બરફનાં પંખી/અઢી અક્ષરિયું

અઢી અક્ષરિયું

આમ તો
જીવવું એ જીવલેણ વ્યસન છે.
કાયાની જેમ છૂટતું જ નથી.
છતાં
જોઉં છું કે હવે
ઓળખના દીવે પાડેલું કાજળ
આંખમાં ક્યાં સુધી ટકે છે!
*
નળ ખોલીને
પાણી પીવા ખોબો ધરું.
ખોબાના પાણીમાં
દેખાતો ચહેરો
સ્હેજ ધ્રુજીને
ભૂંસાઈ જાય
એમ અવાજો ભૂંસાઈ ગયા
એમ શબ્દો ભૂંસાઈ ગયા
એમ અક્ષરો ભૂંસાઈ ગયા
એમ કવિતા ભૂંસાઈ ગઈ
એમ હું ભૂંસાઈ ગયો.
અરે!
કોઈ તો નગારે ઘાવ દઈને
પૂછો કે
એવું તે કયું ડસ્ટર
ફરી રહ્યું છે
સૃષ્ટિના બ્લેક બૉર્ડ પર
કે જેણે
મારા અઢી અક્ષરને ભૂંસી નાખ્યા?
કોઈ બોલતું નથી.
આમ બ્લેકબૉર્ડના અંધકારમાં
મારું અઢી અક્ષરિયું છોકરું
સાવ ઓગળી ગયું.
*
હવે હું
ક્યારેય નહોતો એટલો
એકલો પડી ગયો છું
*
મોડી રાત્રે
કોઈ અભાગી બાપ
પોતાના મૃત બાળકને
સ્મશાને પહોંચાડ્યા પછી
ઘેર પાછો ફરે તેમ
હું દબાતે પગલે
ઓસરીમાં
પગ મૂકું ત્યાં
ચાવીવાળી ટેન્ક
ચાવીવાળી તોપ
ચાવીવાળું વિમાન
ચાવીવાળું પારેવું
ચાવીવાળો હાથી
ચાવીવાળો મોર
ચાવીવાળો માણસ
ચાવીવાળો હું
વૃદ્ધ હાથે
ચાવીવાળી ટેન્કને
ઊંચકીને
ચાવી દેવા મથું છું.
પણ એકાએક
કબીરવડમાં પતંગ ફસાય એમ
ગળામાં ડૂસકું ફસાઈ જાય છે.

એક વાર
હું સાત વર્ષનો હતો
સાવ સાત વર્ષનો હતો
નાની અમથી કીડી જેવડો
પતંગ જેવડો
કંપાસ જેવડો
ને આજે
જેને કોઈ જવાબ નથી
એવા વિચિત્ર દાખલાની રકમમાં
એવો તો ગોઠવાઈ ગયો છું કે
મારો છેદ જ ઊડતો નથી.
મનમાં તો ઘણું થાય કે
આ જિંદગીના દાખલામાંથી
છેદની જેમ ઊડી જાઉં
પણ
હું એમ ને એમ રહ્યો છું.
મારું શૈશવ છેદાઈ ગયું.
વિસ્મય છેદાઈ ગયું.
બધું જ ઓગળી ગયું.
બ્લેકબૉર્ડના અંધકારમાં.

***