બરફનાં પંખી/બારાંકી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બારાંકી

એકડો સવાર એક એકડો સવાર
સૂરજના મીંડાથી એકડો સવાર

છલક્યાં તળાવ બે છલક્યાં તળાવ
ચશ્માંની પાછળ કાંઈ છલક્યાં તળાવ

જંગલમાં જાય ત્રણ જંગલમાં જાય
કાળા પડછાયાઓ જંગલમાં જાય

હબસી ઊભા ચાર હબસી ઊભા
અંધારી શેરીમાં હબસી ઊભા

અટક્યા પવન પાંચ અટક્યા પવન
મડદાના નાક પાસે અટક્યા પવન

માણસ હતા, છ માણસ હતા
જીવતા લગી તો હજી માણસ હતા

આગિયા ઊડ્યા સાત આગિયા ઊડ્યા
હરિયાના ખેતરમાં આગિયા ઊડ્યા

જન્માષ્ટમી આજ જન્માષ્ટમી
ભરવાડને ઘેર આજ જન્માષ્ટમી

મહિના રહ્યા નવ મહિના રહ્યા
ખડિયાની છોકરીને મહિના રહ્યા

મસ્તક ફૂટ્યાં, દસ મસ્તક ફૂટ્યાં
અંતે બિચારાનાં મસ્તક ફૂટ્યાં

***

એકાદશી આજ એકાદશી

પંડિતને ઘેર આજ એકાદશી

ઈંડાં મૂક્યાં, બાર ઈંડાં મૂક્યાં.
ટાવરની મરઘીએ ઇંડાં મૂક્યાં

બગડી ઘડિયાળ એક બગડી ઘડિયાળ
બ્રાહ્મણના છોકરાની બગડી ઘડિયાળ.

***