પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/ઉદાત્તતાની વિભાવના
લૉંજાઇનસના ગ્રંથનું નામ છે. ‘પેરિ ઇપ્સુસ’ (Peri Hypsous). અંગ્રેજીમાં એનો અનુવાદ સામાન્ય રીતે ‘ઓન ધ સબ્લાઇમ’ કે ‘ઑન સબ્લિમિટી’ એમ કરવામાં આવે છે. ને ગુજરાતીમાં ‘ઉદાત્તતા વિશે’. ઉદાત્તતા સાહિત્યની જ નહીં પણ સઘળા પ્રકારની વાગભિવ્યક્તિની લૉંજાઇનસને અભિપ્રેત હોવાનું દેખાય છે, કેમ કે એમની ચર્ચા કવિતા-નાટક પૂરતી મર્યાદિત નથી, એ વાદ-ગ્રંથો તથા ભાષણોને પણ આવરી લે છે. પણ મુખ્ય પ્રશ્ન આ ઉદાત્તતા શું છે એ છે. લૉંજાઇનસે એની શાસ્ત્રીય વ્યાખ્યા કશે આપી નથી અને અંગ્રેજી ‘સબ્લાઇમ’ શબ્દ લૉંજાઇનસની વિભાવનાને યોગ્ય રીતે મૂર્ત કરતો મનાયો નથી. આનું કારણ, અલબત્ત, એ છે કે અંગ્રેજીમાં ‘સબ્લાઇમ’ શબ્દને કેટલીક વિશિષ્ટ અર્થછાયાઓ વળગેલી છે. બર્ક અને કેન્ટ જેવામાં ‘સબ્લાઇમ’નો કંઈક સંકુચિત અર્થ કરવામાં આવ્યો છે. જેમ કે ,કેન્ટ ‘બ્યુટિફૂલ’ (સુંદર) અને ‘સબ્લાઇમ’નો ભેદ કરે છે. ‘બ્યુટિફૂલ’ આપણા મનને પ્રસન્ન કરે, ‘સબ્લાઇમ’ આપણને અભિભૂત કરે. ‘સબ્લાઇમ’માં વિશાળતા, વૈભવશાલિતા, વિસ્મયજનકતા, ભયજનકતા. રહસ્યમયતા વગેરે સંકેતો આરોપવામાં આવે છે. નાનકડું ફૂલ તે ‘બ્યુટિફૂલ’, ઊંચો પર્વત કે વિરાટ સાગર કે ઘનઘોર વન તે ‘સબ્લાઇમ’, આપણે ત્યાં કૅન્ટને અનુસરી આનંદશંકરે ‘સુંદર’ અને ‘ઊર્જિત’, તો રામનારાયણ પાઠકે ‘સુંદર’ અને ‘ભવ્ય’ એવો ભેદ કરેલો. લૉંજાઇનસને આવો ભેદ માન્ય હોવાનો સંભવ નથી, એમની ‘સબ્લાઇમ’ની વિભાવના ‘બ્યુટિફૂલ’ની વિરોધી નથી – એ ‘બ્યુટિફૂલ’ને પણ પોતાનામાં સમાવી લેનારી છે ને એને અંગ્રેજી ‘સબ્લાઇમ’ના વિશાળતા, વૈભવશાલિતા, રહસ્યમયતા વગેરેના સંસ્કારો અનિવાર્યપણે વળગેલા નથી. મૌનનું ચિત્ર, બાઇબલની સરલ આદેશોક્તિ ને વાસ્તવનિષ્ઠ તળપદી અભિવ્યક્તિયે એમની દૃષ્ટિએ ‘સબ્લાઇમ’ (ઉદાત્ત) હોઈ શકે છે. ઉદાત્તતા એ કેવળ કૃતિસમગ્રમાંથી ઉદ્ભવતો ગુણ નથી, એ કૃતિના કોઈ અંશમાં, એક પંક્તિમાંયે હોઈ શકે છે; તેમજ કૃતિ જ નહીં પણ એનો કોઈ વિચાર, એની કોઈ લાગણી પણ ઉદાત્ત હોઈ શકે છે. આથી તો, એક અંગ્રેજ લેખકે એવી ફરિયાદ કરેલી કે લૉંજાઇનસે ‘સબ્લાઇમ’ના જે ઘટકો દર્શાવ્યા છે તે કોઈ પણ સારા લખાણમાં જોઈ શકાય છે, એટલે લૉંજાઇનસે ‘સબ્લાઇમ’ શબ્દને રચનાની કોઈ પણ ધ્યાનાર્હ અને વિશિષ્ટ ઉત્કૃષ્ટતાના સંકેત તરીકે યોજવાની ભૂલ કરી છે! ભાષાંતર કેટલીક વાર કેવી ભ્રાન્તિ સર્જે છે એનો આ લાક્ષણિક દાખલો છે. લૉંજાઇનસના ‘ઇપ્સુસ’નું ‘સબ્લાઇમ’ તરીકે ભાષાંતર કરવું અને ‘સબ્લાઇમ’ શબ્દને વળગેલો વિશિષ્ટ અર્થ ‘ઇપ્સુસ’માં જોવા મળતો નથી એવી ફરિયાદ કરવી એ તો અવળી ગંગા વહાવવા જેવો ઘાટ થયો. ગુજરાતીમાં ‘ઉદાત્ત’ શબ્દમાં ‘ઊર્જિત’ કે ‘ભવ્ય’ના સંસ્કારો ખાસ નથી, તેમ છતાં ‘ઇપ્સુસ’ના પર્યાય તરીકે એને વાપરતી વખતે ઉપરની સ્થિતિ લક્ષમાં રાખવી જોઈએ. લૉંજાઇનસમાં ‘ઇપ્સુસ’ એ કંઈક સર્વસામાન્ય પ્રકારની સંજ્ઞા છે, જેનો અનુવાદ ઉદાત્તતા ઉપરાંત મહાનતા, ઉત્તમતા, ઉચ્ચતા, ગરિષ્ઠતા, અસાધારણતા વગેરે શબ્દોથી પણ આપણે કરી શકીએ. લૉંજાઇનસે પોતે ‘ઇપ્સુસ’ને વિકલ્પે આવા અર્થના બીજા ઘણા શબ્દો અવારનવાર વાપર્યા છે; અને અંગ્રેજીમાં પણ ‘સબ્લાઇમ’ ઉપરાંત ‘એલિવેઇટેડ’, ‘હાઇ’, ‘લૉફ્ટી’, ‘ગ્રેઇટ, ‘પ્રફાઉન્ડ’ વગેરે શબ્દો એના અનુવાદ રૂપે પ્રયોજવાના થયા છે. લૉંજાઇનસની ઉદાત્તતાની વ્યાખ્યા ગણો તો વ્યાખ્યા એટલી જ છે કે એ વાગભિવ્યક્તિમાં જોવા મળતી એક પ્રકારની વિશેષતા અને ઉત્કૃષ્ટતા છે.[1] શ્રેષ્ઠ કવિઓ અને લેખકોને પ્રતિષ્ઠા અને અમર કીર્તિ અપાવનાર તત્ત્વ એમની કૃતિઓમાં જોવા મળતી ઉદાત્તતા જ છે. એ સ્પષ્ટ છે કે આથી ઉદાત્તતાના સ્વરૂપ ઉપર ખાસ કશો પ્રકાશ પડતો નથી, ઉદાત્તતાનો મહિમા થાય છે ખરો. ઉદાત્તતા દ્વારા લૉંજાઇનસને શું અભિપ્રેત છે એની કંઈક ઝાંખી એમનાં અન્ય કેટલાંક વિધાનો ને પ્રતિપાદનોમાંથી થાય છે. જુઓ – (૧) ઉદાત્તતા મહાન આત્માનો પડઘો છે. ઉચ્ચ વિચારશક્તિ (કે કલ્પનાશક્તિ)ને મહત્ત્વપૂર્ણ ભાવાવેગોની એ નીપજ છે. (૨) ઉદાત્તતા જેમ લેખક પાસે ચોક્કસ પ્રકારની ક્ષમતા માગે છે તેમ ભાવક પાસેયે સજ્જતા માગે છે. ઉદાત્તતાની પરખ અને એનું આસ્વાદન આપોઆપ આવતાં નથી. એ શ્રમસાધ્ય હોય છે. દીર્ઘ કાવ્યાનુભવને અંતે એ આવે છે. (૩) પુનઃપુનઃ પરીક્ષણ ખમી શકે એ જ ખરેખરી મહાન કે ઉદાત્ત કૃતિ. જે કૃતિમાં પ્રથમ વાચન પછી કશું અવશેષ ન રહે એમાં ઉદાત્તતા છે એમ ન કહેવાય. જે કૃતિમાંથી કેવળ શાબ્દબોધ નહીં પણ ચિત્તને ભાવન અર્થે વિશેષ સામગ્રી પ્રાપ્ત થતી હોય, વારંવાર વાંચતાં જે સુજ્ઞ ભાવકને ઊંડા વિમર્શ તરફ લઈ જતી હોય તે જ ઉદાત્ત કૃતિ. (૪) ઉદાત્ત અભિવ્યક્તિ ભાવકમાં માત્ર બૌદ્ધિક પ્રતીતિ (પર્સ્વેશન) નથી જન્માવતી, એને પરમાનંદના – આનંદસમાધિ (ટ્રેન્સપૉર્ટ/એક્સ્ટસી)ના અપરલોકમાં લઈ જાય છે.[2] બૌદ્ધિક પ્રતીતિનું તો આપણે નિયમન કરી શકીએ છીએ, પણ ઉદાત્તતાનો અનુભવ એવી મોહજાળ ફેલાવે છે કે એમાંથી છૂટવું અશક્ય છે. એનું બળ અપ્રતીકાર્ય હોય છે. (૫) ઉદાત્તતા કલાકૌશલ તથા સમુચિત વસ્તુક્રમ ને વસ્તુઆયોજનથી જુદી ચીજ છે. કલાકૌશલ તથા વસ્તુક્રમ ને વસ્તુઆયોજન કૃતિના સમગ્ર પોતમાંથી આયાસપૂર્વક ઉદ્ભવતી ને પમાતી ચીજ છે; જ્યારે ઉદાત્તતા તો યોગ્ય ક્ષણે વીજળીની જેમ ઝબકી ઊઠે છે. કડાકો કરીને સર્વ કંઈ છિન્નભિન્ન કરી નાખે છે અને એના કર્તાની શક્તિને એના સઘળા વૈભવ સાથે સદ્ય પ્રકાશિત કરે છે. ઉદાત્તતાનો અનુભવ, આમ, એકાત્મક, સર્વાશ્લેષી ને તત્ક્ષણ હોય છે. (૬) ઉદાત્તતામાં નિર્દોષતાની અપેક્ષા નથી. બલકે, ઘણી વાર તો ઉદાત્ત કૃતિમાં દોષો પણ રહેલા હોય છે, પરંતુ ઉદાત્તતાનો પ્રકાશ આપણને એવા આંજી દે છે કે દોષો આપણી નજરેયે ચડતા નથી. બીજી બાજુથી ઉદાત્તતા એટલે સાહિત્યગુણોનો સમુચ્ચય એવું પણ નથી. ઉદાત્તતા સાહિત્યગુણોની બહુલતા પર નહીં પણ એની અસાધારણતા પર નિર્ભર છે. આમાં ઉમેરીએ ઉદાત્તતાની ઉદ્ભાવક સામગ્રી – ઉમદા વિચાર, ઉત્કટ ભાવાવેગ, કાર્યસાધક અલંકારરચના, સમુચિત પદાવલી અને સંવાદી-સામંજસ્યપૂર્ણ સંઘટના-નું થયેલું વિસ્તૃત નિરૂપણ એટલે લૉંજાઇનસને મન ઉદાત્તતા એ વાગભિવ્યક્તિની ઉત્તમતાના પ્રાણરૂપ, અવ્યાખ્યેય પણ અનુભવગોચર થતું કોઈ તત્ત્વ છે એમ આપણને સમજાય છે. ઉદાત્તતાને સ્ફુટ કરવાની લૉંજાઇનસની આ રીત આપણને આનંદવર્ધનની યાદ અપાવે. આનંદવર્ધને ધ્વનિની વ્યાખ્યા કેવી રીતે આપી હતી? મહાકવિઓની વાણીમાં દેખા દેતું, કાવ્યાર્થતત્ત્વજ્ઞોથી પમાતું, અંગનાના લાવણ્યની પેઠે અવયવસૌંદર્યથી અતિરિક્ત રીતે પ્રકાશતું એક તત્ત્વ. લૉંજાઇનસે આવી જ રીતે ઉદાત્તતાને પ્રસ્તુત કરી છે એમ નથી લાગતું? એમણે પણ ઉદાત્તતાને ઊંચી કોટિના રાર્જક-આત્માને આભારી ગણી છે, એને પામવા માટે સજ્જ ભાવકની અપેક્ષા રાખી છે અને કૃતિમાં વ્યક્ત થતાં કલાકૌશલોથી એ ભિન્ન છે એવું પણ એમણે સૂચવ્યું છે. આનંદવર્ધને, પછી, જેમ ધ્વનિની પ્રક્રિયા સોદાહરણ સમજાવી છે તેમ લૉંજાઇનસે પણ ઉદાત્તતાની પ્રક્રિયા સદૃષ્ટાંત સ્ફુટ કરી છે. બન્નેના મોરચામાં આમ સરખાપણું છે. પણ એ મોરચાનું સરખાપણું જ. ધ્વનિ અને ઉદાત્તતા બે જુદાં જ તત્ત્વો છે અને, આપણે કહેવું પડે કે, ધ્વનિની વિભાવનાને જે મૂર્તતા અને નક્કરતા સાંપડી છે તે ઉદાત્તતાની વિભાવનાને નથી સાંપડી. ધ્વનિને વસ્તુરૂપ સાંપડ્યું છે; ઉદાત્તતા એક અનુભવ જ રહે છે. પણ વાગભિવ્યક્તિમાં અનુભવાતા એક વિશિષ્ટ તત્ત્વ પર આ રીતે આંગળી મૂકી આપવામાં અને એને ઓળખી બતાવવાની બહુવિધ કોશિશ કરવામાં વિવેચનાના ઇતિહાસમાં લૉંજાઇનસે કરેલું આગવું પ્રદાન રહેલું છે.
પાદટીપ