બહુવચન/અનુવાદકો અને અનુવાદકોનું ઋણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અનુવાદકો અને અનુવાદકોનું ઋણ
બાબુ સુથાર

At every moment, translation is as necessary as it is impossible.
– Paul de Man (૧૯૯૭)

The translator is a writer of singular originality, precisely where he seems to claim none. He is the secret master of the difference of languages, not in order to abolish the difference but in order to use it to awaken in his own language, through the violent or subtle changes he brings to it, a presence of what is different, originally, in the original.
– Blanchot (૧૯૯૭)


Translating નામના એક લેખમાં ફ્રેંચ ફિલસૂફ અને સર્જક બ્લાંશો એક પ્રશ્ન પૂછે છેઃ “Do we know all that we owe to translators and, even more, to translation?” “અનુવાદકોનું કે એથી વિશેષ તો એમણે કરેલા અનુવાદોનું આપણા પર કેટલું ઋણ હોય છે એની આપણને જાણ હોય છે ખરી?” અને પછી પોતે જ પોતાના પ્રશ્નનો જવાબ આપતાં કહે છે કે “We do not properly know.” “આપણને એની બરાબર જાણ નથી હોતી.” જે પ્રશ્ન બ્લાંશોએ પૂછ્યો છે એ જ પ્રશ્ન આપણે પણ આપણી ભાષાના અનુવાદકો અને એમણે કરેલા અનુવાદોના સંદર્ભમાં પૂછી શકીએ. આપણે પણ પૂછી શકીએ કે આપણા અનુવાદકોનું અને એથી વિશેષ તો એમણે કરેલા અનુવાદોનું આપણા પર કેટલું ઋણ છે એની આપણને જાણ હોય છે ખરી?” અને જે જવાબ બ્લાંશોએ આપ્યો છે એ જ જવાબ આપણે પણ આપવો પડશેઃ “ના, આપણને એની બરાબર જાણ નથી હોતી.” હવે પ્રશ્ન એ થાય કે આપણને કેમ આપણા અનુવાદકોના કે એમણે કરેલા અનુવાદોના આપણા પરના ઋણની બરાબર જાણ નથી હોતી? એક અર્થમાં જોઈએ તો અનુવાદકો એક વિશેષ અર્થમાં આપણું અને આપણી ભાષાનું પણ ભલું કરતા હોય છે અને આપણી સંસ્કૃતિમાં કોઈક આપણું ભલુંં કરે તો આપણે એનું ઋણ સ્વીકારતાં અચકાતા નથી. આપણે કોઈ ને કોઈ સ્વરૂપે એનું સંપૂર્ણ નહીં તો અંશતઃ પણ ઋણ ચૂકવતા હોઈએ છીએ. ઘણી વાર તો આપણે એ ઋણ જો આ જન્મમાં ન ચૂકવી શકાય તો આવતા જન્મમાં ચૂકવવાની વાત પણ કરતા હોઈએ છીએ. તો પછી અનુવાદકોનો કે એમણે કરેલા અનુવાદોનું ઋણ ચૂકવવામાં આપણે કેમ ઊણા ઊતરતા હોઈએ છીએ? આપણે કેમ અનુવાદકોને કે એમણે કરેલા અનુવાદોને પૂરતું માનસન્માન આપતા નથી? મને લાગે છે કે એ માટે અનુવાદકો અને એમણે કરેલા અનુવાદો સાથેના આપણા સંબંધોનું સ્વરૂપ જવાબદાર છે. આપણે અનુવાદકોને જ નહીં, એમણે કરેલા અનુવાદોને પણ મોટે ભાગે તો એક પરોપજીવી પદાર્થ તરીકે જોતા આવ્યા છીએ. એ હકીકત છે કે લેખક ન હોય તો અનુવાદક પણ ન હોય અને એ રીતે જો મૂળ કૃતિ ન હોય તો અનૂદિત કૃતિ પણ ન હોય; પણ એનો અર્થ એવો કરી શકાય ખરો કે આમાંની જે અનિવાર્ય કોટિ છે એ આપજીવી છે અને જે અનિવાર્ય નથી એ કોટિ પરોપજીવી છે એવું આપણે સ્વીકારવાનું? શું આપણે એ સંબંધ વિષે હવે પુનર્વિચારણા ન કરવી જોઈએ? હું માનું છું કે લેખક અને અનુવાદક વચ્ચેનો સંબંધ વ્યક્તિ અને એની જીવનકથા વચ્ચેના સંબંધ જેવો હોય છે. જેમ વ્યક્તિ જન્મ ન લે ત્યાં સુધી એની જીવનકથા શક્ય ન બને; બરાબર એમ જ જો લેખકનો જન્મ ન થાય ત્યાં સુધી એના અનુવાદકનો જન્મ પણ ન થાય. એ જ રીતે જ્યાં સુધી કૃતિનો જન્મ ન થાય ત્યાં સુધી એના અનુવાદનો જન્મ પણ ન થાય. હું નથી માનતો કે આપણે જીવનકથાને જે તે વ્યક્તિના જીવન પર જીવતી એક પરોપજીવી ઘટના તરીકે જોવાનું પસંદ કરીશું. આ સંદર્ભમાં વૉલ્ટર બેન્જામિને એક સરસ વાત કરી છે. એ કહે છે કે Just as expressions of life are connected in the most intimate manner with the living being without having any significance for the latter, a translation proceeds from the original. Not indeed so much from its life as from its “afterlife” or “survival” (Benjamin). જેમ expressions of life જે તે living being સાથે જોડાયેલાં હોય છે બરાબર એમ જ અનુવાદ પણ જે તે મૂળ કૃતિ સાથે જોડાયેલો હોય છે. અર્થાત્‌, મૂળ કૃતિ એક જીવન છે અને અનુવાદ એ જીવનની એક અભિવ્યક્તિ છે. બેન્જામિન આ રીતે અનુવાદને મૂળ કૃતિના જીવનના એક સાતત્ય તરીકે જુએ છે. એમનો આ અભિગમ પેલા આનુપૂર્વીના તર્કશાસ્ત્રને–એટલે કે પહેલાં લેખક પછી અનુવાદક કે પહેલાં કૃતિ પછી એનો અનુવાદ એવું વિચારતા તર્કશાસ્ત્રને બાજુ પર મૂકી દે છે. મને લાગે છે કે આપણે એમાંથી ઘણું બધું શીખવાની જરૂર છે. હું માનું છું કે અનુવાદકો અને અનુવાદો પરત્વેના આપણા મોટા ભાગના અભિગમો પરંપરાગત આધિભૌતિકશાસ્ત્રના દબાણ હેઠળ ઘડાયેલા છે. આ આધિભૌતિકશાસ્ત્ર ફ્રેંચ ફિલસૂફ દેરિદાએ બતાવી આપ્યું છે એમ, સૌ પહેલાં તો આપણી વાસ્તવિકતાને પરસ્પર વિરોધોમાં વહેંચી નાખતું હોય છે અને પછી એમાંના કોઈ એકને નૈસર્ગિક પદાર્થ તરીકે અને બીજાને માનવસર્જિત પદાર્થ તરીકે ઓળખાવતું હોય છે અને પછી એણે જેને નૈસર્ગિક પદાર્થ તરીકે ઓળખાવ્યું છે એને ઊંચી પાયરી પર અને જે માનવસર્જિત છે એને નીચી પાયરી પર મૂકતું હોય છે. અને આ રીતે આપણી વાસ્તવિકતાને ઉચ્ચવચ્ચતાના એક તંત્રમાં ન્યૂન કરી નાખતું હોય છે એટલું જ નહીં, એ એમ પણ કહેતું હોય છે કે જે નૈસર્ગિક છે એ જ સત્ય છે અને જે માનવસર્જિત છે એ કદી પણ સત્ય હોતું નથી. સંસ્કૃતમાં વપરાતી ‘છાયા’ અને ‘મૂળ’ જેવી સંજ્ઞાઓનો જ દાખલો લો. એ સંજ્ઞાઓ ભલેને વરસોથી વપરાતી આવી હોય તો પણ મૂળ કૃતિ પરત્વેનો અને એ જ રીતે મૂળ કર્તા પરત્વેનો પક્ષપાત પણ છતો કરે છે. ‘છાયા’ સંજ્ઞા એવું સૂચવે છે કે મૂળ વૃક્ષ ન હોય તો છાયા પણ ન હોય અને એમ હોવાથી મૂળ વૃક્ષ જ વધારે મહત્ત્વનું, છાયા નહીં. જોકે હું તો આ રૂપકને જરા બીજી રીતે જોઉં છું. હું તો એમ માનું છું કે છાયા પ્રકાશ વિના શક્ય ન બને. અને જો એમ હોય તો એ પ્રકાશને જ વધારે મહત્ત્વ આપવું જોઈએ, વૃક્ષને કે એની છાયાને નહીં. અનુવાદક ‘વૃક્ષ’નો અનુવાદ નથી કરતો. એ તો પેલા પ્રકાશનો અનુવાદ કરતો હોય છે જે વૃક્ષ અને છાયા બન્ને માટે અનિવાર્ય હોય છે. આધિભૌતિકશાસ્ત્રના આ દેરિદાએ કહ્યા છે એવા કાવાદાવાને કારણે જ આપણે સર્જકને ચડિયાતો અને અનુવાદકને ઊતરતો અને એ જ રીતે મૂળ કૃતિને ચડિયાતી અને અનૂદિત કૃતિને ઊતરતી કોટિમાં મૂકતા હોઈએ છીએ એટલું જ નહીં, આપણે અનૂદિત કૃતિનું મૂલ્યાંકન કરતી વખતે અનૂદિત કૃતિ મૂળ કૃતિને કેટલી વફાદાર છે એ બાબત પર વધારે ભાર મૂકતા હોઈએ છીએ. જાણે કે વફાદારી જ એકમાત્ર અનુવાદને મૂલવવા માટેનું ધોરણ ન હોય! મેં ફ્રેંચ કવિ આલાં બાસ્કની એક દીર્ઘ કવિતાનો અનુવાદ કર્યો ત્યારે મારા એક મિત્રે (જેઓ યોગાનુયોગ એક સામયિકના સંપાદક પણ છે) મને કહેલું કે જો મને મૂળ કૃતિ જોવા મળે તો જ એની સમીક્ષા કરવામાં કે કરાવવામાં સરળતા રહે. ત્યારે મને પ્રશ્ન થયેલો અને આજે પણ થાય છે કે શું અનુવાદની સમીક્ષા તે અનુવાદ મૂળ કૃતિને કેટલે અંશે વફાદાર છે એ સંદર્ભમાં જ કરી શકાય? અનુવાદના મૂલ્યાંકન માટે વપરાતી વફાદારીના આ વિચાર સામે મને આમ જુઓ તો જરા પણ વાંધો નથી, પણ અનુવાદ જેટલો મૂળ કૃતિને વધારે વફાદાર એટલો વધારે સારો એવા વિચારની સામે મને વાંધો છે; કારણ કે હું માનું છું કે અનુવાદમાં મૂળ કૃતિ કે મૂળ કૃતિની ભાષા પરત્વેની વફાદારી કરતાં જે ભાષામાં અનુવાદ કરવામાં આવી રહ્યો છે એ ભાષા પરત્વેની વફાદારી વધારે મહત્ત્વની હોય છે. આ અર્થમાં જ વૉલ્ટર બેન્જામિન કહે છે કે કોઈક સર્જક એમ કહે કે હું નિજાનંદ માટે સર્જન કરું છું તો એ વાત સમજી શકાય; પણ કોઈ અનુવાદક એવું ન કહી શકે કે એ નિજાનંદ માટે અનુવાદ કરે છે. હકીકતમાં તો એ એણે ધારેલા એવા ચોક્કસ વર્ગના વાચકો માટે જ અનુવાદ કરતો હોય છે. હું તો એમ કહીશ કે અનુવાદક પેલા વૃક્ષ કે એની છાયા પરત્વે નહીં, પેલા પ્રકાશ તરફ વફાદાર હોવો જોઈએ. કૃતિ પરત્વેની કેટલીક બેવફાઈ જ અનુવાદને વધારે સમૃદ્ધ બનાવતી હોય છે. વધારે પડતી વફાદારી અનુવાદને પરોપજીવી બનાવી દે. આ વફાદારીનો પ્રશ્ન ઘણો પેચીદો છે. આપણે એક જ ઉદાહરણ લઈએ. ગુજરાતી ભાષામાં તો વિશ્વની અનેક ભાષાઓમાં લખાયેલી કૃતિઓના અનુવાદો થયા છે પણ એમાંની મોટા ભાગની કૃતિઓ સૌ પહેલાં તો અંગ્રેજીમાં અનુવાદ થયેલી છે. એટલે કે આપણા મોટા ભાગના અનુવાદો તો અનુવાદોના પણ અનુવાદો છે. હું જ્યારે કોઈ લેટિન અમેરિકન કવિની કવિતાઓના અનુવાદ કરતો હોઉં છું ત્યારે હું મોટા ભાગે ‘મૂળ કૃતિ’ તો વાંચતો જ નથી હોતો. હું તો મૂળ કૃતિ પરથી અંગ્રજીમાં થયેલા અનુવાદનો જ અનુવાદ કરતો હોઉં છું. વળી હવે તો ‘કૃતિ’ની વિભાવના પણ બદલાઈ છે. હાઈડેગરે ‘પૃથ્વી’ અને ‘વિશ્વ’ વચ્ચે ભેદ પાડેલો. આપણે એક જ પૃથ્વી પર રહીએ છીએ પણ આપણાં વિશ્વો અલગ અલગ હોઈ શકે. એ જ રીતે રોલાં બાર્થે પણ ‘વર્ક’ અને ‘ટેક્સ્ટ’ વચ્ચે ભેદ પાડ્યો છે. એ કહે છે કે કૃતિ એકને એક રહે પણ ટેક્સ્ટ બદલાયા કરે. એનો અર્થ એ થયો કે જ્યારે હું રિલ્કેની કોઈ કવિતાનો અનુવાદ કરતો હોઉં છું ત્યારે હું હકીકતમાં તો રિલ્કેેની એ કવિતાની જે ‘ટેક્સ્ટ છે’ એનો અનુવાદ કરતો હોઉં છું. ટેક્સ્ટની આ બદલાયેલી વિભાવના હકીકતમાં તો આપણને એક ખૂબ જ સંકુલ અને ડરામણા વિશ્વમાં લઈ જાય છે. સંકુલ એટલા માટે કે એક જ વર્કની ઘણી બધી ટેક્સ્ટ હોઈ શકે અને ડરામણું એટલા માટે કે ‘વર્ક’ શું છે એની આપણને ક્યારેય ખબર પડતી નથી; કેમ કે આપણને જેની ખબર પડતી હોય છે એ હકીકતમાં તો ‘આપણી ટેક્સ્ટ’માત્ર જ હોય છે. તો પછી, પ્રશ્ન એ થાય કે આપણે મૂળ કૃતિ કોને કહીશું? હું ફરી એક વાર આલાં બોસ્કની કવિતાના મેં કરેલા અનુવાદ પર પાછો આવું. અનુવાદ કરતી વખતે મેં મૂળ ફ્રેંચ ભાષાની પણ મદદ લીધેલી. એ વખતે મને એ ભાષા વાંચતાં અને સમજતાં, અલબત્ત મર્યાદિત પ્રમાણમાં, આવડતી હતી. અને સાથોસાથ, મેં અંગ્રેજી અનુવાદને પણ ધ્યાનમાં રાખેલો એટલું જ નહીં, એ ઉપરાંત એ કૃતિનો ચંદ્રકાન્ત ટોપીવાળાએ કરેલો અનુવાદ પણ મેં ધ્યાનમાં રાખેલો. તો પછી, આમાં આપણે મૂળ કૃતિ કોને કહીશું? ફ્રેંચ કૃતિને? અંગ્રેજી કૃતિને કે પછી ફ્રેંચ, અંગ્રેજી અને ગુજરાતી (ટોપીવાળાના અનુવાદને પણ ધ્યાનમાં લઈએ તો) એ ત્રણેના મિશ્રણને? જો આપણે મૂળની વિભાવનાને વળગી રહીએ તો એનો અર્થ એ થશે કે કોઈ પણ અનુવાદની મૂળ કૃતિ એક જ હોઈ શકે. કોઈ વૃક્ષનાં મૂળ બે જગ્યાએ ન હોઈ શકે. હું અહીં મારા પેલા મિત્રને પડકારવા નથી માગતો. હું એમ કહેવા નથી માગતો કે એમણે મૂળ કૃતિને જોવાનો આગ્રહ ન કરવો જોઈએ. પણ હું એટલું જ બતાવવા માગું છું કે ‘મૂળ કૃતિ’ની વિભાવના અનેક મર્યાદાઓથી ઘડાયેલી છે. જો આપણે એ વિચારને સ્થૂળપણે વળગી રહીશું તો આપણે જાપાની કૃતિના અનુવાદનું મૂલ્યાંકન કરવા ડચ કૃતિને ધ્યાનમાં રાખવી પડશે. એનો અર્થ એ થશે કે આપણી પાસે જગતની દરેક ભાષાના ઓછામાં ઓછા બે જાણકારો હોવા જોઈએ. એમાંનો એક અનુવાદ કરે અને બીજો એ અનુવાદનું મૂલ્યાંકન કરે. વ્યવહારુ દૃષ્ટિએ પણ આ શક્ય નથી. અહીં હું જે કહેવા માગું છું તે એ કે એ મિત્રની અનુવાદ વિષેની સમજ પેલા આધિભૌતિકશાસ્ત્રના કાવાદાવાથી ઘડાયેલી હતી એને કારણે એ મૂળને વળગી રહેલા. મને લાગે છે કે એમણે અને એ પ્રકારની વિચારસરણી ધરાવતા બીજાઓએ પણ એમાંથી બહાર આવવું જોઈએ. નિકોલસ મૂર નામના એક વિદ્વાને ફ્રેંચ કવિ બોદલેરની Spleen નામની કવિતાના એકત્રીસ અનુવાદોની એક પુસ્તિકા પ્રગટ કરી છે. એ બધા જ અનુવાદો અલગ અલગ અનુવાદકોએ કરેલા છે. બોદલેરની એ કવિતાની પહેલી પંક્તિના પહેલા ખંડના થોડાક અનુવાદો જોવા જેવા છેઃ (૧) I’m like the monarch of a damp, (૨) I’m like the Prince of some old rainwashed isle, (૩) As the Ruler of a storm-flooded country, I Am rich, (૪) I am like a Chieftain of the Isle of Sky, (૫) I’m like the king of a too clouded atoll, (૬) I am like the Father-Figure of a haar-damp island. હવે પ્રશ્ન એ થાય કે તો પછી આમાંનો કયો અનુવાદ મૂળ કૃતિને સૌથી વધારે વફાદાર છે એવું માનવાનું? આપણે જોઈ શકીએ છીએ કે બધા જ અનુવાદકોએ મૂળ કૃતિ સાથે કોઈ ને કોઈ પ્રકારની છૂટ લીધી છે. જેમ સર્જક કે લેખક અને અનુવાદક તથા મૂળ કૃતિ અને અનૂદિત કૃતિ વચ્ચેના વિરોધાભાસને આપણે અર્થહીન ગણ્યો છે બરાબર એમ જ આ વફાદારી અને સ્વતંત્રતાની વિભાવનાઓને પણ અર્થહીન ગણવી જોઈએ. બેન્જામિન કહે છે કે જે લોકો અનુવાદમાં અર્થના પુનઃસર્જન પર જ ધ્યાન આપતા હોય છે એ લોકોને જ આ વિભાવનાઓ ઉપયોગી જણાતી હશે. બાકી, આમ જુઓ તો એમનો કોઈ ઉપયોગ હવે રહ્યો નથી. એમના શબ્દો આ રીતે છેઃ “Fidelity and freedom – the freedom of rendering in accord with the meaning, and in its service, fidelity in opposition to the word – these are the old, traditional concepts in every discussion of translation. They no longer seem useful for a theory that seeks in translation something other than the reproduction of meaning. અને પછી તરત જ ઉમેરે છે, “Indeed, used in the conventional way, they are perpetually caught in an irresolvable conflict” (Benjaminઃ ૧૬૦). વફાદારી અને સ્વતંત્રતાની આ વિભાવનાઓ ક્યારેય પણ ન ઉકેલી શકાય એવા સંઘર્ષનું નિર્માણ કરતી હોય છે. જો એમ હોય તો આપણે એમને ખભા પર લઈને ફરવું ન જોઈએ. એનો અર્થ એ થયો કે અનુવાદમાં વફાદારીના પ્રશ્નને આપણે નવી રીતે સમજવાની જરૂર છે. એમ હોવાથી આપણે સૌથી પહેલો પ્રશ્ન એ પૂછવો જોઈએ કે અનુવાદ કોને અથવા તો શાને વફાદાર રહેવો જોઈએ. અનુવાદની પ્રક્રિયા આપણે જાણીએ છીએ એમ એક બાજુ ‘મૂળ કૃતિની ભાષા’ અને બીજી બાજુ ‘લક્ષ્ય કૃતિની ભાષા’ની વચ્ચેના અવકાશમાં થતી પ્રવૃત્તિ છે. જો એમ હોય તો વફાદારીના પ્રશ્નની આપણે પુનઃ માંડણી કરી શકીએ; વફાદારી સાચી, પણ કોના કે શાના પરત્વે? પરંપરાગત આધિભૌતિકવાદ એ માટે ‘મૂળ કૃતિ’ની તરફેણ કરે છે, હું ‘લક્ષ્ય કૃતિ’ની તરફેણ કરું છું. એનો અર્થ એ થયો કે અનુવાદકે જે ભાષામાં અનુવાદ કરવાનો હોય એ ભાષાની સંરચના, એના કાર્ય, એના જે તે સંસ્કૃતિ અને સમાજ સાથેના સંબંધોને વફાદાર રહેવું જોઈએ, કેમ કે અનુવાદ ફરી એક વાર બેન્જામિન કહે છે એમ ઘણે અંશે તો મૂળ કૃતિની ભાષા ન જાણતા અને લક્ષ્ય કૃતિની ભાષાને જાણતા ભાષકો માટે કરવામાં આવતો હોય છે. અનુવાદમાં મૂળ કૃતિનો અર્થ કે આકાર ઓછા મહત્ત્વના હોય છે. બેન્જામિન કહે છે એમ અનુવાદમાં intention મહત્ત્વનો હોય છે. આ intentionનો આપણે ‘આશય’, ‘હેતુ’, ‘પ્રયોજન’ કે ‘સંકલ્પ’ જેવો અર્થ કરી શકીએ. મૂળ કૃતિમાં સર્જક કે લેખકનો જે આશય હોય એ આશય અનુવાદમાં પ્રગટ થવો જોઈએ; નહીં કે મૂળ કૃતિનો અર્થ કે એનો આકાર કે એ બન્નેનું કોઈક મિશ્રિત એવું સ્વરૂપ. આ આશય જ મૂળ કૃતિની ભાષાને જગત સાથે જોડતો હોય છે. એનો અર્થ એ થયો કે અનુવાદ આ આશયને વફાદાર રહેવો જોઈએ. પણ એ વફાદારીનું સ્વરૂપ આપણે જેને વફાદારી તરીકે ઓળખતા આવ્યા છીએ એના કરતાં જુદા જ પ્રકારનું હોય છે. બેન્જામિન એને echo of the original તરીકે ઓળખાવે છે. એ કહે છે કે “The translator’s task consists in thisઃ to find the intention toward the language into which the work is to be translated, on the basis of which an echo of the original can be awakened in it” (Benjamin ૧૫૯). ઓક્ટોબર ૧૯૭૯માં કેનેડાની યુનિવર્સિટી ઓફ મોન્ટ્રિયલમાં અનુવાદ પર યોજાયેલી એક ગોળમેજી પરિષદમાં દેરિદાએ પણ આ જ વાત કરેલી પણ જરા જુદી રીતે. એમણે કહેલું કે Translation augments and modifies the original, which, insofar as it is living on, never ceases to be transformed and to grow. It modifies the original even as it also modifies the translating language. This process – transforming the original as well as the translation – is the translation contract between the original and the translation text” (Derrida ૧૨૨). જ્યારે પણ આપણે જે કૃતિનો અનુવાદ કરવા માગતા હોઈએ એ કૃતિને originalની કોટિમાં મૂકતા હોઈએ છીએ ત્યારે આપણે એ કૃતિને એની living conditionsથી વિખૂટી પાડી દેતા હોઈએ છીએ જે બરાબર નથી. પછી દેરિદા કહે છે કે અનુવાદ કરતી વખતે આપણે મૂળ કૃતિને તો બદલતા હોઈએ જ છીએ પણ સાથોસાથ અનુવાદને પણ બદલતા હોઈએ છીએ. આપણે જે ભાષામાં અનુવાદ કરતા હોઈએ છીએ એ ભાષાને પણ બદલતા હોઈએ છીએ. આપણે એમાં નવા શબ્દોનું, નવી વાક્યરચનાઓનું પણ સર્જન કરતા હોઈએ છીએ, કેમ કે એમ કર્યા વિના મૂળ કૃતિની living conditionsનું આપણે આપણી ભાષામાં સર્જન ન કરી શકીએ. હકીકતમાં તો અનૂદિત કૃતિ અને મૂળ કૃતિ બન્ને એકબીજા સાથે એક પ્રકારનું કરારનામું કરતી હોય છે. એ કરારનામું, મૂળ અને અનૂદિત કૃતિને જે તે ભાષામાં ટકાવી રાખવા માટે જરૂરી હોય છે. આ સંદર્ભમાં દેરિદા જે વિધાન કરે છે એ સમજવા જેવું છે. એ કહે છે કે, “In this contract it is a question of neither representation nor reproduction nor communication; rather, the contract is destined to assume a survival, not only of corpus or a text or an author but of languages.”(Derrida ૧૨૨) એનો અર્થ એ થયો કે અનૂદિત કૃતિ મૂળ કૃતિથી કેટલેક અંશે સ્વાયત્ત રહીને મૂળ કૃતિમાંના સર્જકના આશયને પ્રગટ કરે છે એ વધારે મહત્ત્વનું છે. જોકે, એનો અર્થ એવો નથી કરવાનો કે અનૂદિત કૃતિને મૂળ કૃતિ સાથે નાહવાનિચોવવાનો પણ સંબંધ નથી હોતો. હું જે કહેવા માગું છું તે એ કે જેમ મૂળ કૃતિ આશય વડે એમાં વ્યક્ત કરવામાં આવેલા જગત સાથે જોડાય છે, બરાબર એમ જ અનૂદિત કૃતિ પણ આશય વડે એ જ જગત સાથે જોડાવી જોઈએ. અનૂદિત કૃતિ આધિભૌતિકશાસ્ત્રના કાવાદાવાને કારણે આપણે માનતા આવ્યા છીએ એમ, મૂળ કૃતિના રસ્તે મૂળ કૃતિ જે જગતને વ્યક્ત કરે છે એ જગતને વ્યક્ત કરતી નથી હોતી. એ કામ એ પોતાની રીતે કરતી હોય છે. પણ, એમ કરતી વખતે એ મૂળ કૃતિને વચન આપતી હોય છે કે એ એના આશયને દગો નહીં કરે. હું અહીં દેરિદા અને બેન્જામિન બન્નેને ભેગા કરી રહ્યો છું. આશયનો ખ્યાલ, મેં આગળ કહ્યું છે એમ, બેન્જામિનનો છે અને વચનનો ખ્યાલ દેરિદાનો છે. દેરિદા કહે છે કે A translation never succeeds in the pure and absolute sense of the term. Rather, a translation succeeds in promising success, in promising reconciliation” (Derrida ૧૨૩). શુદ્ધ અને અમર્યાદિત અર્થમાં અનુવાદ ક્યારેય પણ સફળ થાય નહીં. આધિભૌતિકતાવાદ જેને સફળ અનુવાદ કહે છે એ એક ભ્રમમાત્ર જ છે. એ એક આદર્શમાત્ર જ છે. એ અર્થમાં અનુવાદ માત્ર એક ‘નિષ્ફળ અનુવાદ’થી વધારે કંઈ નથી હોતો. એ નિષ્ફળતા જ જે-તે કૃતિના બીજા અનુવાદો માટે જોઈએ એવો અને એટલો અવકાશ શક્ય બનાવતી હોય છે. જે અનુવાદ આ અર્થમાં નિષ્ફળ ન જાય, એને સફળ અનુવાદ ન કહી શકાય. આ વિરોધાભાસ સમજવા જેવો છે. અને એટલે જ દેરિદા કહે છે કે અનુવાદ મૂળ કૃતિને સફળતાનું વચન આપતો હોય છે. એ મૂળ કૃતિ સાથેના પોતાના મતભેદને મનમેળમાં ફેરવી નાખવાનો પ્રયાસ કરતો હોય છે. જોકે, એનો અર્થ એવો નથી કરવાનો કે બધા જ અનુવાદો આવાં વચન આપતા હોય છે. દેરિદા કહે છે કે “There are translation that don’t even manage to promise, but a good translation is one that enacts that performative called a promise with the result that through the translation one sees the coming shape of a possible reconciliation among languages” (Derrida ૧૨૩). એવા ઘણા અનુવાદો હોય છે જે વચન આપવામાં પણ સફળ થતા નથી. પણ સારા અનુવાદો એમાં ચોક્કસપણે સફળ થતા હોય છે. પોલ દ માને (Paul de Man) પણ આ જ અર્થમાં ‘સોગન’ સંજ્ઞા પ્રયોજી છે. એ કહે છે કે અનુવાદપ્રક્રિયા મૂળ કૃતિના આશયને પ્રગટ કરવાના સોગન લેતી હોય છે. એને ખબર હોય છે કે જો હું સોગન નહીં પાળું તો મારા સોગન ખોટી જુબાનીમાં ફેરવાઈ જશે (Paul de Man ૧૮૩). આધિભૌતિકશાસ્ત્રના પ્રભાવ હેઠળ આપણે અનુવાદના સંદર્ભમાં બીજા પણ કેટલાક પ્રશ્નો ઊભા કર્યા છે. એમાંનો એક પ્રશ્ન છે કૃતિના વિદેશીપણાનો. આપણા ઘણા બધા વિદ્વાનો એવું કહેતા હોય છે કે અનુવાદ જાણે કે આપણી ભાષામાં જ કરવામાં આવેલું સર્જન ન હોય એવો લાગવો જોઈએ. ઘણા વિદ્વાનો તો જે અનુવાદ એવો ન લાગે એને નબળા અથવા તો ન સમજાય એવા અનુવાદનું બિરુદ પણ આપતા હોય છે. પણ એ અભિગમ પણ બરાબર નથી, કેમ કે એમાં એક પ્રકારના નીતિશાસ્ત્રનો ભંગ થાય છે. બરમાન (Berman) નામના એક જર્મન વિદ્વાને આ બાબતમાં સારી એવી ચર્ચા કરી છે. The Experience of the Foreign નામના એક પુસ્તકમાં તેઓ કહે છે કે અનુવાદમાત્રમાં textual deformation થતું હોય છે અને એ deformation જ trial of the foreignને અટકાવતું હોય છે. આ trial of the foreign સંજ્ઞા સૌપ્રથમ વાર હાઈડેગરે જર્મન કવિ હોલ્ડરલીનની કવિતાની વાત કરતી વખતે કરેલી. બરમાન આ સંજ્ઞાના બે અર્થ કરે છે. એક અર્થ મૂળ કૃતિના વિદેશીપણાને સાચવવાની વાત કરે છે, જ્યારે બીજો અર્થ એ વિદેશીપણાને ભૂંસી નાખવાની વાત કરે છે. બરમાન કહે છે કે ખરાબ અનુવાદ મૂળ કૃતિના વિદેશીપણાને ભૂંસી નાખતો હોય છે, જ્યારે સારો અનુવાદ મૂળ કૃતિના વિદેશીપણાને જાળવતો હોય છે, એને સન્માન આપતો હોય છે. ખરાબ અનુવાદ વિદેશીપણાને સહન કરી શકતો નથી. એ પ્રકારનો અનુવાદ હકીકતમાં તો જે ભાષામાં અનુવાદ થઈ રહ્યો હોય એમાં કશું નવું ઉમેરતો નથી હોતો. એ જે ભાષામાં અનુવાદ થઈ રહ્યો હોય છે એ ભાષામાં વિદેશી માટે અસહિષ્ણુતાનાં બીજ રોપતો હોય છે. જ્યારે સારો અનુવાદ જે ભાષામાં અનુવાદ થયો હોય એમાં વધુ ને વધુ સહિષ્ણુતાનાં બીજ રોપતો હોય છે. બેન્જામિન જેને intention તરીકે ઓળખાવે છે, દેરિદા જેને વચન તરીકે ઓળખાવે છે, અને પોલ દ માન જેને સોગન તરીકે ઓળખાવે છે એ બધી જ સંજ્ઞાઓના પાયામાં બરમાન જે પ્રકારના અનુવાદના નીતિશાસ્ત્રની વાત કરે છે એ પ્રકારના નીતિશાસ્ત્રના કેટલાક તાણાવાણા પડેલા હોય છે. હિલિસ મિલરની ભાષા વાપરીને એમ કહી શકાય કે મૂળ કૃતિ અતિથિ હોય છે, જ્યારે એનો જે ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હોય એ ભાષા યજમાન હોય છે. બન્ને અતિથિ અને યજમાન નીતિશાસ્ત્રનું પાલન કરવા માટે બંધાયેલા હોય છે. અનુવાદકો આ કામ કરતા હોવાથી જ બ્લાંશોએ એમને hidden masters of our culture તરીકે ઓળખાવ્યા છે. એ કહે છે કે આપણી સંસ્કૃતિના આ છૂપા માસ્ટર્સનું ઋણ ચૂકવવા આપણે સમર્થ નથી હોતા. આપણે હજી એટલા સમૃદ્ધ બન્યા નથી; “we are in no measure able to be grateful to them” (Blanchot ૫૭).

કરમશીભાઈ છેલ્લાં ઘણાં વરસોથી અનુવાદપ્રવૃત્તિમાં વ્યસ્ત છે. એમણે કેવળ અંગ્રેજીમાંથી કે બંગાળીમાંથી ગુજરાતીમાં જ નહીં, ગુજરાતીમાંથી અંગ્રેજીમાં પણ અનુવાદો કર્યા છે અને હજી કરી રહ્યા છે. એમણે અંગ્રેજી કે બીજી ભાષાઓમાંથી ગુજરાતીમાં કરેલા કેટલાક અનુવાદો અહીં ગ્રંથસ્વરૂપે પ્રગટ થઈ રહ્યા છે ત્યારે જે પ્રશ્ન બ્લાંશોને થયેલો એ પ્રશ્ન મને પણ થાય છેઃ આ આપણી સંસ્કૃતિના છૂપા માસ્ટરનું આપણા પરનું ઋણ આપણે કઈ રીતે ચૂકવીશું? અહીં જે અનુવાદોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં રહેલા વૈવિધ્યને જોતાં; એ અનુવાદોની શૈલીને જોતાં, હું એટલું જ કહીશ કે આપણે એમનું ઋણ ચૂકવી શકીએ એટલા સમૃદ્ધ થયા નથી, અલબત્ત એક વિશેષ અર્થમાં. બ્લાંશોને પણ એ વાતની ખબર હતી, અને મને પણ એ વાતની ખબર છે કે જે સંસ્કૃતિ અનુવાદોનું ઋણ ચૂકવી શકે એટલી સમૃદ્ધ હોય એ સંસ્કૃતિમાં અનુવાદની જરૂર જ ન પડે. મેં જ્યારે આ પુસ્તક વિષે લખવા સ્વીકાર્યું ત્યારે મારા મનમાં એક વાત સ્પષ્ટ હતી. એમના અનુવાદો વિષે સીધેસીધા કશું પણ કહેવાને બદલે અનુવાદક અને અનુવાદનું મૂલ્યાંકન કરવા માટે થોડાંઘણાં ધોરણો ઊભાં કરવાં. એમાંનું પહેલું ધોરણ તે મેં મૂળ કૃતિ પરત્વેની વફાદારીનું સૂચવ્યું. ઘણી વાર મને કરમશીભાઈએ ‘સન્ધિ’ માટે અનુવાદો મોકલ્યા છે અને એટલી વાર એક કે બે શબ્દો માટે મને પજવ્યો છે. આવો અનુભવ જયેશ ભોગાયતાને પણ અવારનવાર થયો છે. કરમશીભાઈ હંમેશાં એક જ પ્રશ્ન કરતા, અલબત્ત પરિભાષાનો ઉપયોગ કર્યા વિના, કે મૂળ લખાણના આશયને (અર્થને કે આકારને નહીં) ગુજરાતીમાં કઈ રીતે વ્યક્ત કરવો? ઘણી વાર એઓ એ આશયને કેવળ શબ્દ પૂરતા મર્યાદિત રાખવાને બદલે વાક્યતંત્રના સ્તર સુધી પણ લઈ ગયા છે. એ પૂછતા : બાબુ, આ વાક્યતંત્રનો આશય ગુજરાતીમાં કઈ રીતે વ્યક્ત કરી શકાય? કયા પ્રકારનું વાક્યતંત્ર એ માટે મદદ કરી શકે? હું યથાશક્તિ ઉકેલ સૂચવતો. પણ એમ કરતી વખતે હું જાણતો હતો કે મારો ઉકેલ ઝાઝો કામ લાગવાનો નથી, કેમ કે મેં એ લખાણનો જે રીતે સામનો કર્યો હોય છે એના કરતાં કરમશીભાઈએ એ જ લખાણનો જરા જુદી રીતે સામનો કર્યો હોય છે. આ ઉપરાંત બીજાં કેટલાંક ધોરણો પણ ધ્યાનમાં રાખવાં જોઈએ એમ હું માનું છું. એમાંનું પહેલું ધોરણ તે શા માટે કરમશીભાઈએ આ જ લખાણોના અનુવાદ કરવાનું નક્કી કર્યું હશે? અહીં સંગ્રહ કરવામાં આવ્યા છે એ બધા જ અનુવાદોને ક્યાંક ને ક્યાંક આપણી વાસ્તવિકતા સાથે સંબંધ છે. એનો અર્થ એ થયો કે આપણે આ અનુવાદોને એવા સંદર્ભ સાથે જોડવા જોઈએ. આમાંના હાબેરમાસ અને કોલકોવસ્કીના લેખોને આધુનિકતા અને આધુનિકતાવાદ સાથે સંબંધ છે તો લેવી સ્ત્રાઉસની મુલાકાતના અનુવાદને સંરચનાવાદ સાથે સંબંધ છે. હું માનું છું કે કાન્ટ, ગ્રામચી, આલ્થુઝર અને પિન્ટરના લેખોને ગોધરા કે ત્યાર પછી બનેલી હિંસક ઘટનાઓ સાથે જોડી શકાય. એ જ રીતે, મેલિસૉંના લેખને પણ. કાન્ટ અને ગ્રામચીના લેખો જ્યારે મેં એમને અનુવાદ કરવા માટે આપેલા ત્યારે મારો આશય સ્પષ્ટ હતોઃ જે વાચકો મૂળ લેખો વાંચી શકે એમ નથી એમણે આ લેખો વાંચીને આપણે જે પ્રકારની વાસ્તવિકતામાં જીવી રહ્યા છીએ એ વિષે વિચાર કરવો જોઈએ. કાન્ટે સામે ચડીને વહોરી લીધેલા અજ્ઞાનને સમ્યકત્વમાં બાધકરૂપ ગણેલું. એ જ રીતે, મેં એમને એડોલ્ફ લૂસનો લેખ અનુવાદ કરવા માટે મોકલ્યો ત્યારે પણ મારા મનમાં એક વાત સ્પષ્ટ હતી કે આ લેખ વાંચીને ગુજરાતી સર્જકો અને વિચારકો થોડા ઘણા ઉશ્કેરાશે ખરા. પણ કમનસીબે એવું ન બન્યું. લૂસનો એ લેખ સૌપ્રથમ વાર પ્રગટ થયેલો ત્યારે કળા-જગતમાં–જેમાં સ્થાપત્યકળાનો પણ સમાવેશ થાય છે–હુલ્લડો થઈ ગયેલાં. આજે પણ આ લેખ અમેરિકા અને યુરોપની મોટા ભાગની યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં છે. આપણી કવિતા–ખાસ કરીને ગીત-ગઝલ–જ્યારે શણગારમાં પડી ગઈ હોય ત્યારે એને અપરાધ તરીકે ઓળખવા માટે લૂસ ઘણો કામનો છે. એ જ રીતે, સુરેશ જોષીના આધુનિકતાવાદ સામે આપણા ઘણા બધા સર્જકોએ ભારતીયતાની વાત કરેલી. કરમશીભાઈએ અનુવાદ દ્વારા એ બન્ને વચ્ચેના સંવાદની ભૂમિકા ઊભી કરવાનો પ્રયાસ કરેલો. પણ આપણે એ સમજવામાંય નિષ્ફળ ગયા. રવીન્દ્રનાથ ટાગોર, આનંદકુમાર સ્વામી, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, સત્યજિત રે, હે અર્જુન, નીલિમા શેખ, કમલા કપૂર, કુમિનો નાન્જો, પોકોક, મેલિસૉં વગેરે લખાણોને આ રીતે જોવાં જોઈએ. થોડા વખત પહેલાં જયેશ ભોગાયતાએ એમના સામયિક ‘તથાપિ’માં રોલા બાર્થના એક નિબંધ ‘લેખકનું મૃત્યુ’નો અમૃત ખત્રીએ કરેલો અનુવાદ પ્રગટ કરેલો. એ અનુવાદ વાચકો યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી શકે એ હેતુથી મેં એની ટિપ્પણી પણ લખેલી. એની સામે જવાબ આપવા માટે કરમશીભાઈએ મિશેલ ફૂકોના લેખનો અનુવાદ કરેલો. આ અનુવાદને મૂલવતી વખતે આ પાસાં પણ ધ્યાનમાં રાખવાં જોઈએ. હું માનું છું કે છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન, ખાસ કરીને ગ્લોબલાઇઝેશનને વેગ મળ્યો પછી, ગુજરાતી સહિતની મોટા ભાગની આપણી પ્રાદેશિક ભાષાઓનું મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે. એ પરિસ્થિતિમાં આ અનુવાદોને ભાષાનિભાવ અને ભાષાઆયોજનાના એક ભાગરૂપે પણ જોવા જોઈએ. કરમશીભાઈ એક બાજુ ગુજરાતી ભાષાના નિભાવમાં બને એટલું પ્રદાન કરી રહ્યા છે તો સામે છેડે એઓ એ ભાષાના આયોજનનું–ખાસ કરીને પરિભાષાના ઘડતરનું–કામ પણ કરી રહ્યા છે. આવું કામ અસંપ્રજ્ઞાતપણે ચન્દ્રકાન્ત ટોપીવાળા અને સિતાંશુ યશશ્ચન્દ્ર પણ કરી રહ્યા છે. જોકે એઓ એ કામ મુખ્યત્વે વિવેચન દ્વારા કરી રહ્યા છે. એમ હોવાથી આ અનુવાદોને એ રીતે પણ જોવા જોઈએ. મને લાગે છે જ્યારે આપણે અનુવાદોને યોગ્ય સંદર્ભમાં મૂકીને જોવાનું શરૂ કરીશું ત્યારે જ આપણે એમનું ઋણ ચૂકવતા થઈશું. એ સંદર્ભ નક્કી કરવામાં આ લખાણ ઉપયોગી જણાશે એવી આશા રાખું છું. જુલાઈ ૧૯, ૨૦૧૨, ફિલાડેલ્ફિયા (યુ.એસ.એ.)

Benjamin, Walter. " The Task of the Translator" Walter Benjaminઃ Selected Writings Vol. ૧, ૧૯૧૩-૧૯૨૬ Cambridge and Londonઃ The Belknap Press of Harvard University Press, ૧૯૯૬.૨૫૩-૬૩. Berman Antoine. The Experience of the Foreignઃ Culture and Translation in Romantic Germany. Trans. Heyvaert, S. Suny Series, Intersectionsઃ Philosophy and Critical Theory. New Yorkઃ State University of New York Press, ૧૯૯૨. Blanchot, Maurice. "Translating" Trans. Rottenberg, Elizabeth. Friendship, Stanfordઃ Stanford University Press, ૧૯૯૭.૫૭-૬૧ de Mam, Paul. ""Conclusions"ઃ Walter Benjamin’s The Task of the Translator"." The Resistance to Theory. Minneapolisઃ University of Minnesota Press, ૧૯૯૭.૭૩-૧૦૫. Derrida, Jacques. The Ear of the Otherઃ Otobiography, Transference, Translation. Trans. Kamuf, Peggy. Lincaon and Londonઃ University of Nebraska Press, ૧૯૮૫. Moore, Nicholas. Spleen. ubu.com, ૨૦૦૪.