બાંધણી/પગેરું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૧. પગેરું

લગભગ એક કિલોમીટર દૂરથી આજુબાજુની કચેરીઓના અંધારા સમુદ્ર વચ્ચે ઝળહળતા ટાપુ જેવો કથામંડપ દેખાયો. મેં પાર્કિંગ પ્લૉટમાં ગાડી રોકી. થોડી વાર એમ જ સીટ ઉપર બેસી રહી. આમ સાવ ઘાસની ગંજીમાંથી સોય શોધવા નીકળી પડી છું. એ બરાબર છે? નામ ઠામ વગરની અજાણી ધૂંધળી દિશા, સ્વપ્ને પણ ધાર્યું ન હોય એવા જોખમી નાકામાં ખુલશે તો? વળતો અંદરથી જવાબ આવે છે કે મે આમ જો વિચારતાં રહીએ તો પછી એક ડગલું પણ માંડી ન શકીએ! પગરણ આદર્યા પહેલાં જ પોલી કે નક્કર ભોંયના આગોતરા પુરાવા ઉકેલવામાં જ તક ઉકલી જશે તો? છાપાંમાં કથાની જાહેરાત વાંચતા જ છેલ્લા બે મહિનાથી ઊંડે ઊંડે સણકતી સ્મૃતિ ઊપસી આવી. એ આ કથામાં આવવાની છે. હું એને મળવા ઉતાવળી થઈ ગઈ, પણ પછી આ હા—નાની ખેંચતાણમાં અઠવાડિયું વીતી ગયું. છેવટે આજે સાંજે નીકળી પડી. આવતી કાલે કથાનો છેલ્લો દિવસ છે. ગાડી લોક કરી મેં મંડપની દિશામાં ચાલવા માંડ્યું. મુખ્ય કથામંડપની ચારેબાજુના ખુલ્લા મેદાનને વાંસ અને લાલ કપડાથી ઘેરી લીધું હતું. લાલ કપડાની દીવાલોને અઢેલીને કેટલાક કામચલાઉ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા. એ દુકાનોમાં બળતા એકલદોકલ બલ્બ અને મુખ્યમંડપની ટ્યુબલાઈટોની હારમાળાઓ વચ્ચેનો અંધકાર કોઈ કિલ્લાને વીંટળાઈને પડેલી ખાઈ જેવો લાગતો હતો. એક તરફ ઉન્મુક્ત હાસ્ય કરતો મંડપ તો બીજી તરફ વિલાયેલું પીળું સ્મિત લઈ ઊભેલા સ્ટોલ્સ. મને એના આંસુને સ્મિતમાં ફેરવવા મથતો ચહેરો યાદ આવી ગયો. એ આવી જ કોઈ જગ્યાએ હોવી જોઈએ. હું એક સ્ટોલ પાસે જઈ ઊભી રહી. એ અધકચરા અજવાળામાં દીવાલે ગીતાપ્રેસ એવું કંઈક વંચાતું હતું. સ્ટોલના એક ખૂણે સ્ટોવ ઉપર તપેલામાં કંઈક ઉકળતું હતું. દુકાનદાર પ્લાસ્ટિકની થેલીમાંથી થાળીમાં લોટ કાઢતો હતો. સફેદ ઢગલો પાણી સાથે મળી આછો બદામી થશે. ગુંદાશે, મસળાશે, ટૂંપાશે, વણાશે, શેકાશે અને સુગંઘ બની કોઈનો ઓડકાર બનશે. પણ જો તાવડીએ દાઝોડા પડશે તો? મને એના ગોરા ચહેરાના ઘઉંવરણા કપોલ સ્મૃતિમાંય દઝાડી ગયા. અભાવ અને અસુરક્ષાની ઝાળ વચ્ચે એનો ગોરો રંગ કઈ રીતે ટક્યો હશે? ‘શું જોઈએ છે બેન? દુકાનદારના અવાજે છોભીલી હું ત્યાંથી ખસી ગઈ. આગળ બે ત્રણ ખાલી સ્ટોલ્સ હતા. દુકાનો વધાવાઈ ગઈ હશે. ‘તમારે લેવું હોય તો ઝડપ કરો. મારે હજી ઘેર પહોંચવા બે બસ બદલવી પડશે. ‘મેં જોયું એક સ્ત્રી અવળી ફરીને આગળના સ્ટોલ પાસે ઊભી હતી. એનો ઊંચો અને દુબળો દેહ જોઈ થયું એ તો નહીં હોય? મેં પગ ઉપાડ્યો પણ મન ઊભું રહી ગયું. ધારો કે એ હોય તો? તો શું, એને ઘેર લઈ જઈશ. પછી પછી એને ક્યાંક ગોઠવવાનો પ્રયત્ન કરીશ. અને ન ગોઠવાઈ તો? તો? પછી તો જે થાય તે કહેતા હું એક જ ડાંફે એની નજીક પહોંચી ગઈ. એ ન હતી. હું વ્યગ્ર થાઉં કે શ્વાસ લઉં એ પહેલાં મારી નજર એ અજાણી સ્ત્રીના હાથમાં રહેલી સફેદ આરસની રાધા ઉપર પડી. કહે છે સમય વીતતાં આરસ પણ પીળો પડી જાય છે. પેલી ગૌરાનો રંગ પણ પીળો પડવા માંડયો હતો. દૂર મંડપમાં હનુમાન ચાલીસાની ચોપાઈઓ ગૂંજવા માંડી. ત્યાં કૅસેટની સાથે સાથે લોકો પણ ગાતાં હોય એવું લાગ્યું. શક્ય છે એ મા-દીકરી પણ ત્યાં હોય. જોકે મા તો નહીં હોય. એ તો.. મારી નજરે બે મહિના પહેલાની એ બપોર જીવંત થઈ ઊઠી. એ દિવસે મારું વ્યાખ્યાન પત્યા પછી એ મા-દીકરી મળેલાં હું જમીને ભોજન મંડપના બારણે ઊભેલા વિદ્યાર્થી પાસેથી મુખવાસ લેતી જવા આવવાના માર્ગમાં વચ્ચે ઊભી હતી. ત્યાં ‘એક્સક્યુઝ’ મી કરી રસ્તો કરતી એ મારી આગળથી પસાર થઈ. હું ચોંકી ગઈ. આટલી સરસ હાઈટ! એ પાસેના પાણીના કાઉન્ટર પાસે ગઈ. મેં જોયું. એ અત્યંત દુબળી હતી. લગભગ ઊંચા વાંસ જેવી લાગતી હતી. કદાચ એને ખબર પડી ગઈ હતી. હું એને જોતી હતી. હાથમાં ખાલી ગ્લાસ સાથે એ પાછી વળી. નજીક આવી એણે નમસ્તે કર્યા. વળતા જવાબમાં મેં મુખવાસની મુઠ્ઠી વાળતા હાથ જોડવા જેવું કર્યું. ‘બહેન, તમારું આજનું વ્યાખ્યાન અત્યંત વિચારપૂર્ણ હતું. મારાં બાને પણ ગમ્યું. ‘કહી મને એની મા પાસે દોરી ગઈ. દૂર એઠાં વાસણના ઢગલાની પાસે એક ખુરશી ઉપર ગમે ત્યારે બેસી પડે એવા કાચા મકાન જેવી જર્જર વૃદ્ધ સ્ત્રી બેઠી હતી. વય અને સ્થિતિના કારણે ખુરશીના ચાર પાયા અપૂરતા હોય એમ એણે બંને હાથે લાકડી પકડી પોતાના આગળ નમી પડતા શરીરને ટેકો આપ્યો હતો. નજીક જતાં જોયું એના બંને પગ હાથીપગો થયો હોય એવા લાગતા હતા. મેં નમસ્તે કર્યા. જવાબમાં કહે, ‘બેન તમે સ્ત્રીનાં જે કાંઈ દુઃખો વર્ણવ્યાં એનાથી અઢારઘણા હું વેઠી ચૂકી છું. સંસારમાં એકેય દુઃખ એવું નથી જે મારા માથે.. પાછલા શબ્દો એની ફેફરાઈ ગયેલી આંખોની તિરાડોમાંથી વહી નીકળ્યા. જેની પાસેથી હંમેશા આશ્વાસન મેળવતાં રહ્યા હોઈએ એવી વયને કયા શબ્દોમાં ધીરજ આપવી? હું સાવ લેવાઈ ગઈ હોવી જોઈએ. માટે જ એણે કહ્યું, ‘માફ કરજો બહેન, તમને દુ:ખી કરવાનો આશય ન હતો પરંતુ બા ચારેબાજુથી ઘેરાઈ ગઈ છે એટલે .... હું જરા પાણી ભરી આવું.’ કહી એ ખસી ગઈ. પણ એની આંખમાંથી વહેતાં રોકાયેલાં આંસુ એના અવાજને તો લથબથ કરી જ ગયા હતા. થોડાં સ્વસ્થ થઈ એ માજી બોલતાં હતાં. ‘દહ વરહ પેલા દીકરાએ બાર આડાં દઈ દીધાં અને હવે ભઈએ... બે દિ પછી મારે ઘઈડાઘરમાં જાવાનું છે. મારી તો ગમે ઈમ પૂરી થવા આવી પણ આ ભણેલ-ગણેલ જઈનું શું? હું તો કીધા કરું છું. જે મળે ઈ, જેવો મળે એવો. ઘર માંડી લે. આ પારવતી જેવું રૂપ લઈને જઈશ ક્યાં લોકો ચૂંથી ખાશે! પણ ઈને તો નોકરી કરવી છે. નથી પાંહે પૈસા કે નથી કોઈ મોટા માણસની લાગવગ. આ તમે કંઈક મદદ કરો તો? મેં દૂરથી જોયું એ પાણીનો ગ્લાસ ભરતી હતી. એનાં સાવ ગળી ગયેલા સાડલામાં વીંટળાયેલી ટટ્ટાર પીઠ ઉપર ઉપસતા ખભા ઉડવા ઇચ્છતી પાંખો જેવા લાગતા હતા. મેં કહ્યું. સાંજે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં મળજો. સરનામું આપીશ. જોઈએ કંઈ થઈ શકે તો.’ કહી મેં ઉતારા ભણી ચાલવા માંડ્યું. મારા હાથમાં રહેલો મુખવાસ ભીંજાઈ ગયો હતો. ‘બેન તમારે શું કામ છે?’ એક અજાણ્યા અવાજે મને વર્તમાનમાં ખેંચી. એ સ્વયંસેવક હતો. હું વ્યાસપીઠના સામા છેડે ઊભી હતી. મંડપમાં સોપો પડી ગયો હતો. કૅસેટ પૂરી થઈ ગઈ હતી. બેબાકળી હું બોલી ઊઠી. ‘હેં હા, હું મારા એક સમ્બન્ધી બહેનને મળવા આવી છું.’ ‘ક્યાંથી આવ્યાં છે? ને શું નામ?’ હવે? શું કહું? નથી ગામનું નામ યાદ કે નથી એનું નામ યાદ કહો તો ચિત્ર દોરી આપું. ઊંચો સાવ સોટા જેવો પાતળો ગોરો દેહ, ભૂરી નાની લખોટી જેવી આંખો અને સતત હસવાનો પ્રયત્ન કરીને થાકેલા ફિક્કા ગુલાબી હોઠ અને સફેદ—છીંકણી વાળની પોની. કંઈક દવે એવી અટક હતી. હું ખાબકી પડું છું. ‘નીલાક્ષી દવે. ગોંડલ પાસેના સુપેડી ગામથી આવ્યાં છે. ‘બોલતાં બોલતાં જ થયું. એની આંખો નીલરંગી ન હોત તો આ નીલાક્ષી નામ સૂઝ્યું હોત! ‘ત્યાં સ્ટેજ પાસે બહારગામથી આવેલાં બહેનો સુંદરકાંડનો પાઠ કરે છે. કદાચ ત્યાં હોય. નહીંતર પછી પૂછપરછમાં તમારું નામ - સરનામું ને સંદેશો લખાવી દેજો. કાલે કથામાં જાહેરાત થઈ જશે ને એ બેન પોતે આવીને તમને મળી જશે.’ એને જતાં જોઈ બબડી ઊઠી, એ પોતે સામે ચાલીને ક્યાં મળવા આવી? નહીંતર આ શહેરમાં પ્રતિષ્ઠિત સંસ્થાના અધ્યક્ષનું ઠામ-ઠેકાણું મેળવવું ક્યાં અઘરું હતું? એ પોતે ન જ આવે. એ દિવસે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમ વખતે હું એને શોધતી રહી. એ તો ન મળી પણ એ સાંજે ઉસ્તાદ સુલતાનખાનના સારંગીવાદનમાં સતત એની કરુણાર્ય તરજ મને વલોવતી રહી. એ કેમ ન આવી? આવા લઘરવઘર વેશે આવી સંભ્રાન્ત સભામાં જવાની વિમાસણે નહીં આવી હોય? કે પછી હોલના બારણેથી પાછી વાળવામાં આવી હશે? સંભવ છે. માએ તો ઘણું કહ્યું હશે પણ એને ભરોસો નહીં હોય આવું તો કેટલાય લોકો કહેતા હોય છે પણ જ્યારે કરવાનું આવે ત્યારે... ઑડકારને ‘હરિ ઓ... મ’ના બીબાંમાં ઢાળતો એક બુલંદ તૃપ્ત અવાજ મારી પાસેથી પસાર થયો. હું સ્ટેજ તરફ આગળ વધી. ખાલી મંડપમાં વચ્ચે વચ્ચે જવાબદારીનાં જોતરાં ફગાવીને બેઠેલા હાથ ક્યાંક માળા ફેરવતા બેઠા હતા તો કોક જટા છોડીને ગૂંચ ઉકેલવામાં તન્મય હતા. કોઈ કાયા લંબાવીને દાઢી પસવારતા પસવારતા ચિંતન કરતા હતા. સ્ત્રીઓના સમૂહમાં સુંદરકાંડનો પાઠ ચાલતો હતો. કોઈના સ્વરની મધુરતામાં સૂર મળી ગયાનું સુખ તરવરતું હતું. તો કોઈનો સ્વર સ્થાયીનો કાંઠો પકડવા હાથ પગ મારતો હતો. અહીં સ્વજનો કે સમાજથી ક્યાંક ને ક્યાંક દુભાયેલી લાગણીઓમાં જાણે હું ફરતી હતી. કંતાઈ ગયેલા શરીરનો કધોણિયો ગોરો રંગ, ટટ્ટાર પીઠના ઉપસેલા ખભા અને ઘસી આવતાં આંસુને સ્મિતમાં ફેરવવાનો મરણિયો પ્રયત્ન કરતી નીલરંગી આંખોને શોધતી હતી હું. એ ન મળી. પરંતુ મારી ફંફોસતી નજર સાથે કોઈ ને કોઈ પ્રશ્ન અથડાતો હતો. ક્યાંક આંખથી, ક્યાંક હાથના ઈશારાથી તો ક્યાંક અવાજથી પ્રશ્નો, પ્રશ્નો... એ જ મૂંઝવણ શું કહું? જો હું કહું કે મારે એક નામ-ઠામ વગરની અસહાય બહેનને મળવું છે. એને મદદરૂપ થવું છે તો શું કહેશે આ પ્રશ્નો? ‘લંબાઈ, એવા તો કેટલાંય મળી જાય. આમ હરખપદુડાં થઈને નીકળી પડતું હશે? અજાણ્યું માણસ ને વળી જુવાનજોધ રૂપાળી બાઈ! ન બાપ કે ન ભાઈ! રહેતી હશે સીધી! કંઈક કાળાં-ધોળાં કર્યા હોય! અને આવા રાફડામાં હાથ નખાતો હશે? ‘તો વળી લાઈનો લાગે ‘બેન મારેય બઉ મુશ્કેલીઓ છે તારે મદદ જ કરવી છે ને તો હું શું ખોટી છું?’ એ હું હું ના ચકરાવામાં હું ઠરવાનું ઠેકાણું શોધતી હતી. કેમ સમજાવું કે એ નામ- ઠામ વગરની નીલરંગી આંખોએ મારો કબ્જો લઈ લીધો છે. માત્ર સમાજસેવાના શુભ આશયથી નહીં પરંતુ કોઈ અજાણ્યા અનુબંધથી હું ખેંચાતી જતી હતી. જગત કે જાતને ગળે ઊતરાવી શકું એવું કોઈ દેખીતું કારણ મળતું નથી. હું એક ચહેરાથી બીજા ચહેરા તરફ વધતી જતી હતી. અને હું જાણે મને જ જોઈ રહી હતી. કોઈ કબંધની જેમ ઝઝૂમતી સ્ત્રી. એની તલવાર હવામાં વીંઝાતી હતી. મારી વ્યાકુળતાની ધાર તર્ક સાથે અથડાઈ અથડાઈને બુઠ્ઠી થવા લાગી છે. શું જરૂર છે આવાં હવાતિયાં મારવાની? આમ મોંમાથા વગરની ઘટનાને કોઈ રમણીય વળાંક આપી શકાય? એ કેવળ ભ્રમ છે. મારી વાળેલી મુઠ્ઠી ઢીલી પડવા માંડે છે. એ કબંધ પોતાનું જ ઢીમ ઢાળી દે એ પહેલાં હું ત્યાંથી ભાગી છુટું છું. ઘેર આવી તાળામાં ચાવી ફેરવતાં મને થાય છે શું મારા ઈરાદામાં કોઈ કસર... હું ઉંબર વચ્ચે બેસી પડું છું. મારી હથેળીઓ મારો ચહેરો ઢાંકી દે છે. હું કોઈ તાજા ખોદાયેલા કૂવાની કોરી સૂકી માટીના ઢગ ઉપર બેઠી છું. આંખ ઉઘાડી કૂવામાં ડોકિયું કરવાની મારી હિંમત ચાલતી નથી. મારા હાથ માટીનો મુઠ્ઠો ભરે છે અને ભર ભર ખાલી ફરે છે. છેવટે હું આંખો ખોલું છું. મારી સામેનું ખુલ્લું આંગણ ખારોપાટ બની જાય છે. ઠેર ઠેર ધોમધખતી ખારાશના ઢુવા ચળકે છે. અંજાયેલી આંખો ચોળતાં નજરે પડે છે દૂર એક ઢુવા પાછળથી બે આકાર ઊપસે છે. એકની સફેદ છીંદરીમાં ચીતરાયેલો ખારોપાટ અને બીજા આકારનો ઉપટી ગયેલો લીલો રંગ બાવળના ઝાંખરાએ કોચી કાઢ્યો છે. એ નજીક આવતાં જાય છે. ક્યારેક ખારાપાટને લીલપ દોરે છે તો ક્યારેક લીલપ લપાતી જાય છે ખારાપાટની પછવાડે, અરે, આ તો સાવ ઉંબર સુધી... હું ઊભી થઈને ઘરમાં જાઉં છું. હિંડોળે બેસતાં મને યાદ આવે છે હજી આવતી કાલે કથાનો છેલ્લો દિવસ છે. મારા પગ ઠેસ લે છે અને હિંડોળો ફરી એક વાર ઝૂલવા લાગે છે. (ગદ્યપર્વ)

****