બારી બહાર/૬૫. વરસે અનરાધાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬૫. વરસે અનરાધાર

વરસે અનરાધાર,
રે મેહુલિયો વરસે અનરાધાર.
આભ-ધરા એકાકાર,
રે મેહુલિયો વરસે અનરાધાર.
માઝમ તે રાતનાં અંધારાં ઘેરાયાં ને સૂનો પડયો છે સંસાર;
એકલ અવધૂત ઓલ્યો ઊભો મેહુલિયો બજવે છે લખલખતાર.
રે મેહુલિયો વરસે અનરાધાર.
એનો અહાલેક ગાજે ગગનમાં ને પૃથ્વીએ પહોંચે પોકાર;
ડુંગરનાં વાસી પાણી, વાણી એ સાંભળીને, છોડી દેતાં ઘરબાર.
રે મેહુલિયો વરસે અનરાધાર.
તાપના શાપથી જે બનિયાં બેહોશ, જેના ધીમા પડયા છે ધબકાર,
એવાંને કારણે તે થાયે આખાશથી આ ગંગાજીનો અવતાર.
રે મેહુલિયો વરસે અનરાધાર.