બરફનાં પંખી/ટીટોડીનો અવાજ
શબ્દની ઈંટો એક પછી એક
ગોઠવાતી જાય છે ને
હું જીવતી ચણાતી જાઉં છું
મારા પોતાના જ
અવાજની દિવાલમાં.
સાંપ્રત ક્ષણોનું પસાર થવું
ને મારા આંસુનું
વિચારના તડકામાં સૂકાઈ જવું
મને બટકણી પેન્સિલની જેમ
તોડી નાખે છે છતાં
મારા સલીમની પ્રતીક્ષા કરવાની
જર્જરિત ટેવને હું નથી છોડી શકતી.
મારી કરુણતા તો એ છે કે
અવાજનો ક્રોસ ઉપાડી ઉપાડીને
મારું આખું શરીર ધીમે ધીમે
ખોટું પડતું જાય છે
એ વાત મારે
અવાજની મર્યાદામાં રહીને કરવાની છે.
એક વિષાદભરી રાત્રિનું પસાર થવું
કેટલું નિર્દય હોય છે
તેની પ્રતીતિ તો મને
ગામ છેવાડેથી
બોલી પડતા કૂકડાના અવાજમાં થાય છે.
શું કૂકડાના કંઠમાં ભરાઈ પડેલું
સવાર
મારી પીડાભરી ક્ષણોનું પરિણામ છે?
જો એમ હોય તો
હું નથી સ્વીકારી શકતી
મારા ઊગતા સુખને
કે કૂકડાના ફર્રેબી અવાજને
હું પૂછું છું કે
એક માણસ
પોતાના પીડાભર્યા ઓથાર નીચે
દટાઈને
સવારની મધુર કલ્પના કરતો હોય
ત્યારે જ
કોઈ કૂકડાનું મધરાતે
બોલી પડવું
(મધ્યરાત્રિએ કોયલ ભલે બોલે)
પેલા માણસને તોડવા માટે
પૂરતું નથી?
માણસનું તૂટવું એટલે શું?
માણસ તૂટે એટલે
શબ્દો તૂટે?
શબ્દો તૂટે એટલે
અવાજ તૂટે?
મારા સલીમ!
હું અવાજત્રયીમાંનો
એકેય અવાજ નથી
હું તો
કુરુક્ષેત્રના મેદાન ઉપર ચકરાવા લેતી
ટીટોડીનો ભયભીત અવાજ છું
મારો અવાજ ખોદશો તો
તમને બેચાર ઈંડાં સિવાય
કાંઈ નૈ મળે...
કાંઈ નૈ મળે.....
તો પછી
શબ્દોને તોડવાના ધખારા શા માટે?
મારે તો
અવાજ પોતાનું શબ્દત્વ
ખોઈ બેસે
એ પહેલાં
લજામણીનો છોડ થઈને
શરમાઈ જવું હતું
આત્મરતિગ્રસ્ત આયનાઘરમાંથી
મારી પેઢી બહાર આવતી નથી
મોગલ બગીચાઓમાં તો
વસંત-વિજય ગવાય છે
અને આડેધડ ઊગી નીકળેલું ઘાસ
પહાડોમાં નગણ્યતાનો ઉત્સવ મનાવે છે.
શબ્દની ઈંટો એક પછી એક
ગોઠવાતી જાય છે.
ને હું જીવતી ચણાતી જાઉં છું.
મારા પોતાના જ
અવાજની દિવાલમાં
કેટલીક વાર તો મને
બાદશાહના મોઢે ચડાવેલા
સૈનિકોને
“તારી બંદુકમાં ખાખરો ઊગે”
એવી ગાળ દેવાનું
દોહદ થાય છે.
કેટલીક વાર તો મને
પોતાના નાજુક હાથમાં
રૂપાની ઝાંઝરી પહેરવાની
ચેષ્ટા કરતી પગ્ગ વગ્ગરની છોકરીને જોઈ
ખડખડાટ હસી પડતા
રમૂજી ટૂચકા જેવાં માણસોને
થપ્પડ મારવાની ઇચ્છા થાય છે
પણ જવા દ્યોને કુણ માથાકૂટ કરે!
મરશે હાળા ઈના પાપે!
ડાંગરની ક્યારીઓ ઓઢીને
પરિભ્રમણતા
સફેદ ફરિશ્તાઓની જેમ
મારે ગિરિપ્રવચનો નથી આપવાં
હું નથી નરસિંહનું પ્રભાતિયું
કે
મીરાંબાઈનો વ્યાકુળ અવાજ
હું તો
કુરુક્ષેત્રના મેદાન ઉપર
ચકરાવા લેતી ટીટોડીનો
ભયભીત અવાજ છું.
મને મૈત્રીમાં રસ નથી
કારણ કે મિત્ર પોતે જ
એટલો નિરર્થક હોય છે કે તેને
વારંવાર બદલવો પડે છે.
મને ખબર છે કે
જિંદગી એટલે
વેઇટિંગ રૂમની બારીમાંથી
આવતો બેચેનીભર્યો પવન.
મને ખબર છે કે
ઈશ્વરનું બીજું નામ
પીડાનો સમુદ્ર છે.
મને ખબર છે કે
કવિતા એટલે
બેચેનીભર્યો ઉશ્કેરાટ.
પણ તેથી શું?
હવે મારો શબ્દ લથડતો જાય છે.
ક્ષીણ થતો જાય છે.
છતાંય
કવિતા લખું છું
નેગેટિવ થિન્કિંગ કરું છું
પોઝિટિવ થવા માટે
હું પૂછું છું કે
આ વિશાળ દુનિયામાં
એવું કોઈ છે જે
મારી તરસની લાશ ઉપર
આવીને ગુલાબજળ છાંટે?
શબ્દની ઈંટો એક પછી એક
ગોઠવાતી જાય છે
ને હું જીવતી ચણાતી જાઉં છું
મારા પોતાના જ
અવાજની દિવાલમાં
કવિતાની સંગ્રહખોરી મેં કરી છે
પણ
મારા જન્મની સાથે જ
જન્મી ચૂકેલી
મારી અંગત ડાયરીમાં
મારે શું લખવું?
થોડાક પ્રેમકિસ્સાઓ લખવા
કે
મિત્રો સાથેના સંબંધો ચીતરવા?
હું એકરાર કરું છું કે
આટલી કવિતાઓ
લખ્યા છતાં
મારી અંગત ડાયરીનાં પાનાં
સાવ કોરાં છે
ભાષાની લાલ માટીમાં
લાલ કીડીની જેમ સરકું છું
હું એકરાર કરું છું કે
મારી આંખ ફૂટી જાય એવી
દૃષ્ટિ હજી સાફ થઈ નથી
નિર્ણય લેતાં ખૂબ ડરું છું
શબ્દની ઇંટો એક પછી એક
ગોઠવાતી જાય છે.
ને હું જીવતી ચણાતી જાઉં છું
મારા પોતાના જ અવાજની દિવાલમાં
ઈશ્વર કરતાં તો
છીંક સારી
આવે તો છે.
પવન કરતાં તો
શ્વાસ સારો
તૂટે તો છે.
કવિતા કરતાં તો
જીવન સારું
જીવાય તો છે.
માણસ કરતાં તો
પાટલૂન સારું
મપાય તો છે.
મને ત્રાસ છૂટે છે
મારી આસપાસ આકારબધ્ધ થયેલી
ક્રિયાઓને જોઈને.
છતાં
હું નથી છોડી શકતી શબ્દને.
મિત્રોને મળવાનું હું ટાળું છું
કારણ કે
એ લોકો પોતાના ચિત્તમાં
મારા વિષે અમુક ‘ઈમેજ’ ઊભી કરીને
મને બાંધી લેતા હોય છે.
છતાંય
“ફર્યો તારી સાથે પ્રિયતમ સખે સૌમ્યવચના"
સ્હવારોને જોતો વિકસિત થતા શૈલશિખરે ”
પંક્તિઓ વાંચવી ગમે છે.
મુક્તિ ક્યાં છે?
મારા સલીમ!
આ દુનિયામાં
એક સંવેદનનું બીજા સંવેદનને
ઓળખવું એ જ સાચું છે
બાકી બધું જ
ફર્રેબ ફર્રેબ ફર્રેબ ફર્રેબ.....
હવે
મારી તૂટતી શ્રદ્ધાના
અવાજોમાં
એવો કોઈ શબ્દ
રહ્યો નથી
કે જે
મારા બેચેનીભર્યા મૌનને
ઊંચકી શકે.
મારી આંગળીઓ ફરતી
રુદ્રાક્ષની માળામાં
એવો કોઈ મણકો રહ્યો નથી.
કે જે
મારી રઝળપાટને
ગતિનું નામ આપી શકે.
એટલે જ કદાચ
હું મૃત્યુને ઝંખું છું
શબ્દની ઈંટો એક પછી એક
ગોઠવાતી જાય છે.
ને હું જીવતી ચણાતી જાઉં છું
મારા પોતાના જ
અવાજની દિવાલમાં
મારો અંતકાળ આવશે ત્યારે
ધીમે ધીમે
આકાશ ખરી પડશે....
વૃક્ષો ખરી પડશે....
મકાન ખરી પડશે....
સૂરજ ખરી પડશે....
નક્ષત્રો ખરી પડશે
મારી બા ખરી પડશે?
ને હું પોતે જ
ખરી પડીશ
મારા રહસ્યભર્યાં ઊંડાણોમાં.
ઓ મારી વ્હાલસોઈ દુનિયા!
તને વિદાય આપતાં આપતાં તો
મારી આંખ જળાશય બની ગઈ છે
હવે તું જ કહે કે
તને જળાશય સુધી મૂકવા આવું?
તળાવ સુધી મૂકવા આવું?
ઝરણાં સુધી મૂકવા આવું?
શબ્દની ઈંટો એક પછી એક
ગોઠવાઈ ગઈ
ને હું જીવતી ચણાઈ ગઈ
મારા પોતાના જ
અવાજની દિવાલમાં.
છતાં
મારા સલીમની પ્રતીક્ષા કરવાની
જર્જરિત ટેવને
હું નથી છોડી શકતી
હું નથી છોડી
હું નથી
હું
....
***