બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કંથારિયા બાલાશંકર ઉલ્લાસરામ, ‘ક્લાન્તકવિ’, ‘બાલ', ‘નિજાનંદ’ (૧૭-૫-૧૮૫૮, ૧-૪-૧૮૯૮) : કવિ, ગઝલકાર, અનુવાદક. નડિયાદમાં જન્મ. મૅટ્રિક પછી પ્રિવિયસ સુધીનો અભ્યાસ. સંગીત, અરબી-ફારસી ભાષા, વ્રજભાષા અને પિગળનું શિક્ષણ. મણિલાલ જેવા મિત્ર અને દલપતરામ જેવા કાવ્યગુરુના સહવાસમાં નાની ઉંમરથી જ એમની કાવ્યપ્રીતિ પાંગરેલી. વેદાંત, સૂફીવાદ, તંત્રગ્રંથો અને નારદભક્તિસૂત્રનો અભ્યાસ પણ એમણે કર્યો હતો. વેપારધંધામાં ખોટ જવાથી નોકરીની શરૂઆત કરેલી. ૧૮૮૦માં અમોદ તથા ઘોઘાની કસ્ટમ ઑફિસમાં કલાર્ક, ૧૮૮૧-૮૨માં ભરૂચમાં રેવન્યુ ખાતામાં, ૧૯૮૨-૮૩માં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટના શિરસ્તેદાર, છેલ્લે આમોદમાં તિજોરી કારકુન. ગુજરાત વિદ્યાસભાના નાયબ મંત્રી, વડોદરા રાજ્યમાં પ્રાચીન ગ્રંથોદ્ધારની પ્રવૃત્તિમાં સંશોધક તથા ‘બુદ્ધિપ્રકાશ’ના સહાયક મંત્રી તરીકેની વિવિધ કામગીરી એમણે બજાવેલી. ૧૮૮૯માં ત્રૈમાસિક ‘ભારતીભૂષણ’ના પ્રકાશનની શરૂઅાત કરી. ‘કૃષ્ણમહોદય’ તથા હિંદીમાં ‘સરસ્વતી સૌંદર્ય’ નામનાં માસિકોનું સંપાદન કરેલું. ૧૮૯૬ના જૂનથી ફારસી ઐતિહાસિક તવારીખો પ્રગટ કરતું ‘ઇતિહાસમાલા’ માસિક લગભગ ૧૧ અંકો સુધી ચલાવ્યું. એમની મૌલિક અને અનૂદિત કૃતિઓ મહદંશે આ સંપાદન-પ્રવૃત્તિને લીધે જ પ્રકાશમાં આવી. મરકીના રોગથી ટૂંકી માંદગીમાં યુવાનવયે વડોદરામાં મૃત્યુ. શિખરિણી છંદના સો શ્લોકમાં લખાયેલા એમના આત્મલક્ષી કાવ્ય ‘કલાન્તકવિ'માં મુખ્યત્વે વિપ્રલંભશૃંગારનું નિરૂપણ છે. પ્રિયા, કવિતા અને આરાધ્યદેવી જગદંબાને અનુલક્ષતી ‘ત્રિપટપ્રેમળ’ વાણીને નિરૂપતા આ કાવ્યના આરંભમાંના ૭૫થી ૮૦ સુધીના શ્લોકોમાં સૂફીવાદપ્રેરિત અલૌકિક સૌંદર્યતત્ત્વની તીવ્ર અભીપ્સા અને એના વિરહનું સરળ પણ સમુત્કટ ગાન છે. પ્રિયા સાથેના પૂર્વસહવાસનાં સ્મરણોના સંદર્ભે વસંતથી પાનખર સુધીની છ ઋતુઓનાં વિવિધ સ્થળકાળનાં મનોહર વર્ણનો, દેહસૌંદર્યનાં ઉન્માદક ચિત્રો અને પ્રેમાવેગનાં આલેખન છે. કાવ્યાંતે શાંત ભક્તિભાવથી માદક શૃંગારનું શમન થાય છે. અનેક ભાષાદોષો હોવા છતાં એમની કવિતા ભાવસંવેદનાની નિર્દંભ અને નિર્બંધ નિરૂપણમાંની સચ્ચાઈ, સાહજિક પ્રાસાનુપ્રાસથી સર્જાતું નાદમાધુર્ય, સંસ્કૃત કવિતાની શિષ્ટ ભાવછટા, અલંકારસમૃદ્ધિ, છંદપ્રભુત્વ અને પ્રાસાદિક બાનીને કારણે ગુજરાતી કવિતાના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપે છે. ઓગણચાલીસ ઊર્મિકાવ્યોની માળા ‘હરિપ્રેમપંચદશી’માંની કેટલીક નજાકતવાળી ગઝલોએ બાલાશંકરને ગુજરાતી સાહિત્યમાં આરંભકાળના પણ સફળ ગઝલકાર તરીકે આગવું સ્થાન અપાવ્યું છે. એમનું નિખાલસ, નીડર હૃદય ને મસ્ત સ્વભાવ આ ગઝલોમાં વ્યક્ત થાય છે. ‘બોધ’ અથવા ‘ગુજારે જે શિરે તારે’, ‘જિગરનો યાર’, ‘નાદાન બુલબુલ’ વગેરે ગઝલો વિશેષ નોંધપાત્ર છે. હિંદુ ધર્મની પ્રેમલક્ષણાભક્તિ અને સૂફીવાદના રસમસ્ત શૃંગારનો સંયોગ એમની અનેક ગઝલોમાં થયો છે. આ કાવ્યોમાં દરેકની પંદર કડી રાખવાની યોજનાને કારણે કાવ્યનો વ્યર્થ વિસ્તાર સધાયો છે અને પાછળના ભાગમાં ઊર્મિ ઔપચારિક ઢબની બની છે. ક્યારેક રદીફ-કાફિયાનું બંધને પણ બરાબર જળવાયું નથી. તેમ છતાં એમનાં કાવ્યોમાં ઊર્મિની તાજગી અનુભવાય છે. ગઝલમાં દરેક કડી એક સ્વયંપૂર્ણ મુક્તકરૂપની હોય છે, એ દૃષ્ટિએ જોઈએ તો એમની અપૂર્ણ કૃતિઓની અનેક કડીઓ સ્વતંત્ર મુક્તકનું આકર્ષક રૂપ ધારણ કરે છે અને ફારસી શૈલીની ગઝલોની છટાને પણ અનુભવ કરાવે છે. ઊમિને મૂર્ત કરતાં અનેક અનુપમ શબ્દચિત્રો સર્જતાં, ‘હરિપ્રેમપંચદશી'નાં આત્મલક્ષી ઊર્મિકાવ્યો પણ એમનું આગવું પ્રદાન છે. એમની પ્રકીર્ણ કાવ્યકૃતિઓ મોટેભાગે સ્વતંત્ર ઢબનાં ઊર્મિકાવ્યો જેવી, આકાર પરત્વે વધારે સુરેખ અને અંગ્રેજી કાવ્યોની અસરવાળી છે. આરંભકાળની રચનાઓને બાદ કરતાં દલપતશૈલીની અસર તેમના પર લાંબો સમય રહી નથી. આત્મલક્ષી ઊર્મિકાવ્યો અને ગઝલના આરંભ તથા વિકાસની દૃષ્ટિએ જોતાં, યોગ્ય રીતે જ સુંદરમ્ આ સૌંદર્યલુબ્ધ મસ્ત પ્રકૃતિના કવિમાં ‘સર્જક પ્રતિભાનો પ્રથમ આવિષ્કાર’ નિહાળે છે. સંસ્કૃત, અંગ્રેજી અને ફારસી ભાષામાંથી સ્વતંત્ર મૂલાનુસારી અનુવાદ આપવાનો પ્રારંભ પણ લગભગ બાલાશંકરથી જ થાય છે. એમની અનુવાદપ્રવૃત્તિ છૂટક મુક્તકોથી આરંભીને સ્તોત્રો, નાટકો, ‘નારદભક્તિસૂત્ર’ અને ‘સાહિત્યદર્પણ’ જેવા ગદ્યગ્રંથો સુધી વિસ્તરેલી છે. એમના અનુવાદો એમની સાહિત્યસૂઝસમજની સ્પષ્ટ પ્રતીતિ કરાવે છે. ‘દીવાને હાફિજ’ની દસ ગઝલોનો અનુવાદ આપીને એમણે ફારસી શૈલીની ગઝલોનો ગુજરાતી ભાષામાં વ્યવસ્થિત આરંભ કર્યો. શક્તિ સંપ્રદાયના મુદ્રામંત્ર જેવી એમની કૃતિ ‘સૌંદર્યલહરી’ મહદંશે મૂળ કૃતિનું અનુસર્જન છે. વાણીસામ, અલંકારસૌંદર્ય અને ભક્તિભાવના હૃદયસ્પર્શી નિરૂપણને કારણે એમનો આ અનુવાદ હૃદ્ય બન્યો છે. નાટકોના સીધા મૂલાનુસારી અનુવાદોમાં પ્રારંભની કચાશ હોવા છતાં એમના પ્રયત્નો પ્રશસ્ય છે. મૂળ કૃતિના શ્લોકોને વિવિધ પ્રકારના છંદો અને ક્યારેક રંગમંચને અનુરૂપ ગેય રાગરાગિણીમાં ઢાળ્યા છે. શ્લોકનો ભાવાર્થ સરળ બનાવવા તેનો વિસ્તાર પણ કર્યો છે. ‘મૃચ્છકટિક’ના અનુવાદમાં મૂળ કૃતિની વસ્તુસંકલન તથા સંવાદો જળવાયાં છે. રાજશેખરના પ્રાકૃત નાટકના હિન્દી અનુવાદ ઉપરથી એમણે ‘કર્પૂરમંજરી’ ભાષાંતર કર્યું છે. નાટકની ભાષામાં લોકોક્તિઓનો સમુચિત ઉપયોગ થયો છે. ચંદ્રાવલિ નામની રાજકુમારીના શ્રીકૃષ્ણ પ્રત્યેના એકનિષ્ઠ પ્રેમને નિરૂપતી, ભારતેન્દુ હરિશ્ચંદ્રની હિંદી નાટિકા ‘ચંદ્રાવલિ’ને એમણે પદ્યાનુવાદ આપ્યો છે. ‘આઈને અકબરી', ‘તારીખે ફરિશ્તા', ‘દેવદાસની રાજનીતિ', ‘મિરાતે સિકંદરી', ‘માર્કોપોલોનો પ્રવાસ’ વગેરે પણ એમની અનુવાદિત કૃતિઓ છે.