બરફનાં પંખી/ફોતરું

ફોતરું

અડધી રાતે ગામ છેવાડે ભેંકડો તાણી છોકરું રડ્યું,
ગામનો ખેડૂત એમ મર્યો જાણે ઘઉંથી અલગ ફોતરું પડ્યું.

દૂરની સીમે બોલતાં શિયાળ, ઘરમાં ચીબરી બોલે,
ખેતરમાં તો તમરાં ઊગ્યાં, ને વાયરો ઝાંપલી ખોલે.

વોંકળાકાંઠે પડઘો પડે ને પડઘે બળે લાશ,
લાશનો થયો કોલસો અને કોલસે લખ્યું હાશ.

ઝૂંપડીમાં તો કોઈ નથી ખાલી ખડની ભીંતને ટેકો,
હવે પોશ ભરીને વહુઆરુની ચાકરીને બહાર ફેંકો.

વાડમાંથી કોઈ બીકનું માર્યું નીકળતું પરબારું,
ઠરતું ફાનસ લાગતું જાણે કાચ-ઢાંક્યું અંધારું.

અડધી રાતે ગામ છેવાડે ભેંકડો તાણી છોકરું રડ્યું,
ગામનો ખેડૂત એમ મર્યો જાણે ઘઉંથી અલગ ફોતરું પડ્યું.

***