા પાસે ગઈ અને બારીમાંથી જોયું. પેલા માણસે બદામી જેવા રંગનો જૂનો કોટ પહેરેલો હતો અને ધીમેથી, ખૂબ વિવેકપૂર્વક કંઈક વાત કરતો હતો. જિતેન એના ખભે હાથ મૂકી મક્કમતાથી એને વરંડાના ઝાંપા તરફ જવા સમજાવી રહ્યો હતો. કીર્તિ બારીના સળિયામાંથી આ જોતી ઊભી રહી ગઈ. મોં સ્પષ્ટ દેખાતું નહોતું. એક જ વાર દેખાઈને એ ચહેરો જિતેનના વિશાળ ખભા પાછળ જતો રહ્યો હતો. કોટની ચાળ દેખાતી હતી અને છત્રી. એને થયું કંઈક કરે. કંઈક કહે જિતેનને, ત્યાં કૂકરની સીટી વાગી એટલે રસોડામાં દોડી ગઈ. ગેસ બંધ કરી બહાર આવી ત્યારે જિતેન બારણું બંધ કરતાં એની સામે જોઈ ધીમું ધીમું હસતો હતો. ‘કોણ હતું? ‘હતો એક’ ‘પણ મેં તો ચા મૂકી હતી –’ એનો જવાબ જિતેને આપ્યો નહીં. સોફા ઉપર બેસીને છાપું હાથમાં લીધું. આમ કોઈને ધક્કા મારીને કઢાય?’ ‘ધક્કાં ક્યાં મારતો હતો? હું તો હળવેથી સમજાવતો હતો.’ એ રસોડામાં ગઈ. ફ્રિજ ઉઘાડીને પાણી કાઢ્યું. થોડુંક પીધું, બાકીનું ઢોળી દીધું. ત્યાં હાથમાં છાપા સાથે જિતેન અંદર આવ્યો. દલવાડી નહોતો, એક આપણી ઑફિસમાં? અત્યારે તો સુરેન્દ્રનગર છે. આ એનો કોઈ ઓળખીતો છે. પૈસા માગવા આવ્યો હતો. ‘શાના પૈસા?’ ‘લે! શાના પૈસા એટલે? લુખ્ખો માણસ છે. પહેલાં પણ બેત્રણ વાર ઑફિસે આવીને લઈ ગયો છે.’ ‘કેટલા માગ્યા હતા?’ ‘શરૂઆત પાંચસોથી કરી હતી. છેવટે વીસ સુધી આવ્યો હતો.’ એ નવાઈથી જિતેનની સામે જોઈ રહી. ‘તે તમે વીસ રૂપિયાની ના પાડી?’ ‘આ વીસ રૂપિયાની વાત નથી. સિદ્ધાંતનો પ્રશ્ન છે.’ બીજો પ્રસંગ હોત તો એણે જિતેન સાથે માથાકૂટ કરી હોત, એના આ સિદ્ધાંતો ઉપર કટાક્ષો પણ કર્યા હોત, પણ આજે ખૂબ નવાઈથી એની સામે જોઈ રહી મોં ફેરવી લીધું. ‘તમે નાહી લેજો ઝટ. જમવાનું તૈયાર છે.’ રોટલી બનાવતાં આ ભૂલવાનો પ્રયત્ન કર્યો. પણ એક વાત મનમાંથી ખસતી નહોતી. બદામી રંગનો કોટ અને છત્રી. એને થતું હતું – આમ કેમ હશે? આ જરૂરી હશે? જૂનો કોટ, છત્રી, વધેલી દાઢી... ટચલી આંગળી તવીને અડકી ગઈ. તરત નળ ચાલુ કરીને નીચે હાથ તો ધરી દીધો પણ આંખોમાં પાણી આવી ગયાં. જિતેનના બૂટનો અવાજ દાદર ઉપર સંભળાયો અને થાળી લઈને બહાર નીકળી એ સાથે એક નવું વહાલ જિતેન માટે આવ્યું. આ એક વાત એને સમજાતી નહોતી. સવારે લેંઘા-ઝભ્ભામાં ફેંદાયેલા વાળ સાથે છાપું વાંચતો જિતેન અને નાહ્યા પછી તૈયાર થઈ જમવા બેસતો જિતેન. આમ તો કંઈ ટાપટીપ નહોતી. હંમેશાં ઘેરા રંગનું પાટલૂન અને આછા રંગનું શર્ટ, બાંય થોડીક વાળેલી. આટલી વાતમાં માણસના દેખાવમાં આટલું બધું પરિવર્તન થઈ જાય? અંદર વહાલ આવે, કંઈક ઝીણું બળે, ઊભરાઈ જવાય એટલો આ માણસ રૂપાળો લાગતો હતો. રૂપાળો અને જુદો. થોડોક અપરિચિત. એનું હાસ્ય પણ અજાણ્યું લાગે. જાણે કપડાં પહેરી ઑફિસે જવા તૈયાર થયો એટલે એનો એક પગ ઘર સિવાયની બીજી દુનિયામાં ચાલ્યો ગયો. આજે વિશેષ વહાલ આવી ગયું. હાથ લંબાવીને માથાના વાળ ફેંદી નાખવાનું મન થયું. ફોડલાવાળા હાથે. જમવાનું શરૂ કરતાં જ જિતેનનું ધ્યાન ગયું. એકદમ હાથ પકડી લઈ પૂછ્યું. ‘આ શું થયું?’ ‘તમારી લાય.’ હળવેથી જિતેને આંગળીનો એ રતુંબડો ભાગ મોંમાં લઈ લીધો. આખા શરીરમાં ફરી વળતી ગણઝણાટી સાથે કીર્તિને હાશ થઈ. મન ઉફરું ઉફરું હતું તે હેઠું બેઠું. જિતેનના ગયા પછી બમણી તાકાતથી એ ઘરના કામમાં મંડી રહી. એનું ઘર છે. ચારે બાજુ અંધારું છે. ઘરની બહાર તરત જ ઝાડીમાં આકારો ઊભા છે. એ હાથ લંબાવે છે. લોહીવાળી આંખો ફાડીફાડીને એની સામે તાકી રહ્યા છે. – ના ભાઈ. ના. તમે જાઓ

બીજી વાર જે બન્યું એની તો એ પૂરેપૂરી સાક્ષી હતી. રાતના દસેક વાગ્યા હતા. ટીવી બંધ કરીને બંને સૂવાની તૈયારી કરતાં હતાં. જિતેન પગ લાંબા કરીને કોઈ ચોપડી જોતો હતો. એ ટેબલ સરખું કરતી હતી. બેલ વાગ્યો ત્યારે બારણું પણ એણે જ ઉઘાડ્યું અને એ સાથે ઠંડા પવનનો એક સપાટો આવ્યો. જિતેને પૂછ્યું, ‘કોણ છે?’ એ પાછી હટી ગઈ, જઈને ડાઇનિંગ ટેબલ પાસે બેસી ગઈ. જિતેને પરાણે કહ્યું, ‘આવો!’ ‘નમસ્તે સાહેબ. નમસ્તે બહેન.’ છત્રી બારણા સાથે અને પછી ટીવીના બૉક્સ સાથે અથડાઈ. એ આવીને ખુરશીના છેડા ઉપર બેસી ગયો. ‘સારું થયું સાહેબ મળી ગયા, નહીં તો મારે તો મારીને ઉપાધિ જ થવાની હતી!’ જિતેનની અને કીર્તિની નજર મળી. જિતેનનો સંદેશો બહુ સ્પષ્ટ હતો – ના, ઊભા થવાની જરૂર નથી. ચા-પાણી કંઈ નથી કરવા, બેસ તે દિવસે દયા ઊભરાઈ જતી હતી ને? હવે થાય તે નાટક જો. જિતેને હસીને કંઈક ઊંચા અવાજે પૂછ્યું, ‘શું કાકા, મજામાં?’ ‘આપણે શું દુઃખ હોય!’ ‘અત્યારે કેમ ઊતરી પડ્યા?’ ‘એ જ તો કહું છું. બધું બસસ્ટેન્ડ પર મૂકીને આવ્યો છું. ટ્રાફિક કન્ટ્રોલર ઓળખીતો નીકળ્યો... કહે, શેઠ તમતમારે મૂકીને જાઓ’ ‘શું મૂકીને આવ્યા?’ ‘માતાનો મુગટ?’ ‘મુગટ?’ ટ્રસ્ટીઓને બધાને વિશ્વાસ ને? આવું કામ હોય એટલે સહુ આપણને યાદ કરે. કહે, બીજા કોઈનું કામ નહીં. અને આપણે એવું કે ધર્માદું કામ.’ જિતેને ઠાવકાઈથી કહ્યું, ‘એ ખરું, પણ અહીં કેમ પધરામણી કરી?’ ‘આ જુઓ! આ જુઓ!’ એ માણસ કોટ કાઢવા લાગ્યો એટલે જિતેન અડધો ઊભો થઈ ગયો. ‘એ કોટ રહેવા દો. કંઈ જોવું નથી. શું થયું એની વાત કરો.’ અહીં જિતેને કીર્તિ સામે જોયું. એ ઇશારો પણ સ્પષ્ટ હતો. આ ગંદકી એ ન જુએ તો સારું. એ ઊભી થઈ. રસોડામાં જતાં આટલું સંભળાયું : ‘ખિસ્સું કપાઈ ગયું!’ રસોડામાં કંઈ કામ નહોતું. થોડી વાર પ્લૅટફોર્મ પાસે ઊભી રહી ભગવાનના ફોટા સામે જોઈ રહી. પછી પાછળનું બારણું ઉઘાડીને ચોકડી પાસે ગઈ. કંઈ ખબર પડતી નહોતી. કોઈ રેખા પકડાતી નહોતી. આ માણસ તો ખભેથી વળી ગયેલો હતો. માથાના બધા વાળ ધોળા હતા. આંખો ચકળવકળ થતી હતી. બહારના અંધકારમાંથી નીકળીને એક ખરબચડો હાથ એના માથા ઉપર મુકાતો હતો. એ ઝડપથી પાછી ફરી. પાણીનો પ્યાલો લઈને આગળના ઓરડામાં પ્રવેશી ત્યારે લગભગ તે દિવસવાળું જ દૃશ્ય ભજવાઈ રહ્યું હતું. જિતેન પેલાના ખભે હાથ મૂકી એને બારણા તરફ ખસેડી રહ્યો હતો. છત્રી પગ પાસે અટવાતી હતી. ‘લો. પાણી પીઓ.’ બંનેની વચ્ચે પ્યાલો ધરીને એ ઊભી રહી. જિતેનની સામે જોયું પણ નહીં. પેલી આંખો એની ઉપર મંડાઈ. પછી પ્યાલો લઈને ગટગટ પી ગયો. પાણી પીવાની રીત પણ અણઘડ હતી. એમાં એક પ્રકારનો રઘવાટ હતો. ગટગટ અવાજ થયો, ખાસ્સું પાણી મોંની બે બાજુથી કોટ ઉપર ઉતર્યું, સુક્કા ગળા ઉપર ઊપસી આવેલી નસો ઉપરનીચે નાચ્યે ગઈ. ખાલી પ્યાલો પાછો આપતાં એણે દલીલનું નિશાન કીર્તિને બનાવી. ‘પચીસ-પચાસ રૂપિયા આપ્યા હોત તો શું જાત? બીજું કંઈ નહીં, ટિકિટ-ભાડું, પાંચ-દસ વધે તો કંઈ ખાઈ લઉં. આ તો ખિસ્સું કપાયું એટલે. અને આમે સાહેબ, ધર્માદું કામ છે, પુણ્ય થશે.’ ખાલી પ્યાલો લઈને એ પાછી ફરી ગઈ. આ બધી વાત દરમ્યાન એણે જિતેન સામે જોયું નહોતું. જોવું પણ નહોતું. પાણી લઈ એ બંનેની વચ્ચે જઈ ઊભી રહી એનો શો અર્થ થતો હતો એ જિતેને સમજવાનું હતું. એ ભાષા જિતેન સમજે છે. એણે સમજવી જોઈએ જ. જિતેન પેલાને વળાવીને આવ્યો ત્યારે એ પથારીમાં સૂઈ ગઈ હતી. પાસે લાંબા થતાં જિતેને કહ્યું, ‘આ બધા માણસોને તો આવું. રોજ કંઈ ને કંઈ તુક્કા. આજે વળી માતાજીનો મુગટ અને ખિસ્સું કપાવાની વાત આવી. દસવીસ રૂપિયાનો સવાલ નથી. પણ –’ મોં ફેરવી અંધારામાં એની સામે તાકતાં કીર્તિએ કહ્યું : ‘મેં તમને કંઈ કહ્યું? કહ્યું કે પૈસા આપવા જોઈતા હતા?’ બહુ ફરિયાદ નહોતી, પણ થતું હતું કે તપેલીમાં બપોરનો થોડોક ભાત પડ્યો હતો. રાતનું ભીંડાનું શાક એકાદ ચમચો વધ્યું હતું અને દોઢેક ભાખરી હતી. બધું ભેગું કરીને આપ્યું હોત તો રસોડાની પાછળ ઊભા પગે બેસીને ખાઈ લેત. જમણો હાથ ગાલ નીચે હતો. એની ઉપર ધીમે ધીમે આંખોમાંથી ટીપાં પડતાં હતાં. પાણી આપતા આ હાથને પેલા ખરબચડા હાથનો સહેજ સ્પર્શ થઈ ગયો હતો.

એ ઓટલા ઉપર બેઠી હતી. રાત પડવા આવી હતી અને ઘર સામે લીમડા ઉપર ખૂબ કાગડા બોલતા હતા. એને રડવું આવતું હતું અને ઊભા થઈને નાસી જવાનું મન થતું હતું પણ ઊભા થવાતું નહોતું અને બીક લાગતી હતી. ઓટલાની આજુબાજુ બધા છોકરા ઊભા હતા અને પાછળ આખી શેરીનાં બૈરાં. ફુગ્ગા વેચવા આવતો પેલો ડોસો પણ છેટે લીમડા નીચે ઊભો ઊભો દાંત કાઢતો હતો. એની સામે બેઠેલો માણસ તો આ બધું જોતો જ નહોતો. એકધારો હસતો હસતો એની આંખોમાં તાકી રહ્યો હતો. અને થેલીમાંથી કંઈક કંઈક કાઢીને એની સામે લંબાવતો હતો – લે, તારે માટે રમતિયું. રમકડાને કહેતો હતો. ‘રમતિયું’ - અને એ... ઘાઘરી-પોલકું. આ ઘૂઘરો... બધા ખૂબ હસતા હતા અને તાળીઓ પાડતા હતા. એને પણ સમજાતું હતું. હવે એ ઘૂઘરો રમે એવડી રહી નહોતી. અને આજકાલ છોકરીઓ ઓછી ઘાઘરી-પોલકું પહેરે છે? પણ પેલાની આંખો જોઈને, કંઈક બીકથી, એણે હાથ લાંબો કર્યો ત્યાં એકદમ ઘરમાંથી આવીને બા એનો હાથ પકડીને ખેંચી ગઈ. જાળીમાં પેસતાં બાએ ટોળા સામે એક નજર નાખીને આટલું જ કહ્યુંં, ‘શું જોણું છે તે બધાં ભેગાં થયાં છો?’ એ સાથે જ સહુ નીચું ઘાલી આઘાંપાછાં થઈ ગયાં. તે રાત્રે મોડે સુધી તે માણસ ઓસરીમાં કુંભી પાસે બેસી રહ્યો. હજુ કોટ કાઢ્યો નહોતો. અને છત્રી પાસે જ પડી હતી. બા રસોડું અને આંગણું કરતી હતી એની સામે જોયા કરતો હતો. બા થોડી થોડી વારે કીર્તિની ખાટલી પાસે આવી જતી હતી. ઓઢવાનું સરખું કરી જતી હતી, એને કંઈક આપી જતી હતી. બાની આંખોના એ ભાવ એને આજે પણ યાદ હતા. કોઈ રીતે એ ભાવ પૂરા સમજી શકાય એમ નહોતા. બા થોડી થોડી વારે સાડલાના છેડાથી આંખો લૂછતી હતી. એ આંખોમાં શરમ હતી પણ એ સાથે ઝટ ન પકડાય એવી એક હાસ્યની રેખા પણ હતી. માટે તો બાએ એની ખાટલી ઉપર બેસી એના માથે હાથ મૂક્યો ત્યારે અચાનક એ એની કોટે વળગીને રડી પડી હતી – ‘બા, બાપા!’ એક શબ્દમાં જ તે દિવસની ઘટનાનું રહસ્ય એના હોઠેથી નીકળી ગયું હતું. એ પછીના થોડાક દિવસોની બહુ મીઠી સ્મૃતિઓ એને હતી. એ એમના ખોળામાંથી ઊતરતી જ નહોતી. બા શીરો બનાવતી. સુખડી બનાવતી અને કહેતી, ‘ક્યાંય જવું નથી. બે ટાઇમ સરખું ખાઓ. જુઓ ને, શરીર કરી નાખ્યું છે!’ બીજો પ્રસંગ મામાનો યાદ હતો. હરિમામા આવે એટલે આંગણામાં ખાટલો ઢાળી, પાછળ બે ઓશીકાં મૂકી પગ ઉપર પગ ચડાવીને બેસે. બાનું રડવાનું ચાલું હોય પણ બાની સામે જુએ નહીં અને એને ખોળામાં બેસાડી વાતો કર્યે જાય એટલે એ ચિડાય. મામાને બાની કંઈ પડી જ નહીં હોય. ‘કીતુ બેટા, કીતુ બેટા’ કર્યે જાય પછી બાને કહે, ‘આને મોકલો મારી સાથે. આનંદપુર નિશાળમાં દાખલ કરી દઈએ.’ એ ખોળામાંથી ઊતરીને નાસવાનું કરતી હતી ત્યાં મામાએ એનો હાથ પકડી રાખ્યો. ‘શેઠ કેમ નથી દેખાતા, શેઠ?’ મામા આવું પૂછે એ એને ગમતું નહીં. કોઈવાર કહે ‘શેઠ’ ક્યારેક કહે ‘શેરદલાલ.’ ‘ક્યાં ગયા શેરદલાલ?’ પોલીસ આવી ત્યારે ઓટલા ઉપર બા એના માથામાં ઘસીઘસીને તેલ નાખતી હતી અને લીમડાના થડ ઉપર ખિસકોલી ઉપર-નીચે કરે એની સામે જોતાં ડોક ઉપર-નીચે થાય એટલે થોડીથોડી વારે સહેજ ચોટલો ખેંચી બરડામાં ધીબો મારતી હતી. આખી શેરીમાં ‘હેઈ... હેઈ...’ થઈ ગયું અને લોકો જ્યાં હતા ત્યાં ઊભા થઈ ગયા. બાએ પહેલું કામ એને રમીલાકાકીને ભળાવવાનું કર્યું – ‘આ છોડીને જરા સાચવજો.’ ત્રણ પોલીસવાળા હતા એમાં એક દાઢીવાળો હતો અને એક ચશ્માંવાળો. બધા મૂંગામંતર કોઈ કંઈ બોલે જ નહીં, બા જાળી વચ્ચે ઊભી રહી અને કહે ‘ના, હું કંઈના જાણું. ઘરમાં ના પેસવા દઉં.’ પછી ત્રણચાર મોટા આવ્યા. બાને સમજાવી. લાજ કાઢતીકને બા ખસી ગઈ. એણે પહેલી વાર શબ્દ સાંભળ્યો. ‘ઝડતી’. બધા કહે – ઘરની ઝડતી લીધી. રેલવેમાં ચોરી થઈ છે... એ રડતી હતી. બાને પકડી જશે? પોલીસવાળા મેડી ઉપરથી નીચે ઉતર્યાં. ચશ્માંવાળાના હાથમાં દંડો હતો. ઓટલા ઉપર ઊભો ઊભો બીજા હાથની હથેળીમાં મારતાં કહે, ‘કહાં ગયા સાલ્લા!’ પોલીસ તો ચાલી ગઈ હોત પણ ટોળામાંથી કોઈએ બૂમ પાડી. ‘ભાવસારની દુકાનમાં...’ થોડી વારે આખું સરઘસ પાછું શેરીમાં આવ્યું. બદામી રંગનો કોટ દેખાયો અને એ રમીલાકાકીનો હાથ છોડાવીને દોડી પણ કોઈએ કમરમાંથી પકડીને ઊંચકી લીધી અને એના હાથપગ હવામાં વીંઝાવા લાગ્યા. પછીથી બધાં વાતો કરતાં કે મેડી ઉપર લઈ જઈને લૂગડાં ઉતરાવીને માર્યો, ‘લૂગડાં ઉતરાવીને’ એવું નહીં. ‘નાગો કરીને’ એમ જ બધાં બોલતાં. એ બાની સામે જોયા કરતી. બા અને ખોળામાં લઈ કહેતી – ‘મારીને હાડકાં ભાંગી નાખ્યાં.’ એ પછીના દૃશ્યમાં ઘર આગળ ટૅમ્પો પડ્યો હતો અને માણસો પેટીઓ અને ખાટલા ઉપાડી ઉપાડીને મૂકતા હતા. હરિમામા પાડોશી પાસેથી ખુરશી માગી ઓટલા ઉપર બેઠા હતા. એને સમજ પડતી નહોતી. રજાઓમાં મામાને ઘેર જવાનું હોય એવું જ લગભગ લાગતું હતું. પણ થોડું કંઈક જુદું હતું અને અસ્પષ્ટ બીક લાગતી હતી. આ ઘેર પાછા નહીં આવવાનું હોય? આ ઓટલો, આ લીમડો? નિશાળનું દફતર બાથમાં લઈ ઊભી હતી અને બધાંની સામે જોતી હતી. છેલ્લે કોઈએ ઊંચકીને લંબાવી તે મામાએ ડ્રાઇવરવાળી કેબિનમાં બાની પાસે બેસાડી. શેરીનાં સહુ નીચે તડકામાં ઊભેલાં તે હાથ જોડીને બોલ્યાં, ‘જેશીકૃષ્ણ’ એટલે એ પણ બોલી, ‘જેશીકૃષ્ણ.’ ટેમ્પો ઊપડ્યો. અને એને શું થયું તે બાની કોટે વળી રડી પડી. અને બોલી, ‘બા, બાપા!’ એ સાથે બધે સન્નાટો થઈ ગયો અને ઘરરર કરતો ટેમ્પો શેરીની બહેર નીકળી ગયો. એ પછી એ હોઠે એ શબ્દનો ફરીથી ઉચ્ચાર થયો નહતો. એ ઘરમાં ક્યાંય એ વ્યકિતનો ઉલ્લેખ પણ થયો નહોતો. એક બદામી રંગનો કોટ એના લગ્ન વખતે ચોરીથી દૂર, ભિખારીઓના ટોળાં વચ્ચે દેખાયો હતો. પણ એ તો એની ભ્રમણા. ભીની આંખોની તરકટો.

જિતેન ખૂબ આનંદમાં હોય ત્યારે કંઈક ગાય – ‘પંછી બનમેં પિયા પિયા ગાને લગા’, એના ખભે માથું ઢાળીને એના કાનની બૂટ હોઠ વચ્ચે લઈને મમળાવે. બહુ વહાલ આવે ત્યારે ‘ડાર્લિંગ’માંથી થઈ જાય ‘મારો દીક્કો’. એને ઘણું થતું હતું કે પૂછે – આ પેલા આવ્યા હતા ને, તે દલવાડીભાઈને... શું થાય? ખરેખર સગા થાય? પાંચ વર્ષની ઉંમરે જોયેલી રેખાઓ એકે સ્મૃતિમાં રહી નહોતી અને આમે ઘરડા માણસો બધા સરખા લાગે. પણ અંધારામાંથી લંબાઈ લંબાઈને હાથ તો એની સામે યાચના કર્યે જ જતાં હતા. માટે તે દિવસે તે દોડી. માથું દુખતું હતું એટલે વહેલી સૂઈ ગઈ હતી. બહાર ટીવી ચાલુ હતું એટલે હશે. શરૂઆતમાં એને કંઈ સંભળાયું નહીં. પછી કંઈક ઊંચા અવાજો સંભળાયા. એ ઊભી થઈ, બારણાને ટેકો દઈને ઊભી આંખોમાં બત્તીનું અજવાળું વાગતું હતું એટલે આડો હાથ ધરવો પડ્યો. ત્યાં ભારે આંખોને દેખાયું. અરે જિતેન, તમે આ શું કરો છો? જોતા નથી કોને– જિતેને પેલાને ધક્કો મારી બારણું પછાડીને બંધ કરી દીધું અને એ રસોડાના પાછલા બારણે ગઈ. વચ્ચે પ્લૅટફોર્મ ઉપર નજર પડી, બે કેળાં અને બે રોટલી દેખાયાં તે ઝાપટ મારીને લઈ લીધાં, પછી દોડી, ઝાંપાની બહાર જઈ જોયું. ત્યાં કોઈ નહોતું એટલે ઉઘાડા પગે અંધારામાં સોસાયટી વચ્ચે દોડતી નાકા સુધી પહોંચી. ત્યાં બે બાજુ નજર કરી પણ કોઈ હતું નહીં. કોટ, છત્રી, કંઈ દેખાયું નહીં. નાકા પાસે પીપળાનું ઝાડ હતું. બે કેળાં અને રોટલી એણે હળવેથી એના થડ પાસે મૂકી દીધાં.