બહુવચન/રવીન્દ્રનાથ ટાગોરની ચિત્રકૃતિઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
Bahuvachan Photo 3.png


રવીન્દ્રનાથ ટાગોરની ચિત્રકૃતિઓ
આનંદ કુમારસ્વામી

રવીન્દ્રનાથનાં રેખાંકનોનું આવું આ પ્રદર્શન વિશેષરૂપે રસપ્રદ છે, કેમ કે એથી આપણી સમક્ષ, લગભગ પ્રથમ વાર, આધુનિક આદિમકળાનાં પ્રકૃત ઉદાહરણો પ્રાપ્ત થાય છે. કદાચ કોઈના મનમાં એવો પ્રશ્ન પણ ઊભો થાય કે પેલા બધા કલાકારો અને વિવેચકો જે સતત લાંબા સમયથી યુરોપીય ભૂમિની ગણતરીપૂર્વકની આદિમતા, પ્રાચીનતા (archaism) અને કૃતક બર્બરતા પ્રગટાવવા માટે મથ્યા છે અને તેની પ્રશંસા કરતા રહ્યા છે, એ બધાઓ આ સાચુકલી વસ્તુની કદર બૂઝશે ખરા? રવીન્દ્રનાથની ગણના એક વિદગ્ધ મહાકવિ, વિશ્વનાગરિક, અગંત અનુભૂતિ દ્વારા જીવનરગના પારખુ અને એશિયા તેમ જ યુરોપના સાંસ્કૃતિક ઇતિહાસના જાણતલ તરીકે થતી હોવાને કારણે એવી અટકળ સહેજે બાંધી શકાય કે એમના જીવનના પાછલા બે દાયકાના ગાળામાં રચાયેલી આ ચિત્રકૃતિઓ વિદગ્ધ વા દાર્શનિક જ હોય. આ કૃતિઓમાંથી કોઈ ગર્ભિત આધ્યાત્મિક પ્રતીકો શોધી કાઢવા ખાંખાંખોળા કરવા એ એક મોટી ભૂલ ગણાશે. કોઈક કોયડો કે સાંકેતિક સંદેશને ઉકેલીએ એ રીતનો કોઈ પ્રયત્ન આ કૃતિઓમાં અભિપ્રેત નથી. સાથોસાથ એ પણ ધ્યાનમાં લેવાની જરૂર છે કે એમના બેઉ ભત્રીજાઓ અવનીન્દ્રનાથ અને ગગનેન્દ્રનાથ ટાગોરના નેતૃત્વ હેઠળ વિકસેલી ચિત્રકળાની બંગાળ શૈલી કે બીજે કશે પ્રગટેલી કોઈ પણ સમકાલીન શૈલી સાથે એને સ્નાનસૂતકનોય સંબંધ નથી. એટલું તો દેખીતું જ છે કે કવિએ એમના સુદીર્ઘ જીવનકાળ દરમ્યાન અનેકબધાં ચિત્રો જોયાં હશે, તેમ છતાં એમની પોતાની કૃતિઓમાંથી એમણે આવું જોયું હોવાની પ્રતીતિ થતી હોય એવું જરાય લાગતું નથી. આ તો છે એક નિતાંત મૌલિક, નિતાંત શિશુસહજ ભોળી (naive) અભિવ્યક્તિ; શ્વેતકેશી પૂજ્યપુરુષના ભીતરમાં જળવાઈ રહેલા ચિરયૌવનનું આ તો અનનુભૂત નિદર્શન છે. શિશુસહજ છતાં જરાય બાલિશ નહીં. આ ચિત્રો જોઈને રમૂજ પામીએ કે એમને આપણા હાસ્યનું નિશાન પણ બનાવીએ અને બાળકની વિશ્વ વિશેની કલ્પનામાંથી જે ગમ્મત મેળવીએ એવી જ ગમ્મત આમાંની કેટલીક કૃતિઓમાંથી મળવા પામે તો એ તદ્દન વાજબી છે; પણ એમની હાંસી ઉડાવવી જરા પણ ન્યાયી નહીં લેખાય. આમાંની કેટલીક રચનાઓ જોતાં એવી છાપ ઊભી થઈ શકે એમ છે કે આ કળાકાર ‘દોરવું કેમ એ જાણે છે’; છતાં આ ગુણનું સાતત્ય એકેએક કૃતિમાં જળવાઈ રહે છે એવું પણ નથી, એટલે આવી કશી ગુણવત્તાની પ્રશંસા કરવા જતાં આપણે થાપ ખાઈ જઈશું, જેમ આપણે કોઈ એક વ્યક્તિના સમગ્ર સર્જનમાં એને તો દોરતાં જ આવડતું નથી એમ કહીને એની ટીકા કરવા જતાં નિશાન ચૂકી જઈએ છીએ તેમ. તેમાં વળી હમણાં હમણાં દોરવાની અણઆવડત ધરાવવામાં ગૌરવ લેનારો એક આખો સંપ્રદાય ઊભો થયો છે એ પણ આપણે સારી પેઠે જાણીએ છીએ અને આવા સંખ્યાબંધ કળાકારોની પ્રશંસા કરવાનો દાવો પણ કરીએ છીએ. વિશેષમાં આ કળાકારો દોરવાની તાલીમ લેવી પડે એ સામે મોટે અવાજે જાહેરાત કરીને મોં મચકોડતા જણાઈએ છીએ. આથી ઊલટું, રવીન્દ્રનાથને પક્ષે દોરવાની તાલીમ લેવા અને નિપુણતા પ્રાપ્ત કરવા માટે કશી છોછ નથી. સીધીસાદી વાત એ છે, એમને આવી કોઈ હથોટી સાધ્ય થઈ નથી, તેઓ એ વાતથી સભાન હોવાથી પોતાના દર્શનનું લીલયા સરજાતું કાર્ય, આપણે માણી શકીએ એવા, સારલ્યથી મૂકી આપે છે. એમની ચિત્રકૃતિઓનું ઊડીને આંખે વળગે એવું નિઃશંક લક્ષણ છે એની ભારતીયતા; શિશુસહજ ભોળપણ એમાં હોવા છતાં એ કૃતિઓ પુખ્ત છે. આ ગુણવિશેષ સંતોષપ્રદ રચનાઓ, ધાર કાઢેલાં લયો અને રૂપોના નિશ્ચિત ઉદ્‌ગારોમાં અભિવ્યક્ત થાય છે. આ કૃતિઓમાં કોઈ નિશ્ચિત વસ્તુનો સંકેત મળતો નથી, તેમ છતાં એમાંની રૂપરચના પોતે તો નિશ્ચિત જ છે; આ અર્થમાં આપણે એમને સાચી રહસ્યવાદી કૃતિઓ કહી શકીએ એમ છીએ. કેટલાક કૃતક રહસ્યવાદીઓની સંદિગ્ધ અને પોચટ કૃતિઓની પડછે આ કૃતિઓ એક તાજગીપૂર્ણ વિરોધી ભેદ મૂકી આપે છે. પેલી કૃતક રહસ્યવાદી કૃતિઓમાં કેટલાક ઓળખી શકાય એવા આકારો દેખા દે છે ખરા, પણ છેવટે તો એ આભાસી જ પુરવાર થાય છે. વિલિયમ બ્લેઈકના ચિત્રકાર્ય સાથે તુલના કરવાનું આ સ્વાભાવિક સૂચન છે, કેમ કે એ પણ આવો જ એક રહસ્યવાદી કવિ હતો. એણે પોતાની ચોટદાર દૃશ્યાત્મક કલ્પનાસામગ્રીમાંથી પ્રકૃતિમાં નહીં જોવામાં આવતાં રૂપોનું સર્જન કર્યું છે. આ સમાંતર જતી તુલનાને હજુય લંબાવી શકાય એમ છે; કેમ કે બ્લેઈકની મોટા ભાગની ચિત્રકૃતિઓ હકીકતમાં એની કવિતાઓમાં હાંસિયામાં કરાયેલી ટિપ્પણો રૂપે છે; રવીન્દ્રનાથ હમણાં જે ચિત્રો દેખાડી રહ્યાં છે એ પણ કવિતાઓ રચતાં અને તેને મઠારતી વેળા બે પંક્તિઓની વચ્ચેની જગામાં અને હાંસિયામાં લેખણલીલા રૂપે ઉદ્‌ભવતાં ગયાં અને વિકસતાં ગયાં, અને એમાંથી પ્રાપ્ત થયેલા આનંદની નીપજ છે. કવિ પોતાનાં ચિત્રોને કશાં જ વર્ણનાત્મક શીર્ષકો આપતા નથી – અને આપી પણ કેમ શકે? એ કંઈ વસ્તુઓનાં ચિત્રો તો છે નહીં, એમના પોતાના વિષેનાં એ ચિત્રો છે. આ અર્થમાં એમની કવિતા કરતાં એમનાં ચિત્રો એમના સંગીત સાથે વધુ નજીકનો ઘરોબો ધરાવે છે. કવિતામાં, એમાંની વસ્તુસામગ્રીને સંબંધ છે ત્યાં સુધી, કવિ મૂળભૂત રીતે શોધક બની શક્યા નથી, પરંતુ પ્રજાકીય રાષ્ટ્રીય પરંપરાના કદાચ માત્ર સંવેદનશીલ ઉદ્‌ગાતા બની રહ્યા છે. અટલા માટે તો કોઈ એકલદોકલ પ્રતિભાશાળી કવિ કરતાં એમના શબ્દો ખૂબ ગંભીર સમ્મતિ પ્રાપ્ત કરી શક્યા છે અને સૂચક રીતે અર્થપૂર્ણ બની શક્યા છે. સમગ્ર ભારતવર્ષ આવા પ્રકારની જ ભાષા બોલવા અને સમજવા ટેવાયેલું છે. કવિની પ્રતિભાનો કોઈ વિશેષ એમની કવિતામાં પ્રગટતો નથી. જોકે એનાથી એમને એક આગવો મોભો જરૂર પ્રાપ્ત થાય છે, પરંતુ ચિત્રકળામાં કશીક એવી અંતરંગતા છે કે એને કોઈ અંગત પત્રવ્યવહારના પ્રકાશન સાથે સરખાવી શકાય. એમાં કેવા તો વૈવિધ્યસભર અને રંગીન વ્યક્તિત્વને ઉઘાડ મળ્યો છે! એક ચિત્રમાં શાયલોક અને ઈવાન ધી ટેરિબલના મિશ્ર ગુણોવાળું પ્રતિનિધાન જોવા મળે છે. બીજાં ચિત્રોમાં, કવિના પોતાના જ શબ્દોમાં, ‘કોઈ અકળ કારણોસર આ જગતમાં અવતરવાનું ચૂકી જનાર એક સંભવિત પ્રાણીનું સમુચિત અતિશયોક્તિ દ્વારા’ આલેખન થયું છે. અથવા ‘કેવળ આપણા સ્વપ્નાકાશમાં વિહરમાન પક્ષી અને આપણા કેન્વાસમાં થોડીક રેખાઓ એને ફાળવીએ તો એ આતિથ્ય સ્વીકારીને વિસામો ખાવા પામે એવું એકાદ પંખી’; બીજાં ચિત્રોમાં ‘માનવગાંભીર્યની’ પશુ જેવા વ્યંગચિત્ર દ્વારા હાંસી ઉડાડી છે, તો વળી એકમાં કોઈ વાંસળીવાદકને મગ્ન બની સાંભળી રહેલા ટોળાનું આલેખન છે. આ ચિત્રમાં કૃષ્ણનો તેમ જ કવિનાં સ્વરચિત ગીતોમાં વારંવાર સંભળાતો અનંત માટેનો સાદ એમ બેઉ પ્રકારના અણસાર મળે છે. એક વળી નૃત્ય કરતા ગણેશનું છે, એને જોઈને હિંદુ મૂર્તિવિધાનના નિયમોને કળાકારે અભરાઈએ ચઢાવી દીધાનું મહેસૂસ થાય. ‘સભામાં ભેગાં મળેલાં પંખીઓ’ એ લીગ ઑફ નૅશન્સની સમસામયિક ટિપ્પણ જેવું છે; કેટલાંક ચિત્રો માનવચહેરાનાં પણ ખરાં, એમાંનું એક બંગાળી કન્યાનું છે જે ‘ઇવાન ધી ટેરિબલ’થી સાવ સામેના છેડાનું લાગે; રંગીન પુષ્પોનાં ચિત્રોનો એક આખો સમૂહ; હસ્તપ્રતમાંનાં કેટલાંક પાનાં; સૌમ્ય પારલૌકિક ભૂમિદૃશ્યોનાં પણ ચિત્રો. ચિત્રોની શૈલીઓ અને લઢણો એમાં આલેખાયેલા વિશ્વવસ્તુઓ જેટલાં જ વૈવિધ્ય-ભરપૂર છે. ખૂબીની વાત એ છે કે આ બધાં ચિત્રો પેન વડે, મોટે ભાગે ફાઉન્ટન પેનની ટાંક ઊંધી પકડીને અને વિવિધ રંગની શાહી કે આછા જળરંગો વડે દોરાયલાં છે; જે કોઈ પદ્ધતિ હાથવગી હોય અને તત્ક્ષણે જે કંઈ સૂઝ્‌યું એટલાનો જ ઉપયોગ કરી ચિત્રો કરાયાં છે. બાળકની જેમ જ આ કળાકાર પણ પોતાનો કસબ ચિત્રો કરતાં કરતાં આપમેળે શોધી કાઢે છે. એમની સિસૃક્ષાના થનગનાટની આડે આવનાર કોઈ અવરોધોને એમણે ગણકાર્યા નથી. સાધ્યનું લક્ષ્ય સાધન પાસેથી સારી પેઠે લઈ શક્યા છે. એમનું પ્રયોજન એક તરફે, કળાનિર્માણનું નથી તો બીજી તરફ માંદલી સ્વાભિવ્યક્તિ પણ નથી. એનો ઉદ્દેશ આપણા ચિત્તનું શુદ્ધીકરણ કરવાનો નથી કે કળાકારને પોતાને ‘પલાયન’ થઈ જવાનો પણ નથી; કોઈ દૂરગામી હેતુની પ્રેરણા વિનાની, બ્રહ્માંડની રચના જેવી નિતાંત નિર્દોષ એવી આ પ્રવૃત્તિ છે.

મૂળ અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદ.
(ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૦)