બારી બહાર/૨૨. લહાણું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૨. લહાણું

મિલન ગલીઓ વહેવાર તણી જોઉં બહુ,
થતું ત્યારે, ઉર લઈ કયમ કરી આંહી રહું ?

સુંદરતા જોઈ મારું મન જ્યારે કોળી ઊઠે,
–અફસોસ ! પકડવા તેને બહુ લોક છૂટે.

નવા નવા વેશ કાઢી મતલબ આવે રોજ;
હસવામાં જોઉં છૂપું ઝેર ત્યારે થાતો શોચ.

જઈ ત્યારે રહું હવે તારલાની સાથમાં ?
જીવતર વા વિતાવું સુમન-સંગાથમાં ?

અરે, પણ માનવીનું મન મારું કેમ રહે
એમની સંગાથ ? એ તો માનવીનું ઉર ચહે.

એમને તો દિલ નહીં; અને, ધારો, દિલ હશે :
માનવીના દિલ સાથ મેળ એનો જામશે ?

રૂડું એથી આંહીં રહું માનવીની સાથમાં :
કદી વળી સમજશે એ જ મારી વાતમાં.

અને યાદ આવે : કોઈ કવિ તણું ગાણું છે :
‘માનવીની સાથે રે’ સે’વું, એય લ્હાણું છે.’