બહુવચન/કળા અને વિચારધારા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
Bahuvachan Photo 19.jpg


કળા અને વિચારધારા
લુઈ આલ્થુઝર

‘લા નુવેલ ક્રિતિક’એ મને તમારો પત્ર મોકલ્યો છે. એ તમે ઊભા કરેલા તમામ પ્રશ્નોના ઉત્તર તો નહિ, પરંતુ તમારા ચિંતનને પગલે પગલે મેં કરેલી ટિપ્પણો ઉમેરવાની પરવાનગી આપશે એવી આશા રાખું છું. સૌપ્રથમ તો, તમારે એ જાણી રાખવું જોઈએ કે મારા ‘માનવતાવાદ’ પરના લેખના અત્યંત યોજનાબદ્ધ વિન્યાસથી હું સંપૂર્ણપણે સભાન છું. તમે નોંધ્યું છે તેમ એક બાબતમાં એ ઊણો ઊતરે છે કે વિગતોના વિશ્લેષણમાં ઊતર્યા વિના વિચારસરણી અંગે એ એક ‘વ્યાપક’ ખ્યાલ રજૂ કરે છે. એમાં કળાનો નિર્દેશ કર્યો ન હોવાથી, હું સમજી શકું છું કે કળાને વિચારસરણીનો દરજ્જો આપી શકાય કે કેમ એવી વિમાસણમાં મુકાવાની સંભાવના રહેલી છે. વધારે ચોકસાઈથી કહું તો – કળા અને વિચારસરણી એકની એક વાત છે કે કેમ એવી વિમાસણ. મારા મૌનનું અર્થઘટન આ રીતે કરવા તમે લોભાયા હો એવું મને લાગી રહ્યું છે. કળા અને વિચારસરણી વચ્ચેના સમ્બન્ધો પરત્વેની સમસ્યા અટપટી અને વિકટ છે. આપણી તપાસનો ઝોક કઈ દિશા ભણીનો છે તે અંગે, જોકે, હું તમને કહી શકું તેમ છું. હું સમ્યક કળાને વિચારસરણીઓમાં સ્થાન આપતો નથી. આમ જુઓ તો કળાને વિચારસરણી સાથે વિશેષ પ્રકારનો અને વિલક્ષણ સમ્બન્ધ છે. આ પ્રકારના નિબંધનાં પ્રાથમિક તત્ત્વો અને અટપટી રીતે એમના વિકસવાની સંભાવનાઓ રહેલી છે. એ બાબત અંગે તમને કશોક ખ્યાલ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી હોય તો હું તમને પિયેર મિશેરીએ લખેલા ‘ટૉલ્સ્ટૉયના આલોચકરૂપે લેનિન’ જે ‘લા પેન્ટો’ સામયિક અંક ક્રમાંક ૧૨૧, ૧૯૬૫માં પ્રગટ થયેલા લેખને કાળજીપૂર્વક વાંચી જવાની ભલામણ કરું છું. અલબત્ત, આ લેખ એક રીતે તો પ્રારંભિક સ્વરૂપનો જ છે છતાં એ કળા ને વિચાર વચ્ચે રહેલા સમ્બન્ધોની તેમ જ કળાની વિશિષ્ટતાના બારામાં રહેલી સમસ્યાઓ રજૂ તો કરી જ આપે છે. આ જ દિશામાં અમે પણ કાર્ય કરી રહ્યા છીએ અને એ મુદ્દા પરનાં મહત્ત્વનાં અધ્યયનો ગણતરીના મહિનાઓમાં જ પ્રકાશિત થવાની અમને ઉમેદ છે. વળી, આ લેખ તમને કળા અને જ્ઞાન વચ્ચેના સમ્બન્ધ વિશે પહેલવહેલો ખ્યાલ પણ આપી રહેશે. કળા (એટલે કે પ્રમાણભૂત કળા, સરેરાશ કે મધ્યમ કક્ષાની કળા નહિ) ચુસ્ત અર્થમાં જ્ઞાનનું સ્થાન લેતી હોતી નથી તેથી તે જ્ઞાનનું સ્થાન લઈ લેતી નથી. (આધુનિક અર્થમાં, વૈજ્ઞાનિક જ્ઞાન), પરંતુ કળા આપણને જે પણ અર્પતી હોય છે તે વસ્તુ જ્ઞાન સાથે અમુક વિશિષ્ટ સમ્બન્ધ તો ધરાવતી જ હોય છે. આવો સમ્બન્ધ એકાત્મકતા (identify)નો હોતો નથી, પરંતુ ભિન્નતા (difference)નો હોય છે. હું એનો ફોડ પાડું. મારું એવું માનવું છે કે કળાનું આગવાપણું વાસ્તવનું ઇંગિત આપતા કશાકને આપણે જોઈ શકીએ, પ્રત્યક્ષ કરી શકીએ, આપણે એને લાગણીથી અનુભવી શકીએ એમાં રહેલું છે. આપણે નવલકથાનો કિસ્સો લઈએ તો, તમે જેનો સંદર્ભ આપો છો એ બાલ્ઝાક કે સોલ્ઝેનિત્શીન, વાસ્તવનું ઇંગિત આપતા કશાકને આપણને જોતા કરવામાં, પ્રત્યક્ષ કરાવવામાં (પરંતુ એનું જ્ઞાન નહિ) રહેલું છે. કળા આપણને શેનું અર્પણ કરતી હોય છે અને વિજ્ઞાન શેનું અર્પણ કરતું હોય છે એ ઓળખી બતાવવાની પળોજણમાં સરકી પડવું ન હોય તો આ તાત્પૂરતી વ્યાખ્યાને શબ્દશઃ વળગી રહેવું આવશ્યક છે. કળા આપણને જેને જોતા કરતી હોય છે અને એટલા માટે આપણને જોતા કરવાના પ્રત્યક્ષ કરાવવાના અને લાગણી અનુભવવાના સ્વરૂપમાં અર્પણ કરતી હોય છે (જે જ્ઞાનનું સ્વરૂપ હોતું નથી) એ તો વિચારસરણી હોય છે જેમાંથી એનો ઉદય થયો હોય છે, જેમાં એ રમમાણ હોય છે અને જેનાથી એ પોતાને કળારૂપે વેગળી રાખતી હોય છે અને જેનું એ ઇંગિત આપતી હોય છે. લેનિનના વિશ્લેષણને આગળ લંબાવી જઈને મિશેરીએ ટૉલ્સ્ટૉયના બારામાં એ અત્યંત સ્પષ્ટ કરી આપ્યું છે. બાલ્ઝાક અને સોલ્ઝેનિત્શીન પોતાની કૃતિ જેનું ઇંગિત આપતી હોય છે અને જેનાથી એનું લગાતાર પોષણ થતું રહેતું હોય છે એ વિચારસરણીની આપણને ઝાંખી કરાવતા હોય છે, આવી ઝાંખી કે વિચારસરણીમાંથી એમની કૃતિનો ઉદ્‌ગમ થયો હોય છે. ખુદ એ વિચારસરણીમાંથી વિશ્રામ (retreat) મેળવવાની, એક આંતરિક દૂરત્વ કેળવવાની પૂર્વધારણા માગી લેતી હોય છે. એઓ આપણને અમુક અર્થમાં અંદરખાનેથી, આંતરિક દૂરતા દ્વારા ખુદ એ વિચારસરણીનું પ્રત્યક્ષીકરણ કરાવતા હોય છે (પણ જ્ઞાનપ્રાપ્તિ નહિ). કેવળ અર્થછાયાઓ ન હોય, પરંતુ વિશિષ્ટ વ્યાવર્તનો હોય એવા આ વિભેદોએ આપણને સૈદ્ધાન્તિક રીતે સંખ્યાબંધ સમસ્યાઓનું નિરાકરણ લઈ આવવા સક્ષમ કરવા જોઈએ. સૌપ્રથમ તો કળા અને વિજ્ઞાન વચ્ચે રહેલા ‘સમ્બન્ધો’ પરત્વેની સમસ્યા લઈએ. ન તો બાલ્ઝાક કે ન તો સોલ્ઝેનિત્શીન, એઓ જે વિશ્વનું નિરૂપણ કરતા હોય છે તેને વિશેનું કશું જ્ઞાન આપણને પ્રાપ્ત કરાવતા હોય છે. એઓ એ વિશ્વની વિચારસરણીના કેવળ વાસ્તવને આપણને ‘જોતા’ કરતા ‘પ્રત્યક્ષ’ કરાવતા કે ‘અનુભવ’ કરાવતા હોય છે. આપણી વિચારસરણીની વાત કરતા હોઈએ ત્યારે આપણને જાણ હોવી જોઈએ કે વિચારસરણી તો સ્વયં માનવઅસ્તિત્વમાં સરકી જતી હોય છે : તેથી જ તો મહાન નવલકથાઓમાં જે સ્વરૂપમાં આપણને જોતા કરતી હોય છે ત્યારે એમાં વિષય-વસ્તુરૂપે વ્યક્તિઓએ માણેલું જ હોય છે. આ ‘માણેલું જીવન’ આપવામાં આવેલું, વિશુદ્ધ ‘વાસ્તવ’ દ્વારા આપેલું જીવન નહિ, પરંતુ વિચારસરણીના વાસ્તવ સાથેના આગવા સમ્બન્ધો થકી નૈસર્ગિકપણે ‘માણેલું’ જીવન હોય છે. આ એક મહત્ત્વની ટિપ્પણી છે, કેમ કે એ આપણને એવી સમજણ આપતું હોય છે કે કળા પોતાનું આગવું હોય એવું, જેના પર એનો ઇજારો હોય એવા કોઈ આગવા પ્રદેશ સાથે કામ પડતું નથી (તમે જ્યારે એવું લખતા હો છો કે ‘કળાની સાથે જ્ઞાનપ્રાપ્તિ માનવીય બને છે’ અને એ કે કળાનું પ્રયોજન’ ‘વ્યક્તિમત્તા’ હોય છે તે વખતે તમને જે અભિપ્રેત હોય છે) જ્યારે વિજ્ઞાન વાસ્તવમાં કોઈ ભિન્ન પ્રદેશ સાથે કામ પાડતું હોય છે (કહોને ‘માણેલા’ જીવન ‘વ્યક્તિમત્તા’ના વિરોધમાં રહેલા, સંરચનાના અમૂર્તીકરણ સાથે). વિચારસરણી તો વિજ્ઞાનનું પણ પ્રયોજન હોય છે, ‘માણેલું’ જીવન તો વિજ્ઞાનનું પણ પ્રયોજન હોય છે, ‘વ્યક્તિમત્તા’ વિજ્ઞાનનું પણ પ્રયોજન હોય છે. કળા અને વિજ્ઞાન વચ્ચેનો ખરેખરો ભેદ એકના એક વિષયને તદ્દન ભિન્ન રીતિમાં આપણી સમક્ષ વિશિષ્ટ સ્વરૂપોમાં ધરી આપતો હોય એમાં રહેલો છે : કળા એના ‘જોતા’ કરવાના, ‘પ્રત્યક્ષ’ કરાવવાના કે ‘લાગણી જગાડવા’ના સ્વરૂપમાં, જ્યારે વિજ્ઞાન એના જ્ઞાનપ્રાપ્તિ કરાવવાના સ્વરૂપમાં (ચુસ્ત અર્થમાં, વિભાવનાઓ દ્વારા). આ જ વાત અન્ય કોઈ સંજ્ઞાઓમાં મૂકી શકાય. સોલ્ઝેનિત્શીન જો આપણને ‘વ્યક્તિમત્તાની ઉપાસના’ના ‘માણેલા’ જીવન (અગાઉ અપાયેલી વ્યાખ્યાના અર્થમાં)ને ‘જોતા’ કરતો જ હોય તો એ કોઈ પણ રીતે આપણને એનું જ્ઞાન પ્રાપ્ત કરાવતો હોતો નથી. આવી જ્ઞાનપ્રાપ્તિ તો સંકુલ યંત્રરચનાઓનું વિભાવનાપરક જ્ઞાન હોય છે. જે આખર જતાં ‘માણેલા’ જીવનને નિપજાવતું હોય છે જેની ચર્ચા સોલ્ઝેનિત્શીનની નવલકથામાં કરવામાં આવી હોય છે. જો હું સ્પિનોઝાની ભાષાનો ફરીને અહીં વિનિયોગ કરવા ધારું તો હું એમ કહી શકું કે કળા આપણને ‘ગૃહીતો વિનાનાં તારણો’(conclusions without premises)ને ‘જોતા’ કરતી હોય છે, જ્યારે જ્ઞાન ‘ગૃહીતો’માંથી ‘તારણો’ નિપજાવતું હોય એવી યંત્રરચનાને ભેદતા કરતું હોય છે. આ એક અગત્યનો તફાવત છે, કેમ કે એ આપણને એવી સમજણ પ્રાપ્ત કરવા સમર્થ કરે છે કે ‘સંપ્રદાય’ પરની નવલકથા, એ ગમે તેટલી પ્રગાઢ હોય છતાં, આપણું ધ્યાન એના ‘માણેલા’ જીવનના પ્રભાવો ભણી દોરી આપે ખરી, પરંતુ એની સમજણ આપી શકે નહીં : એ ‘સંપ્રદાય’ના પ્રશ્નને કાર્યસૂચિ પર મૂકી આપે ખરી, પરંતુ એ આ પ્રભાવોને નિવારવાના ઇલાજોને શક્ય બનાવનારાં સાધનોની વ્યાખ્યા કરી શકે નહિ. એ જ મુજબ, જૂજ એવા કેટલાક પ્રાથમિક સિદ્ધાંતો આપણને અમુક દિશા ચીંધી શકવાની ક્ષમતા આપતા હોય એવું બને જેમાંથી તમે જે બીજો પ્રશ્ન ઊભો કર્યો છે તેનો ઉત્તર પ્રાપ્ત કરવાની આશા આપણે રાખી શકીએ. તમારો પ્રશ્ન છે : પોતે અંગત રાજકીય મંતવ્યો ધરાવતો હોવા છતાં બાલ્ઝાક આપણને મૂડીવાદી સમાજના ‘માણેલા અનુભવો’ને આલોચનાત્મક સ્વરૂપમાં ‘જોતા કરતો હોય’ એ કઈ રીતે બને? તમે જે કહો છો કે એક નવલકથાકારરૂપે એને એની કળાની તાર્કિકતાએ કેટલીક રાજકીય વિભાવનાઓને પડતી મૂકવાનું દબાણ આણ્યું હતું એમ કોઈ કહી શકે એવું માનવાની મારી તૈયારી નથી. ઊલટું, આપણને એ વાતની જાણ છે કે બાલ્ઝાકે પોતાનાં રાજકીય મંતવ્યોને કદી પણ પડતા મૂક્યાં નથી. આપણે એથી પણ વધુ જાણતા હોઈએ છીએ; એનાં આગવાં, પ્રત્યાઘાતી રાજકીય મંતવ્યોએ એની કૃતિઓના વિષય-વસ્તુના સંદર્ભમાં નિર્ણાયક ભાગ ભજવ્યો હતો. આ તો નક્કી એક વિરોધાભાસ જ થયો, પરંતુ હકીકત કંઈ એવી જ છે અને ઇતિહાસ આપણને સંખ્યાબંધ ઉદાહરણો સંપડાવી આપે છે જેની પરત્વે માર્ક્સે આપણું ધ્યાન દોર્યું હતું. (બાલ્ઝાક વિશે, હું આર. ફેયોલનો એક લેખનો સંદર્ભ સૂચવું છું જે ‘યુરોપ’ સામયિકના ૧૯૬૫ના એક વિશેષાંકમાં પ્રગટ થયો છે.) આ બધું સામાન્ય રીતે વિચારસરણીઓના દ્વન્દ્વાત્મક ઊહાપોહમાં અર્થની કેટલી હદે વિકૃતિ થતી હોય છે એનાં ઉદાહરણો છે. ટૉલ્સ્ટૉયનું અંગત વિચારસરણીપરક મંતવ્ય એ કૃતિઓના વિષયવસ્તુમાં ઊંડે ધરબાઈને પડી રહેલાં કારણોનું એક ઘટક તત્ત્વ જ છે. બાલ્ઝાક અને ટૉલ્સ્ટૉયની કૃતિઓનું વિષય-વસ્તુ એમની રાજકીય વિચારસરણીથી નિર્લિપ્ત હોય છે અને કોઈક રીતે આપણને એનું ‘પ્રત્યક્ષીકરણ’ કરાવતું હોય છે એ હકીકત જ સ્વયં એ વિચારસરણીની પૂર્વધારણા માગી લેતું હોય છે. એટલું તો નિશ્ચિતપણે કહી શકાય કે નવલકથાકારરૂપે એમની કળાનો એ ‘પ્રભાવ’ એમની વિચારસરણીની અંદર આવી દૂરતા નિર્માણ કરતી હોય છે. જે આપણને એનું ‘પ્રત્યક્ષીકરણ’ કરાવે છે, પરંતુ એવું કહેવું શક્ય જ નથી કે કળાને ‘એની પોતાની તાર્કિકતા’ હોય છે જેણે બાલ્ઝાકને પોતાની રાજકીય વિભાવનાઓને તિલાંજલિ આપતો કર્યો. એથી ઊલટું એણે એ જાળવી રાખી હોવાને કારણે પોતાની કૃતિઓ નિપજાવી શક્યો, પોતાની રાજકીય વિચારસરણીને એ વળગી રહ્યો હોવાના કારણે એ એમાં આવી આંતરિક ‘દૂરતા’ને નિર્માણ કરી શક્યા જે આપણને એનું આલોચનાપરક ‘દર્શન’ ઉપલબ્ધ કરાવી આપે છે. તમે જુઓ છો તેમ, કળાનું અસ્તિત્વ અને એની વિશિષ્ટ પ્રકૃતિને કારણે આપણા માટે ઊભા થયેલા પ્રશ્નોનો ઉત્તર વાળી શકાય એટલા ખાતર આપણને પર્યાપ્ત (વૈજ્ઞાનિક) જ્ઞાનનું નિર્માણ કરવાની ફરજ પડે છે. આ જ્ઞાન કળાકૃતિના ‘રસકીય પ્રભાવ’ નિપજાવનારી પ્રક્રિયાઓને લગતું હોય છે. બીજા શબ્દોમાં, કળા અને જ્ઞાન વચ્ચેના સમ્બન્ધો અંગે ખુલાસો આપી શકાય તે માટે કળા વિશે જ્ઞાન નિર્માણ કરવું જ રહ્યું. આવી આવશ્યકતા પરત્વે તમે સભાન તો છો, પરંતુ તમારે એ પણ જાણી રાખવું જોઈએ કે આ મુદ્દા પર આપણે હજુ લાંબી મજલ કાપવાની રહે છે. કળાના અસ્તિત્વ અને તેના મહત્ત્વનો સ્વીકાર (રાજકીય સ્વીકાર સુધ્ધાં) કરી લેવામાત્રથી કળાના જ્ઞાનની રચના થઈ જતી નથી. તમે જે પાઠોનો સંદર્ભ આપો છો તે તથા માર્સેનાકે ટાંકેલા જોલિયો-ક્યૂરી સુધ્ધાંને જ્ઞાનના પ્રારંભરૂપે લઈ શકાય એવો વિચાર સુધ્ધાં હું નથી કરતો. જોલિયો-ક્યૂરીના નામે ચડેલા એક વાક્ય વિશે થોડાક શબ્દો કહીએ તો, એમાં એક પરિભાષા રહેલી છે – રસકીય સર્જન, વૈજ્ઞાનિક સર્જન – અલબત્ત આ પરિભાષા ઊભી કરવી જોઈએ અને એનું સ્થાન કોઈ ઇતરને અપાવું જોઈએ જેથી જ્ઞાનપ્રાપ્તિની સમસ્યા વિશે ઉચિત પ્રશ્નો પૂછી શકાય. મને જાણ છે કે કળાકાર તેમ જ કળાપ્રેમી નૈસર્ગિકપણે ‘સર્જન’ ઇત્યાદિની સંજ્ઞાઓથી પોતાને વ્યક્ત કરતા હોય છે. એ ‘નૈસર્ગિક’ ભાષા છે, પરંતુ માર્ક્સ અને લેનિન દ્વારા આપણને જાણ પ્રાપ્ત થઈ કે પ્રત્યેક નૈસર્ગિક ભાષા એક વિચારસરણીપરક ભાષા હોય છે, વિચારસરણીનું વાહન, અહીં એ કળાની વિચારસરણી તેમ જ રસકીય પ્રભાવોને નિર્માણ કરનારી પ્રવૃત્તિનું વાહન પ્રત્યે જ્ઞાનપ્રાપ્તિની જેમ, કળા વિશેની જ્ઞાનપ્રાપ્તિ, વિચારસરણીપરક નૈસર્ગિક એવી ભાષા સાથેના નાતા પરત્વે એક પ્રાથમિક વિમુખતા કેળવાય અને એને સ્થાને વિજ્ઞાનપરક વિભાવનાઓનું એક માળખું રચી શકાય એવી પૂર્વધારણા માગી લેતી હોય છે. જ્ઞાનપ્રાપ્તિની એક ભવ્ય ઇમારતની રચના હાથ ધરી શકાય તે માટે વિમુખતાની અનિવાર્યતા પરત્વે સભાનતા કેળવવી આવશ્યક છે. તમે જે કહો છો તે પરત્વેની મારી (ઉગ્ર) આશંકાઓને કદાચ આ તબક્કે મારે વાચા આપી દેવી જોઈએ. એમ બને કે તમે જે કહેવા માગો છો અથવા તો જે કહેવા માગતા હશો એની વાત હું ન પણ કરતો હોઉં, પરંતુ તમે વસ્તુતઃ કહી રહ્યા છો તેની વાત કરતો હોઉં. ‘ઇતર કશાક’ને ઠેકાણે તમે માર્ક્સવાદી વિભાવનાઓ વિશે ‘ચુસ્ત ચિંતન’નો પ્રતિપ્રશ્ન ખડો કરતા હો સવિશેષ તો કળા આપણને શેનું અર્પણ કરતી હોય છે તે પરત્વે ત્યારે તમે એક તુલનાની સ્થાપના કરી રહ્યા છો જે કાં તો અધૂરપભરી છે અથવા તો અનૌરસ છે, એમ મારું માનવું છે. જ્યાં કળા વાસ્તવમાં તો વિજ્ઞાન કરતાં પણ ‘ઇતર કશાક’ને આપણને પૂરું પાડતી હોય ત્યારે તેમની વચ્ચે વિરોધ રહેલો હોતો નથી, પરંતુ ભેદ રહેલો હોય છે. એનાથી ઊલટું, એ જો કળા વિશેની જ્ઞાનપ્રાપ્તિનો મુદ્દો બનતો હોય ત્યારે તો એનો પ્રારંભ માર્ક્સવાદી પાયાની વિભાવનાઓ પરના ચુસ્ત ચિંતનથી થાય એ અબાધિતપણે આવશ્યક બની રહે છે. એ સિવાય અન્ય કોઈ માર્ગ રહેતો નથી. અને જ્યારે હું કહેતો હોઉં, ‘એનો પ્રારંભ કરવો આવશ્યક છે’ ત્યારે એટલું કહી નાખવું પર્યાપ્ત બનતું નથી, એને આરચણમાં મૂકવું આવશ્યક બને છે. એમ ન હોય તો, એને એક અછડતી સ્વીકૃતિ આપી દઈને, જેમ કે ‘માર્ક્સવાદી સિદ્ધાંતના ચુસ્ત અધ્યયન ભણી પાછા વળવાનો પ્રસ્તાવ આલ્થુઝર રજૂ કરે છે, એમ કહીને એમાંથી છૂટી પડવું આપણે માટે સરળ બની જાય છે.’ ‘આ એક અનિવાર્યતા છે તે મને કબૂલ છે, પરંતુ હું પર્યાપ્ત હોવાનું માનતો નથી.’ આના પ્રતિભાવરૂપે મારે કેવળ એક આલોચના કરવી રહે છે : આવશ્યકતા ‘અનિવાર્ય’ હોવાની જાહેરાત કરવાની પણ એક રીત હોય છે અને તે સરાસર એની સાથેનો છેડો ફાડી નાખવામાં રહેલી છે, એનાં સઘળાં ગર્ભિતાર્થો અને પરિણામોની કાળજીપૂર્વકની વિચારણા પછી એને ત્યજી દેવામાં – એને સ્વીકૃતિ આપી દેવામાં, જેથી ઝડપભેર કળાકૃતિની વિશિષ્ટતા પર ચાલી જવાય, ‘રસકીય પ્રભાવ’ નિપજાવનારી યંત્રરચનાને જાણી શકાય, આનો અર્થ જ એ થયો કે લાંબો સમય એની પાછળ ખર્ચવો અને ‘માર્ક્સવાદના પાયાના સિદ્ધાંતો પર વધુમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવું અને ‘ઇતર કશાક’ પર જવાની સ્હેજે ઉતાવળમાં ન હોવું, કેમ કે આપણે વધારે પડતી ત્વરાથી ‘બીજા કશાક’ પર જવાનો પ્રયાસ કરીશું તો આપણે જ્ઞાનપ્રાપ્તિ સુધી નહિ પહોંચીએ, પરંતુ કળાની ‘વિચારસરણી’ પર જઈ પહોંચીશું : ઉ.ત. સુપ્ત માનવીય વિચારસરણી જે, તમે જેને કળા અને ‘માનવતા’ વચ્ચેના સમ્બન્ધો કહો છો તેનાથી તેમ જ કલાપરક ‘સર્જન’ ઇત્યાદિથી, પ્રેરિત થયેલી હોય. રસકીય નૈસર્ગિકતાની વિચારસરણીપરક વિભાવનાઓમાં નહિ, પરંતુ પોતાના પ્રયોજનને પર્યાપ્ત હોય એવી વૈજ્ઞાનિક અને એ રીતે આવશ્યકપણે નૂતન એવી (વિભાવનાઓ ભણી વળવાનું જ હોય (આ કાર્ય ધીમી ગતિનું અને જહેમત માગી લે તેવું છે) તે એટલા કારણે નહિ કે આપણે કળાને ચૂપચાપ ચાતરી જઈએ, અથવા તો વિજ્ઞાનને ચરણે એનું બલિદાન દઈએ; પરંતુ દેખીતી રીતે જ એનું જ્ઞાન પ્રાપ્ત કરવા ખાતર અને એને એનું છાજતું અપાવવા ખાતર.

(સન્ધિ-૧૦ : ૨૦૦૯)