બરફનાં પંખી/જીવન ડહોળું પાણી રે...
જીવન ડ્હોળું પાણી રે કોણ ફટકડી નાખે રે.....
રાબડ જેવી વાણી રે કોણ ફટકડી નાખે રે....
વિફલતાને આંબે રે કેરી બેઠી ઝીણી ઝીણી
દોહદ એવું જાગ્યું રે જીભથી લઉં વીણી વીણી
ઘરવખરીમાં ચકલી રે.... છોક્રાઉ....
પંડિત કાંતે તકલી રે.... છોક્રાઉ...
તકલી ચાલી ગોવા રે.. છોક્રાઉ..
પંડિત બેઠો રોવા રે.... છોક્રાઉ....
‘ચોખ્ખું પાણી ઝગડે તો?’
‘ડ્હો્ળું પાણી થાય.’
‘માણસ કૂતરો ઝગડે તો?’
‘કૂતરો માણસ થાય?
‘ને માણસ?’
‘કૂતરો થાય.’
‘હાઉહાઉહાઉહાઉહાઉઉઉઉ...’
‘માણસ હિમાલય જાય તો?’
‘અંગૂઠો ઓગળી જાય.’
‘કૂતરો હિમાલય જાય તો?
‘રુંવાડું ય ફરકે નહિ.’
અંગૂઠાનું પાણી ભળ્યું એટલે મારી ડ્હોળી નદી
મોતના સોગંદ ખાઈ કહું છું દુનિયા મને નથી સદી
નક્કી મારામાં ક્યાંક વરસાદ વરસે છે
કોઈ કોલાબાની હવામાન-કચેરીને આંખમાં મૂકો રે....
તો ખબર પડે કે
કેટલા ઈંચ પાણી પડ્યું છે!
***