પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/ઐતિહાસિક ગ્રંથ : તાત્ત્વિક મૂલ્ય
૦
ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા
આઘાત-પ્રત્યાઘાત, વાદ-વિવાદ, પ્રસ્થાપન-ઉત્થાપન દ્વારા વિચારશુદ્ધિ અને વિચારવૃદ્ધિ કેવી થતી રહે છે એનું એક મજાનું ઉદાહરણ પ્લેટો-ઍરિસ્ટૉટલની સાહિત્યવિચારણા છે. ઍરિસ્ટૉટલ હતા તો પ્લેટોના શિષ્ય; વીસ વર્ષ એમણે પ્લેટોની અકાદમીમાં કાઢ્યાં હતાં, પણ ગુરુની કંઠી બાંધીને એ ન ફર્યા. એટલું જ નહીં, સાહિત્ય અને કળાના વિષયમાં ગુરુએ જન્માવેલા બુદ્ધિભેદને દૂર કરી એમણે ગુરુનું તર્પણ કર્યું ઍરિસ્ટૉટલની વિચારની સ્વતંત્રતા અને તેજસ્વિતાનું આ એક અત્યંત ઉજ્જ્વલ ઉદાહરણ છે. પ્લેટો-ઍરિસ્ટૉટલનો શીલભેદ અને શૈલીભેદ ખાસ ધ્યાન ખેંચે એવો છે. બન્ને ફિલસૂફ છે. પણ પ્લેટો ભાવનાવાદી-અધ્યાત્મવાદી ફિલસૂફ છે, ઍરિસ્ટૉટલ વૈજ્ઞાનિક દૃષ્ટિ ધરાવતા ફિલસૂફ છે. પ્લેટો પોતાનાં મંતવ્યોની રજૂઆત આગ્રહપૂર્વક અને ભારપૂર્વક કરે છે, અને એમની દલીલજાળ એવી રીતે ગોઠવાયેલી છે કે એ જાણે કોઈ પહેલેથી બાંધેલા અભિપ્રાયનું પ્રતિપાદન કરવા નીકળ્યા હોય એવું લાગે છે. ઍરિસ્ટૉટલ તટસ્થબુદ્ધિથી પૃથક્કરણ અને વર્ગીકરણ કરીને લક્ષણો બાંધે છે અને સિદ્ધાંતશોધન કરે છે; એમને કોઈ હેતુ સિદ્ધ કરવાનો હોય એવું લાગતું નથી. પ્લેટો એમણે પોતે જેનો ઉપહાસ કરેલો એ ‘પ્રેરણા’થી લખતા હોય એવું લાગે છે અને એમણે કવિતાનો વિરોધ કર્યો છતાં એમના ગદ્યમાં કવિતાના ચમકાર દેખાય છે; ઍરિસ્ટૉટલ કવિતાનો બચાવ કરવા તૈયાર થયા છે છતાં એમની વાણીમાં કવિતાનો સ્પર્શ પણ નથી; એમાં શાસ્ત્રોચિત સાદાઈ, વ્યવહારલક્ષિતા અને સઘનતા દેખાય છે. સઘનતા તો એટલીબધી કે પ્લેટોનાં વાક્યો એમના સિદ્ધાંતોને અને એમના આગ્રહોને એકદમ ઉઘાડા કરી મૂકે છે, ત્યારે ઍરિસ્ટૉટલના વાક્યેવાક્યના ફલિતાર્થો ગંભીરપણે વિચારવાની જરૂર રહે છે. ઍરિસ્ટૉટલ કવિતાનો બચાવ કરવા તૈયાર થયા છે એમ આપણે કહ્યું, પણ કવિતાચર્ચામાં એમનો વ્યૂહ કંઈ રક્ષણાત્મક નથી. એ તો કવિતાને સ્વયંપ્રતિષ્ઠ માનીને ચાલે છે, અને એનાં લક્ષણો, હેતુઓ અને કાર્યપદ્ધતિની તપાસ આદરે છે, ‘પોએટિક્સ’ની આરંભની પ્રતિજ્ઞા જ જુઓને! – “હું કવિતાનો સામાન્યપણે અને તેના ભિન્નભિન્ન પ્રકારોનો – એ દરેક પ્રકારનાં અંગભૂત તત્ત્વોની નોંધ સાથે – વિચાર કરવા ધારું છું; તેમજ સારા કાવ્યને આવશ્યક વસ્તુતંત્રની સંઘટનાની, કાવ્યના ઘટક અંશોની સંખ્યા અને તેના સ્વરૂપની તથા એ અંગે બીજું જે કંઈ તપાસવાનું પ્રાપ્ત થાય તેની તપાસ કરવાનો ઉદ્દેશ રાખું છું.” પ્લેટોનું તો ઍરિસ્ટૉટલ ક્યાંયે નામ પણ લેતા નથી. એ ખરું છે કે કવિતાચર્ચા કરતી વેળા એમણે પ્લેટોના આક્ષેપોને લક્ષમાં રાખ્યા છે, એમની ચર્ચામાં એ આક્ષેપોનો ગર્ભિત જવાબ પણ રહેલો છે અને ક્યાંક તો એ આક્ષેપોનો જવાબ વાળવા એમણે પોતાની ચર્ચાને અમુક જાતનો વળાંક પણ આપ્યો છે, છતાં ‘પોએટિક્સ’ની યોજના કેવળ એક પ્રતિવાદ-ગ્રંથ તરીકે નથી થઈ, સ્વતંત્ર શાસ્ત્રગ્રંથ તરીકે થઈ છે એ લક્ષમાં રાખવા જેવું છે. આ સાહિત્યવિચારણામાં ઍરિસ્ટૉટલની વિશેષતા શી દેખાય છે? એક તો એ કે સાહિત્ય અને કળાનો એક અસ્તિત્વ ધરાવતી વાસ્તવિક હકીકત તરીકે એ સ્વીકાર કરે છે અને પ્લેટોની જેમ એ હોવી જોઈએ કે ન હોવી જોઈએ એની તકરારમાં પડતા નથી; બીજી એ કે એ કળાનું, એ જેવી છે તેવી-નું પૃથક્કરણ કરે છે. એનાં લક્ષણો બાંધે છે, પણ કળા કેવી હોવી જોઈએ એના આદેશો આપવા બેસતા નથી. ત્રીજી, એ કળાનાં કાર્યની તપાસ આદરે છે ત્યાંયે એ કળાની ઉપર બહારથી કોઈ ફરજ લાદતા નથી. કળાના સ્વરૂપમાંથી જ એ એનું કાર્ય – એનાં ધોરણો શોધે છે. આ રીતે, પ્લેટોએ કળાનો બહારના જગતના સંદર્ભમાં વિચાર કરી જે ગાંઠ પાડેલી તે ઍરિસ્ટૉટલ ઉકેલે છે અને પ્લેટોએ કળા ઉપર લાદેલાં ફિલસૂફી, રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્રનાં ધોરણોમાંથી એને મુક્ત કરે છે. કવિતાકળાને માનવજીવનની પ્રવૃત્તિઓમાં સ્વતંત્ર ગૌરવભર્યું સ્થાન આપવામાં ઍરિસ્ટૉટલનો ફાળો અનન્ય છે. ઍરિસ્ટૉટલની તપાસપદ્ધતિ પર એમના અભ્યાસવિષય જીવશાસ્ત્રની અસર બતાવી શકાય. જીવશાસ્ત્ર પ્રાણીના અસ્તિત્વનો એક હકીકત લેખે સ્વીકાર કરી, એનો વર્ગ નિશ્ચિત કરી, એના વાસ્તવિક વર્તન, વ્યવહાર અને કાર્યમાંથી જ એના સ્વરૂપનો નિર્ણય કરે છે.[1]પ્લેટોનો વૈચારિક અભિગમ ગાણિતિક, પારલૌકિક અને પ્રબળપણે અમૂર્ત છે, ત્યારે ઍરિસ્ટૉટલનો વૈચારિક અભિગમ જીવશાસ્ત્રીય, પ્રાકૃતિક અને મૂર્ત છે.૨[2] ઍરિસ્ટૉટલની આ શુદ્ધ જ્ઞાનલક્ષી—વિજ્ઞાનલક્ષી દૃષ્ટિને કારણે એમના ગ્રંથ ‘પોએટિક્સ’માં મર્યાદિત ગ્રીક સાહિત્યસામગ્રીની પ્રત્યક્ષપદ્ધતિએ તપાસ થઈ હોવા છતાં એમાંથી સાહિત્યના કેટલાક સાર્વત્રિક સિદ્ધાંતો આપણને મળી શકે છે, એનાથી સાચા અર્થમાં કવિતાની પ્રાણપ્રતિષ્ઠા થાય છે અને એ ગ્રંથ સાહિત્યવિવેચનનો સૌથી પહેલો પાયારૂપ ગ્રંથ બની જાય છે. (આમેય કેવળ કવિતાકળાની મીમાંસા કરતો એ પહેલો જ ગ્રંથ છે.) પછીનો યુરોપીય સાહિત્યવિવેચનનો ઇતિહાસ ઍરિસ્ટૉટલના આ ગ્રંથના તાત્પર્યગ્રહણ, ભાષ્ય, પુરસ્કાર, પરિહારમાંથી જ ઘડાતો આવ્યો છે. એટલે સુધી કે પંદરમી-સોળમી સદીના ફ્રેન્ચ વિવેચકો ઍરિસ્ટૉટલને એક સ્મૃતિકાર તરીકે સ્થાપી એમને નામે એમને અભિપ્રેત ન હોય એવા અને અભિપ્રેત હોય તો એમને પોતાને ઇષ્ટ ન હોય એવા આગ્રહીપણાથી કૃત્રિમ જડ નિયમો પ્રવર્તાવે છે અને કેટલાક બુદ્ધિશાળી વિચારકો પણ પોતાને માન્ય એવા સાહિત્યના સિદ્ધાંતો ઍરિસ્ટૉટલમાંથી તારવી બતાવી, ઍરિસ્ટૉટલને ભૂમિતિના પ્રમેય જેટલા અનવદ્ય ગણે છે.[3] ‘ઍરિસ્ટૉટલે આમ કહ્યું હતું.’ એમ ઍરિસ્ટૉટલનો આધાર લીધા વિના ભાગ્યે જ સાહિત્યવિવેચન ગતિ કરી શકે છે. આ દૈવી અધિકારોથી ઍરિસ્ટૉટલ વંચિત થયા હોય તો તે છેક અર્વાચીન કાળમાં. ત્યાં સુધી તો સાહિત્ય-તત્ત્વચિંતન પર ઍરિસ્ટૉટલનું વર્ચસ્ મધ્યકાલીન હિંદુ આચારવિચારો પર મનુનું જેટલું વર્ચસ્ હતું તેટલું હતું. આજેયે વિવેચનપ્રવૃત્તિમાં રસ ધરાવતા કોઈને ઍરિસ્ટૉટલ વાંચવાનું ટાળવાનું ભાગ્યે જ પરવડે, ઓછામાં ઓછું, ઍરિસ્ટૉટલનું વાચન નિરર્થક બોજ જેવું તો એને નહીં જ નીવડે, એમાંથી એને કવિતા વિશેના થોડા મહત્ત્વના અને સમજપૂર્ણ વિચારો – કવિતા વિશેનો કોઈ એક દૃષ્ટિકોણ મળી રહેશે એની ખાતરી જરૂર આપી શકાય. ઍરિસ્ટૉટલના ગ્રંથનું ઐતિહાસિક ઉપરાંત આ તાત્ત્વિક મૂલ્ય પણ છે.
પાદટીપ