zoom in zoom out toggle zoom 

< બારી બહાર

બારી બહાર/૭૭. પરાજયની જીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭૭. પરાજયની જીત

થયું ખતમ યુદ્ધ, ને સકલ શોર તેનો શમ્યો;
કલિંગ પડિયું, અશોકનૃપ પામિયો છે જય.
ભયંકર હતી લડાઈ, સહુ નાદ શાસ્ત્રો તણા
ભયાનક હતા; કૃતાન્ત કરતો તહીં તાંડવ.
બધા ય મધુરા સ્વરો જીવનના ગયા’તા ડૂબી,
પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં.
શમ્યો બહુ દિનો પછી પદપ્રહાર એ તાંડવી,
પરાજિત કલિંગમાં ચુપકીદી છવાઈ રહી.

પરંતુ ચુપકીદી એ ભયદ યુદ્ધથી યે હતી;
નિરાશ નગરી હતી નયનનીરને ઢાળતી;
હતી બિનસહાય એ, કરુણ આજ તેની સ્થિતિ :
સમૂળ ઊખડી ગયેલ મૃદુ વેલ શી એ પડી !


વાગોળે છે વિજય, શિબિરે આજ સમ્રાટ તેનો;
દીપ્તિ તેના નયન મહીં છે દર્પ કેરી ભરેલી.
જોઉં જાતે વિજય, નૃપને સંસ્ફુરે ઊર્મિ એવી :
જોઉં જાતે મગધઅસિની ધાર છે તીöણ કેવી !
ગયાં તેજ ને આવિયો અંધકાર;
નહીં ભેદ એનો કલિંગે લગાર.
હતો આજ એવો, ઉરે ને બહાર,
જુએ એક અંધારને એ અપાર.
નિહાળવાને નિજ જીત જાતે,
અંધારમાં એ નગરી-સ્મશાને
રાજા પ્રવેશે, કરવા પ્રકાશ
મશાલચીઓ લઈ કૈંક સાથ.
કોઈ બીજું હતું ના ત્યાં; રાજા ને સૌ મશાલચી
પળે છે પથ પોતાને, શબોની વચમાં થઈ.
શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપજીતની
રાજમાર્ગે, મહોલ્લામાં, આખી યે નગરી ભરી.
ડાબે ને જમણે આંખો ફેરવી, નૃપ વાંચતો :
ઉકેલે જેમ એ, તેમ જયનો અર્થ પામતો.
રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ :
જાણ્યો ન્હોતો કદીય જયનો અર્થ ભેંકાર આવો !
લાવા ધક્કેક પ્રબળ, ધરતી જેમ કંપી ઊઠે છે,
તેવું કંપે નૃપતિઉર આવેગથી ભાવ કેરા,
–જેના જોમે કઠણ પડ હૈયા તણાં સર્વ તૂટે.
જોવાને જયની ઇચ્છા હવે ના નૃપને રહી;
ઉર કે આંખ તેની આ શકે ના જીતને સહી !
ક્ષણાર્ધ પાય થંભ્યા ને પડયું ચિત્ત વિમાસણે;
‘ચાલો સૌ શિબિરે પાછા,’–ભૂપ આજ્ઞા પછી કરે.
મશાલચીઓ સહુ મૂઢ થાતા;
ક્રિયા કશી યે સમજ્યા ન ભૂપની;
પરસ્પરે ઇંગિતથી જ પૂછતા :
‘અરે, થયું શું, સમજે છ તું કંઈ ?’
ગયો શિબિર માંહી ભૂપ, અળગા કર્યા સેવકો,
અને શ્રમિત શીર્ષને કર મહીં ધરી બેસિયો;
કર્યાં નયન બંધ તો ય અળગી કરી ના શક્યો
ભયંકર ભૂતાવળો વિજય-દૃશ્યની કિન્તુ એ

‘હજારો હૈયાંને નિજ નિજ તણી સૃિષ્ટસહ મેં,
અરે, સહાર્યાં ને જીવિતઉર ખંડેર કરિયા :
મહત્તા એ મારી ? વિજય મુજ એ ? ગૌરવ ગણું ?
અને એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણું ?’

અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રે’ દમી;
ભાર એ અંતરે આજ જયનો ન શકે ખમી.
ઘડી ઊઠે, ઘડી બેસે, ફરે છે શિબિરે ઘડી,
–એનો જ જય આવ્યો છે આજ એના પરે ચડી !
‘જે જીતે નવ જીતિયાં મનુજનાં હૈયાં, નહીં જીત એ;
જે જીતે રચિયાં મસાણ, નવ એ સાચી કદી જીત છે;
જે જીતે નવલું કશું ન સરજ્યું, એને કહું જીત શે ?
જેથી માનવ માનવી મટી જતો, છે જીત કે હાર એ ?’

ઉચ્ચારે મન રાજાનું : ‘હાર, એ હાર છે નકી.
કદી યે ખડૂગની ધાર જીત ના સરજી શકી.

નથી વિસ્તારવી સત્તા, ખડ્ગની જીત ના ચહું,
મારે તો માનવી કેરાં હૈયાને અપનાવવું.
હૈયાની શિક્તથી કોઈ અન્ય શિક્ત નથી વડી.
આજથી કરમાં મારા રહેશે ધર્મની છડી.
તમે હવે ખડ્ગ ! રહો જ મ્યાનમાં,
કલ્યાણમાં માનવના ન કામનાં;
ઓ ધર્મ ! આદેશ દિયો તમારો,
ને એ જ થાશે બસ માર્ગ મારો.’


પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાઈ નવમંજરી;
રાયના અંતરે શ્રદ્ધા, નવાં લૈ તેજ, સંચરી.