બાબુ સુથારની કવિતા/આવું આ પહેલાં કદી બન્યું નથી
આવું આ પહેલાં કદી બન્યું નથી
પણ, આજે બન્યું:
જેના પર ચાલતો હતો
એ બાલ્ટીમોર એવન્યૂ
મારા ગામનું ફળિયું બની ગયો!
એની બેઉ બાજુએ
જમરૂખ લાગે એમ
ઘર લાગી ગયાં,
ડુભોર, ચકચકિત.
એકાએક ક્યાંકથી
એક મોર ઊડતો આવ્યો
પીતાંબર અને જરાકશી જામા પહેરીને
અને ચણવા લાગ્યો મોતી
ધૂળની છીપોમાં ઢાંકી રાખેલાં.
એક ઢેલ આવી
પાટણનું પટોળું ઓઢીને
અને ફરવા લાગી મોરની
આસપાસ.
ત્યાં જ મારી નજર
એક સિમેન્ટના પાળ જેવું કંઈક હતું
એના પર પડી,
ઓહ આ તો મારો કૂવો.
હું માંડ આટલું બોલ્યો હોઈશ
ત્યાં જ મેં જોયો એક કાગડાને
કૂવામાંથી પાણી ખેંચતો
અને એક કાગડીને
માથે બેડું મૂકીને ઘેર જતી ઘેર.
એની કેડ્ય પરના કંદોરા પર હું જરીક વાર મોહી પડ્યો.
મેં જોયા કાચંડા રાજાના વેશમાં,
મેં જોઈ ગરોળીઓને
કૂવાને કાંઠે પાટ માંડતી,
મેં જોયાં કબૂતરોને
રહાંણીમાં બેઠાં બેઠાં
કવિતા ગોખતાં,
ત્યાં જ મેં જોયાં આંધળાં અંબાડોશીને
એ ઊભાં થવા જતાં હતાં એ જોઈને
હું એમને ટેકો આપવા દોડ્યો
પણ ઠેસ વાગી
ને પડી ગયો.
જોઉં છું તો
મારા બૂટ કોરીને બહાર
નીકળી રહ્યું છે લોહી
બાલ્ટીમોર એવન્યૂ પર.
(ઉથલો બીજો)
(‘ઘરઝુરાપો’માંથી)