બાંધણી/પોયણાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪. પોયણાં

આજે સત્રનો પહેલો દિવસ હતો. આજે પણ મેં દર વર્ષની જેમ નવી આવેલી દસમા ધોરણની છોકરીઓને ધ્યાનથી જોઈ. આજે પણ ઈચ્છા અને આશંકાની સંતાકૂકડી ચાલી. આજે પણ મારી આંખો પમ્મીને શોધતી રહી અને મારું મન ઇચ્છતું રહ્યું કે ન મળે તો સારું! શું હું તેને કહી શકીશ કે મારાથી પોયણાં નહીં તોડાય! વળી વળતી પળે જાત પર હસવું પણ આવ્યું. મને શિક્ષકની નોકરી લીધાને લગભગ ચૌદ વર્ષ થવા આવ્યાં ને હજી હું પમ્મીને દસમામાં જ શોધું છું? મને લાગે છે પમ્મી મારી ભીતર એક અધૂરી ઘટના રૂપે (આ શોધ એ ઘટનાને પૂરી કરવાની ઝંખના તો નહીં હોય?) સ્થિર થઈ ગઈ છે. એટલે કદાચ... છૂટા પડ્યાંને લગભગ વીસેક વર્ષ થયાં હશે. એ વર્ષે હું બાર સાયન્સ કરવા ગામડેથી મોટી બહેન પાસે આવેલો. મોટી બહેન હાઈસ્કૂલમાં શિક્ષિકા હતાં અને મુકુંદરાય બક્ષીના મકાનમાં ભાડે રહેતાં. પમ્મી એમની સૌથી નાની દીકરી. આજે પણ એને પહેલી વાર જોયાનો અનુભવ અકબંધ છે. પીળા રંગના ફ્રોકમાં ડેલીની જાળીએ ઝૂલતી પમ્મી. જોતાં જ મને અમારા વાડામાં ડોલતા ગલગોટાનાં ફૂલ યાદ આવી ગયેલાં. ઘોડાગાડીમાંથી ઊતરી મેં પૂછ્યું, ‘એમ. જી. બક્ષીનું મકાન આજ?’ જાણે મારી જ રાહ જોતી હોય એમ ‘હા, હા.’ કહેતી ઉત્સાહથી મારા હાથમાંથી થેલી ખેંચતી એ ધબધબ દાદરો ચડી ગયેલી, એની પાછળ-પાછળ હું અને નીચે રસોડામાંથી એની બાના શબ્દો- ‘જરાક ધીરે, હવે ક્યાં સુધી નાની રહેશે આ છોકરી?’ જેવો ઓશરીમાં બેઠો કે તરત રસોડામાંથી પાણી લઈ આવી અને એકીશ્વાસે પટપટ બોલવા લાગી, ‘હું પમ્મી, આમ તો મારું નામ પ્રમીલા છે, તું તારે મને પમ્મી કહેજે. દસમામાં છું, મેં તો સાયન્સ નથી લીધું. હાય બાપ કેટલું હાર્ડ પડે?, અરે હાં, મોટી બહેન મહાપૂજામાં મંદિરે ગયા છે. હમણાં આવશે, મને કહીને ગયાં છે કે બાબુ આવે તો એને ચ્હા-નાસ્તો આપજે. અને જો બાબુ એક વાત કહી દઉં, તારે મને કિશોરકુમારનાં ગીત સંભળાવવાં પડશે નહિતર કાતરા નહીં મળે, સમજ્યો?’ કહેતી એ રસોડામાં જતી રહી અને હું હતપ્રભ. એની વાતોનો પ્રવાહ ખાળતાં થયું. આને તો બધી જ ખબર છે! ચોક્કસ મોટીબહેને કહ્યું હશે. મેં કંઈક અણગમાથી કહ્યું. ‘મારું નામ રાજેશ છે. હું અહીં બારમું ભણવા આવ્યો છું.’ ‘જોયો મોટો બારમાવાળો!’ કહેતાં એણે ચ્હાનો કપ અને ખમણની પ્લેટ મારી સામે મૂક્યાં અને મારો સામાન અંદર રૂમમાં ગોઠવવા લાગી. એનો તૉર જોઈને ચ્હા-નાસ્તો નહીં કરવાની મારી હિંમત ના ચાલી. એક દિવસ સાંજે હું રૂમમાં લખતો હતો અને મોટી બહેન પમ્મીને સંસ્કૃત શીખવતાં હતાં. ખબર નહિ ભણવામાં શો સંદર્ભ આવ્યો કે પમ્મી એકદમ ઊઠીને મારી પાસે આવી અને મને કહે, ‘બાબુ, તું સાતમ-આઠમમાં ઘેર જાય ત્યારે મારે માટે પોયણાં ચોક્કસ લાવજે.’ ‘મારા ભાઈબંધ મનુને કહીશ.’ કહેતાં જ મારા મનમાં ઝબકી ગયો મારો પોયણાં તોડવાનો પહેલો અને છેલ્લો અનુભવ. આમ તો ઘણી વાર સાંજે હું અને મનુ તળાવે જઈએ. કોણ જાણે કીચડની સૂગ કે પાણીની બીક, ખબર નહિ પણ મારી હિંમત ન ચાલી. હું કાંઠે ઊભો રહું અને મનું પોયણા તોડી લાવે. એ દિવસે પણ નિશાળેથી છૂટીને હું અને મનુ તળાવે ગયા હતા. અમારા ગામનું તળાવ ફૂટલું એટલે ભરચોમાસે માત્ર વચ્ચે ખાડામાં પાણી હોય. એ દિવસે મનુએ બરાબર પાનો ચડાવ્યો અને મે પણ હિંમત કરી. મનુનો હાથ પકડીને ઢીંચણપૂર ગારો ખૂંદીને પહોંચી તો ગયો તળાવ વચ્ચોવચ્ચ. પણ જેવો પોયણાં તોડવા હાથ લંબાવ્યો કે અચાનક એક અજાણી શિથિલતા મને ઘેરી વળી. મારા હાથમાંથી મનુનો હાથ છૂટી ગયો. કાદવમાં ખૂંપતા જતા મારા પગ જાણે ધડને ઉપાડવાની ના પાડતા હતા ને ડહોળા છાતીસમાણાં પાણીમાં ભયથી પૂરપાટ દોડતા મારા શ્વાસ જાણે આંગળીઓમાં ઠરડાઈ જવા લાગ્યા. મને લાગ્યું હવે ક્યારેય મારાથી પોયણાં નહીં તોડાય... ત્યાં મને વર્તમાનમાં ખેંચી લાવતો પમ્મીનો અવાજ સંભળાયો. મારા હાથમાંથી નીચે પડી ગયેલી ઈન્ડીપેન આપતાં એ બોલી, ‘કેમ બીક લાગે છે?’ થયું. છાંટી દઉં પેનની બધી શાહી એના મ્હોં પર! ત્યાં મને યાદ આવી ગયા બાની રામાયણમાં મેં સાચવીને દબાવેલા પોયણાં. આખો વખત જાણે એ મને ચીડવવાની તક શોધ્યા કરતી. વાંચતો હોઉં ત્યારે નોટ કે ચોપડી ખેંચી લેવી કે ડીસેક્શન બોક્સ સંતાડવું અને લગડાવી લગડાવીને આપવું. લાગ મળે નાહતો હોઉં ત્યારે બાથરૂમને બહારથી સાંકળ મારી દેવી... રોજ કાંઈક ને કાંઈક એનું તોફાન હોય. સતત મારી આસપાસ ઘુમરાયા કરે. પરંતુ મારું મન પણ કેવું વિચિત્ર? જ્યારે એ ન દેખાય ત્યારે સતત લાગ્યા કરે કે હમણાં આવશે અને હોય ત્યારે અકળાયા કરે. ઘણી વાર થાય શું શહેરની બધી છોકરીઓ પમ્મી જેવી હશે? મારા ગામમાં તો સાથે ભણતા છોકરા-છોકરી પાંચમા ધોરણ પછી બે જુદી-જુદી દુનિયામાં વહેંચાઈ જાય. અરે, ભાઈ બહેન પણ ભાગ્યે જ સાથે સાથે બહાર નીકળે! શરૂઆતમાં મને બહુ વિચિત્ર લાગતું. ગઈ કાલ સુધી પડોશી કાનજી કાકાની તુલસી મારી સાથે ઘરઘરને લખોટી રમતી અને આજે? નોટ કે ચોપડી જોઈતી હોય તો બાને કહે. હું ઘણી વાર બાને કહેતો પણ ખરો. જવાબ મળે, ના બોલાય, ખરાબ કહેવાય. તો પછી મનુ પાનાચંદની શેઠની ગીતા જોડે બોલે છે એ પણ ખરાબ? પહેલી ટેસ્ટના દિવસો હતાં. પમ્મી નિશ્ચિંત થઈ આખો દિવસ ઊંઘતી અને રાત્રે મોડે સુધી ગરબામાં બની-ઠની ને ફરતી. એક દિવસ રાત્રે હું વાંચતો હતો. ત્યાં મારી કેમેસ્ટ્રીની નોટબુક પર કાતરો મુકાયો. એ મારી પાછળ ઊભી હતી. ગોરી હથેળી, ડઝનબંધ કાચની બંગડીઓ એને નેઈલ પોલીશથી ચોંકેલો હું કાઈ કહું એ પહેલાં તો ‘શું વાચે છે.’ કહેતાં એ ઝૂકી અને એના બોબ્ડ વાળ મારાં કાન, ગરદન અને ખભાને સ્પર્શ્યા જાણે મારા પર પારિજાતનાં ફૂલોનો ઢગલો થઈ ગયો. મારી અને મનુની પ્રિય રમત. જ્યારે-જ્યારે નોરતામાં મહાદેવના મંદિરે જઈએ એટલે એ મને પારિજાત નીચે ઊભો રાખે અને પછી ઝાડ હલાવે એની અદ્દલ મહેક અને અણધાર્યા સ્પર્શથી ગૂંગળાતાં મેં કહ્યું. ‘મને નથી ભાવતા કાતરા.’ ‘સાચ્ચે જ?’ કહેતાં તોફાની આંખો ને મ્હોંમાં કાતરા સાથે એ મારી સામે ટેબલ પર બેઠી. કોઈ ફિલ્મી ગામડાની ગોરી જેવો શણગાર હતો એનો. અજાણ્યા અત્તરમાં પણ હું એની સુંગધ જુદી અનુભવી રહ્યો હતો. ગોરા રંગ પર કેસરી રંગની સતારાથી ચમકતી બાંધણી... જાણે મારી નજર સામે ભરપૂર કેસૂડા ઝૂમતા હતા... ત્યાં મને સંભળાયું, ‘એ બાબુ. પેલું ગીત ગાને... યે જો મોહબ્બત હે...’ મેં એને લગભગ ધમકાવતાં કહ્યું, ‘તું જા ડાંડિયા ટિચવા, મારે અત્યારે વાંચવું છે.’ ‘ગાને વળી. એક ગીતમાં કેટલું વંચાઈ જવાનું?’ ના જોયો હોય તો મોટો ભણેશરી? કહેતાં એણે મારી નોટ લઈ લીધી અને અધ્ધર હવામાં હલાવવા લાગી. એનો ઊઠેલો હાથ, ઉપસેલી છાતી... એ રાત્રે મને મોડે સુધી ઊંઘ ન આવી. સપનામાં જાણે હું હાથમાં પોયણાં લઈ કંઈ કેટલીય ટેકરીઓ ચડતો અને ઊતરતો રહ્યો. પમ્મી કોઈથી પણ ડઘાતી નહીં. જે લાગે તે કહી દેતી. જે જોઈએ એ માગી લેતી અને હું મારી જાતથી પણ સંતાયા કરતો. એની હાજરી ગમતી. દાદર પર એના પગલાં સંભળાય ને મારા રોમ રોમ જાગી ઊઠતાં. એના આવતાં જ મારી આસપાસ એક અનામ પણ આકર્ષક ગંધ છવાઈ જતી. કેટલીયવાર એના સ્પર્શની કલ્પના કરીને હાથમાંથી સાબુ સાથે રમતો રહેતો. પણ જેવી એ નજીક આવે કે હું ભાગવા લાગતો. આજે લાગે છે એ સમયે કદાચ હું કંઈક સમજતો હતો પણ સ્વીકારવાની તૈયારી કે હિંમત મારામાં ન હતી. છેવટે એ દિવસ પણ આવી ગયો. અમારી પ્રિલિમનરી પરીક્ષા ચાલતી હતી. પમ્મીની મોટી બહેનનાં લગ્ન હતાં. રાત્રે અમે બંને સાથે વાંચતાં. મારે અંગ્રેજીનું છેલ્લું પેપર હતું. મોટી બહેન ઓસરીમાં સૂતાં હતાં. રાતના લગભગ બાર થયા હશે અમે રૂમમાં ટેબલે બેસીને વાંચતા હતા. પાસેની ખુરશી પરથી એણે એક પત્ર મારા પુસ્તક પર મૂક્યો. આછા ગુલાબી રંગના કાગળ પર આલિંગનબદ્ધ સ્ત્રી-પુરુષનું ચિત્ર હતું. હું છળી ઊઠ્યો જાણે ધગધગતા અંગારા પર પગ મૂકાઈ ગયો ન હોય! એ બોલી, ‘બાબુ મને વેકેશનમાં આવા કાગળ પર પત્ર લખજે. દીદીને જીજાજી...’ એનું વાક્ય પૂરું થાય એ પહેલાં હું એકદમ ઊભો થઈ ગયો. અને કંઈ ન સૂઝતાં પાણિયારે ધસી ગયો. મને થયું કે આખેઆખું બેડું પાણી પી જઈશ તોય તરસ નહીં છીપે! પાછો આવ્યો ત્યારે એના હાથમાં મારું પુસ્તક હતું. મેં હાથ લંબાવ્યો તો કહે, ‘પહેલાં હા કહે.’ ‘અને ના કહું તો?’ ‘તો ચોપડી નહીં મળે.’ ‘જો પમ્મી તોફાન નહીં, આપી દે નહીંતર...’ કહેતાં મારી આંખ એના લાલચણોઠી જેવા હોઠ પર થંભી ગઈ મેં સાંભળ્યું, ‘નહીંતર...’ હું કાંઈ કહું એ પહેલાં તો એ હોઠ મરડતાં બોલી, ‘તારાથી કંઈ નહીં થાય…’ અને મારી સામે પુસ્તક પછાડતી એ ઊભી થઈ ગઈ. સાંભળતાં જ પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. થયું પાંદડી-પાંદડી પીંખી નાખું એની. એક ક્ષણ ખુરશીનો હાથો ભીંસીને બેસી રહ્યો. થોડી વાર પછી પુસ્તક ખોલી વાંચવા કર્યું. પણ અક્ષરો જાણે ઓળાકોળામણી રમતાં હતાં. મેં જોયું એ મારા ખાટલા પર ચત્તી સૂતી હતી, મ્હોં પર પુસ્તક ઢાંકીને. જાણે વાંચતા-વાંચતા ઊંઘી ગઈ ન હોય! મને ખબર છે એ સૂતી નથી. એનો આક્રોશ, એનો આવેગ એના સૂવાની રીતમાં દેખાતો હતો. શ્વાસની તીવ્રતા સાથે ઉપર-નીચે થતી એની છાતી. આંટીએ દીધેલા પગ, માથા નીચે બંને હાથ, તંગ કમાનની જેમ ખેંચાયેલી કમર... મારી નજર કશુંક સુંવાળું-કશુંક હૂંફાળું અનુભવી એના શરીરના ઢાળ ચડતી—ઊતરતી હતી. એ સળવળી. તરત મેં પુસ્તકમાં માથું ઘાલી દીધું. છાપેલા પાના પર ક્યાંક એના ફ્રોકનો સાથળ સુધી ચડી ગયેલો ઘેર... સસલા જેવા ધોળા-ધોળા એના પગ... મેં ફરી જોયું. એનો એક હાથ છાતી પર આવી ગયો હતો. મારી નજર વારેઘડીએ પુસ્તકમાંથી ભાગી છૂટતી હતી. મોટીબહેન ભરનીંદરમાં હતી અને ચારેબાજુ નિસ્તબ્ધતા. મારી ભીની હથેળીમાંથી ખુરશીનો હાથો લપસી જતો હતો. પુસ્તક સરકી જતું હતું. મારા તાળવે કશુંક ચોંટી જતું હતું. હું વારંવાર જીભ ફેરવી હોઠ ભીના કરતો હતો. જાણે કોઈ મારામાંથી ઊભું થઈ રહ્યું હતું. મેં પુસ્તક બંધ કર્યું. ધીમે રહીને હું ખાટલાની પાંગતે જઈ ઊભો રહ્યો. એના તમતમેલા ગાલ થરથરતા હતા. એના હોઠ ધગધગતા હતા. એની બંધ આંખોમાં બે માછલીઓ તરફડતી હતી. બત્તીના પીળા પ્રકાશમાં મેં જોયું એ મારો પડછાયો ઓઢીને સૂતી હતી. મેં બત્તી બંધ કરી. ધીમે રહીને અઘ્ધર શ્વાસ તેની પાસે જઈ સૂઈ ગયો. પુસ્તક લઈ ઓશીકે મૂક્યું. એના ચહેરા પરથી પુસ્તક ખસેડતાં એના વાળનો સ્પર્શ! હાથ લથડી ગયો. ટેરવાંને જાસુદના પાનની મખમલી ઘેરી લીલાશ યાદ આવી ગઈ. મેં એને નજીક ખેંચી. મારી ધકધક થતી છાતી પર રોપાઈ જતા એના સ્તન, એના ગરમ શ્વાસ, એના વાળ, એના ફફડતા હોઠ... મારું આખુંય શરીર ઝણઝણી ઊઠ્યું. એને આખેઆખી ગટગટાવી જવા મેં એનો ચહેરો ઊંચક્યો... ને અચાનક એ જ શિથિલતા મને ઘેરી વળી. કાદવમાં ખૂપતાં જતાં મારા પગ જાણે ધડને ઉપાડવાની ના પાડતા હતા ને ડહોળા છાતીસમણાં પાણીમાં ભયથી પૂરપાટ દોડતા મારા શ્વાસ જાણે આંગળીઓમાં ઠરડાઈ જવા લાગ્યા. ના, મારાથી પોયણાં નહીં તોડાય... (વિશ્વમાનવ)

****