બારી બહાર/૩૭. પ્રેમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૭. પ્રેમ

‘ચાહ્યા કરું, ના બદલો ચહું કંઈ,’
–એવી રચીને કમનીય જાળ
ભ્રમો તણી, ના સપડાઈ રાચવું;
મિથ્યા ન એવું દિલ પાસ બોલવું.

આકાશ ચીંધી રવિને બતાવો :
વસન્ત ને મેઘ વતી ય દાવો
તમે કરો છો : ‘સહુ જે ઉરો યે
ચાહ્યા કરે, ના બદલો ચહે કંઈ.
‘કરે રવિ વિશ્વ પ્રકાશવન્તું
ને મેઘ શાંતિ જગ તપ્તને દે;
વસન્ત આવી, વન શુષ્ક જે થયાં,
ફૂલો તણા વૌભવથિ ભરે છે :
ના આશ કોઈ બદલા તણી કરે.’

પરંતુ એ તો જડ કેરી વાતો,
–જેને ન હૈયું, નવ હાસ્ય અશ્રુ;
ના કામના કૈં, પ્રગતિ, ન થંભવું;
સ્વેચ્છા સમું કાંઈ મળ્યું ન જેમને.

અને, કહો, ચેતનવંત સૌ એ,
તો કેમ જાણ્યું નવ મેઘહૈયે
આશા હતી આ બદલા તણી, જે
પૃથ્વીઉરે અંકુર રૂપ ફૂટે ?

ને સૂર્યના અંતરમાં ભરી ના,
જવાબની આશ જરી ય, પદ્મના ?
વસંત સૌ વૌભવ વેરતો વને,
–જવાબમાં ભીષણ શૂન્ય પામવા?

મિથ્યા કથા એ. નવ પ્રેમ બોલતો :
‘ચાહ્યા કરું, ના બદલો ચહું કંઈ.’
એ તો બધી આતમ-વંચના છે;
મીઠાં બધાં વેણ પ્રપંચનાં એ.

પ્રવાસ આ પ્રેેમ તણો જગે ના
કૈં શૂન્યને, વા જડતા જ પામવા;
સૂતેલ કિન્તુ પરના ઉરે જે,
તે પ્રેમને એ મથતો જગાડવા,

ને પ્રેમથી એ લવલેશ ઓછું
મળ્યે મહાયાચક ના સ્વીકારતો;
ના કીર્તિ કે વૌભવ વા ન રૂપથી
સંતોષ એના ઉર માંહી થાતો.

કદીક આંસુ, બલિદાન-ગીત,
કદીક વા મૌન તણી ય રીત
ગ્રહી, જતો એ જગને પ્રવાસે,
જગાડવાની, પરપ્રેમ, આશે.

થતો કદી વજ્જર શો કઠિન;
મૃદુ થતો પુષ્પ થકી વિશેષ;
ને સાધનામાં પર-પ્રેમ કેરી,
સમર્પી દેતો નિજને અશેષ.

અને જીવન એકથી, મરણના થઈ દ્વારમાં,
નવીન જીવને જતો ó પણ હમેશ સંગાથમાં
લઈ અમર આશ, óએ અવર પ્રેમને પામવા;
અને નિજ ઉરે ભર્યો સકલ પ્રેમ આપી જવા,
અખૂટ ધીરજે, નહીં સમયસીમને માનતો
પ્રવાસ કરતો, નહીં અટકતો જરી, જ્યાં સુધી
સૂતેલ પરના ઉરે વિવિધ રાગરાગિણીથી
જગાડી લઈ પ્રેમને, મિલન માણતો એ,–અને
અનંત, ઉર વ્યાપતા, પરમ નંદને પામતો !