બહુવચન/માર્સેલ દુશૉંનો એક કલાવિચાર
દુશૉંના કલાવિચારોમાંનો એક તો અત્યંત હલબલાવી મૂકનારો છે. આ વિચાર એક પાસાદાર વાક્યમાં ઝળકી ઊઠ્યો છે જેને અવારનવાર ટાંકવામાં આવતો હોય છે : “દર્શક જ ચિત્રકૃતિની રચના કરતો હોય છે.” આ વિચાર એટલી તો મિજાજી સૂત્રાત્મકતારૂપે અભિવ્યક્તિ પામ્યો છે કે જાણે તે કલાકૃતિના અસ્તિત્વનો છેદ ઉડાડી મૂકીને એક ભોળા ભાવના નાસ્તિવાદ (નાઈહિલિઝમ)નો પડો વજડાવતો હોવાનું ભાસે છે. ૧૯૫૭માં પ્રકાશિત એક લઘુ પ્રબંધ સર્જનાત્મક કર્મ (ક્રિએટિવ એક્ટ)માં દુશૉં એમના વિચારને સહેજ વધુ સ્પષ્ટ કરે છે. અહીં એ એવો ખુલાસો આપે છે કે કલાકાર પોતાની કૃતિ પરત્વે કદી પણ સંપૂર્ણ સભાન હોતો નથી : પોતાના આશયો અને કૃતિની પરિણતિ વચ્ચે, કલાકાર પોતે શું કહેવા માગે છે અને કલાકૃતિ હકીકતમાં શું કહે છે તેની વચ્ચે, એક “ભેદ” (ડિફરન્સ) રહેલો હોય છે અને આ “ભેદ” એ જ, સાચું પૂછો તો, કલાકૃતિ છે. હવે, ભાવક કંઈ કર્તાના આશયોને લક્ષ્યમાં લઈને કૃતિને મૂલવતો નથી હોતો, પરંતુ પોતે નજર સામે પ્રત્યક્ષરૂપે જે જોઈ રહ્યો હોય તેને આધારે મુલવણી કરતો હોય છે; આવી દૃષ્ટિ કદી વસ્તુલક્ષી ન હોય, ભાવક તો પોતે જે કંઈ જોઈ રહ્યો છે તેનું જ અર્થઘટન કરે છે ને તેને “નિગાળતો” (ડિસ્ટિલ) રહે છે. પેલો ભેદ ફરી એક વાર બીજા એક ભેદમાં રૂપાન્તર પામવા લાગે છે, એક કૃતિ અન્ય એક કૃતિમાં. મારા માટે દુશૉંનો ખુલાસો સર્જનાત્મક કર્મ કે પ્રક્રિયાને એની સમગ્રતામાં સમજાવી શકીને સંતોષ આપતો હોય એવું જણાતું નથી. એ સાચું કે કલાકારે કલ્પેલી કૃતિ કરતાં ભાવક પોતે એક ભિન્ન કૃતિની રચના કરતો હોય છે, પરંતુ આ બન્ને કૃતિઓની વચ્ચોવચ, એટલે કે કલાકાર જે કૃતિનું નિર્માણ કરવા માગતો હોય અને ભાવક જે જોઈને વિચારણા કરતો હોય તેની વચ્ચોવચ, એક વાસ્તવ રહેલું હોય છે, અને એ જ તો હોય છે કલાકૃતિ. આના વિના ભાવકપક્ષે થતું પુનર્સર્જન અસંભવિત છે. કલાકૃતિ એને નિરખનાર દૃષ્ટિનું નિર્માણ કરતી હોય છે અથવા કંઈ નહીં તો તે ત્યાંથી ફંટાવા માટેનું બિન્દુ તો બની જ રહે છે : એ બિન્દુએથી અને એ બિન્દુ વડે ભાવક અન્ય એક કૃતિની રચના કરે છે. ચિત્રનું, કાવ્યનું કે અન્ય એવી કોઈ કલારચનાનું મૂલ્ય, એમાં નિહિત રહેલા સંકેતો અને અર્થો આપણે જેટલી સંખ્યામાં નીરખી શકીએ અને એકબીજા સાથે જોડી શકવાની સંભવિતતાઓ કેટકેટલી છે તે નક્કી કરીએ, તેના સમપ્રમાણમાં રહેલું છે. કલાકૃતિ અર્થો ઉત્પાદન કરવાનું એક યંત્ર (મશીન) હોય છે. આ અર્થમાં દુશૉંનો ખયાલ સમૂળગો મિથ્યા ઠરી રહેતો નથી : ચિત્ર દર્શક પર નિર્ભર હોય છે, કેમ કે સંકેતોનું આ જે ઉપકરણ છે જેમાં સમગ્ર કૃતિ રહેલી છે તેને દર્શક જ સંચાલિત કરીને ગતિ અર્પી શકે. “Large Glass” તેમ જ “ready-mades”માં રહેલા સંમોહનનું આ જ તો રહસ્ય છે. આ બન્ને રચનાઓ એક પ્રકારનું સક્રિય નિદિધ્યાસન, સર્જનાત્મકપણે એમાં સામેલ થઈ શકવાની ક્ષમતા માગી લેતી હોય છે. આ રચનાઓ આપણી નિર્મિતિ કરતી હોય છે અને આપણે એમની નિર્મિતિ કરતા હોઈએ છીએ. “Ready-mades”ના કિસ્સામાં તો આવો સંબંધ સંલયન (ફ્યુઝન)નો હોતો નથી, કિન્તુ વિરોધ (ઑપોઝિશન)નો હોય છે; એમાં એવી એવી વસ્તુઓ ઉપયોગમાં લેવાઈ છે જે લોકસમુદાયની વિરુદ્ધમાં છે, આપણી વિરુદ્ધમાં છે. એક અથવા તો બીજી રીતે દુશૉં એ વાતનો આગ્રહી હોય છે કે કલાકૃતિ મ્યુઝિયમમાં સંઘરવાની ચીજ નથી : આ કંઈ ભક્તિભાવથી જોવાની વસ્તુ નથી કે નથી એવી કોઈ ઉપયોગી નીવડે એવી વસ્તુ; એ તો એ વસ્તુ છે જેને શોધવાની રહે છે, સરજવાની રહે છે. પુનર્જાગરણ (રેનેસાં) કાળના ધાર્મિક ચિત્રકારો પરત્વેના એના રસનો, બલકે એના આદરભાવ ને અતીતરાગનો ઉગમ પણ આ જ વાતમાં રહેલો છે. દુશૉં મ્યુઝિયમનો વિરોધી છે, કેથેડ્રલનો વિરોધી નથી; ‘સંગ્રહ’નો વિરોધી છે, જીવનમાં રોપાયેલી કલાનો નહિ. ફરી એક વાર એપોલિનેયર લક્ષ્યવેધ કરી જાય છે : દુશૉંનું પ્રયોજન કલા અને જીવન વચ્ચે મેળ પાડવાનું છે, કૃતિ અને દર્શક વચ્ચે મેળ પાડવાનું છે, કિન્તુ અન્ય યુગોની અનુભૂતિઓનું પુનરાવર્તન થઈ શકતું નથી હોતું, દુશૉં આ વાત જાણતો હોય છે. જીવન આધારિત કલા સામાજીકરણ પામેલી કલા છે, સામાજિક કે સમાજવાદી કલા નથી; કે નથી એવી કોઈ પ્રવૃત્તિ જેમાં એને સુચારુ કે સુશોભનભરી વસ્તુઓનું ઉત્પાદન કરવા સમર્પિત થવું પડતું હોય. જીવનમાં રોપાયેલી કલા એટલે માલાર્મેની કવિતા અથવા તો જોય્સની નવલકથા; એ તો અઘરામાં અઘરી કલા છે. આ એક એવી કલા હોય છે જે દર્શક અથવા તો વાચક સ્વયં એક કલાકાર કે કવિ બની રહે એની જ આગ્રહી હોય છે.
(અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદ.)
(ખેવના-૭૬, ડિસેમ્બર ૨૦૦૨)
નોંધ : ઓક્તાવિયો પાઝે ૧૯૬૬માં દિલ્હી ખાતે મૂળ સ્પેનિશમાં માર્સેલ દુશૉં પર લખેલા એક પ્રબંધ (મોનોગ્રાફ)નો અંગ્રેજી અનુવાદ ડોનાલ્ડ ગાર્ડનરે કરેલો છે. અંગ્રેજી પ્રબંધનું શીર્ષક છે : Marcel Duchamp or The Castle of Purity. એના પ્રકાશક છે Cape Gollard Press London. અંગ્રેજી અનુવાદ ૧૯૭૦માં બહાર પડેલો છે. પુસ્તકમાં પાનાં નંબર આપેલાં નથી, કિન્તુ ગણી જોતાં કુલ્લે ૪૨ પાનાંનો આ પ્રબંધ ડેમી સાઈઝના પુસ્તકરૂપે છે. જેનાં ૩૯-૪૦માં પાનાં પર પ્રસ્તુત પરિચ્છેદ છપાયેલો છે. એ આખા પરિચ્છેદને સમજવાની સરળતા થાય તે હેતુથી અહીં ફકરાઓમાં વહેંચ્યો છે.