બટુભાઈ લાલભાઈ ઉમરવાડિયા
ઉમરવાડિયા બટુભાઈ લાલભાઈ, ‘કમળ', ‘કિશોરીલાલ વર્મા’, ‘ધીરજલાલ ગજાનનજી મહેતા', ‘સુંદરરામ ત્રિપાઠી', ‘હરરામ ત્રિપાઠી’ (૧૩-૭-૧૮૯૯, ૧૮-૧-૧૯૫૦): નાટ્યકાર. જન્મ વેડછા (જિ. સુરત)માં. પિતાની સરકારી નોકરીને કારણે, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં. ૧૯૨૦માં મુંબઈથી બી.એ. તે પછી કેટલોક સમય ખાનગી અને સરકારી નોકરી. ૧૯૨૭માં મુંબઈથી એલએલ.બી. થઈ વકીલાત શરૂ કરી. ૧૯૨૮થી ૧૯૩૬ વકીલાત નિમિત્તે સુરતવાસ દરમિયાન સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો. ૧૯૩૬થી ૧૯૪૯ સુધી અમદાવાદ મિલમાલિક મંડળના પગારદાર મંત્રી તરીકેની કામગીરી, એમાંથી નિવૃત્ત થઈ ફરી વકીલાત. અમદાવાદમાં અવસાન. એમણે ૧૯૨૦માં ‘રસગીતો'ના વિલક્ષણ શીર્ષક નીચે યુવાન હૃદયની ઊર્મિઓના આવિષ્કારરૂપ ગદ્યકાવ્યોનો નાનકડો સંચય પ્રગટ કર્યો છે, તેમાં મિસિસ બ્રાઉનિંગનાં સૉનેટ પરથી સૂચિત રચનાઓ પણ છે. ૧૯૨૧માં માનવશક્તિના દુર્વ્યય તથા સમાજનાં અનિષ્ટોને વિષય કરીને ચાલતા શેરિડનના સુપ્રસિદ્ધ નાટક ‘ધ સ્કૂલ ફૉર સ્કેન્ડલ’નું રૂપાંતર ‘સંસાર એક જીવનનાટ્ય’ પ્રસિદ્ધ કર્યું. ૧૯૨૦માં વિજયરાય વૈદ્ય સાથે ‘ચેતન’ અને ૧૯૨૧માં જ્યોત્સ્ના શુક્લ સાથે ‘વિનોદ' માસિક શરૂ કર્યાં હતાં. મુનશીએ પોતાની આસપાસ તેજસ્વી તરુણોનું મંડળ રચી ૧૯૨૨-૨૩માં સાહિત્ય સંસદની સ્થાપના કરીને ‘ગુજરાત' માસિક શરૂ કર્યું તેમાં પણ બટુભાઈ હિસ્સેદાર બન્યા. એમના ‘વાતોનું વન’ (૧૯૨૪) વાર્તાસંગ્રહમાં ઠીક ઠીક રીતિભેદ–કક્ષાભેદ દર્શાવતી વાર્તારચનાઓ છે અને એક એકાંકી નાટક તથા એક અંગત નિબંધ પણ છે. આ કૃતિઓમાં એમની વિલક્ષણ વિચારસૃષ્ટિનો પ્રભાવ છે; પરંતુ એને વધારે કલાત્મક ને સબળ અભિવ્યક્તિ સાંપડી છે એમનાં એકાંકી નાટકોમાં. ૧૯૨૨માં લખાયેલા એમના પહેલા ધ્યાન ખેંચતા નાટક ‘લોમહર્ષિણી’ને સમાવતો ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો' (૧૯૨૫) તથા ‘માલાદેવી અને બીજાં નાટકો' (૧૯૨૭) એ નાટ્યસંગ્રહો પછી એમણે ‘શૈવાલિની અને બીજાં નાટકો’એ નામે સંગ્રહ કરવા વિચારેલું, પણ એ થઈ શક્યું નહીં અને ૧૯૨૭માં લખાયેલા છેલ્લા નાટક ‘શૈવાલિની'ને એમનાં પસંદ કરેલાં નાટકોના મરણોત્તર સંગ્રહ ‘બટુભાઈનાં નાટકો' (સં. અનંતરાય રાવળ, ૧૯૫૧)માં જ સમાવવાનું થયું. ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો’માંના ‘મહમ્મદ પેગંબર' નાટકને કારણે એમને મુસ્લિમોનો વિરોધ સહન કરવાનો આવ્યો અને સરકારી પ્રતિબંધને કારણે સંગ્રહમાંથી એ નાટક રદ કરી ‘મનનાં ભૂત’ નામે નાટક મૂકવાનું થયું. આધુનિક સમયને અનુરૂપ નવાં મૂલ્યોની દૃષ્ટિએ પૌરાણિક વિષયોને એ સ્પર્શતા અને પોતાનું નવું અર્થઘટન મૂકતા. વિચાર એમનાં નાટકોનું એક બળવાન પાસું બની રહ્યો. દૃશ્યબહુલતા તથા સમયવિસ્તારને કારણે એકાંકીમાં અપેક્ષિત સઘનતાની દૃષ્ટિએ ઊણી ઊતરતી એમની આ રચનાઓ કેટલીક કચાશો ધરાવે છે, છતાં એ કૃિતઓ એના વિચારબળ, વિચારને અનુરૂપ નાટ્યક્ષમ પરિસ્થિતિની સંકલ્પના, દ્યોતક ને સજીવ પાત્રાલેખન અને વાક્છટાયુક્ત સંવાદોથી પોતાનું આગવું રૂપ ઘડે છે. ૧૯૨૮-૨૯માં એ થોડા સમય માટે જ્યોત્સ્ના શુક્લ સાથે ‘સુદર્શન' સાપ્તાહિકના તંત્રી બનેલા. પરંતુ વસ્તુત: આ સમયથી એમની સાહિત્યિક કારકિર્દી સ્થગિત થઈ ગઈ હતી. ૧૯૩૫માં ‘રાસ અંજલિ’ નામક ગરબાસંગ્રહ તથા ‘શાકુન્તલ’ને પાત્રનામો, પ્રસંગો વગેરેના ફેરફારો વડે અર્વાચીન સમયમાં ઢાળીને તૈયાર કરેલું રસલક્ષી રૂપાંતર ‘શકુન્તલા રસદર્શન’ પ્રગટ થાય છે, પણ એ માત્ર ક્ષણિક ઝબકારો નીવડે છે. ૧૯૩૭માં પ્રકાશિત ‘કીર્તિદાને કમળના પત્રો’ ૧૯૨૪-૨૫માં ‘માનસી’માં લખાયેલી લેખમાળા છે. મુનશીના ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર’ની સમીક્ષા નિમિત્તે આ ગ્રંથમાં ગુજરાતી સાહિત્યની સિદ્ધિ-અસિદ્ધિઓનું રસાળ અને રમતિયાળ, પત્રશૈલીએ કરેલું અરૂઢ અને મર્મગ્રાહી અવલોકન રજૂ થયું છે. ૧૯૨૬માં ‘આપણા કેટલાક મહાજનો' એ શીર્ષક હેઠળ ‘ગુજરાત’માં પ્રગટ થયેલાં અગ્રગણ્ય ગુજરાતીઓનાં નિજી દૃષ્ટિનાં અને નિખાલસ રેખાચિત્રો, ૧૯૨૬-૨૭માં ‘સુવર્ણમાલા’માં પ્રગટ થયેલી ‘મધુસૂદન’ નામે અધૂરી નવલકથા તથા પ્રકીર્ણ લેખો આદિ એમનું કેટલુંક લેખન ગ્રંથસ્થ થયું નથી.