પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/કૃતિ-પરિચય
પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા (૧૯૬૯): જયંત કોઠારીને, ગ્રીક સાહિત્યવિવેચનના બે મૂર્ધન્ય ચિંતકો પ્લેટો અને એરિસ્ટોટલના કળા અને કાવ્યવિષયક વિચારોની તપાસ કરતા વિવેચનગ્રંથ. ‘કવિતાનો પ્રભાવ અને પ્રતિકાર’ એ શીર્ષક નીચે લેખકે પહેલાં પ્લેટોની કળા અને કવિતાવિષયક સમજ, તેને કળાસર્જનની પ્રવૃત્તિ સામેનો વિરોધ તથા તેની કળાવિચારણામાં આવા રહેલા દોષની ચર્ચા કરી છે; પછી ‘કવિતાની પ્રાણપ્રતિષ્ઠા’ એ શીર્ષક નીચે એરિસ્ટોટલના કળા અને કાવ્યવિષયક ખ્યાલોની ચર્ચા કરી છે. આ ચર્ચા કરતી વખતે એરિસ્ટોટલના પોએટિકસ’માં રજૂ થયેલા ‘અનુકરણ’, ‘કાવ્યગત સત્ય’ જેવા કળાની વ્યાપક સિદ્ધાંતને સ્પષ્ટ કરવા તરફ લેખકનું મુખ્ય લક્ષ છે. તેથી ‘પોએટિકસમાં એરિસ્ટોટલે જેની વિસ્તારથી ચર્ચા કરી છે તે ટ્રેજેડીના સ્વરૂપની ચર્ચા લેખકે પુસ્તકને અંતે કરી છે. વિષયના તટસ્થ અને વિશદ નિરૂપણને કારણે આ પુસ્તક અભ્યાસીઓને ઉપયોગી સંદર્ભગ્રંથ બન્યું છે.
– જયંત ગાડીત
‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર