બહુવચન/પચરંગીપણાની તરફેણમાં
બોદલેરે કહેલું કે કવિઓ એટલે વૈશ્વિક ભાષાંતરકારો, કેમ કે કવિઓ વિશ્વની ભાષા – તારામંડળ, જળતત્ત્વ, વૃક્ષરાજિ – નું માનવીની ભાષામાં ભાષાંતર કરતા હોય છે. મેં પોતે આવું કશું લક્ષ્ય ઠેરવ્યું નહોતું છતાં કોઈક રીતે એક કવિ તરીકે ભાષાંતરકાર હોવાની મારી નિયતિ બની છે. જોકે, હું એવું તો નથી માનતો કે ભાષાંતર કરવું એટલે પોતાના વ્યક્તિત્વનો ત્યાગ કરી દેવો અથવા તો જે સંસ્કાર પરંપરામાં આપણો જન્મ થયો હોય એને ત્યજી દેવી. સાચી વાત કરું તો, ઘણી બધી રીતે વિચારતાં મને એવું લાગ્યા કરે છે કે મારી પોતાની સંસ્કારપરંપરા–પ્રાક્-કોલંબિયન કળા–નાં રહસ્યો તાગવા મેં જે પુષ્કળ વર્ષો સુધી પુરુષાર્થ કર્યો એ આધુનિક કળા વિષેની મારી સમજણમાં ફળી ઊઠ્યો છે. પ્રાક્કોલંબિયન કળાને જોવાનું કામ મેં કોઈ પુરાતત્ત્વવિદની આંખે કે માનવવંશશાસ્ત્રીની આંખે જોવાને બદલે એક કવિની આંખે જોવાનું નક્કી કર્યું. એક જુદા જ દૃષ્ટિબિંદુથી એને જોવાની મને આવશ્યકતા વરતાણી, અને એમાંથી હું જે કંઈ પામ્યો એને આધુનિક કળાના જગત સુધી લઈ ગયો. આવું શિક્ષણ લીધા વિના ક્યુબિઝમ, અભિવ્યક્તિવાદ કે અતિવાસ્તવવાદ વિષેની મારી સમજણ વિકસી શકી ન હોત. પિકાસો પણ આદિમ કળા પરત્વેના સંદર્ભ-સંકેતો કેવો સહસ્રરૂપે ધરી આપે છે. ૧૯૬૦ના દાયકામાં ભારત ખાતે હું એલચી નિમાયો, એ અરસામાં હું બીજો એક અમૂલ્ય બોધ પામ્યો. એ બોધ હતો ‘ઈતર’ વિષેની મારી ખોજ. મૂળગામી રીતે જુદી પડતી કલા અને સંસ્કારપરંપરાનો મેં જે કંઈ અભ્યાસ કર્યો એના થકી મેસો-અમેરિકા વિષે મને એક નવું જ પરિપ્રેક્ષ્ય લાધ્યું. આ બધી શોધ મને મારી કાવ્યસર્જનની પ્રક્રિયામાં પણ બેહદ મદદગાર નીવડી, કેમ કે ‘ઈતર’ વિષેનું ચિંત્વન કેવળ ભયાવહ અને પડકારરૂપ હોવા કરતાં કંઈક વિશેષ રોમાંચક અને રતિભાવનું ઉદ્દીપક હોય છે. અવલોકવાની કળાની દીક્ષા મને બચપણથી જ મળી, મેક્સિકો શહેરથી રેલરસ્તે એકાદ કલાકના અંતરે આવેલા મારા ગામમાં હું રહેતો ત્યારથી. એક દિવસ, મિત્રો સાથે ઉજાણીની મજા માણવા કશેક ઊપડેલા. ત્યાંથી અમને એક નાનો પિરામિડ જડી આવ્યો. અમે ઘર ભણી દોટ મૂકી. સત્તરમી સદીનાં દેવળો અને ઓગણીસમી સદીનાં મકાનોની હારવાળી શેરીઓને વીંધતાં અમે ઘરે મા-બાપોને અમારી અદ્ભુત શોધની જાણ કરવા દોડી ગયા. આવું હતું મારું બચપણનું મેક્સિકો, પ્રાક્કોલંબિયન કળા, સંસ્થાનવાદી કળા અને આધુનિક કળાનાં ખીલેલાં પુષ્પોથી મઘમઘતું સમૃદ્ધ એવું મેક્સિકો. કળાના આ ત્રણ તબક્કાઓમાં, પ્રાક્કોલંબિયન કળા મારે માટે ગૂઢ રહસ્ય જેવી હતી, એનું ભાષાંતર કરવું સૌથી મુશ્કેલ હતું. ઘણાં વર્ષોની આખરે જ હું પ્રાક્કોલંબિયન કળાને વીંટળાઈ વળેલાં રહસ્યનાં આવરણ ભેદીને એને માણતાં શીખ્યો. હજારો વર્ષથી મેસો-અમેરિકા, દુનિયાની અન્ય માનવજાતિથી વિખૂટું પડીને અટૂલું જ રહ્યું. આને કારણે, એનાં કળાપ્રકારો, સામાજિક વ્યવસ્થાઓ, જગત વિષેની વિભાવનાઓ અને નીતિમત્તાનાં ધોરણોમાં મૌલિકતાની તાજગી છે. આ મૌલિકતામાં એનો ઉદ્ગમ થયો અને એમાં જ એનો અંત આવ્યો. પ્રાક્કોલંબિયન કળા આવી મૌલિકતાના ઉન્મેષનું ચરમ ઉદાહરણ છે. એમાં વાચ્યાર્થાત્મક અને પ્રતીકાત્મક, પદાર્થજગત અને ચૈતસિક જગત, પાર્થિવ અને અલૌકિકનું અજબનું સંમિશ્રણ છે. પરંતુ આવું વિખૂટાપણું કેવળ સૌંદર્ય અને મૌલિકતાનું સંવર્ધન કરે છે એવું કંઈ નથી. હું તો એમ માનું છું કે આવા વિખૂટાપણામાં જ એની ઉધ્વસ્તતાનાં બીજ પણ રોપાયાં હતાં. આવા વિખૂટા રહેલા ઈન્ડિયનોને જ્યારે ‘ઈતર’ સ્પેનિશજનોનો સામનો કરવાની વેળા આવી ત્યારે ટેક્નોલોજીની રીતે કે સામાજિક રીતે એમની કશી જ તૈયારી નહોતી. એમના શત્રુઓને ગંધર્વલોકના વાસીઓ માની લેવાની ભૂલ એમણે કરી. આવું આક્રમણ અમેરિકા ખંડમાં ભાતીગળતાનું આરંભ બિંદુ બની રહ્યું. ઇતિહાસનું આ એક એવું આરંભ બિંદુ હતું, જ્યારથી લોકસમૂહની એકાત્મકતા લોપ પામવા લાગી. પરંતુ પ્રાયઃ પ્રત્યેક લોકસમાજોની કહાની કંઈક આવા જ પ્રકારની છે. ખરેખર તો, સૌપ્રથમ કહાણી બાબેલની લઈએ તો આદિ અવસ્થાની એની એકાત્મકતા કડડડભૂસ થઈ પડી ભાંગી ને અનેકવિધ ભાષાઓ અને બોલીમાં વહેંચાઈ ગઈ એ સમજી શકાય એવું છે. બાબેલ એટલે બેબીલોનનું હિબ્રૂ સંસ્કરણ. એ શહેર એટલે, કદાચ માનવઇતિહાસનું સૌપ્રથમ પચરંગી શહેર. આ શહેરની જે રીતે નિંદા થઈ એ એક રીતે ભાતીગળતાની નિંદા સમાન હતું, એ વૈવિધ્યસભર અને બહુમુખી સમાજ જેમાં ‘ઈતર’ અને બીજાં અન્યોના સ્વીકારની વાત હતી એનો જ વિરોધ અને ટીકા કરવા બરોબર હતું. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આ બાબેલિયન શાપ અમુક અર્થમાં તો આશીર્વાદરૂપ છે. સંસ્કારપરંપરાની ભાતીગળતા એટલે ઇતિહાસ, યુદ્ધ અને આધિપત્ય. બીજી રીતે એનો અર્થ એવો પણ થાય છે કે ભાષાઓના સૌમન્સ્થરૂપે એ પ્રત્યાયન અને ભાષાંતરની પ્રક્રિયા છે, સમજણના ઐક્યની ભૂમિકા રચવા મથતી પ્રજા સાથે ‘ઈતર’ અને બીજાં અન્યોનું એમાં પુન-ર્મિલન સધાય છે. કોઈ પણ એક વિદેશી ભાષા બોલી શકવાનો ઉદ્યમ કરવો, એ ભાષાની સમજણ પ્રાપ્ત કરવી અને પોતાની ભાષામાં એનો અનુવાદ કરી શકવો એટલે આદિ અવસ્થાની એકરાગતાની પુનઃ સ્થાપના કરવી અને આજના જેવા બહુમુખી જગતમાં તો આ એક પડકાર ગણાવો જોઈએ જેને આપણે સૌએ ઝીલી રહેવાનો છે. સમકાલીન કળાની વંધ્યતાનાં મુખ્ય કારણોમાંનું એક કારણ છે–કળાની માર્કેટ. કળાજગતમાં નૈતિક શિથિલતા અને અમાનવીય પ્રભાવ પ્રવર્તાવવાનું કામ આ માર્કેટે કર્યું છે. હદ બહારની જાહેરાત દ્વારા કળા અને કળાકારોને ફુગ્ગાની જેમ ફુલાવવાનું કામ તે કરે છે અને આખરે તે ફુગ્ગા ફોડી નાખે છે. આર્થિક અર્થમાં ચિત્રકારો સદાય એક અગત્યનું સ્થાન ભોગવતા રહ્યા છે. ઉદાહરણ તરીકે, બૅરોક યુગમાં રુબેન્સ અત્યંત ધનાઢ્ય ચિત્રકાર ગણાતો. વેલાસ્ક્વે રાજા ફિલિપ્સના સ્પેનિશ દરબારમાં સામંતનો હોદ્દો ભોગવતો. તેમ છતાં એ જમાનામાં કળાની માર્કેટનું અસ્તિત્વ નહોતું. આશ્રયદાતા અને ચિત્રકાર વચ્ચે એક અનોખો સંબંધ બંધાતો એનું જ મહત્ત્વ હતું. આવી પરિસ્થિતિ ૨૦મી સદીના જન્મ સાથે જ અસ્ત પામી. આજે તો, કળાકૃતિઓ ખરીદનારા મોટા ભાગનાઓ ચિત્રકૃતિઓ સામે જોતા સરખા નથી. મૂડીરોકાણના એક ભાગરૂપે જ તેઓ લિલામમાંથી ચિત્રો ખરીદી જતા હોય છે. એક કાળે આશ્રયદાતાની અભિરુચિ તેમ જ ચિત્રકારની અભિરુચિનું કળાવિચારણામાં ચરમ પ્રાધાન્ય હતું. પછી તો, ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં અને ૨૦મી સદીના પૂર્વાર્ધમાં કળાકારની અભિરુચિ સ્થાપિત હિતોની વિરુદ્ધ કેળવાવા માંડી. ઉદાહરણ તરીકે, પિકાસોએ પ્રારંભમાં માર્કેટમાં ન ખપે એવાં ચિત્રો ચીતર્યાં. બ્રાકે માર્કેટ વિરુદ્ધનાં ચિત્રો કર્યાં અને અસ્તિત્વવાદીઓ પણ એમને જ અનુસર્યા. પરંતુ અત્યારે તો પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. ચિત્રકારો માર્કેટ માટે ચિત્રો દોરે છે. આજે માર્કેટની પકડમાંથી છટકવું અશક્યવત્ બની ગયું છે. આ માર્કેટની સૌથી ભય પમાડે એવી એક અસર એ થઈ કે એના સામર્થ્યને કારણે એણે જગતભરની કળાને વધતેઓછે અંશે એકવિધતામાં ફેરવી નાખી. ચિત્રકળામાં જર્મન, ઈટાલિયન, અમેરિકન એવા ભેદ પારખી શકાતા એવું આજે કશું રહ્યું જ નહિ. આટલું કહ્યા પછી, જોકે, હું એવું નથી માનતો કે આજે આપણે કળાને આરે આવીને ઊભા છીએ. અમુક પ્રકારની કળાને આરે આવી ચૂક્યા છીએ એટલું જ. એ વાત સાચી કે આ સદીની આખરમાં સર્વસામાન્ય રીતે કળા અને સંસ્કારપરંપરાનું એકસૂરિલાપણામાં સરકી પડવાનું લક્ષણ જોવા મળે છે. પરંતુ સદીની આખરે, વિ-ગત કાળ અને ભાષા પ્રત્યે પાછા ફરવાનાં વલણોને એટલી જ બળકટતાથી નિહાળ્યાં છે. માર્કેટમાં કશીક એવી ન માની શકાય એવી શક્તિ રહેલી છે જે કળાને એક પ્રકારની કહ્યાગરી એકવિધતામાં પલટાવી શકે. તેમ છતાં પરાપૂર્વથી ચાલતી આવેલી સંસ્કારપરંપરાને હડસેલી મૂકવામાં એ શક્તિ જોઈએ એટલી કારગત નીવડી શકી નથી. એક કાળે જે કળાવિશેષો (Particularism)ને કબરમાં દફનાવી દીધેલા મનાતા એને આજે પૃથ્વીના ખૂણેખૂણેથી પ્રકૃતપણે પુનરુજ્જિવિત થતા જોવાના આપણે સાક્ષી બની રહ્યા છીએ. વીસમી સદીમાં વૈશ્વિકતા એટલે તર્કબુદ્ધિની એકોક્તિ નહિ, પરંતુ માનવીઓ અને એમની સંસ્કારપરંપરા વચ્ચેનો સંવાદ. વૈશ્વિકતા એટલે જ ભાતીગળતા. વૈશ્વિકતા એટલે એકવિધતા એવું માની લેવાને કોઈ જ કારણ નથી. કળા છીછરી વાસ્તવિકતાઓની ટિપ્પણો ન બની રહેવી જોઈએ. અતિવાસ્તવવાદના કિસ્સામાં તો વાસ્તવિકતાનો વ્યતિક્રમ કરી નાખવાનું કાર્ય થયું. ક્યુબિસ્ટોએ પણ વાસ્તવિકતાને ઊલટસૂલટ કરી આપવાનું કાર્ય કર્યું, પદાર્થનાં ચિત્રો કરવાને બદલે એમણે પદાર્થની સંરચનાનાં ચિત્રો કર્યાં. એમણે એવું કહેવાનો પ્રયાસ કર્યો કે પદાર્થ આપણે જે જોઈએ છીએ એ નથી. એની બીજી બાજુ પણ હોય છે, એનું બીજું પરિમાણ હોય છે. આ સદીની કળાની આ એક મહા વક્રોક્તિ રહી છે કે પાબ્લો પિકાસો વાસ્તવિકતાનો વ્યતિક્રમ કરી આપવામાં સૌથી સફળ રહ્યો, તો સાથોસાથ પોતાના યુગની વાસ્તવિકતાનું આલેખન પણ એણે ગજબની ચોકસાઈથી કર્યું. પિકાસોની કળા એના સમયની સન્મુખ કે વિરુદ્ધ રહી નથી; નથી એ ભાવિ કળાની આગાહી જેવી કે ભૂતકાળ વિષેની કોઈ મધુર ઝંખનાઓ જેવી. પોતાના જમાના સાથે કે પોતાની આસપાસના જગત સાથે મેળ ન પાડી શકનારા કેટલાય મહાન કલાકારોમાં ભૂતકાળ વિષે આવી ઝંખના હોય છે. પિકાસો કદી પણ પોતાના સમયથી વેગળો રહ્યો નથી, ક્યુબિઝમના દિવસોમાંની જબ્બર વિચ્છિન્નતા વખતે પણ નહિ. ઉપરાંત, એણે જ્યારે એનો પણ વિરોધ કર્યો ત્યારે તો એ પોતાના યુગનો જ ચિત્રકાર બની રહ્યો. એક ભભૂકતા વ્યક્તિવાદી અને એક વિદ્રોહી કળાકાર તરીકે એની સામાજિક વર્તણૂક, એનું અંગત જીવન અને એની સૌંદર્યમીમાંસા એકમાત્ર સિદ્ધાતને વરેલાં હતાં : વિચ્છિન્નતાને. તેમ છતાં, આપણા સમયનું પ્રતિનિધિત્વ ધરાવતો કળાકાર એ બની રહ્યો. પ્રતિનિધાન કરવું એટલે કશાકની છબિ હોવું, નખશિખ એની અનુકૃતિ હોવું. પ્રતિનિધાન કરવું એટલે જેનું પ્રતિનિધિત્વ કરવાનું હોય એની સાથે એકરાગ હોવું, એની સાથે સમરસ થવું, એટલું કેવળ પૂરતું નથી, પરંતુ એની તરફેણ પણ કરવી અને સૌથી વિશેષ તો એની સાથે સાદૃશ્યતા કેળવવી. પિકાસો એટલે આપણો સમય; પરંતુ એની સાદૃશ્યતા જે કેન્દ્રમાંથી ફૂટી છે એ કેન્દ્ર છે પ્રસ્થાપિત મૂલ્યો પરત્વે પ્રકટ થયેલા એના વિરોધો, એના નકારો અને એના વિવાદી સૂરો.
મૂળ અંગ્રેજી લેખનો ગુજરાતી અનુવાદ. (ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૦)
‘ધ આધાર વોઈસ’ - ઓકટાવિયો પાઝ લિખિત કવિતા વિશેના નિબંધની હસ્તપ્રતનાં બે પાનાં