બારી બહાર/૨૫. અકારણ અશ્રુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૫. અકારણ અશ્રુ

પ્રકાશ કેરી સરિતા વહી વહી
સંધ્યા સમે સાગરમાં સમાય;
એ નીર જાતાં જગ માંહી થાતું
જે શૂન્ય, અંધાર શું તે જણાય.

વિસ્તીર્ણ જે તેજ મહીં થયેલ,
સંકીર્ણ થાતું તિમિરે જણાય.
બહાર જે નેન નિહાળતાં તે
જોવા બધું ભીતરમાં તણાય.
સંકોચાઈ હૃદયદિશમાં સર્વ એકાગ્ર થાય,
તારાનેને નિજ ભીતરમાં વિશ્વ જોતું જણાય :
જે ધાર્યું, જે સકલ કરિયું કાળની સાક્ષીએ ને,
તારાનેનો પલક થકી તે ઊ¡ર્વ શૂન્યે ગણાય.

એકાકી હું; નવ નીંદર : એ ભવ્ય શૂન્યે નિહાળું;
હૈયું મારું, પરિચિત નહીં, દેશ તેવે તણાયું.
ત્યાંના ધીમા અકલિત સૂરો, રંગ આછા બધાય,
જોઈ, સૂરોક શ્રવણ કરતાં, કાં ઉદાસી છવાય ?

મારી એ છે સકલ ભ્રમણા ? ચિત્તના વા તરંગો ?
શિક્તહીણા હૃદય સરજ્યા સૂર ને સર્વ રંગો ?
કે લેવા જે જનમ બનિયા સૂર, રંગો, અધીરા,
તેની મારા ઉર મહીં થતી સર્વ આ આજ લીલા ?

જે ખીલતાં અંતર પ્રશ્ન-પુષ્પો,
બધાં નહીં ઉત્તરનાં ફળો બને;
ઘટી રહે ગુંજન પ્રશ્નસૂરનું,
પછી બધું શૂન્ય મહીં જઈ શમે.

મારોયે તે, વિપળ, સૂર એ પ્રશ્નનો ગુંજિયો, ને
ધીમો થાતો, અરવ બનિયો શૂન્ય માંહી અનંત.
હુંયે જાણે ઘડીક, સરવે તત્ત્વ, જેથિ ઘડાયો,
ખોઈ બેઠો : જઈ પરમ બ્રહ્માંડ માંહી સમાયો.

વેળા જાતાં ક્ષણ, નીરખિયું આભને ગાલ થૈને
વ્હેતું વેગે ધરણીદિશમાં તારલા-અશ્રુબિંદુ;
ને આ ક્યાંથી, કયમ નયનમાં આવતું અશ્રુ, મારાં ?
મિથ્યા પ્રશ્નો સકલ, બનતી સત્ય એ અશ્રુધારા.