બાબુ સુથારની કવિતા/ભૂવા ભૂતપ્રેત કાઢી, સ્મશાને વળાવી ઘરે આવે છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩. ભૂવા ભૂતપ્રેત કાઢી, સ્મશાને વળાવી ઘેર આવે છે

ૐ અંતર મંતર
જાદુ તંતર
મેલડી વંતરી
ભૂત શિકોતર
નાડાછડીને ચડ્યાં વેતર
એક નહીં
બે નહીં
પૂરા સાડાં તેતર.
ગુરુ પરતાપે હમ જૂઠ નહીં બોલતા
સૂરજ મેરા ગુરુ
આકાશ મેરા ગુરુ
બોડી બામણી મેરા ગુરુ
પછી ગુરુ તમે કહ્યું હતું
તેમ
કર્યું અમે.
ગુરુ, અમે અંતર માર્યા
મંતર માર્યા,
ચાર દિશાઓને
ખીલા મારી
બાંધી ઘરની વચ્ચે.
ગોલ્લાનું શરીર બાંધ્યું
શિવજીના ધનુષમાં,
મન બાંધ્યું
મા સરસ્વતીના પાલવડે.
થોડુંક અવળું બાંધ્યું
થોડુંક સવળું બાંધ્યું
થોડુંક લીલું બાંધ્યું
થોડુંક સૂકું બાંધ્યું
રાખને રમંડળ બાંધ્યું
તડકો બાંધ્યો
છાંયો બાંધ્યો
મુઠ્ઠીમાં બાંધ્યો
કાકડિયો કુંભાર.
આંખો બાંખો કંઈ મળે નહીં
ને એ છે કાકડિયો કુંભાર
પાંખો બાંખો કંઈ મળે નહીં
ને એ છે કાંકડિયો કુંભાર
પ્રાણપિણ્ડ કંઈ મળે નહીં
ને એ છે કાકડિયો કુંભાર
આ કાકડિયા કુંભાર ભેળા
બાંધ્યા સાત સમંદર,
બાંધી વાયુ કી પતની,
બાંધી જળ કી છતરી
બાંધી બ્રહ્માકી દૂંટી
બાંધી વિષ્ણુકા કાનકી બૂટ
શંકરકી જટા બાંધી
બાંધ્યું ગુરુ અમે
અત્રમાં સર્વત્ર
અને
સર્વત્રમાં અત્ર.
એક અક્ષરની લાલચ આપી
બાંધ્યાં ચૌદ બ્રહ્માંડ
અને બોલ્યાઃ
બોલ મનુષકી બોલી
હે વાયુ બોલ મનુષકી બોલી,
બોલ મનુષકી બોલી
હે તેજ બોલ મનુષકી બોલી,
બોલ મનુષકી બોલી
હે ભેજ બોલ મનુષકી બોલી.
પછી અમે રાઈને દાણે દાણે
પૂર્વજ રમતાં મેલ્યાં,
અમે સોયની અણિ પર
વાવાઝોડાં ભમતાં મેલ્યાં,
અમે અંતર માર્યા
મંતર માર્યા
મૂકી માટલી પાક્કી
ગોલ્લાના પગ કને,
અમે બાંધ્યું માટલીનું મોં
અહં બ્રહ્માસ્મિ-થી,
પછી અમે પગમાંથી કાંટા કાઢીએ
એમ
એક એક ઝાડ કાઢ્યું
ઝપટ કાઢ્યું
ઝઈડું કાઢ્યું
ગોલ્લાના કોઠામાંથી
અને
એકે એકને ઉતાર્યુ
માટલીમાં.
અમે આકાશને ચોખ્ખું કર્યું
શ્રી સવાથી,
અમે ધરતીને ચોખ્ખી કરી
બીજથી,
પછી અમે માટલી વળાવી આવ્યા
મશાણમાં.
પણ, ગુરુ અમારા પડાછાયા કેમ
ઘડીમાં
ભગવા
ઘડીમાં
શ્યામ
બની રહ્યા છે?
પાછું શું થયું છે અમને?
કોણે મારી છે મૂઠ
અમારા ક ખ ગ ઘ અંગને?
ૐ અંતર મંતર
જાદુ તંતર
મેલડી વંતરી
ભૂત શિકોતર
નાડાછડીને ચડ્યાં વેતર
એક નહીં
બે નહીં
પૂરા સાડાં તેતર.
ગુરુ પરતાપે હમ જૂઠ નહીં બોલતા
સૂરજ મેરા ગુરુ
આકાશ મેરા ગુરુ
બોડી બામણી મેરા ગુરુ
(‘ગુરુજાપ અને માંલ્લું’માંથી)