બાબુ સુથારની કવિતા/એ આવ્યો


૧૩. એ આવ્યો

એ આવ્યો
દાંતમાં
સળગતી ફાનસ
લટકાવીને.
એની ફેણ પર
એક બાજુ
સોનાનો
બીજી બાજુ
ચાંદીનો
ચાંદો
રણકતો
એ પ્રવેશ્યો મારી કરોડરજ્જુમાં
જેમ
ગર્ભમાં જીવ પ્રવેશે
તેમ
પછી એણે ફાનસ મૂકી
મારા મજ્જાતંતુઓના
ચોકમાં
ફાનસનું અજવાળું જોઈ
દૂંટીમાં રહેતો
એક મંકોડો
બહાર આવ્યો
હાથમાં બુઝાયેલો
દીવો લઈને
ગયો એની પાસે
કહેવા લાગ્યોઃ
‘થોડું અજવાળું આપ.’
‘થોડું એટલે કેટલું?’ એણે પૂછ્યું
‘દીવે બળે એટલું.’ મંકોડાએ કહ્યું
‘થોડું અંધારું આપ તો હું થોડું અજવાળું આપું.’
‘થોડું એટલે કેટલું?’
‘આ અજવાળું ન દેખાય એટલું.’
મંકોડાએ આપ્યું એને થોડું અંધારું
પણ, એ તો અજવાળામાં
થઈ ગયું
અજવાળું
‘અજવાળું બુઝાવી નાખ તો અંધારું ટકે’ મંકોડાએ કહ્યું
‘નથી બુઝાતું આ અજવાળું
જન્મ્યો ત્યારથી
નથી ભાળ્યાં અંધારાં
ગર્ભ દેહે હતો ત્યારે પણ
આ ફાનસ મારા દાંતમાં
લટકતી હતી’
એમ કહી
એ રડવા લાગ્યો.
મંકોડો નિરાશ થઈ
ચાલ્યો ગયો
પાછો
દૂંટીમાં
એણે ફેણ પરથી ચાંદો ઉતારી,
ફાનસને માથે મૂકી,
એક ફૂંક મારી. એ સાથે જ
ચાંદો બુઝાઈ ગયો. પણ,
ફાનસ ન બુઝાઈ.
એણે પાછો ચાંદો હતો ત્યાંને ત્યાં મૂકી દીધો.
ચાંદો ફરી એક વાર ઝગમગવા લાગ્યો.
પછી આઠ કૂવા ને નવ વાવડીમાંથી
પાણી બહાર આવ્યાં
હાથમાં બુઝાયેલો
દીવો લઈને.
ગયાં એની પાસે
કહેવા લાગ્યાંઃ
‘થોડું અજવાળું આપ.’
‘થોડું એટલે કેટલું?’ એણે પૂછ્યું
‘દીવો બળે એટલું.’ મંકોડાએ કહ્યું
‘થોડું અંધારું આપ તો હું થોડું અજવાળું આપું.’
‘થોડું એટલે કેટલું?’
‘આ અજવાળું ન દેખાય એટલું.’
પાણીએ એને આપ્યું થોડું
અંધારું
પણ, ફાનસને અજવાળે
એ તો થઈ ગયું પાછું
અજવાળું
પાણીએ કહ્યુંઃ
અજવાળું બુઝાવી નાખ
તો
અંધારું ટકે.
‘નથી બુઝાતું આ અજવાળું
જન્મ્યો ત્યારથી
નથી ભાળ્યાં અંધારાં
ગર્ભ દેહે હતો ત્યારે પણ
આ ફાનસ મારા દાંતમાં
લટકતી હતી’
એમ કહી
એ રડવા લાગ્યો.
પાણી નિરાશ થઈ ચાલ્યાં ગયાં પાછાં
આઠ કૂવાને નવ વાવડીમાં
એણે ફેણ પરથી ચાંદો ઉતારી,
ફાનસને માથે મૂકી,
એક ફૂંક મારી. એ સાથે જ
ચાંદો બુઝાઈ ગયો. પણ,
ફાનસ ન બુઝાઈ.
એણે પાછો ચાંદો હતો ત્યાંને ત્યાં મૂકી દીધો.
ચાંદો ફરી એક વાર ઝગમગવા લાગ્યો.
પછી શરીરમાંથી
દશ દિશાઓમાં
થડાં કરીને
રહેતા પૂર્વજો બહાર આવ્યા
હાથમાં હોલવાઈ ગયેલો દીવો લઈને
ગયા એની પાસે કહેવા લાગ્યાઃ
‘થોડું અજવાળું આપ.’
‘થોડું એટલે કેટલું?’ એણે પૂછ્યું
‘દીવો બળે એટલું.’ મંકોડાએ કહ્યું
‘થોડું અંધારું આપ તો હું થોડું અજવાળું આપું.’
‘થોડું એટલે કેટલું?’
‘આ અજવાળું ન દેખાય એટલું.’
પૂર્વજોએ એને આપ્યું થોડું
અંધારું
પણ, ફાનસને અજવાળે
એ તો થઈ ગયું પાછું
અજવાળું.
જે મંકોડાએ કહેલું
જે પાણીએ કહેલું
તે પૂર્વજોએ કહ્યુંઃ
અજવાળું બુઝાવી નાખ
તો
અંધારું ટકે.
જે મંકોડાને કહેલું
જે પાણીને કહેલું
તે એણે પૂર્વજોને કહ્યુંઃ
‘નથી બુઝાતું આ અજવાળું
જન્મ્યો ત્યારથી
નથી ભાળ્યાં અંધારાં
ગર્ભ દેહે હતો ત્યારે પણ
આ ફાનસ મારા દાંતમાં
લટકતી હતી’
એમ કહી
એ રડવા લાગ્યો.
પૂર્વ જો નિરાશ થઈ ચાલ્યા ગયા પાછા
શરીરની દશે દિશાઓમાં
એણે ફેણ પરથી ચાંદો ઉતારી,
ફાનસને માથે મૂકી,
એક ફૂંક મારી. એ સાથે જ
ફાનસ બુઝાઈ ગઈ. પણ,
ચાંદો અકબંધ રહ્યો.
પછી એ ફાનસને ફેણ પર મૂકી
ચાંદો દાંતે લટકાવીને ચાલી નિકળ્યો ચૂપચાપ.

(‘સાપફેરા’ બે)