બારી બહાર/૬૭. શ્રાવણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬૭. શ્રાવણ

નીંદ ઊડી ક્યાં ? આંખ ખૂલી કાં ? સાંભળી કોની વાત ?
બારી ઉઘાડી, બારણે જોતાં શ્રાવણ-મેઘલી રાત ! નીંદ.

અભ્રઘટાના કોઈ એકાન્તે છૂપિયા તારક લાખ,
ગોપનવાતે કોઈ ઉરોને ભરતા આજે બાથ. નીંદ.

મંદ ઝરી ઝરી આભ કરે છે વાત વસુંધરા સાથ;
છુપાઈ કોઈને કાજ બજાવે મંદાકિની ઉર-સાજ. નીંદ.

વિદ્યુતને નિજ ઉર લઈને મેહુલે માંડી વાત;
મંદ હસે એ, ને વીજનો શો સ્મિત તણો ઝળકાટ ! નીંદ.

ગોપનવાતોની હીરદોરીએ હૈડાં સહુ બંધાય,
મુક્ત આ ત્યારે અંતરની મમ કેમ કરી સે’વાય ? નીંદ.