ફેરો/૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search

હાં. તો મારી પત્ની બોલે છે, બહુ બોલે છે. તોય શી ખબર મને ગમે છે. એનો અવાજ જ એની બધી આબરૂને સાચવી લેનારો નીવડ્યો છે. દેખાવમાં તો મેં કહ્યું ને, એ સ્થૂળ કાયાવાળી છે. એનો ચહેરોમહોરો સાધારણ આકર્ષક ખરો, પણ ગાલ ઉપરના ખીલ અને ફોડલીઓ, બ્રહ્માજી કોઈ સર્જક કરતાં અણઘડ ઘંટી ટાંકનારા હોય, એવી ચાડી ખાય છે. વાને ઘઉંવર્ણી. આંખમાં પ્રેમ કરતાં વાત્સલ્ય (જ્યારે એ પરણીને સાસરે આવી ત્યારેય) ડોકિયાં કરે છે, પણ મને વાંધો નથી, કાળા વાળમાં ધોળા વાળની જેમ ‘પ્રેમ’ અને ‘વાત્સલ્ય’ એકમેકમાં ભળી જતાં હશે, નહીં ? આ બાધાં કરતાં મને એનો અવાજ જ ગમે છે. રૂપેરી પરદાની એ કરૂણ પાઠ લેતી નટી દુઃખમાં જે દબાયેલા પણ હૃદયદ્રાવક કંઠે બોલે છે ગાતી વખતે જે રીતે એના ગળાની નસો ફૂલી જાય છે એ રીતે (પેલી કઈ ફિલ્મ? એક પ્રફુલ્લ ઉદ્યાન.) દરવાજા આગળ પોતાની લાકડી મૂકી એક વૃદ્ધ અંધ ભીખ માગી રહ્યો છે. આ સ્થિતિથી તદ્દન અજાણ એક સુંદર યુવતી... મધુર કંઠે એક ગીત ગુંજતી ત્યાંથી પસાર થાય છે.

‘ચક્ષુ વાટિકાનાં દ્વાર કીધાં બંધ
કેટલું અપૂર્વ, જે થવાય અંધ!’

...મારી પત્નીને મેં પહેલીવહેલી આમ બોલતી સાંભળી ત્યારે હું તેની તમામ ઊણપો કોણ જાણે ભૂલી ગયો; ગાર્ડનમાં ફરવા ખેંચી ગયો, નદીકાંઠાની વનરાજનું એકાન્ત... વૃક્ષ પર બેઠેલી કાબરોને ઉડાડી મૂકી અને તેને આવેગથી અનેક વાર ચૂમી – આ દૃશ્યને મારી નૈરાશ્યન પળોમાં મોંમાં રહેલી એકસ્ટ્રા સ્ટ્રોંગ પિપરમીટની જેમ કેટલી બધી વાર મમળાવ્યા કર્યું છે! પણ હવે એ પિપરમીટ પૂરી થવા આવી છે... રેકર્ડની જેમ એ કંઈ બોલી રહી છે. બોલતી ગઈ ને કપડાં બદલતી ગઈ. ભૈ આ દરમિયાનમાં ક્યારે નીચે જઈ આવ્યો, બરફ લઈ આવ્યો અને ઉપર આવી દાદર પાસે ‘સૂ...સુ’ કરી ચૂસવા માંડ્યો. (ભૈની ચૂસવાની રીત ઉપરથી મેં કલ્પી લીધું કે એની માતાનાં સુદૃઢ સ્તનને શિથિલ કરનાર કોણ છે.) ભૈને મેં ચટાપટાવાળો બુશકોટ, કાળા દોરીવાળા બૂટ અને અંદર નાયલોનનાં નવાં મોજાં પહેરાવ્યાં. ઑફિસેથી ઘેર પાછા આવતા બજારમાંથી પ્લાસ્ટિકનું ઘડિયાળ લાવેલો તે જમણા કાંડે બાંધી આપ્યું. પહેલાં એના અને પછી મારા એમ બંનેના વાળ ઓળી દીધા. એના વાળ ઓળતી વખતે ખબર પડી કે ભૈનો એક દાંત નહોતો— ‘ભૈનો દાંત પડી ગયો?’ ‘ભૈ કૂવાની જાળી પરથી પડ્યો એટલે એનો દાંત પણ પડી ગયો.’ ‘દાંત ક્યાં નાખ્યો?’ ‘દાંત તો એ નાખ્યો પેલી વિધવા - મારી ગેરહાજરીમાં તમને બોલાવતી હતી એના છાપરે.’ ‘ખરી! એવું કરવાથી તને શું મળ્યું?’ ‘ટાઢક. મારાં ફોઈ કહેતાં કે જેના છાપરે દૂધિયો દાંત પડે એનું વાંઝિયા મે’ણું ટળે. આપણું તો સૂરજદાદાની બાધાથી ટળ્યું તે આ મૂંગોમૂંગો ય ભૈ આવ્યો, પણ ભૈનો દાંત કાંઈ મૂંગો...’ ‘બિચારી વિધવાને...’ હું વચમાં બોલતો હતો તે રોકીને, ‘એ કેવી છે એ આપણા ભૈનો દાંત જ દેખાડશે.’ ‘પણ એ કરતાં તો આપણા છાપરે જ નાખવો’તો ને!’ ‘આપણા છાપરે શું કામ? તમે છ મહિનાથી તો બોલાવ્યે બાડું જુઓ છો. રાત પડે છે ને ચોપડીઓની કાઢઘાલ...લ્યો, હવે તમારે મોડું થતું નથી? ભૈને લઈ ઝટ ઊતરો નીચે, પેટી તૈયાર છે, બારીઓ બંધ કરી તાળું લઈ હું આ ઊતરી.’ ‘હું ન આવું તો?’ ખુરસીમાં બેસી પડતાં એકાએક હું બોલી પડ્યો. મોઢામાં મોળ આવી ગઈ હોય એવું લાગ્યું. ‘અરે, એવું તે કંઈ ચાલતું હશે! ભૈ વખતે બાધા રાખવાય મારે એકલીને જવું પડ્યું’તું. જેમણે આપ્યો એ બોલતોય કેમ નહીં કરે? લોકોને માતા ફળે, પણ મારે તો સૂરજદાદા હાજરાહજૂર છે. થાઓ ઊભા.’ ભૈ ધબક ધબક ઊતરે છે. દાદરો ધડકી ઊઠ્યો. બહારગામ જતી વખતે મને કાયમ એમ થાય છે કે ફરી પાછા આવનારાઓમાં કદાચ હું જ નહીં હોઉં... અશ્વત્થનાં પર્ણો પરથી, વર્ષો થતાં સરીને પાણી ટપક્‌ ટપક્‌ ટપક્‌ નીચેના મોટા સરોવરોમાં શાન્ત રાતે પડે એનો અવાજ કેવો હોય? પોળમાં સોનીના એરણ પર ટિપાતી હથોડીનો અવાજ ત્રિકોણમાં પડેલા સુવર્ણા તડકાને થથરાવે છે. ભૈ એના દોસ્તની સામે હાથ ઊંચો કરે છે. પેલો હાથથી ફૂટબોલ ઉછાળી એક કીક ફટકારે છે, દડો ઊછળીને કૂવાનો કઠેડો કૂદી અંદર પડે છે. પત્ની નીચે ઊતરી જીનાનાં બારણાંને વાખે છે. એક બારણું વખાતું નથી. હું મદદે જાઉં છું. બારણાં નીચે કાગળ વિનાનું લાલ અક્ષરે ‘એક્સપ્રેસ ડિલિવરી’ લખેલું કવર આવી ગયું છે, સાચવીને કવર ખેસવું છું – મિત્રના હસ્તાક્ષર. બારણાંને બે હડા છે. એક, સરળતાથી, કાંચળીમાં સાપ પાછો જતો હોય તો તેની માફક જાય છે. બીજો કું હેંકું હેંકું હેંકું એમ કિચૂડાટ કરતો વખાય છે. (કોઈ વાર રાતે સમાગમ પ્રસંગે આવું બોલીએ તો ઉત્તેજનાની કોઈ વિશિષ્ટ અનુભૂતિ ઉપલબ્ધ થાય ખરી?) તાળું લગાવ્યું. ચાવી ખોસી, ફેરવીને તાળું બંધ, સંતોષ ન થયો તે ફરી પાછું તાળું ખેંચી તપાસ્યું. દૂધે ભર્યા ઘડા જેવાં સ્તન - વજનદાર તાળાં. તાળાંને સ્પર્શતાની સાથે હું શૂન્યતામાંથી સભરતામાં, રણમાંથી ઘરમાં પહોંચી જાઉં છું. ઉઘાડાં ઘર અને ઉઘાડી ફટાક બારીઓ અણગમો પ્રેરે છે. કોઈ તોફાની છોકરો કૂવાના કઠેડાની જાળી વચ્ચેથી નીકળવા કરતા એક પુષ્ટ બિલાડાને પૂંછડીથી પકડી બહાર ખેંચી રહ્યો છે. દરવાજા પાસે એક ગાય બેઠી છે. હવે, પણ એ એકલતા અનુભવતી નથી. ગાયની આ પ્રશાન્ત પળોની અદેખાઈ છૂટી. અહીં નિરાંતના મૌન કરતાં... મૌનની ઠંડી કાળી જાજમ પર ગાય નિરાંતે કાગળિયાં ચગળી રહી છે.