ફેરો/ચન્દ્રકાન્ત ટોપીવાલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અંગતતમ સંકેતોની છબી : ફેરો

— ચન્દ્રકાન્ત ટોપીવાલા

રાધેશ્યામની ‘ફેરો’ની નવલસૃષ્ટિ સ્તનવિચ્છેદના અભિઘાતમાંથી પાંગરેલી તરસ અને અતૃપ્તિની આંતરસૃષ્ટિ છે. નવલના પ્રારંભમાં એક સ્તનથી બીજા સ્તને શિશુને ફેરવતી ટ્રેન, દૂધભર્યા ઘડા જેવાં સ્તન, વજનદાર તાળાં, સુઘટ સ્તનની આરસભીંસમુદ્રા, ને એક પ્રસંગે પત્નીનો ઉદ્‌ગાર :

‘આવી શી કટેવ, વારે વારે માટલીએ બાઝો છો. છોકરા કરતાં પીવા તો તમારે વધારે જોઈએ છે. છોકરાથીય ભૂંડા છો. આટલી તરસ શાની લાગે છે? આમ પાણી પી પીઈને જ ખાતાં પહેલાં ભૂખને મારી કાઢો છો અને પછી દવાઓ ખાઓ છો. તમારું મોત ગયા ભવમાં રણ વચમાં થયું હોવું જોઈએ.’ એક બાજુ સ્તન, અને બીજી બાજુ રણ અને અંતે અલોપ થૈ જતા ભૈ – આ ત્રણ બિન્દુઓ પર કાર્યકારણ સંબંધે નહીં, પણ ભાવસંબંધે સંકળાયેલી આ નવલકથાની તમામ સામગ્રી નાયકમનના અવતારો છે. નવલકથાની પ્રક્રિયામાં ટ્રેન, સ્ટેશન, સ્ટેશન અને ટ્રેનના મુસાફરો, સિગ્નલ, બારીનું ચોકઠું, પડછાયો, ડબ્બો, સંડાસ, ચેઈન, અત્યંત અંગતતમ સંકેતોની અગ્રાહ્ય છબી ઉપસાવે છે ને એમ નવલકથા ઊંડું પરિમાણ ધારણ કરે છે.