બારી બહાર/૭૧. માનવકંઠ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭૧. માનવકંઠ

લોકની વાણી આજ રૂંધાણી; બંધ એ માનવ કંઠ :
તારલાને છે તેજની વાણી; ફૂલની વાણી ગંધ;
વહંતાં ગાતાં પાણી :
રૂંધાણી માનવ-વાણી.
ખાણના ખાડા ઊભરે આજે માનવને નિ:શ્વાસ;
કારખાનાંનો મેલો વાયુ મૂંઝવે તેના શ્વાસ :
શ્રમે જ્યાં નાડીઓ તૂટે,
ત્યાં તે કેમ વાણી ફૂટે ?
ભૂખના માર્યા, દુ:ખના માર્યા, થાતા ગુનેગાર;
બેડીઓ નાખી, સાંકળ બાંધી, પૂરતા જેલને દ્વાર:
રાખે જ્યાં ઢોરની પેઠે,
ત્યાં તે કેમ વાણી ફૂટે ?
આંસુ કેરી ધાર મહીં ને ઊના જે નિ:શ્વાસ,
માનવ કેરા ઉર તણો ત્યાં આલેખ્યો ઇતિહાસ :
વાણી ના ઊઠતી ત્યારે
કહે કેમ બીજી પેરે ?
આંખ થકી નહીં, અંતરથિ જો ઉકેલશો ઇતિહાસ,
જાણશો ત શું ભરિયું છે ત્યાં આંસુમાં, ઊને શ્વાસ :
રૂંધાયેલ માનવ-વાણી
જોજો તેમાં આજ સમાણી.