બહુવચન/આધુનિકતા : અંતહીન કસોટીની એરણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
Bahuvachan Photo 21.png


આધુનિકતા : અંતહીન કસોટીની એરણે
લેસ્ઝેક કોલકોવ્સકી

આપણે હેગલ અથવા કોલિંગ્વુડનું કહેવું માનીએ તો, કોઈ પણ યુગ કે કોઈ પણ સંસ્કૃતિ વિભાવનાત્મક રીતે પોતાને ઓળખવા સમર્થ હોતી નથી. તેના અંતિમ શ્વાસ પછી જ એવું બની શકે, અને ત્યારે પણ, આપણે સારી રીતે જાણતા હોઈએ છીએ, આવી ઓળખ કદી નિશ્ચિત સ્વરૂપની કે સર્વસ્વીકૃત હોતી નથી. સંસ્કૃતિઓનાં સામાન્ય રૂપવિજ્ઞાન (મોર્ફોલોજી) અને તેમનાં ઘટક અંગોની લાક્ષણિકતાઓનું નિરૂપણ, એમ બંને બાબતે બાદનામી વહોરવાની હદે વિવાદગ્રસ્ત છે; તેમ જ વિચારસરણીમૂલક અભિનિવેશોના ભારેખમ બોજથી એટલી લદાયેલી હોય છે કે પછી એ આત્મ-સ્થાપન માટેની આપણી આવશ્યકતાને અતીત સાથેની તુલના દ્વારા વાચા આપે કે પછી આપણા સંસ્કારજગતના પરિવેશથી વાજ આવી ગયેલા, આપણા સોના સરીખા જૂના સમય માટેના ઝુરાપાની લાગણીને વ્યક્ત કરે કે નહિ એ એક સવાલ છે. કોલિંગ્વુડે સૂચવેલું કે પ્રત્યેક ઐતિહાસિક યુગને કેટલાંક પાયાનાં (નિરપેક્ષ) ગૃહીતો હોય છે જેને અભિવ્યક્ત કરવા એ અસમર્થ હોય છે, અને જે એનાં સ્પષ્ટ સ્વરૂપનાં મૂલ્યો અને માન્યતાઓની, એની લાક્ષણિક પ્રતિક્રિયાઓ તેમ જ અભીપ્સાઓ માટે સુષુપ્ત પ્રેરણા જેવાં હોય છે. એવું હોય તો આપણે આપણા પ્રાચીન તેમ જ મધ્યકાલીન પૂર્વજોના જીવનમાંનાં આવાં ગૃહીતોને પારખી કાઢી ખુલ્લાં કરવાં જોઈએ અને બની શકે કે એવા પાયા પર ‘મનોવલણોનો ઇતિહાસ’ (ખ્યાલોના ઇતિહાસથી વિપરીત)ની રચના કરવી જોઈએ. પરંતુ સૈદ્ધાન્તિક રીતે એમને પ્રગટ કરતાં આપણને આપણા જ યુગમાં રોકી પાડવામાં આવતા હોય છે, સિવાય કે મિનરવાનું ઘુવડ. અલબત્ત, ઊડીને જતું રહ્યું હોય, અને યુગનાં છેક અંતિમ વર્ષોના સંધ્યાકાળમાં જીવી રહ્યા હોવાની જાણ આપણને હોય નહિ. તેથી, સ્વયં આપણા જ આત્મિક પાયા પરત્વેના આપણા અસાધ્ય અજ્ઞાનનો આપણે સ્વીકાર કરી લેવો જોઈએ અને આપણી આધુનિકતાની સપાટીનો, એ શબ્દનો જે પણ અર્થ થતો હોય, આપણે એનું સર્વેક્ષણ કરી લઈએ એટલાથી સંતોષ માનવો જોઈએ. એનો જે પણ અર્થ થતો હોય, પણ એ નક્કી કે આધુનિકતા એના પર થતાં રહેતાં અલ્પ આક્રમણો જેટલી જ અલ્પ હોય છે. કેટલાક વિષાદભર્યા ઉદ્‌ગારો ‘હમણાંના દિવસોમાં તો ભાઈસા’બ...’, ‘હવે ક્યાં એવું રહ્યું છે...’, ‘જૂના જમાનામાં તો...’ આવા સૂરના અને એની સમાનના અન્ય ઉદ્‌ગારોમાં ભ્રષ્ટ બની ગયેલા, વર્તમાનને અતીતના ઐશ્વર્ય સાથેના વિરોધને ઊપસાવી આપે છે તે બહુધા મનુષ્યજાતિ જેટલા જ જૂના છે. એ તમને બાઇબલમાં પણ વાંચવા મળશે અને ઓડિસ્સીમાં પણ જોઈ શકો, પાષાણયુગીન યાયાવરીની હું આબાદ કલ્પના કરી શકું છું, એમને જો એવું કહેવામાં આવે કે લોકોને કાયમી આવાસ બાંધી આપ્યા હોય તો સગવડતા ભર્યું ન રહે? તો એ રાતોપીળો થઈને આવી વાતને મૂર્ખામીભરી લેખાવશે અને એનો પ્રતિકાર કરશે. એ ઉપરાંત પણ પૈડાની શોધને ઉપયોગી ગણવાને બદલે એવી દુષ્ટ શોધને પરિણામે માનવજાતના આસન્ન પતનની આગાહી કરવા લાગશે. પતનરૂપે કલ્પાયેલો મનુષ્યજાતિનો ઇતિહાસ, આપણે જાણીએ છીએ તેમ, દુનિયાના વિવિધ પ્રદેશોની પુરાકથાઓનો એકધારો વિષય રહ્યો છે. તેમાં હદપાર થયેલાનું પ્રતીક અને હેસિયોડે પાંચ યુગોનું જે નિરૂપણ કર્યું છે એનો પણ સમાવેશ થઈ જાય છે. આ પુરાકથાઓનું પુનઃ પુનઃ થતું આવર્તન એવું સૂચવી જાય છે કે શક્યતાઓથી ભર્યાં અન્ય સામાજિક અને સંજ્ઞાનમૂલક કર્તવ્યોથી સ્વતંત્ર રહીને આ પુરાકથાઓ પરિવર્તનો પરત્વે માનવસહજ રૂઢિપરસ્ત અનાસ્થાને અભિવ્યક્તિ આપતી હોય છે. એવી આશંકાઓ, ફેરવિચાર પછી, ‘પ્રગતિ’ને પ્રગતિ લેખતી જ નથી હોતી. વસ્તુઓની સ્થાપિત વ્યવસ્થામાં આણેલાં રૂપાંતરોને, ગમે તેટલાં લાભદાયી છતાં, આત્મસાત્‌ કરવાનો ખચકાટ હોય છે. તેમ છતાં, પરિવર્તનો આવતાં જ રહેતાં હોય છે અને સામાન્ય રીતે એમને પૂરતા પ્રમાણમાં ઉત્સાહી ટેકેદારો પણ મળી રહેતાં હોય છે. ‘પ્રાચીન અને અર્વાચીન’ વચ્ચેનો ઝઘડો મોટે ભાગે સદાકાળનો છે. અને આપણે તેને મિટાવી શકીએ તેમ નથી, કેમ કે એ સંરચના અને ઉત્ક્રાંતિ વચ્ચે જે નૈસર્ગિક તણાવ હોય છે એને જ વાચા આપતું હોય છે. અને વળી આ તણાવ જીવવૈજ્ઞાનિક રૂપે રોપાયેલો હોય છે, તેને જ વાચા આપતો હોય છે અને વળી આ તણાવ જીવવૈજ્ઞાનિક રૂપે રોપાયેલો હોવાનું જણાય છે. તે સ્વયં જીવનનું જ લક્ષણ હોય છે એમ માની શકાય. કોઈ પણ સમાજ માટે એ દેખીતી રીતે આવશ્યક બની રહે છે કે એની પાસે રૂઢિપરસ્ત તેમ જ પરિવર્તનશીલ એમ બંને પરિબળો હોય, અને સૌથી શંકાસ્પદ બાબત એ છે કે કોઈ એક થિયરી એવાં આધારભૂત ઉપકરણો સંપડાવી આપે છે જે વડે આપણે પરસ્પરવિરોધી શક્તિઓના સાપેક્ષ બળને માપી શકીએ, ગાણિતિક પરિમાણોની જેમ એમાં ઉમેરો કે બાદબાકી કરી શકીએ અને એના પર વરતારો કરી શકે એવા વરદાનવાળી એકાદ સામાન્ય રૂપરેખા તૈયાર કરી લઈએ. આપણે તો કેવળ અટકળો બાંધી શકીએ કે કેટલાક સમાજોને ભાંગી પાડ્યા વિના વેગીલાં પરિવર્તનોને આત્મસાત્‌ કરી શકવાની ક્ષમતા ક્યાંથી પ્રાપ્ત થતી હશે, જ્યારે અન્ય સમાજોને આગળ વધવાની અત્યંત મંથર ચાલમાં શાથી તૃપ્તિ મળી રહેતી હશે. અને એવી કોઈ ચોક્કસ પરિસ્થિતિઓમાં વિકાસ અને સ્થગિતતા, હિંસક કટોકટી કે આત્મનાશ તરફ દોરી જતાં હોય છે. જિજ્ઞાસા – એટલે કે ભય અને શારીરિક અસંતોષથી ઉદ્દીપ્ત થયા વિના તાટસ્થ્યપૂર્વક જગતની ખોજ કરવાની ભિન્ન એક હિલચાલ – ઉત્ક્રાંતિના વિદ્યાર્થીઓ અનુસાર આપણી જાતિનાં રૂપવિજ્ઞાનમૂલક લક્ષણોમાં રોપાયેલી હોય છે. અને જ્યાં સુધી મનુષ્ય જાતિ ટકશે ત્યાં સુધી તેને આપણા મનમાંથી ભૂંસી શકાય તેમ નથી. પેન્ડોરાનો સૌથી પીડાદાયક અકસ્માત તેમ જ સ્વર્ગમાંના આપણા પૂર્વજો, એ બંને જેની સાખ પૂરે છે તે જિજ્ઞાસાનું પાપ માણસજાત પર આવી પડેલી તમામ આપત્તિઓનું મુખ્ય કારણ હતું અને વિના વિવાદે તેની તમામ સિદ્ધિઓનો સ્રોત પણ એ જ હતો. ખોજ માટેનો આવેગ વિવિધ સંસ્કૃતિઓની વચ્ચે સમાન ભાગે વહેંચાયેલો નથી હોતો. વિદ્વાનોની પેઢી દર પેઢી પૂછતી આવી છે કે ગ્રીક, લેટિન, યહૂદી અને ખ્રિસ્તી સ્રોતોમાંથી જે સંસ્કૃતિનું અવતરણ થયું તે સંસ્કૃતિ વિજ્ઞાન, તંત્રવિદ્યા, કળા અને સમાજવ્યવસ્થામાં આટલા ઝડપી અને વધતા વેગથી આવતાં પરિવર્તનોને ઉત્તેજન આપવામાં અને તેનું પ્રસારણ કરવામાં એટલી બધી સફળ શી રીતે સિદ્ધ થઈ જ્યારે બીજી સંસ્કૃતિઓ લગભગ સ્થગિત દશામાં અને ભાગ્યે જ નોંધપાત્ર પરિવર્તનોથી પ્રભાવિત થઈને ટકી રહી અથવા સિસૃક્ષાના અલ્પજીવી ઊભરા પછી વળી સુખ-નિદ્રામાં સરી પડતી રહી. આનો કોઈ મજેદાર ખુલાસો છે નહિ. પ્રત્યેક સંસ્કૃતિ, વિવિધ સામાજિક, વસ્તીશાસ્ત્રવિષયક, આબોહવાકીય, ભાષાવિજ્ઞાનપરક ઇત્યાદિ પરિસ્થિતિઓના આગંતુક શંભુમેળા જેવી હોય છે, અને એના ઉત્થાન કે પતન માટે કેવળ એક અંતિમ કારણની શોધ આશાસ્પદ જણાતી નથી. જ્યારે આપણે એવા આશય સાથેનાં અધ્યયનો વાંચીએ છીએ, ઉદાહરણ રૂપે રોમન સામ્રાજ્યના પતનનું કારણ હતું તેના ઉચ્ચ વર્ગના લોકો સીસાનાં પાત્રોનો વ્યાપક વપરાશ કરતા જેને પરિણામે એમના મગજમાં ઝેર ચડી ગયું અને હાનિ થઈ, અથવા યુરોપમાં સિફિલસના ફેલાવા માટે સુધારાવાદી આંદોલન(ધ રિફોરમેશન)ને જવાબદાર લેખ્યું હતું. આવા ખુલાસાઓના વાજબીપણા માટે આપણે તીવ્રપણે સાશંક બન્યા વિના રહી શકીએ નહિ. બીજી તરફ ‘કારણો’ માટેના પ્રલોભનને રોકવું પણ કઠિન છે. ભલેને પછી આપણે એવી અટકળ બાંધી લઈએ કે એકબીજાથી સ્વતંત્ર એવાં અગણિત કારણોના પ્રભાવ હેઠળ સંસ્કૃતિઓના ઉદય અને અસ્ત થતા હોય છે. અને આ જ વાત નવતર પ્રાણી કે વનસ્પતિની ઉપજાતિ અંગે અથવા કોઈ બોલીની વિશિષ્ટ રચના અંગે, નગરોના ઐતિહાસિક લોકેશન વિશે, પૃથ્વીની સપાટી પર ફેલાયેલી ગિરિમાળા અંગે પણ કરી શકાય તેમ છે. સંસ્કૃતિની ઓળખ પામવાનો પ્રયાસ કરીને આપણે આપણી ઓળખ પામવાને મથતા હોઈએ છીએ, અનન્ય એવા સામૂહિક ‘અહં’ને આપણી પકડમાં લેવા જે આવશ્યક બની રહે છે અને જેનું અનસ્તિત્વ એટલું અલ્પ, પ્રમાણમાં કલ્પી શકાય જેટલું કે મારું અનસ્તિત્વ મારા માટે હોય છે. તેથી જ, પેલો પ્રશ્ન – આપણી સંસ્કૃતિ જે પણ છે તે શા કારણે છે?નો ઉત્તર ન મળતો હોવા છતાં તેને આપણા મનમાંથી ભૂંસી દઈ શકવો અસંભવિત છે. ‘આધુનિકતા’ પોતે આધુનિક નથી, પરંતુ આધુનિકતાને લઈને જે સંઘર્ષો થતા રહે છે તે અમુક સંસ્કૃતિઓ કરતાં બીજીમાં વધુ આગળ તરી આવે છે અને આપણા સમયમાં એ જેટલી પ્રખરતાથી અનુભવાતા રહ્યા છે તેવું બીજે કશે કદી બન્યું નથી. ચોથી શતાબ્દીમાં ઇઆમ્બ્લીક્સ (lamblichus)એ કહેલું કે ગ્રીકો, બર્બરોની વિરુદ્ધ, નવતાના પ્રેમી હોય છે અને રૂઢિની અવગણના કરતા રહે છે. તેમ છતાં આપણે આ કારણસર ગ્રીકોના વારસદાર ગણાઈએ છીએ? શું આપણી સંસ્કૃતિ એવી માન્યતા પર મંડાયેલી છે કે જે કંઈ નવતર છે તે વ્યાખ્યા અનુસાર ‘શુભ’ છે? શું આ આપણી ‘નિરપેક્ષ’ ગૃહીતોમાંની એક છે? આ વાત સામાન્ય રીતે ‘પ્રતિક્રિયાવાદી’ વિશેષણ સાથે સંકળાયેલા એક મૂલ્યપરક ચુકાદા દ્વારા સૂચવી શકાય. આ શબ્દ સ્પષ્ટપણે હીણપતભર્યો છે અને પોતાને વર્ણવવા માટે આ શબ્દનો વિનિયોગ કરવા તત્પર હોય તેવા લોકો ભાગ્યે જ મળી શકે. તેમ છતાં ‘પ્રતિક્રિયાવાદી’ હોવું એટલે એવું માનવું કે ભૂતકાળ એનાં કેટલાંક પાસાંમાં વર્તમાન કરતાં વધુ સારો હતો, ભલે પછી એ પાસાં ગમે તેટલાં ગૌણ કેમ ન હોય? જો ‘પ્રતિક્રિયાવાદી’ હોવું એટલે આપોઆપ મિથ્યા હોવું એવો એનો અર્થ થતો હોય તો પછી લાગે છે એવું કે કોઈ પણ સંજોગોમાં ભૂતકાળ વધુ સારો હતો એવી કોઈની માન્યતા હોય તો તે ભૂલભરેલી હોયનો અર્થ જે કંઈ નવું છે તે વધારે સારું છે એની સમાન થાય. બરોબર આવી જ સંદિગ્ધતા ખુદ ‘આધુનિક’ શબ્દને પણ વળગેલી છે. જર્મન ભાષામાં આ શબ્દના ‘આધુનિક’ અને ‘ફેશનેબલ’ એવા બે અર્થ થતા હોય છે, જ્યારે અંગ્રેજી બીજી યુરોપીય બોલીઓમાં આ શબ્દો અદલીબદલી શકાય તેવા નથી હોતા, ‘આધુનિક ટેક્નોલોજી’, ‘આધુનિક વિજ્ઞાન’, ‘આધુનિક ઔદ્યોગિક વ્યવસ્થા’ જેવા શબ્દપ્રયોગોમાં ‘ફેશનેબલ’ શબ્દ ચાલી શકે નહિ, પરંતુ ‘આધુનિક ખ્યાલો’ અને ‘ફેશનેબલ ખ્યાલો’, ‘આધુનિક ચિત્રકળા’ અને ‘ફેશનેબલ ચિત્રકળા’, તેમ જ ‘આધુનિક વસ્ત્રો’ અને ‘ફેશનેબલ વસ્ત્રો’ વચ્ચે રહેલા ભેદનો ખુલાસો આપવો અત્યંત અઘરું છે. ઘણા કિસ્સાઓમાં ‘આધુનિક’ વિભાવના ‘મૂલ્યમુક્ત’ અને તટસ્થ હોવાનું જણાય છે. ‘ફેશનેબલ’ શબ્દની જેમ અસદૃશ નહિ : ‘આધુનિક’ એ આપણા સમયમાં જે કંઈ પ્રવર્તમાન છે તે; અને ખરેખર આ શબ્દનો ઘણી વાર વ્યંગાત્મક ભાવ દર્શાવવા વિનિયોગ થતો હોય છે (જેમ કે ચેપ્લિનના ‘મોડર્ન ટાઇમ્સ’માં). બીજી તરફ, ‘આધુનિક ટેક્નોલોજી’ જેવા પ્રયોગો, બળકટપણે સૂચવી જાય છે, છેવટે સામાન્ય વપરાશમાં તો ખરું જ, કે જે ‘આધુનિક’ છે તે બહેતર છે. અર્થની આ સંદિગ્ધતા હમણાં જેનો ઉલ્લેખ થયો તેવી સંદિગ્ધતાનું પ્રતિબિંબ પાડે છે જે પરિવર્તનો પરત્વેના આપણા અભિગમ પર સવાર થયેલી હોય છે : એ બંનેને આવકારવામાં પણ આવે છે અને તેમનો ભય પણ લાગતો હોય છે, બંને કામ્ય પણ છે અને શાપિત પણ છે. ઘણી કંપનીઓ એમની વિવિધ પેદાશોની જાહેરાતમાં બંને શબ્દપ્રયોગોને ખપમાં લેતી હોય છે : ‘સરસ મજાનું જૂની ઢબનું ફર્નિચર’, ‘દાદીમાની વાનગી અનુસારનો સૂપ’, ‘તદ્દન અદ્યતન સાબુ’, ‘ધોવાના પાઉડરમાં ઉત્તેજનાભરી નવીનતા’. બંને પ્રકારની ઉક્તિઓ કારગત નીવડતી હોય છે. જાહેરાતના સમાજવિજ્ઞાને એવું વિશ્લેષણ બહાર પાડ્યું છે કે નહિ તેની મને જાણ નથી જેમાં કેમ, ક્યારે અને કઈ રીતે આવા દેખીતી રીતનાં વિરોધાભાસી સૂત્રો સફળ પુરવાર થતાં હોય છે. આધુનિકતા શી વસ્તુ છે એનો સ્પષ્ટ ખ્યાલ ન હોવાને કારણે આપણે આમ મુદ્દાને કુદાવી જઈને આગળ જવાનો પ્રયત્ન કર્યો છે અને અનુ-આધુનિકતા (કંઈક અંશે જૂનાં થઈ ગયેલાં ‘અનુ-ઔદ્યોગિક સમાજ’, ‘અનુ-મૂડીવાદ’નાં જ વિસ્તાર કે અનુકરણ)ની વાતો કરવા લાગ્યા છીએ. મને જાણ નથી કે અનુ-આધુનિકતા શી વસ્તુ છે અને હું એવું પણ અનુભવતો નથી કે મારે તે જાણવું જ જોઈએ. ઉપરાંત, ‘અનુ-આધુનિક પછી પણ શું શું આવી શકે?’ ‘અનુ-અનુ-આધુનિક’, ‘નીઓ-અનુ-આધુનિક’, ‘નીઓ-એન્ટિ-અનુ-આધુનિક’? આપણે બધાં લેબલોને બાજુ પર મૂકી દઈએ ત્યારે અસલી પ્રશ્નો રહી જાય છે. આધુનિકતાના દિલાસાઓમાં રહેલી બીમારી શાને કારણે આટલી વ્યાપકપણે અનુભવાય છે? અને આ બીમારીને ખાસ પીડાદાયક બનાવનારાં એ પાસાંના સ્રોતો ક્યાં રહેલા છે? આધુનિકતાને પાછળની દિશામાં કેટલેક દૂર લઈ જવી એનો આધાર એ ખ્યાલના અર્થનાં જે ઘટકો છે તેના પર રહેલો છે. તે જો કોઈ મોટો ઉદ્યોગ હોય, બુદ્ધિપરક આયોજન હોય, કલ્યાણરાજ્ય હોય, સામાજિક સંબંધોનું પાછળથી થયેલું અમલદારીકરણ હોય તો આધુનિકતાની આવરદા સૈકાઓમાં નહિ, દાયકાઓમાં માપવાની રહે. જોકે, આપણે એવું વિચારીએ કે આધુનિકતાનો પાયો વિજ્ઞાનમાં છે, તો એને સત્તરમા સૈકાના પૂર્વાર્ધમાં ગણવો યોગ્ય ઠરશે. વૈજ્ઞાનિક તપાસના પાયાના નિયમો ત્યાં સુધીમાં સંહિતાબદ્ધ થઈ ચૂક્યા હતા. આ અરસામાં જ વૈજ્ઞાનિકોને સમજાઈ ગયું હતું (આ મુખ્યત્વે ગેલિલિયો અને તેના અનુયાયીઓને આભારી હતું) કે પદાર્થવિજ્ઞાનને અનુભૂતિની એકરાગતા રૂપે નહિ, પરંતુ કાળજીપૂર્વકનાં તૈયાર કરેલાં પ્રતિમાનો રૂપે કલ્પવાનો છે જે કદી પણ પ્રાયોગિક પરિસ્થિતિઓમાં પરિપૂર્ણ રૂપે દેહબદ્ધ થઈ શકે નહિ. છતાં અતીતમાં વધુ ઊંડી ખોજ કરતાં આપણને કશું રોકી શકે તેમ નથી. આધુનિકતા વિજ્ઞાનની નિર્ણાયક ઘડી હતી. ધર્મ-નિરપેક્ષ બુદ્ધિને પ્રકટીકરણ (રેવેલેશન)માંથી મુક્ત કરવાની દિશામાં થયેલી ગતિ. મધ્યકાલીન વિદ્યાપીઠોમાં મહત્ત્વનું અંગ હતું. અગિયારમી સદીથી માંડીને ખ્રિસ્તી તત્ત્વજ્ઞાનમાં ઘડી કાઢવામાં આવેલો નૈસર્ગિક અને દૈવી પ્રેરણાથી થયેલા જ્ઞાન વચ્ચેનો ભેદ, એની રીતે, આ સંઘર્ષનો વિભાવનાત્મક પાયો હતો. એ નક્કી કરવું કપરું થઈ પડે કે સૌથી પહેલાં શું આવ્યું? જ્ઞાનના આ બે પ્રદેશોનું ભિન્ન થવું તે કે પછી પેલી સામાજિક પ્રક્રિયા જેમાં સ્વાયત્તતાના દાવા સાથે નગરવાસી બૌદ્ધિક વર્ગની સ્થાપના થઈ તે. તો પછી આપણે આપણી ‘આધુનિકતા’ને અગિયારમી શતાબ્દી પર પ્રક્ષિપ્ત કરીશું? અને સંત એન્સલેમ અને એબેલાર્ડને તેના અનુક્રમે ઇચ્છુક કે અનિચ્છુક પુરસ્કર્તા બનાવીશું? આવું વિસ્તરીકરણ કરવામાં વિભાવનાત્મક રીતે કશું જ ખોટું નથી તે ખરું, પરંતુ એ કોઈ રીતે સહાયરૂપ થઈ શકે તેમ નથી. આપણી સંસ્કૃતિનાં મૂળનું પગેરું શોધવા, અલબત્ત, અનિશ્ચિત દૂરી સુધી આપણે જઈ શકીએ, પરંતુ આપણામાંના ઘણા જે પ્રશ્ન સાથે કામ પાડવા મથી રહ્યા છે તેઓ ઓછા પ્રમાણમાં આધુનિકતા ક્યારથી શરૂ થઈ એની સાથે સંબંધિત છે અને વધુ પ્રમાણમાં તો આપણી સંસ્કૃતિને પીડી રહેલી વ્યાપક બીમારી unbechagen(malaise)નું હાર્દ ક્યાં છે તેની સાથે સંબંધિત છે, પછી તેને વિશાદતાપૂર્વક વ્યક્ત કરવામાં આવ્યો છે કે નહિ. એ જે હોય તે, ‘આધુનિકતા’ શબ્દને ઉપયોગી થઈ શકે તેવો કરવા, પહેલા પ્રશ્નના અર્થને પાછલા પ્રશ્નના ઉત્તર પર મદાર રાખવાનો રહે છે. અને પહેલો જ ઉત્તર મનમાં સ્ફૂરી આવે છે તે, અલબત્ત, વેબરની નિર્મોહિતા (disenchantment)માં તારવી લેવામાં આવ્યો છે. અથવા એની સમાનની ઘટનાને આવરી લેતો એની સમાનનો અર્થ. પશ્ચિમની સંસ્કૃતિની કહેવાતી ધર્મનિરપેક્ષતના વિધ્વંસક પ્રભાવો, આપણા ધર્મગત વારસાનું ક્રમિક રૂપે થઈ રહેલું બાષ્પીભવન અને ઈશ્વરરહિત જગતનું પરિદૃશ્ય જેવા વિષયોને લઈને કરવામાં આવતી સમકાલીન ચર્ચાને અનુસરતી વખતે કે તેમાં ભાગ લેતી વખતે આપણે અભિભૂત થવાની અને સાથોસાથ તેજોવધ પામ્યાની d’eja Vuની લાગણી અનુભવીએ છીએ. એવું લાગે છે જાણે આપણે સફાળા જાગી જઈને એવું એવું જોવા લાગીએ છીએ જેને ખ્રિસ્તી પાદરીઓ વિનમ્રતાથી, એઓ ઉચ્ચ શિક્ષણ પામ્યા હોય તે જરૂરી નથી, ત્રણ ત્રણ સદીઓથી જોતા આવ્યા છે અને એમના રવિવારીય ઉપદેશોમાં વારંવાર વખોડતા આવ્યા છે. એઓ પોતાના અનુયાયીઓને કહેતા રહ્યા છે કે જે જગતે ઈશ્વરને વિસારી મૂક્યું છે તે જગતે શુભ અને અશુભ વચ્ચેના ભેદને વિસારી દીધા છે. મનુષ્યે જગતને અર્થહીન બનાવી દીધું છે અને શૂન્યવાદ (nihilism)માં ડુબાડી દીધું છે. આપણે આપણા સમાજશાસ્ત્રપરક, ઇતિહાસપરક અને તત્ત્વજ્ઞાનપરક જ્ઞાનથી આપણને ગર્વભેર ઠાંસોઠાંસ ભરી દઈને હવે આપણે એ જ પેલા સરળ ડહાપણને શોધી કાઢીએ છીએ અને એને સહેજ વધુ શિષ્ટ ભાષામાં વ્યક્ત કરવા મથીએ છીએ. હું સ્વીકાર કરું છું કે જૂનું અને સરળ હોવાના કારણે આ ડહાપણ સત્ય હોવાનું મટી જતું નથી, ખરેખર તે સત્ય હોવાનું હું માનું છું, (જોકે, કેટલાક સુધારા સાથે) તો શું દેકાર્ત પ્રથમ અને મુખ્ય ગુનેગાર હતો? મોટે ભાગે તો હા જ કહેવી પડે. એની પૂર્વેના એક સાંસ્કૃતિક ઝોકે એક કેડી કંડારવાનું શરૂ કરી જ દીધું હતું, એણે તો તેને તત્ત્વજ્ઞાનપરક એક સંહિતાના રૂપમાં મૂકી આપ્યું એવી ધારણા પર હા કહેવી પડે તેમ છે. પુદ્‌ગલને વિસ્તારની સમકક્ષ કરી આપીને એણે ભૌતિક વિશ્વની ભાતીગળતાને નષ્ટ કરી નાખી. મિકેનિક્સના જૂજ કેટલાક સરળ અને સર્વતોમુખી ખુલાસા સાથેના નિયમોને અને ઈશ્વરને એની તાત્ત્વિક આવશ્યકતાના રૂપના સર્જક અને ધારક, જોકે, નિત્યરૂપના ધારક રૂપે હ્રસ્વ કરી નાખીને કોઈ પણ વિશિષ્ટ ઘટનાનો ખુલાસો આપવાના મહિમાથી હરી લીધો. એણે નિશ્ચિતપણે, અથવા એવું જણાઈ આવતું હતું, બ્રહ્માંડની વિભાવનાનો, નિસર્ગમાં વરતાતી, સહેતુક છેદ ઉડાડી દીધો. જગત ઈશ્વરરહિત બન્યું અને આવી પૂર્વ-ધારણા પર આધુનિક વિજ્ઞાનનું પ્રાકટ્ય થયું. ન કશા ચમત્કાર રહ્યા, ન કશાં રહસ્યો, ઘટનાઓના પ્રવાહમાં ન રહ્યો કોઈ દૈવી કે આસુરી કલ્પનાક્ષમ હસ્તક્ષેપ; જૂના સમયનું ખ્રિસ્તી ડહાપણ અને કહેવાતું વિજ્ઞાનપરક જગતદર્શન એ બેની વચ્ચે ચાલેલા ગજગ્રાહનું સમાધાન કરાવવા પાછળના તમામ અને અત્યાર સુધી ચાલતા રહેલા પ્રયાસો અપ્રતીતિકર બનવા નિર્માયા હતા. બેશક, આ નવા વિશ્વનાં પરિણામોનો ઉઘાડ થવામાં સમય લાગ્યો. તોતિંગ, આત્મસભાન ધર્મનિરપેક્ષતા પ્રમાણમાં અદ્યતન ઘટના છે. આજના પરિપ્રેક્ષ્યમાંથી જોતાં, જોકે એવું જણાય છે કે શિક્ષિત વર્ગોમાં નિષ્ઠુરપણે વધતું રહેલું શ્રદ્ધાનું ધોવાણ અનિવાર્ય હતું. બુદ્ધિવાદના આક્રમણ સામે કેટલીક તાર્કિક પ્રયુક્તિઓનું રક્ષણ મળ્યું હોત તો કદાચ શ્રદ્ધા બચી શકી હોત અને એક ખૂણે નિરુપદ્રવી અને નગણ્ય બની પડી રહી હોત. પેઢીઓથી, ઘણા લોકો, પરસ્પરવિરોધી એવા બે જગતના પોતે રહેવાસી છે તેનો ખયાલ, આવ્યા વિનાના જ જીવી ગયા હતા. અને શ્રદ્ધાના દિલાસાને એક પાતળા કવચ દ્વારા રક્ષી રહ્યા હતા, જ્યારે પોતે તો પ્રગતિ, વૈજ્ઞાનિક સત્ય, અને આધુનિક ટેક્નોલોજીમાં વિશ્વાસ ધરાવતા રહ્યા હતા. આ કવચ પણ અંતે તો ભાંગી પડવાનું હતું અને એ કામ આખરે નિત્શેની ફિલસૂફીના ધણધણતા હથોડાએ કરી દેખાડ્યું. એના વિધ્વંસક આવેગે મધ્યમ વર્ગોની કૃતક આધ્યાત્મિક સલામતીની અંદર કેર વર્તાવી દીધો અને જેઓ ‘ઈશ્વરના મૃત્યુ’ના સાક્ષી બનવાનો ઈનકાર કરતા હતા તેમની શ્રદ્ધાનો, જે એ એમની કુ-શ્રદ્ધા ગણતો હતો, એનો ખાત્મો બોલાવી દીધો. જે લોકો ખરેખર શું બની ગયું તે સમજવામાં નિષ્ફળ ગયેલા તેમની ઢોંગી માનસિક સલામતી પર આવેગપૂર્ણ આક્રમણ કરવામાં એ સફળ રહ્યો, કારણ કે પ્રત્યેક વાતને એના અંતિમે લઈ જઈને કહેનારો એ જ તો હતો! જગત કશા જ અર્થને પ્રગટ કરતું નથી અને શુભ તેમ જ અશુભ વચ્ચે કોઈ ભેદ છે નહિ, વાસ્તવિકતા અર્થશૂન્ય છે અને તેની પાછળ કોઈ અન્ય પ્રચ્છન્ન વાસ્તવિકતા નથી. જગત આપણે જેવું જોઈએ છીએ એવું જ અંતે પણ છે; તે આપણને કોઈ સંદેશો પહોંચાડતું નથી, તે બીજા કશાનો સંદર્ભ સૂચવતું નથી. તે સ્વ-પર્યાપ્ત છે તેમ જ મૂક અને બધિર છે. આ તમામ કોઈકે તો કહેવું પડે તેમ હતું અને નિત્શેને વિષાદ માટેનો ઉકેલ કે ઔષધ જડી આવ્યાં. આ ઉકેલ હતો ગાંડપણ. એણે આંકી આપેલી રેખા પર એના પછી વધુ કશું કહી શકાય તેમ હતું નહિ. એવું લાગતું હતું કે આધુનિકતાના દેવદૂત બની રહેવાની જાણે એની નિયતિ હતી. વાસ્તવમાં, એ એટલો બધો ઉભયમુખી હતો કે આવું ભગીરથ કાર્ય તે હાથ ધરી શકે એમ નહોતો. એક તરફ, દબાણ હેઠળ આવીને, આધુનિકતાનાં અફર એવાં બૌદ્ધિક અને નૈતિક પરિણામોને એણે હકારાત્મક પ્રતિસાદ આપ્યો અને જેઓ ભીરુ બની પરંપરામાંથી કશુંક ઉગારી લેવાની આશા ધરાવતા હતા તેમના પર ફિટકાર વર્ષાવ્યો. તો બીજી તરફ, એણે આધુનિકતાના આતંકનો ઊધડો લઈ નાખ્યો. આ આતંક એટલે પ્રગતિની કટુ નીપજ. પોતે જે જાણતો હતો તે એણે સ્વીકાર્યું અને કહ્યું – તે ઘણું થથરાવી મૂકનારું હતું. ખ્રિસ્તી ‘જૂઠાણાં’ની સામે વિજ્ઞાનના મિજાજની પ્રશંસા કરી. છતાં આધુનિકતા તો પોતાની શ્રેષ્ઠતામાં રાચવાની ખ્વાહિશ રાખે છે નહિ કે સંશય અને વિષાદ વડે છિન્નભિન્ન થવાની. એટલે જ તો નિત્શે આપણા યુગની સ્વીકૃતિ પામ્યો નહિ. એવી સ્વીકૃતિ તો હજી પેલું સાંધણ (the patching up) જ છે. આપણે આપણી આધુનિકતાનું પ્રતિપાદન કરવાના પ્રયાસો કરતા જ હોઈએ છીએ, પરંતુ વિવિધ પ્રયુક્તિઓ દ્વારા તેના પ્રભાવોમાંથી છટકી જવાના પ્રયાસ પણ કરતા હોઈએ છીએ જેથી આપણે પ્રતીતિ કરી શકીએ કે આધુનિકતાએ વેરેલા વિનાશ પછી પણ અને આપણા પરંપરાગત ધર્મગત વારસા સિવાય પણ અર્થની પુનઃસ્થાપના કે પુનઃપ્રાપ્તિ થઈ શકે તેમ છે. ઉદારમતવાદીથી લોકધર્મશાસ્ત્રની અમુક વાચનાઓ આવા કાર્યમાં ફાળો આપતી હોય છે. એવું જ કાર્ય માર્ક્સવાદની કેટલીક વિવિધતાઓ પણ કરતી હોય છે. તુષ્ટીકરણનું આ કાર્ય ક્યાં સુધી અને કેટલી હદે સફળ પુરવાર થશે તે અગાઉથી કોઈ જોઈ શકે તેમ નથી, પરંતુ હમણાં જ જેનો નિર્દેશ થયો તે ધર્મનિરપેક્ષતાનાં ભયસ્થાનો પરત્વેની બૌદ્ધિક જાગૃતિ માનવ જાગૃતિમાંથી બહાર લઈ આવનારો આશાસ્પદ માર્ગ હોવાનું જણાતું નથી, એ કારણે નહિ કે આવાં ચિંતન મિથ્યા હોય છે, પરંતુ તે વિસંગત કૌશલ્યપૂર્ણ મિજાજની નીપજ હોવાની આશંકા જગાડે છે તે કારણે. જે બૌદ્ધિકોમાં ધર્મ પરત્વે અનુરાગ, આસ્થા કે યોગ્ય નિષ્ઠાનો અભાવ હોય છે તેમનામાં અમુક ચોંકાવી નાખનારું મરણિયાપણું હોય છે, પરંતુ એઓ આપણા જગતમાં ધર્મની સ્થાનચ્યુત ન થઈ શકે તેવી શૈક્ષણિક તેમ જ નૈતિક ભૂમિકા માટે આગ્રહ ધરાવતા હોય છે અને જેના ખુદ એઓ જ જીવતા જાગતા સાક્ષીઓ હોય છે. અને એમની ભંગુરતા બદલ બળાપો કાઢતા હોય છે. હું તેમને કોઈ રીતે દોષ દેતો નથી, અધાર્મિક હોવા માટે પણ નહિ અને ધાર્મિક અનુભૂતિના નિર્ણાયક મૂલ્યનું પ્રતિપાદન કરવા માટે પણ નહિ; હું કેવળ મારા મનને મનાવી શકતો નથી કે એઓનું કાર્ય કદાચ એવાં પરિવર્તનો નિપજાવે જેને એઓ ઇપ્સિત ગણે છે, કારણ કે આસ્થાના પ્રસારણ માટે આસ્થા હોવી આવશ્યક છે, નહિ કે સામાજિક ઉપયોગિતાનું પ્રતિપાદન અને પુનિતનું માનવજીવનમાં જે સ્થાન રહેલું છે તેના પર થયેલું આધુનિક ચિંતન, કૌશલ્યપૂર્ણ હોવાની માગણી કરતું નથી જે મેકિયાવલી કે સત્તરમી સદીના સ્વચ્છંદીઓને જે અર્થમાં અભિપ્રેત હતું. મેકિયાવલી વિ.એ સ્વીકાર કરેલો કે ભોળા લોકો માટે જ્યારે ધાર્મિક હોવાની આવશ્યકતા હોય છે, પ્રબુદ્ધજનો માટે નાસ્તિક-શંકાશીલતા અનુકૂળ આવતી હોય છે. તેથી આવો અભિગમ, ગમે તેટલો સમજણપૂર્ણ હોય, આપણે તો પહેલાં જ્યાં હતા તે જ સ્થાને આપણને લાવી મૂકે છે, પરંતુ એ પોતે તો જે આધુનિકતાને મર્યાદિત રાખવા માગે છે, અને તે આધુનિકતાનો પોતાના વિશેનો પીડાદાયક અસંતોષ છે તેને જ અભિવ્યક્ત કરે છે. આપણી સંસ્કૃતિમાં આધુનિકતાને વાચા આપનાર તત્ત્વ કયું અને પ્રતિ-આધુનિક પ્રતિકારને વ્યક્ત કરતું તત્ત્વ ક્યું તેનો ચુકાદો આપતી વખતે આપણે સાવધ રહેવું જરૂરી છે. ઇતિહાસમૂલક અનુભવને આધારે આપણને જાણ હોય છે કે સંસ્કારલક્ષી પ્રક્રિયાઓમાં જે નવું છે તે જૂનાના છદ્મવેશમાં આવતું હોય છે અને તેથી વિરુદ્ધનું જે જૂનું છે તે સહજપણે ફેશનેબલ વસ્ત્રોમાં સજ્જ થઈ પણ જાય. સુધારાવાદી આંદોલન (ધ રિફોરમેશન) છદ્મ રૂપે આત્મ-સમ્માનતાપૂર્વક પ્રતિક્રિયાવાદી હતું. એનું સ્વપ્ન હતું સદીઓથી થતા રહેલા વિકાસને કારણે નીપજેલા ભ્રષ્ટ પ્રભાવોનાં પરિણામોને વ્યક્ત કરી નાખવા – (ધર્મશાસ્ત્રોમાં થતો રહેલો વિકાસ, ધર્મનિરપેક્ષ બુદ્ધિમાં થતી રહેલી વૃદ્ધિ, ખ્રિસ્તી સંપ્રદાયનાં સંસ્થાકીય સ્વરૂપોમાં પ્રવર્તતી ભ્રષ્ટતા) અને અપોસ્ટલોના સમયની શ્રદ્ધાને તેની અક્ષુણ્ણ વિશુદ્ધતામાં પ્રાપ્ત કરી લેવી, પરંતુ બૌદ્ધિક અને નૈતિક સત્તાના સ્રોતરૂપે સંચિત થયેલી પરંપરાથી છેડો ફાડવા જતાં તેણે વાસ્તવમાં એક એવા આંદોલનને પ્રોત્સાહન આપ્યું જે તેના આશયોથી બરોબર સામેના છેડાનું હતું; તેણે બૌદ્ધિક તપાસના મિજાજને ધર્મગત બાબતોમાં મુક્ત કરી દીધો, કારણ કે અન્યથા હિંસક હુમલાના ભોગ બનતી આવેલી બુદ્ધિને એણે ચર્ચ અને પરંપરાથી સ્વતંત્રતા અપાવી. રોમેન્ટિક રાષ્ટ્રવાદ મોટે ભાગે તો પૂર્વ-ઔદ્યોગિક વિશ્વના ગુમાવી દીધેલા સૌન્દર્યની શોધની રૂપનો ઝુરાપો જ હતો, પરંતુ આ રીતે આદર્શ યુગની સ્તુતિ કરવા જતાં તેણે રાષ્ટ્ર-રાજ્યનો ખ્યાલ ધરાવતી સુખ્યાત આધુનિક ઘટનાના નિર્માણમાં ફાળો આપ્યો; નાઝીવાદ જેવી ભવ્ય નીપજ એ પેલા રૂમાની દિવા-સ્વપ્નોનું જ રાક્ષસી પુનરુત્થાન હતું જેનાથી એક ખ્યાલને તેણે મિથ્યા ઠેરવી આપ્યો કે આપણે આધુનિકતાનું માપ રાષ્ટ્ર-રાજ્યની ધરી પર જ કાઢી શકીએ. માર્ક્સવાદ પણ આધુનિકતા, બુદ્ધિસંગત વ્યવસ્થા અને તંત્રવિદ્યાપરક પ્રગતિ પરત્વેનો સ્પષ્ટ રૂપનો તરવરાટ હતો. આદિમકાળ (આર્કેયિક ટાઈમ)ના સમાજ માટેની ઝંખનાનું તેમાં પ્રતિબિમ્બ પડતું હતું અને તેનું પરિણમન ભવિષ્યના કોઈ પરિપૂર્ણ વિશ્વ વિશેની યુરોપિયન અપેક્ષાઓમાં થયું જેમાં મૂલ્યોના ઉભય પ્રકારના સેટ્‌સ અમલમાં હોય અને એક સામંજસ્યપૂર્ણ મિશ્ર ધાતુનું નિર્માણ થયું હોય; આધુનિક ફેક્ટરી અને અથેનિયન અગોરા (Agora)નું કોઈક રીતે વિલીન થઈને એકત્વ સધાયું હોય. અસ્તિત્વવાદી ફિલસૂફી કદાચ ઉચ્ચ રૂપની આધુનિક ઘટનામાં દેખા દઈ શકી હોત જે તેના અભિધાન તેમ જ વિભાવનાત્મક નેટવર્કમાં રહેલી જ હતી. તેની જગ્યાએ આજના પરિપ્રેક્ષ્યમાં તે મુશ્કેલ થતા જતા જગતમાં વ્યક્તિગત દાયિત્વના પુનઃસમર્થન કરવાના એક મરણિયા પ્રયાસ માત્રના રૂપમાં રહી હોવાનું જણાય છે. જગતમાં માનવવ્યક્તિઓ, એમની સમ્મતિથી, મિડિયાથી વિશેષ કશું પોતાને બનાવી શકે નહિ જેમાં નનામા સામાજિક, અમલદારશાહીયુક્ત અથવા ટેક્નિકલ પરિબળો પોતાને વ્યક્ત કરતા રહે છે તે હકીકતથી અભાન રહીને પોતાની જાતને ‘સમાજના’ નિર્વૈયક્તિક કાર્ય માટેનાં બેજવાબદાર ઉપકરણોના રૂપમાં હ્રસ્વ થવા દઈને માનવવ્યક્તિઓ પોતાના માનવ્યનું હરણ થવા દે છે. આમ, ઇતિહાસની આ ‘ખંધી બુદ્ધિ’ કદાચ એનું કાર્ય કરતી બંધ પડી નથી અને કોઈ એવી અટકળ પણ કરી શકે તેમ નથી, તેના નિશ્ચિતપણાની તો વાત જ જવા દો, કે સામૂહિક જીવન માટે એણે પોતે આપેલા ફાળાને આધુનિકતાની દૃષ્ટિએ જોવાનો છે કે પછી પ્રતિક્રિયાવાદી રૂપે; કે પછી; એને લાગેવળગે છે ત્યાં સુધી, તેમાંનો કયો સમર્થન યોગ્ય છે તે પણ નહિ. આપણે કદાચ એવા વિચારની શોધમાં રહીએ, જેનાથી દિલાસો મળી રહે કે સંસ્કૃતિઓ સ્વયં પોતાની દેખભાળ લેવા શક્તિમાન હોય છે અને સ્વ-સુધારક યંત્રણાને કાર્યરત કરી દેતી હોય છે અથવા પોતાની જ વૃદ્ધિ થકી ઊભી થયેલી આડ-અસરોની સામે લડવા એન્ટિ-બોડીઝ ઊપજાવી લેતી હોય છે. આ સાદૃશ્યનો પાયો, જોકે, એવો સમાધાનપરક છે નહિ. આખરે આપણે એટલું તો જાણતા હોઈએ છીએ કે રોગનાં લક્ષણો ઘણી વાર સજીવ પદાર્થના સ્વ-ઉદ્‌ગારના જ પ્રયાસો હોય છે; આપણું શરીર બાહ્ય જોખમો સામે લડવા જે સ્વ-સંરક્ષણની પ્રયુક્તિઓને ખપમાં લેતું હોય છે તેના કારણે જ આપણામાંના મોટા ભાગના મૃત્યુ પામતા હોય છે. એન્ટિ-બોડીઝ મારી નાખી શકે. તે જ પ્રમાણે કદાચ સ્વ-નિયંત્રણનો અકલ્પનીય અર્થ સંસ્કૃતિનો પણ ખાત્મો બોલાવી નાખે, તે ધારેલું સંતુલન ફરી પ્રાપ્ત કરે તે પૂર્વે જ આવું બની જતું હોય છે. નિઃશંકપણે, એ વાત સાચી કે આપણી આધુનિકતાની આલોચના જે આ આધુનિકતા સાથે જ શરૂ થઈ, ત્યારથી પ્રસરતી રહી છે. અઢારમી અને ઓગણીસમી શતાબ્દીના ધુરંધર આલોચકો વિકો, રૂસો, તોકવિયે, રોમેમ્ટિક્‌સ વગેરેને બાજુ પર મૂકી દઈએ, તો પણ આપણા યુગના તેજસ્વી આલોચકોને આપણે ઓળખીએ છીએ જેમણે વિવિધ રીતે ચીંધી દેખાડ્યું છે અને વખોડી કાઢ્યું છે કે ખેલ ખેલી શકાય તેવા આમસમુદાય(massenge sell schaft)માં અર્થ ક્રમિક રૂપે કઈ રીતે હ્રાસ પામતો રહે છે. હુસેર્લે, ફિલસૂફીની સંજ્ઞાઓમાં, આધુનિક વિજ્ઞાન પોતાના જ પદાર્થોને અર્થપૂર્ણ રીતે ઓળખી શકવા અશક્તિમાન રહ્યું છે તેના પર આક્રમણ કર્યું છે. ફિનોમિનાલિસ્ટની ચોકસાઈ જે વસ્તુઓની વર્તણૂકને વરતી લઈ તેના પર કાબૂ પ્રાપ્ત કરવાના આપણા સામર્થ્યને સુધાર આપે છે ખરું, પરંતુ તે સમજણના ભોગે પ્રાપ્ત કરેલું હોય છે. હાયડેગરે તત્ત્વજ્ઞાનપરક આંતરસૂઝની વિસ્મૃતિમાં આપણા નિર્વૈયક્તિકતામાં ડૂબી જવાના મૂળને ઓળખી બતાવ્યું. યાસ્પર્સે દેખીતી રીતે મુક્તિ મેળવેલા આમસમુદાયની નૈતિક તેમ જ માનસિક નિષ્ક્રિયતાને ઇતિહાસમૂલક આત્મસભાનતાના ધોવાણ સાથે અને તેમાંથી પરિણમેલી દાયિત્વમુક્ત આત્મલક્ષિતાની વ્યક્તિગત સંબંધો વિશ્વાસના પાયા પર સ્થાપવાની શક્તિ સાથે જોડી આપી. ઓર્તેગા ય ગાસેતે બુદ્ધિશીલોને આમસમુદાયના નિમ્ન કોટિના રસકીય આસ્વાદ સાથે બાંધછોડ કરવાની ફરજ પડી તેનાથી કળા અને માનવવિદ્યામાં ઉચ્ચ ધોરણોનો જે ધબકડો થયો તેની નોંધ લીધી. તેવા જ હાલ, નકલી માર્ક્સવાદી સંજ્ઞામાં ફ્રેન્કફર્ટ સ્કૂલના સભ્યોના થયા. આધુનિકતાની મીમાંસા, પછી તે સાહિત્યિક હોય કે તત્ત્વજ્ઞાનપરક, તે આપણી સંસ્કૃતિના સ્વ-સંરક્ષક અવયવરૂપે તેના વિપુલ વૈવિધ્યમાં જોઈ શકાય, પરંતુ અત્યાર સુધી તે આધુનિકતાને અભૂતપૂર્વ વેગથી આગળ ધપતી રોકવામાં નિષ્ફળ ગઈ છે. આવો વિલાપ સર્વ-વ્યાપક હોવાનું સમજાય છે; જીવનના કોઈ પણ ક્ષેત્રને આપણે વિમર્શમાં લઈએ, આપણો સહજ-ઉદ્રેક એવું પૂછવા પ્રેરતો રહે છે, એને થયું છે શું? અને ખરેખર આપણે પૂછતા રહેતા હોઈએ છીએ, ઈશ્વરને થયું છે શું? લોકશાહીને? સમાજવાદને? કળાને? એવું જણાય છે આપણે બધા કટોકટીની એક સર્વાશ્લેષી લાગણી સાથે જીવી રહ્યા છીએ, જોકે, એનાં કારણોની સ્પષ્ટ રૂપે ઓળખ પ્રાપ્ત કરવાના સામર્થ્ય વગર જ, સિવાય કે આપણે પેલા સરળ એક-શબ્દીય એવા કૃતક ઉકેલોમાં નાસી છૂટીએ (‘મૂડીવાદ’, ‘ઈશ્વરને ભુલાવી દેવામાં આવ્યો છે’ વગેરે) આશાવાદીઓ મોટે ભાગે અત્યંત લોકપ્રિય હોય છે અને લોકો તેમને આતુરતાપૂર્વક સાંભળતા હોય છે, પરંતુ બુદ્ધિશીલોના વર્તુળમાં તો તેમનો ઉપહાસ જ થતો હોય છે. આપણે ખિન્ન રહેવાનું પસંદ કરતા હોઈએ છીએ. ક્યારેક આપણને એવું લાગતું હોય છે, પરિવર્તનોની સામગ્રી કરતાં, તમ્મર આવી જાય તેવા તેના વેગથી આપણે થથરી જઈએ છીએ અને અંતહીન અસલામતીની અવસ્થામાં મુકાઈ જઈએ છીએ. એવું લાગવા માંડે છે, હવે પછી કશું જ નિશ્ચિત અને પ્રસ્થાપિત નહિ હોય, જે કંઈ નવું છે તે ચપટી વગાડતાંમાં જ નિરુપયોગી થઈ જવાનું છે. આપણી વચ્ચે હજી એવા કેટલાક લોકો વસે છે જેમણે આ ધરતી પર જન્મ લીધો ત્યારે મોટરકાર કે રેડિયો નહોતાં અને વીજળીની બત્તી એક નવીનવાઈની વાત હતી; તેમના જીવનકાળ દરમ્યાન કેટલી બધી કળાની અને સાહિત્યની શાખાઓ જન્મી અને મૃત્યુને શરણ થઈ ગઈ; કેટલાં બધાં રાજ્યો ઊભાં થયાં અને નાશ પામ્યાં! કેટલી બધી ફિલસૂફીપરક તેમ જ વિચારધારાપરક ફૅશનો ઉદય પામી અને અસ્ત થઈ ગઈ; તેમ છતાં આપણે સૌ એ પરિવર્તનોમાં ભાગ લેતા રહીએ છીએ અને તેને અંગે રોદણાં રડતા રહીએ છીએ, કારણ કે તે બધું આપણે સુરક્ષિતપણે મદાર રાખી શકીએ તેવા સત્ત્વથી આપણને વંચિત રાખતું હોય છે. મેં એવું સાંભળ્યું છે કે એક નાઝી એક્સ્‌ટરમિનેશન છાવણીની સમીપે બલિ બનેલા અગણિત લોકોના અગ્નિદાહ પછી સંચિત થયેલી રાખથી ત્યાંની ભૂમિ એટલી તો ફળદ્રુપ બની ગઈ કે તેમાં ઉગાડેલી કોબી જબરદસ્ત વેગથી એવી વધવા માંડી કે તેની પાસે માથું કાઢવાનો પર અવકાશ રહ્યો નહિ, એને ઠેકાણે નવાં પાંદડાંવાળો એક બીજો છોડ ઊગી નીકળતો. દેખીતી રીતે તે ખાવાલાયક નહોતો. આ વાત પ્રગતિના વેગની આવી રોગી માત્રા વિશે વિચારતાં એક બોધ-કથાની ગરજ સારી આપે છે. અલબત્ત, આપણે એ તો જાણીએ છીએ કે સંસ્કૃતિના વિવિધ વિસ્તારોમાંના વિકાસની વળાંક-રેખાઓનો પ્રક્ષેપ નહિ કરવો જોઈએ, એમાંની કેટલીક exponential છે – અને આ વળાંક રેખાઓને એક અથવા બીજી રીતે નીચે ઊતરવું પડશે અથવા તો બને કે એમને S આકારની વળાંક રેખામાં ફેરવાઈ જવું પડશે. જોકે, આપણને ભય છે કે એવાં પરિવર્તનો આવતાં કદાચ ઘણું મોડું થઈ જાય અથવા આપત્તિઓને કારણે કદાચ આવે જેનો ઉપચાર કરવા જતાં તે સંસ્કૃતિનો જ વિનાશ કરી નાખશે. આધુનિકતાની ‘તરફેણ’માં હોવું કે ‘વિરુદ્ધ’માં હોવું એ તો નરી મૂર્ખામી ગણાય, કેવળ એ કારણે નહિ કે તંત્રવિદ્યા, વિજ્ઞાન, અને આર્થિક બૌદ્ધિકતાને રોકવાં છેક વ્યર્થ છે, પરંતુ એ કારણે કે આધુનિકતા તેમ જ પ્રતિ-આધુનિકતા એમ બંનેને બર્બર અને પ્રતિ-માનવીય સ્વરૂપોમાં વ્યક્ત કરવામાં આવે. ઇરાનમાંની મજહબી ક્રાન્તિ સ્પષ્ટપણે પ્રતિ-આધુનિકતા હતી, જ્યારે અફઘાનિસ્તાનમાં આક્રમણખોરો રાષ્ટ્રવાદી તેમ જ પ્રતિકાર કરી રહેલી ગરીબ ટોળીઓ સુધી જુદા જુદા તરીકાઓ મારફત આધુનિકતાનો મિજાજ પહોંચાડી રહ્યા છે. આ સાવ સામાન્યપણે સાચું છે કે વિકાસનાં વરદાન અને અભિશાપ અવિનાભાવે એકબીજા સાથે સંકળાયેલાં વણાયેલાં છે. અને તેવું જ પરંપરાવાદના ઉપભોગ અને ક્‌લેશ વિશે છે. જોકે, હું જ્યારે આધુનિકતાની એક જ ભયપ્રદ બાજુ ચીંધી દેખાડવાનો પ્રયાસ કરું છું ત્યારે હું એવા ભયને એક જ શબ્દપ્રયોગમાં તારવી આપું છું : વિધિ-નિષેધોનું અદૃશ્ય થવું. ‘શુભ’ તેમ જ ‘અશુભ’ વિધિ-નિષેધો વચ્ચે ભેદ દર્શાવી આપે એવો કોઈ માર્ગ છે નહિ જેનો આપણે સહારો લઈએ. પહેલાને કૃત્રિમ રીતનો ટેકો આપવો અને બીજાની હકાલપટ્ટી કરવી. એમાંના એકને એની ‘અબૌદ્ધિકતા’ને બહાને બાતલ કરવો ‘ડોમિનો ઇફેક્ટ’(Domino Effect)માં પરિણમે અને બીજાને કરમાવી મૂકવામાં આવે, મોટા ભાગના યૌન વિધિ-નિષેધોને નિર્મૂલ કરવામાં આવ્યા છે અને બચી ગયેલા થોડાક – જેવા કે અવૈધ સંબંધો, બાળયૌન વ્યવહાર પરના પ્રતિબંધો વધેરાઈ જવાની તૈયારીમાં છે, એટલું વિચારવું પૂરતું છે કે વિવિધ દેશોમાંનાં કેટલાંક જૂથો બાળકો સાથે યૌનવ્યવહારમાં રાચવાના પોતાના અધિકારની હિમાયત કરતા હોય છે, એટલે કે એમના પર બળાત્કાર કરવા, અને એવી માગણી મૂકતા હોય છે. હજી સુધી નિષ્ફળ – કે એમના પ્રતિવાદીઓને કાયદેસરની મળેલી સમ્મતિને રદ જાહેર કરવી. મૃતદેહો પરત્વે દર્શાવવાના આદર અંગે જે કેટલાક નિષેધ વ્યક્ત કરવામાં આવ્યા છે તે પણ નિર્મૂલન માટેના ઉમેદવાર જણાય છે; આમ જુઓ તો અવયવો ટ્રાન્સપ્લાન્ટ કરવાની ટેક્‌નિકે કેટલાય જીવન ઉગારી લીધાં છે, અને નિઃશંકપણે બીજા અનેકનાં જીવન ઉગારી લેશે, તેમ છતાં જે લોકો કમકમા સાથે એવા જગતનું પૂર્વાનુમાન કરે છે જેમાં મૃતદેહો જીવિતો માટેના સ્પેર-પાટર્‌સના કોઠારોથી વિશેષ નહિ હોય, અથવા ઔદ્યોગિક હેતુ માટેના કાચા-માલના, કદાચ દિવંગતોના દેહ પરત્વેનો આદર તેમ જ હયાતી ધરાવનાર પરત્વેના – અને સ્વયં જીવન પરત્વેના – આદરને જુદા પાડી શકાય તેમ નથી. કેટલાંક પરંપરાગત માનવીય બંધનો જે સામૂહિક જીવનને શક્ય બનાવતાં હોય છે અને એના વિનાનું આપણા અસ્તિત્વનું નિયંત્રણ તૃષ્ણા અને ભયના હાથમાં રહેવાનું હશે તો તેનું નિષેધો વગર ટકી રહેવાનું સામર્થ્ય નહીંવત્‌ છે. એમને સદંતર નાબૂદ કરી નાખવા કરતાં તદ્દન મૂર્ખામીભર્યા જણાતા નિષેધોના વાજબીપણામાં શ્રદ્ધા રાખવી બહેતર છે. આપણી સંસ્કૃતિમાં નિષેધોની હાજરીમાત્રને બૌદ્ધિકતા તેમ જ બૌદ્ધિકીકરણ તરફથી જે હદે ભયભીત કરવામાં આવતી રહી છે તેથી તો તેમની ટકી રહેવાની શક્તિને ઘસારો પહોંચતો હોય છે, પરંતુ એ તદ્દન અસંભવિત છે કે આ નિષેધો સહજવૃત્તિ દ્વારા ઊભા કરવામાં આવ્યા હોય છે, સભાનતાપૂર્વકના આંદોલનથી નહિ; આ વિષયમાં આપણે કેવળ ચોક્કસ એવી એક આશા પર મદાર રાખવાનો રહે કે સામાજિક સ્વ-સુરક્ષાની ઝુંબેશ પૂરતી સશક્ત સાબિત થાય અને તેમના થઈ રહેલા બાષ્પીભવન પરત્વે પ્રતિક્રિયા આપે અને પ્રતિક્રિયા જંગલીયત સ્વરૂપની નહિ જ હોય. મુદ્દો એ છે કે ‘બુદ્ધિપરકતા’ના સામાન્ય અર્થમાં માનવીય જીવન તેમ જ માનવીના અંગત અધિકારો પરત્વે આદર દર્શાવવા હવે એની બુદ્ધિપરક આધારભૂમિઓ રહી નથી, તે હવે બધી ફરમાનોથી વિશેષ કશું રહી નથી, જેમ કે યહૂદીઓમાં ઝિંગા ખાવાની બંધી હોય છે, ખ્રિસ્તીઓમાં શુક્રવારે માંસ ખાવાની બંધી છે, અને મુસલમાનોમાં દારૂ પીવાની. આ બધાં ‘અબુદ્ધિપરક’નાં બંધી ફરમાનો છે. કોઈ પણ એકહથ્થુ રાજ્યવ્યવસ્થા જે પ્રજાને યંત્રના બદલી શકાય એવા અંગ ગણે છે, રાજ્યની આવશ્યકતા અનુસાર ગમે ત્યારે તેનો ઉપયોગ કરી લઈ, રદ કરી નાખી કે તેનો નાશ કરી નખાય તે એક અર્થમાં બુદ્ધિપરકતાનો વિજય છે. છતાં ટકી રહેવા માટે, તેમને પેલા ‘અબુદ્ધિપરક’ મૂલ્યોની પુનઃસ્થાપના કરવાની ફરજ પડતી હોય છે, અને એમ કરીને એમની બુદ્ધિપરકતાનો નકાર કરવો પડતો હોય છે. તે પરથી એવું પુરવાર થઈ રહે છે કે પરિપૂર્ણ બુદ્ધિપરકતા એક આત્મઘાતી લક્ષ્ય છે.

(સન્ધિ-૨૦ : ૨૦૧૧)