પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/ઉદાત્તતાની કસોટી
છેવટે, કોઈ અભિવ્યક્તિ ઉદાત્ત છે કે નહીં તે કેવી રીતે નક્કી થાય? લૉંજાઇનસની દૃષ્ટિએ ઉદાત્તતાની કસોટી વાચક કે શ્રોતા પર એ જે પ્રભાવ પાડે છે. એનામાં જે લાગણી જગાડે છે એમાં રહેલી છે. ઉદાત્ત કૃતિ તે જ કે જે વાચકને પરમાનંદના અવરલોકમાં લઈ જાય, એના આત્માને ઊંચે ઉઠાવે, એને એવા હર્ષ અને દર્પથી ભરી દે કે એને એમ લાગે કે જાણે પોતે જે સાંભળે-વાંચે છે તેનો સર્જક એ પોતે જ છે. એટલે કે ભાવક સર્જકના જેવો જ મનોભાવ અનુભવે. ભાવકના અનુભવને લૉંજાઇનસ બૌદ્ધિક પ્રતીતિથી જુદી કોટિનો ગણે છે. બૌદ્ધિક પ્રતીતિ પર આપણું નિયંત્રણ હોય છે, આપણી ઇચ્છાને એ અધીન છે. ઉદાત્તતાનો અનુભવ આપણા વશમાં નથી હોતો, એ આપણને અવશ કરે છે. એનું બળ અપ્રતિકાર્ય હોય છે. લૉંજાઇનસ પૂર્વે વક્તૃત્વ તેમ કવિતા બન્નેનું લક્ષ્ય બૌદ્ધિક પ્રતીતિ જન્માવવી એ છે એવું માનવાની એક પરંપરા હતી. લૉંજાઇનસ એનાથી જુદા પડે છે. એવો સંભવ છે કે, વક્તૃત્વનું લક્ષ્ય બૌદ્ધિક પ્રતીતિ જન્માવવી એ હોઈ શકે પણ કવિતાનું લક્ષ્ય તો પરમાનંદનો અનુભવ કરાવવો એ જ હોય એમ એ માનતા હોય. અથવા અભિવ્યક્તિમાત્રના બે વર્ગો એ પાડતા હોય – સરેરાશ અભિવ્યક્તિ જે બૌદ્ધિક પ્રતીતિ જન્માવે છે અને ઉદાત્ત અભિવ્યક્તિ, જે પરમાનંદનો અનુભવ કરાવે છે. તો એ ડિ ક્વિન્સીની નજીક આવે, જે જ્ઞાનાત્મક સાહિત્ય (લિટરેચર ઑવ્ નૉલેજ) અને પ્રભાવાત્મક સાહિત્ય (લિટરેચર ઑવ્ પાવર) એવો ભેદ કરે છે. જ્ઞાનાત્મક સાહિત્યનો હેતુ આપણને કંઈક શીખવવાનો (ટુ ટીચ) હોય છે. પ્રભાવાત્મક સાહિત્યનો હેતુ આપણને સંચલિત કરવાનો, આપણામાં લાગણી જગાડવાનો (ટુ મૂવ) હોય છે. જ્ઞાનાત્મક સાહિત્ય આપણી જિજ્ઞાસાને ઉત્તેજે છે, પ્રભાવાત્મક સાહિત્ય આપણી કલ્પનાને ઉત્તેજે છે. ડિ ક્વિન્સીનું પ્રભાવાત્મક સાહિત્યનું જે ધોરણ તે લૉંજાઇનસનું ઉદાત્ત સાહિત્યનું ધોરણ છે. ભાવકના આનંદાનુભવનું જે વર્ણન લૉંજાઇનસે કર્યું છે એ બતાવે છે કે એમણે ‘આનંદ’ શબ્દમાં પોતાનો વિશિષ્ટ અર્થ ભર્યો છે. એમનો આનંદ સામાન્ય મનોરંજન – વિષયાનંદ કે ઇન્દ્રિયાનંદ નથી, એ કંઈક અલૌકિક ભૂમિકાનો આનંદ છે. માટે જ એમનો શબ્દ છે ‘આનંદસમાધિ’ (એક્સટસી/ટ્રેન્સપૉર્ટ), ‘આનંદ’ કે ‘મનોરંજન’ (પ્લેઝર)ને તો એક સ્થળે એ ઊતરતું લક્ષ્ય દર્શાવે છે. ઉદાત્તતાના અનુભવમાં ભાવકનું સ્વરૂપાંતર થાય છે, અથવા કહો કે, એનું મૂળ આત્મતત્ત્વ – ખરો સ્વભાવ કાર્યશીલ બને છે. આવો અનુભવ જ ઉદાત્તતાની કસોટી બની શકે. કાવ્યાનંદની અને કાવ્યાનુભવની આ જાતની વ્યાખ્યા અને કાવ્યના એકમાત્ર લક્ષ્ય તરીકે એની સ્થાપના એ લૉંજાઇનસની વિશેષતા છે. વળી, ઉદાત્ત કૃતિનો પ્રભાવ સીમિત હોવાનું લૉંજાઇનસે માન્યું નથી. બલકે એ અસીમ હોવાનું માન્યું છે. ઉત્તમ કૃતિ જે પરમાનંદનો અનુભવ કરાવે છે તે કોઈ એકલદોકલ વ્યક્તિને કે કોઈ વિશેષજ્ઞને નહીં. લૉંજાઇનસ કહે છે કે સર્વ દેશકાળના સર્વ લોકોને આનંદાનુભવ કરાવે તે જ ખરી ઉત્તમ કૃતિ. સર્વ લોકો એટલે વિવિધ વ્યવસાય, જીવનશૈલી, રુચિ, વય, ભાષા ધરાવતા લોકો. આવા વિવિધ પ્રકારના લોકો જ્યારે એકસરખો અભિપ્રાય ઉચ્ચારે ત્યારે કૃતિ નિર્વિવાદ રીતે ઉદાત્ત ઠરે છે. સર્વ દેશકાળના સર્વ લોકોને ઉદાત્તતાના નિર્ણયમાં જોડીને લૉંજાઇનસે ઉદાત્તતાને સસ્તી બનાવી દીધી છે એવો ભાસ આપણને કદાચ થાય. પણ એવું નથી. સર્વ લોકો એટલે વિવિધ વ્યવસાય વગેરેના લોકો, પણ ગમે તે લોકો નહીં. પ્રબુદ્ધ અને સાહિત્યમર્મજ્ઞ વ્યક્તિઓ જ. લૉંજાઇનસની દૃષ્ટિએ બધા લોકો પાસે ઉદાત્તતાને પરખવાની સજ્જતા નથી હોતી. એ પરખ શ્રમસાધ્ય છે – દીર્ઘ સાહિત્યાનુભવને અંતે આવે છે. તેથી પ્રાજ્ઞ વ્યક્તિઓ જે કૃતિ પાસે વારંવાર જાય, જે કૃતિ પ્રાજ્ઞ વ્યક્તિઓના વારંવારના વાચનની ક્ષમતા ધરાવતી હોય અને વારંવારના વાચને એમને નવાનવા અર્થો સંપડાવતી હોય તે જ ઉદાત્ત કૃતિ. એ નોંધપાત્ર છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રે પણ કાવ્યની કસોટી ભાવકના રસાનુભવમાં માની છે અને એને સકલ સહૃદયોનો હૃદયસંવાદ સાધતો અનુભવ કહ્યો છે. હા, હૃદયસંવાદ પણ સહૃદયોનો, અધિકારી કાવ્યમર્મજ્ઞોનો. ને તે સકલ સહૃદયોનો. કાવ્યાનુભવની, આમ, વિતતતા–વિસ્તૃતતા સંસ્કૃત કાવ્યશાસ્ત્ર માની છે. લૉંજાઇનસે પણ એવું જ કહ્યું છે એમ નથી લાગતું?