બારી બહાર/૩૪. જૂઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૪. જૂઈ

સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય,
ભટૈરિયાં શા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય,
ખીલે છે જૂઈ ત્યારે:
તેને ગમતું અંધારે.

માનવ આ દુનિયાને છોડી સ્વપ્નોને સંસારે જાય,
સમીર કેરી હેરે જ્યારે ફૂલો ધીમાં ઝોલાં ખાય,
જૂઈ જતી રમવા ત્યારે:
તેને ગમતું અંધારે.

પવન તણી સંગાથે રમતી કોઈ વેળ સંતાકૂકડી;
સંતાતી એ, ને આવીને વાયુ લે પળમાં પકડી.
ઘડીક તેની સાથે જાય,
મળતાં લાગ ફરી સંતાય.

તારા જો આભે હસતા તો ધરણી પર જૂઈ મલકાય:
શાને હસતાં? એવી તે શી બન્ને વચ્ચે વાતો થાય?
પ્રભાત સાથે શું નવ વ્હાલ?
ઘેર જતી રે’ કાં, –શરમાળ?