ફેરો/૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search

...ધક્કો આવ્યો. ગાડી ઊપડી. હું બારણાં પાસે ઊભો હતો. મારી પેન ખિસ્સામાં છે કે નહીં તે જોઈ લઈ કાળજીપૂર્વક પેનની ક્લિપને ખિસ્સામાં બરાબર ભેરવી આદત મુજબ પેન પર હાથ ફેરવી લીધો. બારણાં પાસે રાવળિયલ જેવી કોઈ બાઈ બેઠી હતી એનું બાળક – મને પણ ભાવતા - ગાંઠિયા આરોગતું હતું.... મહારાજની હૉટેલ. અનેક મનુષ્યોના બિંબ ઝીલી ઝીલી પ્રતિબિંબ ફેંકી ફેંકી પ્રૉસની જેમ ઘસાઈ ઝાંખું પડી ગયેલું દર્પણ અને તેના ઉપર ચૂનાથી ચિતરાયેલા પેલા વાંકાચૂંકા અક્ષર : ‘લાચાર માણસને અહીં પુરી-શાક મફત ખવડાવવામાં આવે છે....’ (હું લાચાર. ભૈ લાચાર. પત્ની – આ ટ્રેન...) રામલીલામાં માતાનો અને પછી વીલનનો પાઠ ભજવી આખરે હોટેલના મહેતાજી બનેલા ભોજકભાઈનો અવાજ – બે ગાંઠિયા ને એક સિલોન આવે... જય શ્રી લંકા...નમો નમો માતા... પુલ, કૅબિન, ફાટકને વટાવતી ગાડી વેગમાં આવી રહી છે. મારાથી ઊભા તો રહેવાતું જ નથી. ચાલી શકું ખરો. I have miles to go The woods are dark and deep... જવાહરલાલે તેમના ટેબલ પર રોબર્ટ ફ્રોસ્ટનો ફોટો કેમનો મૂક્યો હશે? બારણામાં એક ભાઈને બેઠેલા જોઈ હું એમની જોડે જમાવું છું. ગાડી પાટા બદલે છે. પાટા વચ્ચે ભોંયરામાં એક દે’રું. બહાર બાંધેલા વાંસડે ફરફરતી એક રંગીન ધજા... A lonely flag Surrounded by distances...આ તો જૂનું સ્ટેશન. દે’રું શંકરનું છે. ભોંયરામાંથી વછૂટતી બીલીની ગંધ જુદી જ હોય છે. એક પાગલ ફિટર કહેતો’તો, ‘મગદૂર છે રેલ્વેની કે આ દે’રું અહીંથી હઠાવે. રાતે દોઢ વાગે આ ભોંયરામાંથી મેં શંકરને સગી આંખે બહાર આવતા દીઠા છે. અને એ —આ બધા કાળા કાળા પાટા ડમરુના ડિમ ડિમ નાદથી નાગ થઈ એમની આસપાસ વીંટળાઈ વળેલા – એટલામાં એક્સપ્રેસની વ્હીસલ થઈ. શંકરે તો નાગને પાછા પાટા થઈ જવા આજ્ઞા કરી. પાટા કે, ‘અમે નૉ થઈએ!’ છૂક...છૂક કરતી ટ્રેન આવી ગઈ.. જોઉં છું તો કોઈ મળે નહીં. આ જ જૂનું સ્ટેશન. મારા માતા પ્રયાગના ત્રિવેણી સંગમમાં કુંભમેળા વખતે ના’વા ગયેલાં ત્યારે અત્યારે જ્યાં પાટા છે ત્યાં હું મૂકવા આવેલો. મારે પરીક્ષા હતી. જોડે જવું હતું. પણ...ગાડી ઊપડી ત્યારે નિરાશ્રિતની પાસેથી જીદ કરી ખરીદેલી તાજમહલની એક છબી બાને આપી મેં કહેલું કે આને આગ્રાની યમુનામાં ફેંકી દેજે, મારા આ વર્તનની મને હજુ સૂઝ નથી પડી. પેલ્લા પાટે...કદાચ ત્યાં જ. કુટુંબના દૂરના કાકા સોનારણની કોઈ સુંદર છોકરીના પ્રેમમાં પડી તેને ઈને નાસતા અહીં પકડાયેલા. કાકા ભીરુ નીકળતાં તે છોકરીએ આવતી ગાડીની વચ્ચે પડતું મૂકેલું. સિગ્નલો પસાર થવા લાગ્યાં. ખેતરના ચાડિયા, પણ આમના ઉપર તો હાડિયા બેઠા છે. એક ઓવરબ્રિજ આવ્યો. થોડો વખત શાતાદાયક અંધકાર માથે હાથ ફેરવી ગયો. તરત એક ફાટક આવ્યો. ફાટકના ઝાંપાની બહાર પરાણે વશ કરી રાખેલાં પશુઓ જેવાં વાહનો કોણ જાણે કેટલા કાળથી ઝાંપો ખૂલવાની પ્રતીક્ષા કરતાં તપે છે. ઘોડાગાડી હાંકનારની સાથે બેઠેલો ઉતારુનો એક ભૈને મળતો છોકરો ગાડી પસાર થતાં અજાણ્યો અમને હાથ ઊંચો કરી હસતો હસતો વિદાય આપે છે. કોઈક પ્રેરણાએ મારાથી હાથ ઊંચો થઈ જાય છે. ભૈને કોઈક બાઈએ ખોળામાં લીધો છે. અને પત્ની સામાન મૂકી બે હાથે છાજલી પકડી ઊભી છે. હું કહું છું, ‘રજા લીધેલી માથે પડી. હું હવે તારી સાથે કદી બહારગામ નહીં નીકળું. સૂતાં સૂતાં જવાશે એમ કહેનારી તું બેસવાની જગા તો બતાવ, ભૈને કેટલો પરસેવો છૂટ્યો છે! લે. આ રૂમાલ...’ મને કંઈક જવાબ આપવા એ મોં ખોલે છે, રૂમાલ લેવા હાથ લંબાવે છે, ત્યાં સામેથી ધકધક કરતી સુસવાટાબંધ આવતી ટ્રેન એના શબ્દોને પોતાની સાથે ઉડાડી જાય છે.