ફેરો/બાબુ દાવલપુરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ફેરો : માનવઅસ્તિત્વની વિફળતામૂલક વેદનાનું પ્રતીકવિધાન

— બાબુ દાવલપુરા

શ્રી રાધેશ્યામ શર્માની લઘુનવલ ‘ફેરો’ (પ્ર.આ. ૧૯૬૮)નો નાયક સર્જક હોવા છતાં પોતાની અનુભૂતિઓની અભિવ્યક્તિમાં ડગલે ને પગલે મુશ્કેલી અનુભવે છે. તેની વાર્તાઓ-નવલકથાઓ વિશે વિવેચકોની મુખ્ય ફરિયાદ એ છે કે ‘...નાં પાત્રો મૂંગાં...મરે છે. ખાસ કશું બોલતાં નથી. લાકડી મારીએ તોય કદાચ ન બોલે... શબ્દોનાં ભારે કંજૂસ... અમારી ભલામણ છે કે પોતાના ચીઢ ચડાવે એવા શબ્દવિહીન મૌનની જળો વડે ભલા વાચકોનું લોહી પીવાનું આપણા આ લેખક જીવદયાની ખાતર પણ માંડી વાળશે.’ કથાનાયક - આ મિતભાષી નાયકના વિધાતા પણ શબ્દોના એવા કંજૂસ છે કે પાત્રોનાં નામકરણની ફરજ પ્રત્યે પણ બેતમા રહે છે. પાત્રોનાં નામ પાડવાનું જાણીબૂઝીને ટાળતા આપણા લેખક શબ્દોની આવી કંજૂસાઈ કેમ કરતા હશે? કે પછી, આમ કરવા પાછળ ભલા-ભોળા પ્રમુખ ધારાની સુખપાઠ્ય કથાઓના બહુસંખ્ય વાચકોને ઝટ ન સમજાય એવું ભરમ-મરમભર્યું લખવાની, બની શકે તેટલા ઓછા શબ્દો લખવાની, તેમની આ ખાસિયત પાછળ વાર્તાકાળની કોઈ ગેબી ખૂબી છુપાયેલી હશે?....આ કથાના અનામી નાયકને સગવડ ખાતર આપણે વિનાયક કહીશું. – એટલો ઓછાબોલો છે કે તેની પત્ની પણ તેને ફરિયાદના સૂરમાં ટપારે છે : ‘આપણે ક્યારનાં મુસાફરીએ નીકળ્યાં છીએ, મારી સાથે એક શબ્દ પણ બોલ્યા છો? ભૈ જેટલીય મારી ખબર લીધી છે?’ કોણ છે આ ભૈ? આ જન્મજાત મૂંગો પુત્ર વિનાયકની ‘એ’ણે – આર્ય ભાર્યા અને તેના ‘એ’ પુરાતન ભારતીય સંસ્કારોથી એવાં રંગાયેલાં છે કે લેખકે તેમનાં નામ પાડ્યાં હોત તો પણ એકબીજાને નામથી સંબોધીને આર્યસંસ્કૃતિની આચારસંહિતાનો ભંગ કરવાની ધૃષ્ટતા કરે નહિ. – સૂરજદાદાની બાધા રાખ્યા પછી જ અવતર્યો હતો. અને પાંચ પાંચ વર્ષથી પારણે ઝૂલ્યા કરે છે, છતાં આ ભૈનું મૌન હજુ અટળ જ રહ્યું છે. વૈદ-દાક્તરોના નિષ્ફળ ઉપચાર અને નિરાશાજનક અભિપ્રાય પછી વિનાયક ભૈની આ વાણીગત સમસ્યાની અનિવાર્યતા સમજે છે; પણ એ બોલતોય કેમ નહીં કરે?... મારે તો સૂરજદાદા હાજરાહજૂર છે.’ વિનાયક એ બાબતે નિર્ભ્રાન્ત છે કે, સૂરજદેવ સાત ઘોડલે સવાર થઈને સદેહે સાક્ષાત્‌ માનવલોકમાં ઊતરી આવે તો પણ મૂક માનવીને વાણીના વરદાન થકી ઉદ્ધારવાનો ચમત્કાર આધુનિક યુગમાં તેમનાથી થઈ શકે તેમ નથી. ટ્રેનના ડબ્બાની ભીડમાં માંડ પગ ટેકવીને ઊભેલા, આસ્થાળુ નારીના સ્વામીનાથને આર્યપુત્ર ‘એ’ ને – સ્મૃતિપટ પર દૃષ્ટિગત થતું પોળના દરવાજા નીચે છાંયડો શોધીને ઊભેલી ગાયોનું દૃશ્ય પરીક્ષિતની ભાગવત પ્રસિદ્ધ પુરાકથા સાથે જે રીતે સંયોજાયું છે તે આ સંદર્ભે લક્ષમાં લેવા જેવું છે : ‘ગાય પૃથ્વી છે... તડકો શૂદ્ર છે, પોળ બહાર એ વાટ જોતો ઊભો છે.. ક્યાં છે પરીક્ષિત? – પરીક્ષિત ઘોરતો હશે કે પેપર વાંચતો હશે.’ આધુનિક સમયમાં તડકો શૂદ્રની ભૂમિકામાં છે અને પૃથ્વીરૂપી ગાય તેનાથી સંત્રસ્ત છે; તેનાં દાહક અગ્નિકિરણોએ ઉજાડેલી વસુંધરા રણરૂપે રિબાઈ રહી છે. સૂર્યની નિર્માલ્યતા-નિર્વીર્યતાનાં એંધાણ આ વિગતબયાનમાં વરતાય છે : પોળમાં સોનીની એરણ પર ટીપાતી હથોડીનો અવાજ ત્રિકોણમાં પડેલા સુવર્ણા તડકાને થથરાવે છે....’ આવા સૂરજદાદાના દૈવી ચત્મકારથી ભૈનું જન્મજાત મૌન કેવુંક ટળશે, તે કલ્પી શકાય તેમ છે. રાતે ટ્રેનમાં એન્જિનની હડફેટમાં આવી ગયેલી ગાયનો પગ કચડાઈ જતાં રેલના પાટે તેનું લોહી રેલાય છે, એ ઘટના પણ સૂચક છે. આ પ્રસંગે વિનાયકને એકાએક યાદ આવે છે કે ‘પરીક્ષિતે આ જિલ્લામાં જ લોખંડનુંનું મોટું કારખાનું નાખ્યું છે.’ યંત્રવૈજ્ઞાનિક યુગની ભૌતિક સિદ્ધિઓના પ્રતાપે સુલભ બનેલી ટ્રેનની ગતિ કઈ દિશામાં છે, આધુનિક સમયના પરીક્ષિતોના પુરુષાર્થથી પૃથ્વીરૂપી ગાયની દશા કેવીક થશે, એનો સંકેત આ ઘટનામાં વંચાય છે. સૂર્યમંદિરના સ્થાનકની આસપાસના પ્રદેશનું રેગિસ્તાની હવામાન એવું છે કે ‘પાણી પી પીને પેટ તૂટી જાય તોય તરસ મટે નહીં.’ અને ટ્રેનના છેલ્લા સ્ટેશનથી આગળ એવું નપાણિયું રણ પથરાયેલું છે કે, આ ઉનાળાની ઋતુમાં ‘બપોરે તો દોજખના દામાકુંડમાં’ જાણે નાહી રહ્યા હોઈએ એવી સૂરજદાદાની અગનઝાળમાં જીવસૃષ્ટિ શેકાય છે. પ્રતિ પળે રણની નજીક ધસી રહેલી ટ્રેનની આસપાસનો પરિવેશ વિનાયકને પુરાણકથાના અતીતમાં ખેંચી જાય ચે : ‘અફાટ પથરાટવાળું રણ. હિરણ્યકશિપુના મહાલયનો સ્તંભ–ધૂળની ડમરીનો સીધો જમીનમાંથી ફુવારાની પેઠે ફૂટી આકાશને કીલકની જેમ ચોંટી જતો સ્તંભ... દૂર લીલા કાચ શાં ઝલમલતાં સરોવરને કિનારે ઢળી પડેલાં અરબી ઊંટોના અસ્થિપિંજર ... વંટોળની ડમરીમાં કંકુ ભળી ધૂળ સાથે બાધાનાં ઘોડિયાં નાળિયેર નારાછડી ઢીંગલાં... ડમરીના થાંભલાને ચક્કર લગાવતાં વિચિત્ર ગીધોની એકમાં રાત અને બીજીમાં દિવસને સમાવતી લાગે તેવી પ્રચંડ પાંખો...’ વસ્તુતઃ, પુરાકલ્પનના વિનિયોગથી થયેલું તંદ્રાદૃશ્યનું પ્રતીકાત્મક આલેખન વિનાયકની ભીતર વિસ્તરેલી મરુભૂમિનું દ્યોતક છે. ‘ફેરો’ના કથાનાયકના અને તેની જ Second self સમા ભૈના ચરિત્રભાવનમાં લેખકના કૃતિયોજનનું પગેરું શોધવાનું કેળવાયેલા ભાવક માટે બહુ મુશ્કેલી નથી. વિનાયકની સંવેદનામાં સતત ઘૂંટાયા કરતી અસ્તિત્વપરક વિફળતાની વેદના અને તજ્જન્ય વિવશતા કથાના અંતમાં ચરમ સીમાએ પહોંચે છે. ટ્રેન સૂર્યમંદિરે જવાના સ્ટેશને થોભી અને ઉપડવાની વ્હીસલ વાગી. તો પણ ભૈ જડતો નથી. ‘તેને કોઈ ઉપાડી ગયું હશે તો?...’ એવી ફાળ પડતાં ‘લાળની જેમ’ લબડી પડેલી વિનાયકની હડપચી તેની વ્યાકુળતા અને વિવશતાને સંકેતે છે. આ પ્રસંગે તેની અસહાયતા-અકળામણ એવી અદમ્ય બની જાય છે કે, કેમ જાણે પોતાને જ સજા કરતો હોય તેમ, પત્નીને તમાચો ચોડી કાઢે છે. વિનાયક આ કટોકટીની પળે ટ્રેનને રોકવા, જેટલી સક્રિયતા ન દાખવી શક્યો, સાંકળ ખેંચવા લંબાવેલો તેનો હાથ ‘ગૂંગળાવા લાગ્યો...’ એ સાંકેતિક ઘટનાનાં ધ્વનિવલય કથાના અંત પછી ભાવકચિત્તમાં વિસ્તર્યે જાય છે. જેના ઢીંચણની બેઉ ઢાંકણીઓ સહેજ ઉતાવળે ચાલવા જતાં ‘એકબીજા સાથે... અથડાઈ પડે છે’ એવા પગવાળા વિનાયકને ઉપર્યુક્ત પ્રસંગે થાય છે કે ‘મને પાંખો ફૂટે તો? ....હલેસાં જેટલા લાંબા ટાંટિયે દોડવા માંડું?...’ પણ ખરેખર તો સંકટ સમયે ટ્રેનની સાંકળ ખેંચવાનુંય તેનાથી બની શકે નથી. ‘ડબ્બાવિહોણું એક અટૂલું એન્જિન- સામે ચાલી ભેટવા આવતા સૂરજની જેમ—ફ્લડ લાઈટ સાથે’ વિપરીત દિશામાંથી ધસી આવી ડબ્બામાં પુષ્કળ ધુમાડો છોડી જાય છે, એ પરિવેશચિત્રણ સૂચક છે. પ્રવાસનાં આરંભકાળે પણ વિનાયકને એન્જિનનો ધુમાડો મધ્યયુગની કપોળકલ્પિત સૃષ્ટિમાં સહસા ઉપાડી ગયો હતો, એ ઘટના સંદર્ભે નોંધવા જેવી છે. ‘નબળી આંખ પર સૂરજ ત્રાટક્યો... ક્યાંકથી કાળો ધુમાડો, ગોળ વળોટા લેતો ઉપર ચઢવા લાગ્યો, ચઢતો જ ગયો... પછી કોઈ ભારે અનિષ્ટની જેમ પાછો ઊતરવા માંડ્યો, નીચે ઊતરતો અટકી પડ્યો – મસ્જિદના એક મિનારા પાસે. મિનારાની છેક છેલ્લી ઉપરની બારીમાં એ ધૂમ્રવલય સોયમાં કોઈ સૂત્ર પરોવતું હોય એમ પ્રવેશ્યું. (બુગદામાં પેઠેલી આ ટ્રેન પણ એ દોરા જેવી નથી?) આખો મિનારો પૃથ્વીથી અધ્ધર ઊડશે કે શું?.. ટાવર ઑફ બાબેલ......લાલપીળું...લાલપીળું... કોઈક ઊંચાઈએથી હું નીચે ફેંકાયો. ક્ષણાર્ધ, હું આધાર માટે હાથ લંબાવું છું... મૂંગા ભૈનો ખભો હાથ આવ્યો...’ યાત્રાના આરંભે તો નિરાધારીની તંદ્રિલ અવસ્થામાં ભૈના ખભાનો ટેકો લઈ શકાયો; પણ સૂર્યમંદિરે પહોંચવાનું સ્ટેશન આવ્યું તે જ ઘડીએ આ આધાર અલોપ થઈ ગયો છે. હવે તો રહ્યો છે કેવળ સામી દિશાએથી આવી રહેલા ડબ્બાવિહોણા એન્જિનનો ધુમાડો! જાણે નિષ્ફળ જવા નિર્માયેલી ‘એક કથા પૂરી કરી...’ તે પ્રસંગે વિનાયકને ‘થાકથી હાથનો ભાર આરસપહાણનો હોય એવો અસહ્ય થઈ પડ્યો. બહાર ચાંદનીને લીધે, મોટા વૃક્ષ નીચેનાં પોલાણોમાં અંધારું ઊધઈની પેઠે જામી ગયું હતું...’ પરિસ્થિતિની દુઃસહ વિષમતા, અનગતની અકળ ધુમિલતા, માનુષી પ્રયત્નની વંધ્યતા અને જીવનની ક્ષયિષ્ણુતાના સંકેતરૂપ એન્જિનના ઉદરમાંથી પ્રગટતાં અનિષ્ટની આગાહીરૂપ ધૂમ્રવલય, રણ અને અંધકારના પ્રતીકાત્મક પરિવેશનિર્માણમાં લેખકની કલ્પકતા અને કળાકીય સભાનતાની પ્રતીતિ મળી રહે છે. પંદર-સોળ ક્લાકની ટૂંકી મુસાફરી દરમિયાન સ્ટેશનોની ગંદકી, ટ્રેનનાં શૌચાલયની દુર્ગંધ, ડબ્બામાં ખીચોખીચ ખડકાયેલાં મનેખની વાણી-કરણી અને સરસામાનની પળોજણ, ‘કળ-યુગ’ના પંખાની રહસ્યમય ગતિ-અગતિ આદિનાં નિસર્ગવાદી કથનરીતિઓ અંકિત થયેલાં પ્રસંગચિત્રોમાં પ્રથમ દર્શને અપ્રસ્તુત લાગે એવી વિગતો ઘણી છે. વિનાયક બહારના વ્યવહારજગતમાં જે જુએ-અનુભવે છે તેનાં વર્ણ-કથન વિગતપ્રચુર હોવા છતાં આગંતુક નથી લાગતાં, કેમકે વિનાયકની ચેતના સાથે તંદ્રા–સ્વપ્નાવસ્થા, સ્મૃતિસંવેદના, તરંગલીલા આદિ વિવિધ રૂપે પરોક્ષ રીતે તે વધુ-ઓછા અંશે સંકળાયેલાં છે. શ્રી શિરીષ પંચાલે સૂચવ્યું છે તેમ, ‘ફેરો’ને એક લાંબી નવલિકા- long short story - લેખે તપાસીએ તો પ્રવાસનાં વર્ણન-કથનની ઘણી વિગતો અપ્રસ્તુત લેખાય તેવી છે : ‘‘તાજી હજામત વિશેનું ચિંતન, સ્વપ્નમાં આવતો સાધુ, રિક્ષાવાળાનો પ્રસંગ, દાંતની દવા વેચવા આવી ચઢેલો માણસ, ચંડીપાઠ વગેરેમાં માનતો સેલ્સમેન, કબ્રસ્તાન પાસેના બાગમાં પાણી પાનારની નોકરી કરવાનો આવતો વિચાર, બાલવિધવા ડોશીની કેફિયત, ગાડીમાં મુસાફરી કરતો કોઈ નાના રાજ્યનો ઠાકોર, વિધવાના ઘર પર દાંત ફેંકવા માગતી પત્નીનો આશય, પરીક્ષિત અને શહેરની ગાય સાથે યેનકેનપ્રકારેણ સંબંધ બેસાડવા માટે ટ્રેનની અડફેટમાં આવી જતી ગાયનો પ્રસંગ– આ બધાં વડે કોઈ વાતાવરણ રચાતું નથી. કરામત તરીકે જાણે બધું આવતું રહ્યું છે. આ બધી પ્રસ્તુત સામગ્રીનો જો પરિહાર કરીએ તો આપણી આગળ એક ઉત્કૃષ્ટ ટૂંકી વાર્તાનો નમૂનો ઊભો થાત....’ (ગુજરાતી કથાવિશ્વ : લઘુનવલ, સંપાદકઃ બાબુ દાવલપુરા અને નરેશ વેદ, પ્ર.આ. ૧૯૮૫, પૃ. ૭૯-૮૪ ઉપર આ સંબંધી વધુ વિગતો જોઈ શકાશે.) ડૉ. શિરીષ પંચાલને ઉપર્યુક્ત વિગતો અપ્રસ્તુત લાગવાનું મુખ્ય કારણ એ છે કે તેમની દૃષ્ટિએ ‘ફેરો’ લઘુનવલ નહિ પણ લાંબી નવલિકા છે. વસ્તુતઃ કેન્દ્રસ્થ ચરિત્રની અંતર્ગત સંવેદનાને રૂપબદ્ધ કરવા લક્ષતી, લઘુનવલની રીતે વિભાવિત થયેલી આ કથામાં એક સક્ષમ પરિસ્થિતિના નિર્માણ દ્વારા કથાનાયકની અસ્તિત્વપરક અનુભૂતિની અભિવ્યક્તિ અર્થે વણાયેલી પ્રાસંગિક ઘટનાઓનાં આગંતુક ભાસતાં વર્ણન- કથન પણ અર્થહીન કે અપ્રસ્તુત નથી. દૃષ્ટાંત લેખે પાત્ર-પ્રસંગે-પરિવેશગત કેટલીક ઘટનાઓનાં વિગતવર્ણન જોઈએ. ૧ : પ્રવાસના આરંભે ‘એક સ્તનથી બીજા સ્તને શિશુને ફેરવતી હોય એવી ટ્રેન’ની ગતિ રેખાગત સમયને અનુસરે છે; પણ બહારની દુનિયા કરતાં વિશેષ તો મનોમય સૃષ્ટિમાં જીવ્યા કરતા વિનાયકને ‘જૂનાં વહી ગયેલાં સ્ટેશનોની સ્મૃતિનો કોઈ મીઠો સણકો’ અતીતની દિશામાં વારંવાર ખેંચી જાય છે. પ્રવાસના અનુભવો વર્તમાનની રેખાગત ગતિએ તેની સંવેદનામાં ઝિલાય અને તત્કાળ પ્રતિક્રિયાઓ જન્માવે તે પ્રકારે antiromantic નિસર્ગવાદી કથનરીતિએ વિગતસભર આત્મકથનના રૂપમાં, કોઈ સુચિંતિત પૂર્વઆયોજન વિના at random મુકાયા છે. એમાં વિનાયકની અભિવ્યક્તિપરક શક્તિની ઊણપ સૂચવાય છે. બાહ્ય જગતની ઘટનાઓ તેમ જ પરિચિત-અપરિચિત વ્યક્તિઓને પોતાની તરલ અને ધુમિલ અનુભૂતિઓ સાથે સાંકળવાની તેની મથામણ અને ક્યારેક દૂરાકૃષ્ટ જણાતી કોશિશને તે છાવરતો નથી, બલ્કે નિખાલસ હૃદયે પોતાની ભાષિક અશક્તિને સ્વીકારે છે. એક સંવેદનપટુ સર્જકની આ અભિવ્યક્તિગત અશક્તિ વસ્તુતઃ તેના ચરિત્રવિભાવન સાથે સુસંવાદી છે. તેની સંવેદનાને વિવિધ પ્રકારે સ્પર્શી જતાં બાહ્યસૃષ્ટિનાં દૃશ્યો અને મનુષ્યોનાં વાણી-વર્તનનાં વર્ણન-કથનમાં વર્તમાન સમયની સપાટી તેની સ્મૃતિ સંવેદનાઓ, સ્વપ્ન-તંદ્રાવસ્થાની તરંગલીલાની અનુભૂતિઓની સહોપસ્થિતિને કારણે વારંવાર છેદાયા કરે છે, અને એ કારણે, વર્તમાન સમયની રેખાગત ગતિ સાથે તે તાલ મિલાવવામાં મુશ્કેલી અનુભવે છે. ‘ટ્રેનથી ઊલટી બાજુની’ પવનની દિશા પણ એ હકીકતની દ્યોતક છે કે આ પ્રથમ દૃષ્ટિએ નિસર્ગવાદી પ્રવાસ વર્ણનના નિષ્કૃષ્ટ નિદર્શન સમી ભાસતી કથા વસ્તુતઃ વિનાયકના અતીત-વર્તમાન અને અનાગતને પણ સ્પર્શતી કલ્પનસમૃદ્ધ પ્રતીકકથા છે. સ્વપ્નમાં દર્શન દઈ આશિષ પાઠવતો સાધુ વિનાયકની ભાવનાસૃષ્ટિનો મૂઠી ઊંચેરો માનવી છે; તો વતનના ગામપાદરે જેનું નામનિશાનેય નથી એવા ઊર્ધ્વમૂલ અશ્વત્થના વૃક્ષ પરથી તેના શિરે થતો ‘પાંદડાંનો ટપ ટપ’ અભિષેક તેના અવચેતન ચિત્તની પૂર્વજ-પિતૃઓના આશીર્વાદની સુષુપ્ત ઝંખનાનું જ મૂર્ત રૂપ છે. નિવૃત્તિકાળમાં શેષ જીવન વતનના શાંત નિરાંતવા વાતાવરણમાં વિતાવવા ઝંખતો વિનાયક પેલા સોમપુરી સાધુની આશિષ પામે તે જ ઘડીએ, આંગળીએ વળગીને સાથે ચાલતો ‘ભૈે અલોપ થઈ ગયો કે શું?’ - એવી આશંકામાં કથાના અંતભાગે અલોપ થઈ જતા ભૈની અનાગત ઘટનાનો સંકેત અંતર્નિહિત છે. ૨ઃ જેને બે બદામનો તુંડમિજાજી રિક્ષાવાળોય ઉતારી પાડવાની ધૃષ્ટતા કરી શકે, કૂવાના કઠેડાની જાળીમાં ફસાયેલા બિલાડાને સતાવતા તોફાની છોકરાની જેમ જેને ભૈનો પડી ગયેલો દૂધિયો દાંત પોતાની ગેરહાજરીમાં પતિ સાથે સંપર્ક સાધવા કોશિશ કરતી વિધવા પાડોશણને છાપરે ફેંકી આવી ઈર્ષાવૃત્તિને સંતોષતી ઘરવાળી અને ઑફિસમાં ‘બૉસ’ પણ ખોટી રીતે હેરાન કરી શકે અને એવી વિક્ષોભક પરિસ્થિતિમાં જેની ઉપલા હોઠથી છૂટી પડી ગયેલી હડપચી નીચે લબડી પડે, જેમ્સ જૉય્‌સનું સ્મરણ કરાવતી આ ખૂબીદાર હડપચી જોઈને હાસ્યરસિક સારસ્વતો જેવી ઠેકડી ઉડાવી શકે, અને હજામતના પ્રસંગોએ ‘શૉપનું નોંધપાત્ર પાત્ર’ બનીને હજામ ઉપરાંત અન્ય મશ્કરા ઘરાકોને પણ મજાકની તક પૂરી પાડે, એટલું જ નહિ પણ પોતાની ‘તાજી’ પર ભૈનો હાથ ફેરવાવીને જે ખુદની મજાકનોય ‘કંઈ ઓર’ આનંદ પણ માણી શકે એવો લાખેણો કથાનાયક – વસ્તુતઃ વિ-નાયક – આપણા આધુનિક કથાસાહિત્યમાં અન્યત્ર શોધ્યો જડે તેમ નથી, જેની અસ્તિત્વપરક વિફળતા-વિવશતાને ભૈના અનુકંપાસભર દૃષ્ટિપાત કે મર્મભર્યા મૂંગા હાસ્ય સિવાય માનવવાણીનું ચલણી શબ્દભંડોળ ભાગ્યે જ અભિવ્યક્ત કરી શકે એવા આ વિ-નાયકની જીવનયાત્રાના સંકેત સમી સૂર્યમંદિરની તીર્થયાત્રા અંતે જતાં ફોગટ જવાની છે. એનાં આગોતરાં સૂચન કથાનાં વિગતવર્ણનમાં એકાધિક પ્રસંગે ઔચિત્યપૂર્વક વણાયેલાં છે. ૩ : ફેરો ફળવાનો નથી, છતાં તેનાથી છૂટી શકાય એવી કોઈ છટકબારી કૅલરવૉયન્સની શક્તિ હોવાનો ‘પાક્કો વહેમ’ ધરાવતા વિનાયકને સુલભ નથી. મિત્રો-પરિચિતોને આશ્ચર્યચકિત કરી શકે તેવી તેની રહસ્યમય વચનસિદ્ધિના પ્રસંગો આ કંટાળાભરી યાત્રામાં રાહતદાયક રમૂજ પૂરી પાડે છે. છીંકણી સૂંઘીને થાક-તણાવ-કંટાળાથી છૂટવાની મથામણ કરતા વિનાયકની પત્નીના પીળા પડી ગયેલા દાંતને ગંગાજળ સમા સમુજ્વલ કરી આપે કે એક માજીના હાલતા દાંતને પાંપણના પલકારામાં પાડી દઈ તેમના બોખા મુખમંડળને હસતું કરી શકે એવા ‘ગંગાજમના’ દંતમંજનવાળા વાચાળ ફેરિયાના ઉપચારથી માજીના દાંતના પેઢામાંથી રક્તની સરવાણી સદ્ય ફૂટી નીકળે છે. એ પ્રસંગચિત્ર પણ comic relief થકી આ કંટાળાજનક પ્રવાસને સહ્ય બનાવે છે. વચનસિદ્ધિના યોગપ્રસંગોમાં પ્રગટતી વિનાયકની- વસ્તુતઃ લેખકની- રમૂજવૃત્તિ એવી કાર્યસાધક છે કે તેના વિનિયોગથી બોજલ નીરસ વાતાવરણમાં હળવાશ અનુભવાય છે. વચનસિદ્વિના ચમત્કારક પ્રયોગથી એક મિત્રને ઘેર બંધ ‘ધડધડાટ પાણી’ વહેવડાવી શકતો વિનાયક ટ્રેનપ્રવાસમાં ત્રીજા સ્ટેશને બંધ નળમાંથી પાણીનું એક ટીપુંય ટપકાવી શકતો નથી, એ હકીકત મર્મસૂચક છે. ૪ : દવાનાં સેમ્પલની સાથે બેગમાં રાખેલાં ‘શ્રી ચંડીપાઠ’ આદિ ધાર્મિક પુસ્તકોના વાચન-મનનનો ઉદારતાપૂર્વક સપ્રવાસીઓને લાભ આપતો સેલ્સમેન ચંડીપાઠ કરતાં કરતાંય મૌન સેવવાને બદલે ‘જગદ્‌ કલ્યાણાર્થે, વિશ્વશાંતિ અર્થે, પરોપકારવૃત્તિથી વચનામૃતની રસ ધાર વહાવે, મૌનના લાભ સમજાવવાને મિષે બોધક શબ્દવૃષ્ટિથી વિનાયકનાં કંટાળામાં અભિવૃદ્ધિ કર્યે જાય અને ‘મૌની બાબાના શિષ્ય’ને વિના કારણ સતાવે એ ઘટના એવી દુઃસહ છે કે મહામુનિને પણ મૌનભંગ માટે વિવશ કરી મૂકે. એક તરફ બોલતો અટકાવી ન શકાય તેવો વાચાળ સેલ્સમેન છે, તો બીજી તરફ એવો ભૈ છે, જેને લાખ પ્રયત્નેય બોલતો કરવાનું બની શકે તેમ નથી! બે વિપરિત પરિસ્થિતિઓનું આ સંનિધિકરણ અહેતુક નથી. ૫ : બાળવિધવા ડોશીની આપવીતી પ્રસંગે પ્રગટતી તેના સંસારી જીવનની દયનીય અવદશા અને યાચકવૃત્તિથી વિનાયક સાવ નિર્લેપ રહી શકતો નથી. ‘કોઈ ન જુએ તેમ’ એ વૃદ્ધાના હાથમાં રૂપિયાની નોટ સરકાવી દેવાની તેની સાહજિક ચેષ્ટામાં દીનદુઃખી મનેખ પ્રત્યેની તેની સમભાવશીલતા તરી આવે છે. આ ડોશીમાના ખોળામાં ખોટી જગ્યાએ વાયરાના વાંકે ભૂલા પડેલા ફૂદાને ઉપાડી લઈ ભૈ તેને બાપના હાથમાં મૂકે છે અને એ કૂદું બીજે ક્યાંય નહિ પણ પેલી બિસ્તરાવાળી બાઈના અંબોડામાં સહજ સ્ફુરણાથી બેસવા પ્રેરાય છે, એ જોઈને વિનાયકને થઈ આવે છે : ‘જરૂર આ બાઈ સાથે કોઈક ભવ...’નો ઋણાનુબંધ હશે, નહીંતર ‘ગયા ભવનું સંતાન’ હોય એમ, એ ફૂદું જાણે પોતાની ગોદ મળી ગઈ હોય એ રીતે પોતાના ગત જન્મની જીવનસંગિની સમી દીસતી એ જ બાઈના અંબોડામાં સહજ સ્ફુરણાથી બેસવા પ્રેરાય છે, એ જોઈને વિનાયકને થઈ આવે છે : ‘જરૂર આ બાઈ સાથે કોક ભવ... ’નો ઋણાનુબંધ હશે, નહીંતર ‘ગયા ભવનું સંતાન’ હોય એમ, એ ફૂદું જાણે માતાની ગોદ મળી ગઈ હોય એ રીતે પોતાના ગત જનમની જીવનસંગિની સમી દીસતી એ જ બાઈના અંબોડામાં શીદને સહારો શોધે! એ બિસ્તરાવાળી વિધવાને જોઈ ત્યારે પ્રથમ દર્શને જ વિનાયકને લાગેલું કે ‘આને હું ઓળખું છું. ક્યાં જોઈ હશે? ક્યાંય મળ્યાં તો નથી... નપાણિયા પ્રદેશમાં પાણી છે કે નહીં એ જોવા આપણે કાન જમીને નથી અડાડતા?... પરંતુ મૂળ વસ્તુ આઘેની ઝાડીની જેમ ધૂંધળી ને ધૂંધળી જ રહે છે... ગયા ભવમાં કદાચ અમે...’ (પૃ. ૬૬) પણ તે જ વેળાએ યંત્રવિજ્ઞાનની દેનરૂપ ટ્રેનમાં ‘અંધારું ધબ થઈ ગયું’... અને માનવશિશુઓના આક્રંદસભર અંધકારમાં વિનાયકને ‘...અપેક્ષા પ્રમાણે ન સરોવર, ન સવાર, ન ગિરિમાળા કે ન લીલી હરિયાળી જાજમ –કશુંયે ન દેખાયું...’ ફક્ત એટલું જ સમજાયું. કે કશુંક આડુંઅવળું થઈ ગયું છે; ખોવાઈ ગયું છે; કોણ જાણે ક્યાં વિખૂટું પડી ગયું છે પણ યાદ આવતું નથી કે અંધારામાં ઓળખાતું નથી. આ જન્મજન્માંતર સુધી વિસ્તરેલી સંદિગ્ધ સ્મૃતિસંવેદના અને વર્તમાન ક્ષણોની વસ્તુસ્થિતિની વિષમતાને રૂપાયિત કરવા યોજાયેલ વિરોધચિત્રોનું સંનિધિકરણ કથામાં સાવ અપ્રસ્તુત છે એમ કહી શકાશે ખરું? તાક્યું તીર ફેંકીને વિનાયકની પત્ની પેલી બિસ્તરાવાળી બોલકણી બાઈને મૂંગીમંતર કરી શકે છે, પણ તેના ભૈને કોણ બોલતો કરશે? સૂરજદાદા...? ૬ : પેલી નાગર વૃદ્ધા સાથેની વાતચીત દરમિયાન પત્ની કહે છે કે ‘બાધા રાખવા સૂર્યમંદિરે જઈએ છીએ.... ત્યારે વિનાયકના મનમાં ‘કંઈક ઝબકારો થયો’ અને તેને પહેલી જ વાર ‘પ્રતીતિ થઈ કે આ છોકરો મારું જ સર્જન છે, કેમ કે એ મૂંગો છે!’ એ ઘટના પણ ઓછી અર્થપૂર્ણ નથી. ૭ : ભૈનો જનક મિતભાષી છે; તો તેની સંવર્ધિત અદ્યતન આવૃત્તિ સમો ભૈ સાવ અવાચક છે. તેમનાથી સાવ જુદાં કારણસર બાર વર્ષથી સ્વેચ્છાએ મૌન પાળતો, ટ્રેનમાં ડબ્બે ડબ્બે ફરીને ફદિયાં ભેગાં કરતો ‘મહાત્મા’ આ ત્રિપુટીમાં અલગ એ રીતે તરી આવે છે કે ‘તે કદી બોલવા માગતો નથી ને બોલશે પણ નહિ.’ કૃતિગત પરિવેશમાં રહસ્યનું આવરણ રચવામાં આ ત્રણેય ‘મૌની બાબા’ના અનુયાયીઓનો હિસ્સો ન ઉવેખી શકાય તેવો છે. ૮ : ટ્રેન કબ્રસ્તાનની કાંટાળી વાડને અડીને ‘જાણે વચ્ચોવચ’ પસાર થાય છે તે વખતે ગેટની તકતી પર વંચાતું લખાણ મૃત્યુની અટળતા નિર્દેશે છે. (અહીં પરિસ્થિતિ એવી સગવડભરી છે કે ટ્રેન કાંટાળી વાડને ‘અડીને’ સાવ નજીકથી પસાર થાય અને તકતી પરનું લખાણ ‘મોટા’ અક્ષરે લખાયેલું હોય, જેથી કરીને ગતિમાન ટ્રેનમાંથી નબળી આંખોવાળો યાત્રિક પણ એ લખાણ વિના મુશ્કેલીએ વાંચી શકે!) કબ્રસ્તાનમાં એક વૃક્ષની ડાળીઓ સાથે બાંધેલા વિરુદ્ધ દિશાઓમાં દોલાયમાન ઘોડિયાનો ‘કબરો પર ઘસડાતી સમડી શો પડછાયો’ અને ‘કબરો આસપાસ હર્યોભર્યો બગીચો’ જન્મ-મૃત્યુ અને વિસર્જન-નવસર્જનના ઘટનાચક્રનું સાતત્ય અને સાયુજ્ય સૂચવે છે. આ બગીચાને ‘પાણી પાવા માળી તરીકે’ અને દૂર દેખાતી મસ્જિદમાં ‘દીવાબત્તી કરનાર પગી તરીકે...’ મનગમતી કામગીરી માટે તક મળે તો રહી પડવાની વિનાયકની હૃદયવૃત્તિમાં પાણી વિના મૂરઝાતી જીવનવાટિકાને જળસિંચન થકી નવપલ્લવિત કરવાની અને ગાઢ તિમિરમાં દીપકજ્યોત પેટવવાની માનવહૃદયની ચિરંતન ઝંખનાનો અણસાર મળે છે. ચોથા સ્ટેશને ગાડી થોભી તે પ્રસંગે ‘ધજા ફરકાવતી દો’રીસમી, લીલુડી ઓઢણીમાં ઓપતી એક ગ્રામકન્યાએ પાયેલા પાણીથી જાણે જીવનભરના તરસ્યા આ યાત્રિકની તૃષા એવી સંતોષાય છે કે પરિતૃપ્તિની પ્રસન્નતાસભર પળોમાં, અનાકર્ષક સ્થૂળકાય પત્નીના વાયરે લહેરાતી લટથી શોભી ઊઠેલા વદનમંડળમાં તેને અપૂર્વ સૌંદર્યદર્શન લાધે છે. ૯. ઘેરથી નીકળવા ટાણે દાદરના જીવનાનું એક બારણું બરાબર વસાતું નથી; બારણાનો એક હડો સરળતાથી ને બીજો કિચૂડાટ કરતો પરાણે વસાય છે. આ વિગતબયાનમાં વિનાયકના દાંપત્ય અને જાતીય જીવનની વિસંવાદિતાનો ટ્રેનના કંટાળાજનક શુષ્ક વાતાવરણમાં પણ તેને ‘શૂન્યતામાંથી સભરતામાં, રણમાંથી ઘરમાં’ પહોંચાડી દે છે. આવી નાની અમથી ઘણીબધી વિગતોને અપ્રસ્તુત માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી. વિનાયકના વર્તમાન પળોમાં પ્રવાસનિમિત્તે થતા કટુ-મધુર અનુભવો સહપ્રવાસીઓ સાથેના સંબંધો-સંપર્કો, આંખ સામેથી પસાર તંદ્રાવસ્થા સ્વપ્નાવસ્થાની અર્ધચેતન-અવચેતન ચિત્તની તરલ અનુભૂતિઓ તેમ જ સ્મૃતિસંવેદનાઓની અભિવ્યક્તિ અર્થે પ્રયોજાયેલી રચનારીતિ-તથા આત્મનેપદી કથનરીતિની પસંદગીમાં લેખકની કળાસૂઝનો અંદાજ મળી રહે છે. વર્તમાન-અતીત અને અનાગતને સ્પર્શતી અનેક સ્તરીય સંકુલ સંદિગ્ધ અનુભૂતિઓને રૂપાયિત કરવા યોજાયેલાં અમુક કલ્પનો પુનરાવર્તન પામીને પ્રતીકની દિશામાં ગતિ કરતાં જોઈ શકાશે. પ્રવાસના આરંભે જ વિનાયકને થાય છે કે ‘ફરી પાછા આવનારાઓમાં હું કદાચ નહીં હોઉં... અશ્વત્થનાં પર્ણો પરથી, વર્ષા થતાં સરીને પાણી ટપક્‌ ટપક્‌ નીચેના મોટા સરોવરમાં જે રીતે પડે એનો અવાજ કેવો હોય?’ અશ્વત્થનું આ કલ્પન વાસ્તવિક જગતમાં જેની હયાતી નથી એવા ઊર્ધ્વમૂલ અશ્વત્થના રૂપમાં વતનના ગામપાદરના સ્વપ્નદૃશ્યમાં સંદર્ભભેદે પુનરાવર્તિત થઈને વિનાયકની અસ્તિત્વપરક રહસ્યમય અનુભૂતિને વ્યંજિત કરે છે. સાત નંબરના પ્લૅટફૉર્મ પરથી એન્જિનની વરાળના ધુમિલ આવરણ પાછળ વિનાયકે જોયેલું ‘એક ધોળું ધોળું સુંદર વાછડું’ કથાના અંતભાગે ટ્રેનના એન્જિનની હડફેટે આવી પગ કચડાઈ જવાથી લોહીલુહાણ થયેલી ગાય સાથે સંબંધાઈને અર્થપૂર્ણ બની રહે છે. પૌરાણિક પરીક્ષિત સાથે સંબંધિત ગાયનું પુરાકલ્પન આ રક્તરંજિત ગાયરૂપે પુનરાવર્તન પામીને આધુનિક યંત્રવૈજ્ઞાનિક યુગની વિષમ પરિસ્થિતિને સંકેતે છે. અલબત્ત, આ હેતુસર યોજાયેલી ગાયના અકસ્માતની કાકતાલીય ઘટનાના વસ્તુસંવિધાનમાં લેખકનો આયાસ અછતો નથી રહેતો. પોતાની ‘અલૌકિક’ શક્તિથી જેના દેહમાં વિનાયકને ‘આખું પહોળું વૈભવશાળી ઘર’ દેખાયું હતું એ બિસ્તરાવાળી બાઈનું મસ્તક પોતાના ખભા પર ટેકવાય છે તે ઘડીએ તેના માથાના કેશનો સ્પર્શ દરિયાકાંઠે જીવતી માછલીને પોતે એક વાર હાથમાં લીધેલી તેની સ્મૃતિ જગાડે છે...’ આ સ્વપ્નિલ અનુભૂતિ દરમિયાન વિનાયકની ‘હડપચીની દાબડી લબડતી હતી’ એ સૂચક છે. ઔપચારિક ઢબે ‘આવજો’ કહીને એ બાઈ પોતાને ઊતરવાનું સ્ટેશન આવતાં વિદાય થાય છે તે પ્રસંગે ‘સ્ટેશનન છાપરા બહાર બાઈ અને તેનું કુટુંબ શાહીચૂસ પર કાળી શાહીમાં ઝબોળાયેલી માખીઓની જેમ’ ખસતું જાય છે, અને પોતે ‘રણ તરફ... ચિરપરિચિત જૂના સ્ટેશન પાસે ગાડી પાટા બદલે છે ત્યારે ડબ્બાની ભીડમાં માંડ ગોઠવાયેલા વિનાયકની મનોસૃષ્ટિમાં રેલના પાટા વચ્ચે ભોંયરામાં આવેલા દેશમાં વિરાજમાન શંકરના દેહની આસપાસ ડમરુના નાદે નાગ થઈ વીંટળાઈ જતા રેલ્વેના પાટા સજીવ થઈ ઊઠે છે; ભરથરી છોકરાના લોકગીતના સ્મૃતિસાહચર્ય થકી અગાઉ એક મદારીના ટોપલામાં ઢબૂરાઈને પડેલા વિષધર સાપનો સળવળાટ અનુભવાય છે; અને મંદ ગતિએ વળાંક લેતી ગાડીના ડબ્બા ભક્ષ્ય ગળીને ઝાડ સાથે ચૂડ ભિડાવતા અજગરની જેમ આગળ સરકે છે. સર્પના કલ્પનનો વિવિધ પ્રસંગે પરિસ્થિતિ અને તજ્જન્ય મનઃસ્થિતિના આલેખન અર્થે કેવોક વિનિયોગ થયો છે, તે ધ્યાનમાં લેવા જેવું છે. વિનાયક અને (ભૈ પણ) ખિસ્સા પર વારંવાર હાથ ફેરવીને જૂની સલામતીની ખાતરી કરી લે છે તે, કથાના અંતમાં (ભૈની જેમ જ) ખોવાઈ જતી સર્જક કથાનાયકની પેનના પ્રતીકમાં તેની ભાષિક અભિવ્યક્તિની શક્તિના લોપનો સંકેત કળાય છે. ભૈ અને પેન ઉભયને ખોઈ બેઠેલો વિનાયક હવે તેની આગામી નવલકથા ‘ધૂમ્રવલય’ કેવી રીતે રચશે, એ યક્ષપ્રશ્ન આગળ ‘ફેરો’ની કથા અટકી જાય છે. અલબત્ત, સૂર્યમંદિરની યાત્રા જેવા માનવઅસ્તિત્વ સાથે અવિભાજ્ય રીતે સંકળાયેલા વારા-ફેરા તો અવિરત ચાલ્યા જ કરશે. અસ્તિત્વની વિફળતામૂલક વેદના સહેવી પડે તો પણ આ ફેરાના ચક્કરમાંથી ઊગરવું શક્ય નથી, કેમ કે એ જ તો આપણી સૌની માનવનિયતિ છે. આ વિષયવસ્તુની પ્રતીકાત્મક અભિવ્યક્તિમાં પ્રગટતો લેખકનો સર્જનપુરુષાર્થ ફળપ્રદ નીવડ્યો છે.