બાબુ સુથારની કવિતા/ૐ અંતરમંતર
જાદુ તંતર
મેલડી વંતરી
ભૂત શિકોતર
નાડાછડીને ચડ્યાં વેતર
એક નહીં
બે નહીં
પૂરા સાડાં તેતર.
ગુરુ પરતાપે હમ જૂઠ નહીં બોલતા
સૂરજ મેરા ગુરુ
આકાશ મેરા ગુરુ
બોડી બામણી મેરા ગુરુ
કાગડાના કાનને
એક દહાડો
પડછાયા સાંભળવાનો મેણો ચડ્યો હતો
તે દહાડાની
આ વાત છેઃ
શબ્દ હઠે ભરાયો, કહેઃ
સત્ નહીં બોલું
સત્ કહેઃ
શબ્દ વિના હું
ન બોલું
ન ચાલુ.
કપાળ વચોવચ ભમ્મરિયો કૂવો
કપાળ વચોવચ વણઝારી વાવ
કપાળ વચોવચ એક ખોપરી
બેઠી બેઠી વાદળ ખાય
અને
તારા પીએ
શબ્દ વિના અંધારાને પણ લાગે બીક
ગુરુ, શબ્દ વિના ચળકે નહીં દાંત
શબ્દ વિના વધે નહીં નખ,
શબ્દ વિના જીભ અધૂરી
શબ્દ વિના કીકી તૂરી
શબ્દ વિના કાગળ પર ઊગે આકડીયા
શબ્દ વિના સાત સાત પેઢીનું જાય નખ્ખોદ
ગુરુ, શબ્દ વિના તે કેમ ચાલે?
ગુરુ, સત્ વિના તે કેમ ચાલે?
અમે આવ્યા તમારા ચરણોમાં ગુરુ
કરગર્યાં અમે તમનેઃ
શબ્દને ઉગારો
સત્ ને ઉગારો
બોલતો કરો શબ્દને
રમતું કરો સત્ ને
નાડીમાં,
દૂંટીમાં,
કીકીમાં,
રમરમાવો ગુરુ શબ્દોને.
પછી તમે બોલ્યાઃ
શબદ વિના માટી મરે
મરે સૂરજનું તેજ
શબ્દ વિના તેતર મરે
મરે વાયુ ને ભેજ
પછી અમે તમે
કહ્યું તેમ કર્યું:
નાડાછડીના સાત ટુકડા લીધા,
એક એક ટુકડો
સવા પાંપણ જેટલો લાંબો.
પછી એ ટુકડાની અમે
બનાવી એક નિસરણી,
એ નિસરણીને
એક નહીં
બે નહીં
પૂરાં સવા સાત પગથિયાં.
પગથિયે પગથિયે અમે મૂકી
એક એક સોય
બહારથી નાગી
અંદરથી પૂગી
અને પછી
જપ્યો
તમે આપેલો એ મંતર.
એ સાથે જ સોય સોયને નાકે નાકે
ઝૂલવા માંડ્યો
એક એક કબીરવડ.
એક એક કબીરવડ પર ગુરુ
એક એક પાંદડું,
પાંદડે પાંદડે પોઢેલા શ્રી સવા
માંસના લોચા જેવા
લોહી નીંગળતા.
પછી તમે કહ્યું હતું એમ
અમે ચડવા લાગ્યા એ નિસરણી પર.
ગુરુ, એક પગથિયું ચડીએ
કે
બીજાં સાત પગથિયાં ફૂટે,
છેલ્લે પગથિયેથી
અમે તો સદાય
સાત પગથિયાં છેટા
સાત દહાડા ને
સાત રાતને અંતે
અમારે માથે
ચાંદો ઊગે
અમે
ઊગ્યો વીંછી
દાંતમાં દાભનું ઘાસ લઈને.
ઘાસ ઓથે એક ચોઘડિયું
ધડથી કાળ
બાકી બધું અમરત અમરત.
એ ચોઘડિયામાં વીજળી
ઘડીમાં હ્રસ્વ ઇ
ઘડીમાં દીર્ઘ ઈ બને.
પછી ગુરુ, રાત રહી જાહરે
પાછલી ખટ ઘડી
અમે ઊઠ્યા
અને
પછી અમે તમે કહ્યું હતું તેમ કર્યું:
અમે હ્રસ્વ ઇ
અને દીર્ઘ ઈ ની વચ્ચે
ઝબોળી અમારી આંગળી.
એ સાથે જ
વીજળીએ કર્યો કાટકો,
કાટકામાં મોતી
અમે એ મોતી લઈને
મૂક્યો અમારી હથેળીમાં
ત્યાં જ
ચકલી આવી રોતી.
ચકલી કહેઃ
ક્યા કરતે હો?
અમે કહ્યું:
અંતર મંતર
જાદુ તંતર
મેલડી વંતરી
ભૂત શિકોતર
ચલ, કર કટકા મોતીના
નહીં તો
તારી માને બાવો રાખે.
પછી ચકલીએ ચાંચ મારી
મોતી વહેર્યું
એ સાથે જ મોતીના થયા
કટકા
એક નહીં,
બે નહીં
પૂરા પાંચ.
પાંચમે કટકે ગુરુ
અમે ચકલી સમેત નીચે
પછી પાંચ કટકાને અમે મૂક્યા
રજસ્વલા નારીની યોનિમાં
પૂરા પાંચ પ્રહર સુધી.
પછી અમે ચકલીને કહ્યું:
ચકલી ચકલી
ચલચલાવ
રાતું પીળું
રમરમાવ
લીલું સૂકું
ટમટમાવ
નહીં તો તારી માને બાવો રાખે.
પછી ચકલી કેડ મરડતી ઊભી થઈ
ગઈ પોતાના પડછાયાના શેઢે.
બોલીઃ કાલી કાલી મહાકાલી,
તારા વચનને ન ચડે ખાલી
ચાલ રાતું પીળું
રમરમાવ
ને
લીલું પીળું
ટમટમાવ
ને
મારી માને
બાવાથી બચાવ.
એ સાથે જ
ક્યાંકથી
ઊડતા ઊડતા આવ્યા
પાંચ આગિયા.
પાંચ ત્યાં પરમેશ્વર, ગુરુ
પાંચ ત્યાં પાપી પૂજાય
પાંચ ત્યાં પાણીને દહાડા રહે
પાંચ ત્યાં પવનને ફૂટે લિંગ
પાંચ ત્યાં લિંગ પેઠે કમળ વિકસે
પાંચકી પૂછો નહીં જાત
પાંચકી પૂછો નહીં નાત
પાંચ આગિયા આવ્યા
એટલે ચકલી ફૂલેકી ચડી.
પાંચ આગિયાની પીઠ પર પછી
ચકલીએ મોતીના એક એક ટુકડા જડ્યા
પછી અમે એ આગિયાઓને અજવાળે
ઊભા રહ્યા
અમારાં હાડકાંમાં
ગળાબૂડ
હાથમાં થાળી
થાળીમાં કંકાવટી
કંકાવટીમાં સવા ચપટી કંકુ
અને કંકુમાં પાંચ સોપારી લઈને.
એકે એક સોપારીને અર્ચ્યા
પાંચ પાંચ ચોખાના દાણા
કુંવારિકાના દાંતથી રંગેલા.
પછી તમે આપેલો મંતર જપ્યો અમે.
એક વાર નહીં
બે વાર નહીં
જપ્યો પૂરો સવા સાત વાર.
તતખેવ
સોપારીમાંથી
પ્રગટ્યાં
વાવાઝોડાં
આંખમાં
દૂંટી
ને
દૂંટીમાં
આંખ
લઈને પ્રગટ્યાં, મારા બાપ
અમે ઊભા રહ્યા સ્થિર
અમારામાં
પગમાં વાગેલા કાંટાની જેમ
પછી વાવાઝોડા શમ્યાં
પછી એક એક સોપારીમાંથી
નીકળી પાંચ પાંસ સાપણો
એક એક સાપણને બબ્બે યોનિ
એક યોનિમાં પાંચ પુંકેસર
બીજીમાં પાંચ સ્ત્રીકેસર
પછી તમે કહ્યું હતું તેમ
અમે સમર્યા અંતરજામી.
ગુરુ, અંતરજામી પ્રસન્ન હુવા
પુંકેસરના લોભે પ્રસન્ન હુવા
સ્ત્રીકેસરના લોભે પ્રસન્ન હુવા
અંતરજામી કહેઃ
બોલ બોલ, માંગે તે આપું.
અમે માગ્યું: શબદને સાજો કરો
બોલતો કરો શબદને
રમતો કરો શબદને
સત્ માં
ને સત્
શબદમાં
લોહીમાં ઉઘાડ કાઢો
તથાસ્તુ કહી
અંતરજામી થઈ ગયા
અલોપ
ચકલીના દેહમાં
અને
ચકલી
થઈ ગઈ
અલોપ
અમારા દેહમાં
ત્યાર પછીની આ પહેલી કવિતા.
(‘ગુરુજાપ અને માંલ્લું’માંથી)