ફેરો/કૃતિ પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કૃતિ પરિચય

‘ફેરો’(૧૯૬૮) આધુનિક ગુજરાતી સાહિત્યસમયની એક લાક્ષણિક લઘુ નવલકથા છે. એ પહેલાંની પરંપરાગત ગુજરાતી વાર્તા-નવલકથા કથાના વિસ્તારવાળી એટલે કે ઘટનાના મેદવાળી હતી. આધુનિક નવલ પ્રસંગ કે ઘટનાનું બયાન નહીં પણ એના સંકેતોથી કહેવાતી હોવાથી એ લઘુકદ પણ બની. ‘ફેરો’નું કથાવસ્તુ તો ટૂંકું જ છે : જન્મથી મૂંગો દીકરો(‘ભૈ’) બોલતો થાય એ માટે કથાનાયક, પત્નીની ઇચ્છાથી, એની સાથે સૂર્યમંદિરની યાત્રાએ જવા નીકળે છે પણ ટ્રેેનમાં કોઈ એક જગાએ ભૈ ખોવાઈ જાય છે – ને સાંકળ ખેંચવા લંબાવેલો નાયકનો હાથ સામે આવતી બીજી ટ્રેનના પ્રકાશ અને અવાજમાં અટકી જાય છે, ત્યાં કથા પૂરી થાય છે. હવે વળી એક બીજો ફેરો... કથા નહીં પણ નાયકનું મનોગત કલ્પનો-પ્રતીકો, સ્વપ્નો અને સ્મૃતિસાહચર્યોથી આલેખાતું જાય છે, ને એકલતા, અતૃપ્તિ, ગૂંગળામણ અને કંટાળાનાં સંવેદનો ઊપસતાં રહે છે. પુત્રનું મૂંગા હોવું ને એનું ગૂમ થઈ જવું એ વેદના આશાહીનતા અને કંટાળાના ભાવમાં વધુ ઘેરી બને છે. જીવનનો આ અંતહીન ફેરો જાણે પૂરો જ નથી થતો એ મનસ્થિતિનો ભાર વાચકને એકનવો અનુભવ આપે છે. વિખરાયેલા સંકેતોમાં ગતિ કરતી આ આધુનિક નવલકથા નિરૂપણની રીતે દુર્બોધ નહીં પણ વાચ્ય રહે છે એ એની એક વિશેષતા છે. – રમણ સોની